VIDEO : ગોધરા-દાહોદ હાઇવે પર ચાલુ કારમાં અચાનક આગ ભભૂકી: ચાલકનો આબાદ બચાવ, હાઇવે પર અફરાતફરી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Godhra Dahod Highway Car Fire : પંચમહાલ જિલ્લાના ગોધરા-દાહોદ હાઇવે પર મુનલાઈટ સિનેમા નજીક એક કારમાં અચાનક આગ ફાટી નીકળવાની ઘટના સામે આવી છે. ચાલુ વાહનમાં એકાએક આગ લાગતાં હાઇવે પરથી પસાર થતાં અન્ય વાહનચાલકો અને રાહદારીઓમાં ભારે અફરાતફરી અને દોડધામ મચી ગઈ હતી. જોકે, કારચાલકે સમયસૂચકતા વાપરી તાત્કાલિક બહાર નીકળી જતાં મોટી જાનહાનિ ટળી હતી.
ચાલકની સમયસૂચકતાથી મોટો અનર્થ ટળ્યો
ગોધરા-દાહોદ માર્ગ પર મુનલાઈટ સિનેમા પાસેથી પસાર થઈ રહેલી કારમાંથી અચાનક ધુમાડા નીકળવા લાગ્યા હતા અને જોતજોતામાં આગની જ્વાળાઓ ભભૂકી ઊઠી હતી. સ્થિતિ પારખી ગયેલા કારચાલકે ક્ષણભરનો પણ વિલંબ કર્યા વિના કારને રોકી તાત્કાલિક નીચે ઉતરી જવાનો નિર્ણય કર્યો હતો. ચાલકની આ સમયસૂચકતાના કારણે તેનો આબાદ બચાવ થયો હતો અને સદનસીબે કોઈ શારીરિક ઈજા પહોંચી ન હતી.
ફાયર બ્રિગેડને જાણ કરાઈ અને આગનું કારણ અકબંધ
ઘટનાની ગંભીરતાને ધ્યાને રાખી આસપાસના લોકો દ્વારા તુરંત જ ગોધરા ફાયર બ્રિગેડને સમગ્ર મામલે જાણ કરવામાં આવી હતી. માહિતી મળતાં જ ફાયર ફાઈટરો ઘટનાસ્થળે પહોંચવાની તજવીજ હાથ ધરી હતી. પ્રાથમિક તબક્કે શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે, પરંતુ કારમાં આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી.




