પંચમહાલ લેન્ડ રૅકોર્ડઝ વર્ગ-3 કર્મચારીઓની હડતાળ, વિભાગને લગતી સરકારી કામગીરી 7 દિવસથી ઠપ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Panchmahal Land Records Strike: ગુજરાત રાજ્ય વર્ગ-3 લેન્ડ રૅકોર્ડ કર્મચારી મંડળ દ્વારા પોતાની વિવિધ પડતર માંગણીઓને લઈને શરૂ કરવામાં આવેલું આંદોલન હવે વધુ ઉગ્ર બન્યું છે. પંચમહાલ જિલ્લા લેન્ડ રૅકોર્ડઝ કચેરીના વર્ગ-3ના કર્મચારીઓ પણ ગત 21 સપ્ટેમ્બરથી અચોક્કસ મુદતની હડતાળ પર ઊતરી જતાં વિભાગને લગતી સરકારી કામગીરી પર બ્રેક વાગી ગઈ છે. હડતાળના 7 દિવસ વીતી જવા છતાં શાસન કે પ્રશાસન તરફથી કોઈ હકારાત્મક ઉકેલ ન આવતાં અરજદારો ભારે મુશ્કેલીમાં મૂકાયા છે.
શું છે મુખ્ય માગ?
લેન્ડ રૅકોર્ડઝ વિભાગના કર્મચારીઓની મુખ્ય માંગણી ગ્રેડ-પે ને લગતી છે. જેમાં સીનિયર સર્વેયરનો ગ્રેડ-પે રૂ. 2800થી વધારીને રૂ. 4400 કરવા તથા સર્વેયરનો ગ્રેડ-પે રૂ. 2400થી વધારીને રૂ. 2800 કરવાની માંગણી મુખ્ય છે. આ અંગે મુખ્યમંત્રી કક્ષાએથી પણ 30/12/2025ના રોજ સૈદ્ધાંતિક મંજૂરી મળી ચૂકી હોવા છતાં, નાણા વિભાગ દ્વારા વારંવાર ફાઇલ નકારી દેવામાં આવતી હોવાનો કર્મચારીઓએ દાવો કર્યો છે. નાણા વિભાગના આ અડિયલ વલણ સામે વિરોધ દર્શાવવા કર્મચારી મંડળે કામગીરીથી અળગા રહી હડતાળનો માર્ગ અપનાવ્યો છે.

હવે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન
જો કે હડતાળ દરમિયાન દૈનિક સરકારી અને જાહેર સેવાઓની કામગીરી બંધ છે પરંતુ કર્મીઓ દ્વારા કચેરી પરિસરમાં જ 'સ્વચ્છ ભારત મિશન' અંતર્ગત સ્વચ્છતા અભિયાન હાથ ધરાયું હતું. સવારે 8:30થી 9:00 વાગ્યાની આસપાસથી તમામ કર્મચારીઓ એકત્ર થઈ કચેરી પરિસરની સફાઈ કામગીરીમાં જોડાયા હતા. આ ઉપરાંત, આંદોલનના ભાગરૂપે આવતીકાલે 30 સપ્ટેમ્બરના રોજ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવાનું પણ કર્મચારી મંડળ દ્વારા નક્કી કરવામાં આવ્યું છે.
અચોક્કસ મુદતની હડતાળ યથાવત્ રહેશે
હડતાળને કારણે જમીન માપણી, નામાંતર, સનદ અને જમીન મહેસૂલને લગતી અગત્યની કામગીરીઓ અટકી પડી છે, જેનાથી સામાન્ય નાગરિકો અને ખેડૂતોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. કર્મચારી મંડળના પ્રતિનિધિઓએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે, જ્યાં સુધી નાણા વિભાગ દ્વારા તેમની ન્યાયી માંગણીઓનો સંતોષકારક ઉકેલ લાવવામાં નહીં આવે ત્યાં સુધી આ આંદોલન અને અચોક્કસ મુદતની હડતાળ યથાવત્ રહેશે.




