સાબરકાંઠા બાદ હવે પંચમહાલ જિલ્લામાં ચાંદીપુરા વાઇરસના શંકાસ્પદ કેસમાં વધુ એક બાળકનું મોત
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Godhra Chandipura Virus Outbreak 2026 : પંચમહાલ જિલ્લામાં શંકાસ્પદ ચાંદીપુરા (Chandipura) વાઇરસના કારણે વધુ એક માસૂમ બાળકનો ભોગ લેવાયો હોવાની હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. ગોધરા તાલુકાના મણીપુર ગામના એક બાળકનું મૃત્યુ થતાં જિલ્લામાં આ ઘાતક વાઇરસથી અત્યાર સુધીમાં કુલ 3 બાળકોના મોત થઈ ચૂક્યા છે. દર વર્ષે આ જીવલેણ વાઇરસના કેસો સામે આવવા છતાં આરોગ્ય વિભાગ કોઈ નક્કર એક્શન પ્લાન બનાવવામાં નિષ્ફળ રહ્યું હોવાનો આક્રોશ સ્થાનિકોમાં જોવા મળી રહ્યો છે.
અમદાવાદ લાવતી વખતે રસ્તામાં જ માસૂમે તોડ્યો દમ
પ્રાપ્ત વિગતો અનુસાર, ગોધરા તાલુકાના મણીપુર ગામના એક માસૂમ બાળકને પ્રાથમિક ધોરણે અચાનક તીવ્ર તાવ સાથે ખેંચ(આંચકી) આવવાની શરૂઆત થઈ હતી. બાળકની તબિયત લથડતા પરિવારજનો તેને તાત્કાલિક ગોધરાની સિવિલ હૉસ્પિટલ ખાતે સારવાર માટે લઈ ગયા હતા. જોકે, બાળકની ગંભીર સ્થિતિને જોતા સિવિલના તબીબોએ તેને વધુ સારવાર માટે તાત્કાલિક અમદાવાદની હૉસ્પિટલમાં રીફર કર્યો હતો. પરંતુ કમનસીબે, અમદાવાદ પહોંચે તે પહેલાં જ રસ્તામાં જ માસૂમ બાળકે અંતિમ શ્વાસ લીધા હતા, જેથી પરિવારમાં ઘેરા શોકની લાગણી વ્યાપી ગઈ છે.
જિલ્લામાં 3 બાળકોના મોતથી ફફડાટ, તંત્ર જાગ્યું
આ ત્રીજા મોતના પગલે પંચમહાલ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. દર વર્ષે ચોમાસાની આસપાસ ચાંદીપુરા વાઇરસ માથું ઊંચકતો હોવા છતાં આરોગ્ય તંત્ર આગોતરા પગલાં લેવામાં નિષ્ફળ સાબિત થયું હોવાના આક્ષેપો થઈ રહ્યા છે. ત્રીજા બાળકના મોત બાદ દોડતા થયેલા આરોગ્ય વિભાગે મણીપુર અને આસપાસના વિસ્તારોમાં મેડિકલ ટીમો ઉતારી દીધી છે. હાલ તંત્ર દ્વારા અસરગ્રસ્ત વિસ્તારોમાં ઘેર-ઘેર જઈને સર્વેલન્સ, સ્ક્રીનિંગ અને પાવડર તેમજ દવાનો છંટકાવ કરવાની કામગીરી તાબડતોબ શરૂ કરવામાં આવી છે.
તબીબોના મતે, આ વાઇરસ ખાસ કરીને કાચા મકાનોની દીવાલોની તિરાડોમાં જોવા મળતી સેન્ડ ફ્લાય (રેતીની માખી) કરડવાથી ફેલાય છે અને તે 14 વર્ષ સુધીના બાળકોને વધુ નિશાન બનાવે છે. જો બાળકને અચાનક તીવ્ર તાવ, ઉલટી કે ખેંચ જેવા લક્ષણો દેખાય, તો વિલંબ કર્યા વિના નજીકના સરકારી દવાખાનાનો સંપર્ક કરવો જરૂરી છે.









