NRI News

કેનેડામાં વર્ક પરમિટ વગર નોકરી? આ ૩ કેટેગરીના લોકોને મળે છે ખાસ છૂટ

By GS TEAM
2 Jun 20264 mins read
TukuTouch Logo
કેનેડામાં નોકરી કરવા અથવા તો કોઈપણ પ્રકારનું કામ કરવાની યોજના બનાવી રહેલા મોટાભાગના વિદેશી નાગરિકોએ વર્ક પરમિટ લેવું પડે છે. પરંતુ કનેડાના ઈમિગ્રેશન નિયમોમાં કેટલીક એવી જોગવાઈઓ પણ છે, જે અંતર્ગત લોકો વર્ક પરમિટ વિના પણ કામ કરી શકે છે. આ છૂટછાટ દરેક વ્યક્તિ માટે નથી હોતી, પરંતુ માત્ર કેટલાક ખાસ લોકોને જ આપવામાં આવે છે.

Summarized by AI; it may make mistakes. Check important info

કેનેડામાં વર્ક પરમિટ વગર નોકરી? આ ૩ કેટેગરીના લોકોને મળે છે ખાસ છૂટ

Canada Work Permit Exemptions: કેનેડામાં નોકરી કરવા અથવા તો  કોઈપણ પ્રકારનું કામ કરવાની યોજના બનાવી રહેલા મોટાભાગના વિદેશી નાગરિકોએ વર્ક પરમિટ લેવું પડે છે. પરંતુ કનેડાના ઈમિગ્રેશન નિયમોમાં કેટલીક એવી જોગવાઈઓ પણ છે, જે અંતર્ગત લોકો વર્ક પરમિટ વિના પણ કામ કરી શકે છે. આ છૂટછાટ દરેક વ્યક્તિ માટે નથી હોતી, પરંતુ માત્ર કેટલાક ખાસ લોકોને જ આપવામાં આવે છે.

આ ૩ કેટેગરીના લોકોને મળે છે ખાસ છૂટ

કેનેડાના ઈમિગ્રેશન નિયમો પ્રમાણે બિઝનેસ વિઝિટર, વિદેશી કંપની માટે રિમોટ કામ કરતા ડિજિટલ નોમેડ અને કેટલાક આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ વર્ક પરમિટ વિના કામ કરવા માટે પાત્ર બની શકે છે. જોકે, આ તમામ કિસ્સાઓમાં કેટલીક શરતો લાગુ પડે છે અને વ્યક્તિએ એ સાબિત કરવું પડે છે કે તેઓ નિર્ધારિત નિયમોનું પાલન કરી રહ્યા છે.

1. બિઝનેસ વિઝિટર

જો કોઈ વ્યક્તિ વ્યાપારિક કામકાજ માટે કનેડા આવે છે, પરંતુ કનેડાના શ્રમ બજાર (લેબર માર્કેટ)નો હિસ્સો નથી , તો તે બિઝનેસ વિઝિટરની શ્રેણીમાં આવી શકે છે. આવા લોકોને સામાન્ય રીતે વર્ક પરમિટની જરૂર નથી હોતી. આ માટેની મુખ્ય શરત એ છે કે તે વ્યક્તિ કોઈ કનેડિયન કંપનીની કર્મચારી ન હોવી જોઈએ. આ ઉપરાંત, તેનો પગાર અને અન્ય આર્થિક લાભો કનેડા બહારથી મળતા હોવા જોઈએ અને તેનો મુખ્ય વ્યવસાય પણ વિદેશમાં જ હોવો જોઈએ.

આ ઉપરાંત તેની વ્યાપારિક પ્રવૃત્તિઓ એવી ન હોવી જોઈએ જે કનેડિયન કર્મચારીઓ સાથે સ્પર્ધા કરતી હોય. ઉદાહરણ તરીકે, બિઝનેસ મીટિંગમાં ભાગ લેવો, ટ્રેડ શો કે પ્રદર્શનોમાં સામેલ થવું, બોર્ડ ઓફ ડિરેક્ટર્સની બેઠકોમાં જવું અથવા પોતાની વિદેશી કંપની માટે કનેડાથી સામાન અને સેવાઓની ખરીદી કરવી વગેરે બાબતો આ કેટેગરીમાં સામેલ હોઈ શકે છે.

કેટલાક કિસ્સાઓમાં વિદેશથી ખરીદેલા વિશેષ ઉપકરણોનું સમારકામ (રિપેરિંગ), પરીક્ષણ કે ટેકનિકલ સપોર્ટ પૂરો પાડવા માટે આવતા લોકો પણ બિઝનેસ વિઝિટરની કેટેગરીમાં આવી શકે છે.

આ પણ વાંચો: લોકરમાં પડેલું સોનું કેવી રીતે બદલી શકે છે દેશનું નસીબ? જાણો PM મોદીની 'ગોલ્ડ રિસાયક્લિંગ' અપીલ પાછળનું કારણ

બિઝનેસ વિઝિટરને સામાન્ય રીતે કનેડામાં છ મહિના સુધી રહેવાની મંજૂરી મળી શકે છે, પરંતુ આ અંગેનો અંતિમ નિર્ણય બોર્ડર ઓફિસરની તપાસ અને તત્કાલીન પરિસ્થિતિઓ પર નિર્ભર કરે છે.

