Marco Rubio in Delhi: અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રૂબિયોના ભારત પ્રવાસે વૈશ્વિક રાજનીતિમાં નવો ગરમાવો લાવી દીધો છે. શનિવારે નવી દિલ્હીમાં અમેરિકી દૂતાવાસના નવા 'સપોર્ટ એનેક્સ' બિલ્ડિંગનું ઉદ્ઘાટન કરતી વખતે રૂબિયોએ એક મોટું નિવેદન આપ્યું છે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં સ્વીકાર્યું છે કે ઇન્ડો-પેસિફિક ક્ષેત્રમાં ચીનના વધતા પ્રભાવને રોકવા માટે ભારત એ અમેરિકાની વિદેશ નીતિનો સૌથી મજબૂત સ્તંભ છે.
ભારત અને અમેરિકા મળીને કેટલીક મોટી જાહેરાત કરશે
એટલું જ નહીં, રૂબિયોએ સંકેત આપ્યો છે કે આગામી મહિનાઓમાં ભારત અને અમેરિકા વચ્ચે કેટલીક એવી આકર્ષક અને નવી જાહેરાતો થવા જઈ રહી છે જે દુનિયાને ચોંકાવી દેશે.
શપથવિધિના 1 કલાકમાં જ મેં ક્વોડની બેઠક કરી હતી: અમેરિકાના વિદેશમંત્રી
માર્કો રૂબિયોએ દિલ્હીમાં પોતાના ભાષણ દરમિયાન એક એવી ગુપ્ત અને રસપ્રદ વાત શેર કરી જેનાથી ઘણા લોકો અજાણ હતા. તેમણે જણાવ્યું કે, જાન્યુઆરી 2025માં જ્યારે ટ્રમ્પ સરકારે સત્તા સંભાળી અને તેઓ વિદેશ મંત્રી તરીકે શપથ લઈને ઓફિસ પહોંચ્યા, તેના બરાબર એક કલાકની અંદર તેમણે પોતાની સૌથી પહેલી સત્તાવાર બેઠક 'ક્વાડ' દેશો સાથે કરી હતી, જેમાં ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકર હાજર હતા. ટ્રમ્પ પ્રશાસનની બીજી ટર્મની આ સૌથી પહેલી વિદેશ નીતિની સત્તાવાર વ્યૂહરચના હતી, જે દર્શાવે છે કે અમેરિકા માટે ભારતનું મહત્વ કેટલું વધારે છે.
ભારતીયોને અમેરિકાના વિઝા આપવા મુદ્દે મોટી જાહેરાત
અમેરિકના વિદેશ મંત્રીએ ભારતીય બિઝનેસ પ્રોફેશનલ્સ અને વેપારીઓ માટે એક બહુ મોટી જાહેરાત કરી છે. તેમણે જણાવ્યું કે બંને દેશોના આર્થિક સંબંધોને મજબૂત કરવા માટે અમેરિકા એક નવું "America First Visa Scheduling Tool" શરૂ કરવા જઈ રહ્યું છે. આ ખાસ સિસ્ટમ અંતર્ગત એવા ભારતીય વ્યાપારીઓ અને પ્રોફેશનલ્સને વિઝા પ્રક્રિયામાં પ્રાથમિકતા આપવામાં આવશે જેઓ બંને દેશો વચ્ચેના વેપાર અને સંબંધોને વધુ દ્રઢ બનાવે છે.
ભારત-અમેરિકા વચ્ચે ભપકાદાર જાહેરાતો નથી થતી પણ ગ્રાઉન્ડ લેવલ પર છે મિત્રતા
રૂબિયોએ ભારપૂર્વક કહ્યું કે, ભારત અને અમેરિકાની ભાગીદારી માત્ર એવી બાબતો પૂરતી મર્યાદિત નથી જે મીડિયાની હેડલાઇન્સ બને છે અથવા બહુ ભપકાદાર હોય છે. અસલી તાકાત તો ગ્રાઉન્ડ લેવલ પર છે. ભારતીય કંપનીઓએ અમેરિકામાં 20 બિલિયન ડોલરનું જંગી રોકાણ કર્યું છે. આ સિવાય ઇન્ડો-પેસિફિક ક્ષેત્રમાં બંને દેશોની સેનાઓ સતત સૈન્ય અભ્યાસ કરીને પોતાની સંરક્ષણ તાકાત વધારી રહી છે.
રૂબિયોએ વધુમાં કહ્યું કે, ડોનાલ્ડ ટ્રમ્પ જ્યારે તેમની પહેલી ટર્મમાં ભારત આવ્યા હતા ત્યારથી જ બંને નેતાઓ વચ્ચે એક ખાસ કનેક્શન છે, જે આ બીજી ટર્મમાં પણ એટલું જ મજબૂત દેખાઈ રહ્યું છે. આ બંને અત્યંત ગંભીર નેતાઓ છે, જેઓ માત્ર ટૂંકા ગાળાનું નહીં પરંતુ આગામી દાયકાઓનું લાંબુ વિચારીને નિર્ણય લે છે.


