Panchmahal

પંચમહાલના ગોધરામાં સિવિલ હોસ્પિટલના સ્ટોર રૂમમાં આગ ભભૂકી, મોટાપાયે નુકસાની

By GS Team
9 Oct 20261 min read
TukuTouch Logo
પંચમહાલ જિલ્લાના ગોધરા સિવિલ હોસ્પિટલના સ્ટોર રૂમમાં આજે 9 ઓક્ટોબરના રોજ વહેલી સવારે 4 વાગ્યે અચાનક આગ લાગી હતી. આગના કારણે હોસ્પિટલમાં અફરાતફરી મચી ગઈ હતી. ફાયર બ્રિગેડે તાત્કાલિક પહોંચી આગ પર કાબૂ મેળવ્યો હતો. સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી. આગનું કારણ અકબંધ છે, શોર્ટ સર્કિટની શક્યતાને લઈ તપાસ ચાલુ છે.

Summarized by AI; it may make mistakes. Check important info

પંચમહાલના ગોધરામાં સિવિલ હોસ્પિટલના સ્ટોર રૂમમાં આગ ભભૂકી, મોટાપાયે નુકસાની

Godhra Civil Hospital Fire: પંચમહાલ જિલ્લાના ગોધરા ખાતે આવેલી સિવિલ હોસ્પિટલમાં આજે (નવમી ઓક્ટોમ્બર) વહેલી સવારે અચાનક આગ લાગવાની ગંભીર ઘટના સામે આવી છે. સિવિલ હોસ્પિટલના સ્ટોર રૂમમાં વહેલી સવારે આગ ભભૂકી ઊઠતાં સમગ્ર હોસ્પિટલ પરિસરમાં ભારે દોડધામ અને અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.

વહેલી સવારે 4 વાગ્યે લાગી આગ

મળતી માહિતી અનુસાર, ગોધરા સિવિલ હોસ્પિટલના સ્ટોર રૂમમાંથી વહેલી સવારે આશરે 4 વાગ્યાના અરસામાં અચાનક ધુમાડાના ગોટેગોટા નીકળવા લાગ્યા હતા. જોતજોતામાં આગે રૌદ્ર સ્વરૂપ ધારણ કરી લેતાં સ્ટોર રૂમમાં રાખેલો સામગ્રીનો જથ્થો બળીને ખાખ થવા લાગ્યો હતો. હોસ્પિટલ જેવા સંવેદનશીલ સ્થળે વહેલી સવારે આગ લાગતાં સારવાર હેઠળના દર્દીઓ તેમજ તેના સગાં-સંબંધિઓમાં ભારે ફફડાટ વ્યાપી ગયો હતો.

આગનું કારણ અકબંધ

ઘટનાની જાણ થતાં જ ગોધરા ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી. ફાયર ફાઇટરોના જવાનોએ ત્વરિત કાર્યવાહી કરી પાણીનો સતત મારો ચલાવીને આગ વધુ પ્રસરે તે પહેલાં જ તેના પર કાબૂ મેળવી લીધો હતો. સિવિલ હોસ્પિટલના સ્ટોર રૂમમાં અચાનક કયા કારણોસર આગ લાગી તે અંગેનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી. શોર્ટ સર્કિટના કારણે આગ લાગી છે કે અન્ય કોઈ કારણસર, તે દિશામાં હોસ્પિટલ તંત્ર અને સંબંધિત વિભાગ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.