VIDEO| પંચમહાલ: ભેસાલના ખોડિયાર મંદિરમાં આવી પહોંચ્યું માતાજીનું વાહન, 8 ફૂટ લાંબો મગર જોઈ લોકોમાં કૂતુહલ સાથે ફફડાટ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Panchmahal Shahera Khodiyar Temple Crocodile Rescue: પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકામાં આવેલા ભેસાલ ગામે એક અનોખી અને ચોંકાવનારી ઘટના સામે આવી છે. ભેસાલ ગામમાં આવેલા સુપ્રસિદ્ધ ખોડીયાર મંદિરમાં અચાનક 8 ફૂટ લાંબો મગર ઘૂસી આવતાં સ્થાનિકો અને દર્શનાર્થીઓમાં ભારે કૂતુહલ સાથે ભયનો માહોલ ફેલાયો હતો. ધાર્મિક માન્યતા મુજબ મગર એ ખોડિયાર માતાજીનું જ વાહન ગણાતું હોવાથી એક ક્ષણ માટે લોકો આશ્ચર્યચકિત થઈ ગયા હતા, પરંતુ મગરના વિશાળ કદને જોતાં સુરક્ષાના ભાગરૂપે તાત્કાલિક વનવિભાગને જાણ કરવામાં આવી હતી.
મંદિર પરિસરમાં મગર આવતાં દર્શનાર્થીઓમાં ફફડાટ
મળતી વિગતો અનુસાર, ભેસાલ ગામે ખોડીયાર મંદિર પરિસરમાં વહેલી સવારે દર્શન કરવા પહોંચેલા શ્રદ્ધાળુઓ અને આસપાસના રહીશોની નજર એકાએક 8 ફૂટ લાંબા મગર પર પડી હતી. મંદિરમાં ખુદ માતાજીનું વાહન ગણાતો મગર સાક્ષાત નજરે પડતાં લોકોમાં એક તરફ આસ્થાનું વાતાવરણ સર્જાયું હતું, તો બીજી તરફ કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ફફડાટ વ્યાપી ગયો હતો.
વનવિભાગનું તાત્કાલિક રેસ્ક્યૂ ઓપરેશન
ઘટનાની ગંભીરતાને ધ્યાને રાખીને સ્થાનિકોએ વહેલી તકે શહેરા વનવિભાગને જાણ કરી હતી. બનાવની જાણ થતાં જ શહેરા વનવિભાગની રેસ્ક્યૂ ટીમ તાત્કાલિક ભેસાલ ગામે ખોડીયાર મંદિરે પહોંચી હતી. વનકર્મીઓએ ભારે જહેમત બાદ મગરનું સફળતાપૂર્વક અને સહી-સલામત રીતે રેસ્ક્યૂ હાથ ધર્યું હતું.
પાનમ ડેમના જંગલમાં મુક્ત કરાયો
મગરને રેસ્ક્યૂ કર્યા બાદ વનવિભાગની ટીમે તેને માનવ વસવાટથી દૂર પાનમ ડેમ વિસ્તારના જંગલમાં સહી-સલામત રીતે મુક્ત કરી દીધો હતો. ખોડીયાર મંદિરમાંથી મગરનું સફળ રેસ્ક્યૂ થતાં સ્થાનિક રહીશો અને દર્શનાર્થીઓએ આખરે હાશકારો અનુભવ્યો હતો.