2. ડિજિટલ નોમેડ અને રિમોટ વર્કર

દુનિયાભરમાં વધી રહેલા રિમોટ વર્કના યુગમાં ઘણા લોકો કોઈ એક દેશમાં રહીને બીજા દેશની કંપની માટે કામ કરે છે. આવા લોકોને 'ડિજિટલ નોમેડ' કહેવામાં આવે છે.

જો કોઈ વ્યક્તિ કનેડામાં રહીને કોઈ વિદેશી કંપની માટે ઓનલાઈન કામ કરી રહી હોય, તો તેને વર્ક પરમિટની જરૂર પડતી નથી. પરંતુ  તે કંપનીની કનેડામાં કોઈ ઓફિસ, વ્યવસાય કે આર્થિક સંબંધો ન હોવો જોઈએ.

આ સાથે જ સાથે વ્યક્તિએ કેનેડિયન ગ્રાહકોને સેવાઓ ન આપવી જોઈએ અને તેની આવક પણ કનેડા બહારથી જ આવતી હોવી જોઈએ. એટલે કે, તે કનેડાના શ્રમ બજારમાં સીધી રીતે સામેલ ન હોવો જોઈએ.

સોફ્ટવેર ડેવલપર, ડિજિટલ માર્કેટિંગ એક્સપર્ટ, બિઝનેસ કન્સલ્ટન્ટ, કન્ટેન્ટ ક્રિએટર અને ઓનલાઈન ટ્યુટર જેવા અનેક પ્રોફેશનલ્સ આ કેટેગરીમાં આવી શકે છે.

આવા લોકોને સામાન્ય રીતે વિઝિટર વિઝા અથવા ઈલેક્ટ્રોનિક ટ્રાવેલ ઓથોરાઇઝેશન (eTA) દ્વારા કનેડામાં પ્રવેશવાની મંજૂરી મળે છે અને તેઓ 6 મહિના સુધી ત્યાં રહી શકે છે. જો તેમણે વધુ સમય સુધી રહેવું હોય, તો તે માટે અલગથી અરજી કરવી પડી શકે છે.

3. આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થી

કનેડામાં અભ્યાસ કરી રહેલા ઘણા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ પણ અલગ વર્ક પરમિટ વિના કામ કરી શકે છે. જોકે, આ માટે તેમના સ્ટડી પરમિટમાં કામ કરવાની મંજૂરીનો ઉલ્લેખ હોવો જરૂરી છે.

નિયમો પ્રમાણે વિદ્યાર્થીઓ કેમ્પસની અંદર આખું વર્ષ અમર્યાદિત કલાક કામ કરી શકે છે. જ્યારે નિયમિત શૈક્ષણિક સત્ર (એકેડેમિક સેશન) દરમિયાન કેમ્પસની બહાર અઠવાડિયામાં વધુમાં વધુ 24 કલાક કામ કરવાની મંજૂરી હોય છે. ઉનાળુ અને શિયાળુ વેકેશન જેવા સત્તાવાર બ્રેક દરમિયાન તેઓ અમર્યાદિત કલાક કામ કરી શકે છે.

આ માટે વિદ્યાર્થીનું કોઈ માન્યતા પ્રાપ્ત શૈક્ષણિક સંસ્થામાં એડમિશન હોવું જોઈએ અને તેની પાસે વેલિડ સ્ટડી પરમિટ હોવી જરૂરી છે. આ ઉપરાંત, નોકરી શરૂ કરતા પહેલાં સોશિયલ ઈન્શ્યોરન્સ નંબર (SIN) પ્રાપ્ત કરવો પણ જરૂરી હોય છે. સોશિયલ ઈન્શ્યોરન્સ નંબર એ કનેડામાં ભારતના આધાર નંબર જેવો જ એક મહત્વપૂર્ણ નંબર છે.

જો કોઈ વિદ્યાર્થી નિર્ધારિત મર્યાદા કરતાં વધુ કલાક કામ કરે છે, તો તેને સ્ટડી પરમિટની શરતોનું ઉલ્લંઘન માનવામાં આવી શકે છે. આના કારણે તેનો સ્ટુડન્ટ સ્ટેટસ (વિદ્યાર્થી તરીકેનો દરજ્જો) પ્રભાવિત થઈ શકે છે અને ભવિષ્યમાં વિઝા કે પરમિટ સંબંધિત અરજીઓ પણ પ્રભાવિત થઈ શકે છે.

અન્ય લોકોને પણ મળી શકે છે છૂટ

આ ત્રણ મુખ્ય કેટેગરી ઉપરાંત અન્ય કેટલાક લોકોને પણ વર્ક પરમિટ વિના કામ કરવાની મંજૂરી મળી શકે છે. જેમાં વિદેશી રાજદ્વારીઓ (ડિપ્લોમેટ્સ), પત્રકારો, રમતગમતની સ્પર્ધાઓમાં ભાગ લેનારા ખેલાડીઓ, ધાર્મિક કાર્યકરો, ગેસ્ટ સ્પીકર્સ અને કટોકટીની સેવાઓ (ઇમરજન્સી સર્વિસિસ) આપતા કર્મચારીઓ સામેલ છે. જોકે, મોટાભાગના વિદેશી નાગરિકો માટે કનેડામાં કામ શરૂ કરતા પહેલાં વર્ક પરમિટ મેળવવી આજે પણ અનિવાર્ય છે.