પંચમહાલ શિક્ષણ વિભાગમાં ₹2.78 કરોડનું કૌભાંડ: ધરપકડથી બચવા DPEO ગાયત્રીબહેન પટેલે મૂકી 20 દિવસની રજા!
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Panchmahal Grant Scam: પંચમહાલ જિલ્લા પ્રાથમિક શિક્ષણ વિભાગના સમગ્ર શિક્ષા પ્રોજેક્ટમાં આચરાયેલા 2.78 કરોડ રૂપિયાના ઉચાપત કૌભાંડમાં એક મોટો વળાંક આવ્યો છે. આ કૌભાંડમાં સંડોવણી સામે આવ્યા બાદ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી (DPEO) ગાયત્રીબહેન પટેલ 20 દિવસની ઓનલાઈન રજા મૂકી દીધી હોવાનું સામે આવ્યું છે. બીજી તરફ, વહીવટી કામગીરી ખોરવાય નહીં તે માટે નાયબ DPEOને હંગામી ચાર્જ સોંપવામાં આવ્યો છે.
તપાસ અને ધરપકડથી બચવા 20 દિવસની રજા મૂકી
મળતી માહિતી અનુસાર,કૌભાંડમાં નામ ખુલતાં જ DPEO ગાયત્રીબહેન પટેલે 10મી સપ્ટેમ્બરથી પહેલી ઓક્ટોબર સુધીની રજા માટે કર્મયોગી પોર્ટલ પર ઓનલાઈન અરજી કરી દીધી છે. તપાસ એજન્સીઓ અને પોલીસ ધરપકડથી બચવા માટે તેમણે આ પગલું ભર્યું હોવાની વહીવટી વર્તુળોમાં ભારે ચર્ચા જાગી છે. શિક્ષણ વિભાગની દૈનિક કામગીરી અટકે નહીં તે માટે તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીને હંગામી ચાર્જ સુપ્રત કરીને વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે, 2.78 કરોડ રૂપિયાના આ બહુચર્ચિત ઉચાપત કેસમાં DPEO ગાયત્રીબહેન પટેલ સહિત કુલ પાંચ આરોપીઓની સંડોવણી બહાર આવી છે. તમામ આરોપીઓ હાલ પોલીસ પકડથી દૂર હોવાથી ગોધરા શહેર બી-ડિવિઝન પોલીસે તેમને ઝડપી પાડવા માટે અલગ-અલગ ટીમો બનાવી ચક્રગતિમાન કર્યા છે. પોલીસે શંકાસ્પદ સ્થળોએ દરોડા પાડીને આરોપીઓને ઝડપી પાડવા વધુ તપાસ તેજ કરી છે.




