ટોલ વસૂલાતમાં સૂરા, સુવિધામાં ઉણા! વરસાદ બાદ અમદાવાદ–ઇન્દોર નેશનલ હાઇવે પર ગોધરા નજીક મસમોટા ખાડા, અકસ્માતનો ભય
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Ahmedabad Indore Highway Potholes: પંચમહાલ જિલ્લામાંથી પસાર થતા અમદાવાદ–ઈન્દોર નેશનલ હાઈવેની હાલત અત્યંત બિસ્માર બની ગઈ છે. ગોધરા પરવડી બાયપાસ પાસે આવેલા કંકુથાંભલા ગામ નજીક હાઈવે પર મોટા અને ઊંડા ખાડાઓ પડી જતાં અહીંથી પસાર થતા હજારો વાહનચાલકો ભારે પરેશાની ભોગવી રહ્યા છે.
અમદાવાદ-ઈન્દોર હાઈવે પર ખાડા
તાજેતરમાં પડેલા ભારે વરસાદ બાદ આ નેશનલ હાઈવેની હાલત વધુ ખરાબ થઈ ગઈ છે. દરરોજ હજારો વાહનોની અવરજવર ધરાવતા આ મુખ્ય માર્ગ પરથી પસાર થવું હવે જોખમરૂપ બન્યું છે. ખાડાઓથી બચવા માટે વાહનચાલકો અચાનક પોતાની લેન બદલી રહ્યા છે, જેના કારણે ગંભીર અકસ્માત સર્જાવાનું જોખમ અનેકગણું વધી ગયું છે. રાત્રિના સમયે પૂરતી સ્ટ્રીટ લાઈટોના અભાવે આ ઊંડા ખાડાઓ દેખાતા નથી, જેથી સ્થિતિ વધુ ભયાનક બની જાય છે.

ખરાબ રસ્તાથી વાહનચાલકો પરેશાન
આ ખરાબ રસ્તાને કારણે બાઈકચાલકો, એમ્બ્યુલન્સ, સ્કૂલ બસ તેમજ ભારે વાહનોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. સતત ખાડાઓમાંથી વાહનો પસાર થવાને કારણે ટાયર અને સસ્પેન્શનને મોટું નુકસાન પહોંચી રહ્યું છે, જેથી વાહનચાલકો પર આર્થિક બોજ પણ વધી રહ્યો છે.

ટોલટેક્સની વસુલાત…પણ સુવિધાનો અભાવ
નિયમિત ટોલ ટેક્સ વસૂલવામાં આવતો હોવા છતાં, હાઈવેની યોગ્ય જાળવણી ન થતાં વાહનચાલકો અને સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. સ્થાનિકો અને વાહનચાલકોની એક જ માંગ છે કે, તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે આ ખાડાઓ પૂરીને હાઈવેનું સમારકામ કરવામાં આવે, અને માર્ગને સુરક્ષિત બનાવવામાં આવે. જો સમયસર સમારકામ કરવામાં નહીં આવે, તો કોઈ મોટો અકસ્માત સર્જાવાની પૂરેપૂરી ભીંતિ સેવાઈ રહી છે.









