પંચમહાલ: કીચડ-પાણી વચ્ચે 1 KM પગપાળા ચાલી 108ની ટીમે ઘરે જ કરાવી સફળ પ્રસૂતિ!
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Shahera, Panchmahal News: દરેક મુશ્કેલ પરિસ્થિતિમાં લોકો માટે આશાનું કિરણ બનીને પહોંચતી '108' ઇમર્જન્સી સેવા એ ફરી એકવાર પોતાની નિષ્ઠા અને માનવતાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું છે. પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના લાભી ગામના તલાર ફળિયામાં ભારે વરસાદના કારણે પાણી ભરાવાની ગંભીર પરિસ્થિતિ વચ્ચે 108 ની ટીમે 1 કિલોમીટર સુધી પાણીમાં પગપાળા ચાલીને દર્દીના ઘરે પહોંચી સફળ નોર્મલ ડિલિવરી કરાવી હતી.
રસ્તો બંધ હોવાથી એમ્બ્યુલન્સ પહોંચી શકી નહીં
મળતી માહિતી મુજબ, લાભી ગામના તલાર ફળિયામાં રહેતી એક સગર્ભા મહિલાને અચાનક પ્રસૂતિની અસહ્ય પીડા ઉપડતા પરિવારે તાત્કાલિક 108 નો સંપર્ક કર્યો હતો. કોલ મળતા જ શહેરા 108 એમ્બ્યુલન્સ ટીમ સ્થળ પર જવા રવાના થઈ હતી. જોકે, વિસ્તારમાં ભારે વરસાદના કારણે મુખ્ય રસ્તો બંધ હતો અને આસપાસના ખેતરોમાં પાણી ભરાઈ ગયા હોવાથી એમ્બ્યુલન્સ સીધી દર્દીના ઘર સુધી પહોંચી શકે તેમ નહોતી.
સમય બગાડ્યા વગર 108ની ટીમના સભ્ય 1 KM પાણીમાં ચાલીને પહોંચ્યા
સ્થિતિની ગંભીરતા સમજીને 108 ની ટીમના EMT કલ્પેશ પરમારે સહેજ પણ સમય બગાડ્યા વિના એમ્બ્યુલન્સ ત્યાં જ ઊભી રાખી આશરે 1 કિલોમીટર સુધી ભરાયેલા પાણી અને કીચડ વચ્ચે પગપાળા ચાલીને દર્દીના ઘરે પહોંચવાનો સાહસિક નિર્ણય કર્યો હતો.
ERCP ડોક્ટરના માર્ગદર્શન હેઠળ ઘરે જ કરાવાઈ સફળ નોર્મલ ડિલિવરી
જ્યારે ટીમ દર્દીના ઘરે પહોંચી ત્યારે મહિલાને પ્રસૂતિનો તીવ્ર દુખાવો થઈ રહ્યો હતો અને તેમને હોસ્પિટલ સુધી લઈ જવાનો સમય નહોતો. આથી, તેમણે તાત્કાલિક ERCP ડૉક્ટર સાથે ટેલિફોનિક સંપર્ક સાધીને તેમના માર્ગદર્શન હેઠળ સ્થળ પર જ સફળતાપૂર્વક નોર્મલ ડિલિવરી કરાવી માતા અને નવજાત શિશુ બંનેનો જીવ બચાવ્યો હતો.
સમગ્ર તાલુકામાં 108 ટીમની કામગીરીની સરાહના
પ્રસૂતિ કરાવ્યા બાદ 108 ના પાયલોટ નરેશ પ્રજાપતિ અને EMT કલ્પેશ પરમાર દ્વારા માતા અને બાળક બંનેને સુરક્ષિત રીતે શહેરા રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.









