કેનાલ કિનારે મગરનો ભય અને સ્ટ્રીટ લાઈટો બંધ! પંચમહાલમાં 70 પરિવારોના જીવ પડીકે બંધાયા, તંત્ર સામે રોષ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Panchmahal News: પંચમહાલ જિલ્લાના શહેરા નગરપાલિકા વિસ્તારમાં આવેલી વચ્છેસર કોલોની તરફ જવાના મુખ્ય માર્ગ પર મોટાભાગની સ્ટ્રીટ લાઈટો બંધ હાલતમાં હોવાથી સ્થાનિક રહીશો અંધારામાં અવરજવર કરવા મજબૂર બન્યા છે. ચોમાસાની ઋતુમાં અંધારાના કારણે ઝેરી જનાવરો અને મગરના ભય વચ્ચે 70 જેટલા પરિવારો ભયના ઓથાર હેઠળ જીવી રહ્યા છે. સ્થાનિકોએ નગરપાલિકા તંત્ર સામે રોષ ઠાલવીને તાત્કાલિક ધોરણે તમામ સ્ટ્રીટ લાઈટો ચાલુ કરવાની માંગ કરી છે.
થાંભલા નાખ્યા ત્યારથી જ લાઈટો ગાયબ!
સ્થાનિકોના જણાવ્યાનુસાર, નગરપાલિકા દ્વારા થોડા સમય પહેલાં જ વચ્છેસર કોલોની તરફ જતાં માર્ગ પર સ્ટ્રીટ લાઈટના થાંભલા ઊભા કરવામાં આવ્યા હતા. જોકે, આશ્ચર્યજનક રીતે 4થી 5 થાંભલા પર તો આજદિન સુધી લાઈટો લગાવવામાં જ નથી આવી. જ્યારે બાકીના થાંભલાઓ પર જે લાઈટો લગાવવામાં આવી હતી, તેમાંથી પણ મોટાભાગની અત્યારે બંધ હાલતમાં છે. પરિણામે સાંજ પડતાં જ અડધાથી વધુ રસ્તો ઘોર અંધકારમાં ગરકાવ થઈ જાય છે.
એકમાત્ર રસ્તો અને ચોમાસામાં જંગલી જનાવરોનો ત્રાસ
વચ્છેસર કોલોનીમાં અંદાજે 70 જેટલા પરિવારો વસવાટ કરે છે. આ કોલોનીમાં આવવા-જવા માટે પાનમ હાઈ લેવલ કેનાલની બાજુમાંથી પસાર થતો એકમાત્ર માર્ગ છે. અહીંથી શાળાએ જતાં બાળકો, કામકાજ અર્થે નીકળતા પુરુષો તેમજ મહિલાઓને રોજ રાત્રિના સમયે અંધારામાંથી જ પસાર થવું પડે છે. કેનાલ નજીક હોવાથી ચોમાસા દરમિયાન જંગલી તથા ઝેરી જનાવરો નીકળવાનો સતત ભય રહે છે.
માર્ગ પર મગર પણ દેખાતાં સ્થાનિકોમાં ફાળ
સ્થાનિકોએ ભય વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે આ માર્ગ પર અગાઉ બે થી ત્રણ વાર મગર પણ જોવા મળ્યો હતો. આવી પરિસ્થિતિમાં રાત્રિના સમયે નાના બાળકોને સાથે રાખીને નીકળવું અત્યંત જોખમી બની ગયું છે.
સ્થાનિક રહીશોની માંગ છે કે પાલિકા તંત્ર ઊંઘમાંથી જાગીને તાત્કાલિક ધોરણે તમામ થાંભલાઓ પર નવી લાઈટો લગાવે અને બંધ લાઈટો ચાલુ કરીને માર્ગને અંધારામાંથી મુક્તિ અપાવે. હવે જોવું એ રહ્યું કે વહીવટી તંત્ર દ્વારા વચ્છેસર કોલોનીના રહીશોની આ સમસ્યાનો ઉકેલ ક્યારે લાવવામાં આવે છે.









