Nitin Patel Press Conference Gujarat News | Gujarat Samachar
અમરેલીમાં વીરજી ઠુમ્મરને અશ્રુભીની વિદાય: દીકરી જેનીબેને આપ્યો અગ્નિદાહ, ભાજપ-કોંગ્રેસના નેતાઓ સહિત જનમેદની ઉમટી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Virji Thummar Death: અમરેલીના પૂર્વ સાંસદ અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા વીરજી ઠુમ્મરનું લાંબી બીમારી (કેન્સર) બાદ તેમના નિવાસસ્થાને અવસાન થયું છે. કેન્સરની સારવાર ચાલી રહી હતી તે દરમિયાન તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. તેમના અચાનક નિધનની ખબર પડતાં જ અમરેલી જિલ્લા સહિત સમગ્ર ગુજરાતના રાજકીય બેડામાં ઘેરા શોકની લાગણી છવાઈ ગઈ છે.
પુત્રી જેનીબેને પિતાની અંતિમયાત્રાને કાંધ આપી, અગ્નિદાહ આપ્યો
સાંજે વીરજી ઠુમ્મરના નિવાસસ્થાનેથી તેમની અંતિમયાત્રા નીકળી હતી, જે શહેરના વિવિધ વિસ્તારોમાંથી પસાર થઈ સ્મશાને પહોંચી હતી. અંતિમયાત્રા સમયે તેમની પુત્રી જેનીબેન ઠુમ્મર ભાવુક થઈ રડી પડ્યા હતા. તેમણે પિતાના પાર્થિવ દેહ પર પુષ્પ અર્પણ કરી અંતિમયાત્રાને કાંધ આપી હતી. સ્મશાનગૃહ ખાતે અંતિમ વિધિ પૂર્ણ કર્યા બાદ પુત્રી જેનીબેને જ પિતાને અગ્નિદાહ આપ્યો હતો.

પાર્ટી લાઇન ભૂલીને ભાજપ-કોંગ્રેસના તમામ દિગ્ગજ નેતાઓ પહોંચ્યા
વીરજી ઠુમ્મરના અંતિમ દર્શન અને અંતિમયાત્રામાં પક્ષ-વિપક્ષના તમામ મોટા નેતાઓ હાજર રહ્યા હતા. જેમાં ભાજપના પૂર્વ સાંસદ નારણ કાછડીયા, પૂર્વ ધારાસભ્ય પરેશ ધાનાણી, જિલ્લા ભાજપ પ્રમુખ અતુલ કાનાણી, પૂર્વ ધારાસભ્ય અને જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત, સોમનાથના ધારાસભ્ય વિમલ ચુડાસમા અને પૂર્વ ધારાસભ્ય અંબરીષ ડેર સહિતના નેતાઓએ હાજરી આપી શ્રદ્ધાંજલિ અર્પી હતી.
સંસદથી લઈને વિધાનસભા સુધીની ભવ્ય સફર
31 મે 1959ના રોજ અમરેલીમાં જન્મેલા વીરજી ઠુમ્મરનું નામ દાયકાઓથી અમરેલીની રાજનીતિ સાથે વણાયેલું રહ્યું છે.
- 2004 લોકસભા વિજય: તેમની રાજકીય કારકિર્દીનો સૌથી મોટો વળાંક વર્ષ 2004માં આવ્યો, જ્યારે તેમણે અમરેલી લોકસભા બેઠક પર ભાજપના દિગ્ગજ નેતા દિલીપ સંઘાણીને હરાવીને 2004થી 2009 સુધી લોકસભામાં પ્રતિનિધિત્વ કર્યું હતું.
- 2017 વિધાનસભા: વર્ષ 2017ની ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં તેઓ લાઠી-બાબરા બેઠક પરથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. વિધાનસભામાં તેમની હાજરી 91.5 ટકા રહી હતી અને તેમણે 120 જેટલી મહત્વપૂર્ણ ચર્ચાઓમાં ભાગ લઈ પ્રજાના પ્રશ્નો વાચા આપી હતી.
ખેડૂત પુત્ર અને રાજકીય વારસો
ખેડૂત પૃષ્ઠભૂમિમાંથી આવતા વીરજી ઠુમ્મરે હંમેશા જનહિત અને ખેડૂતોના મુદ્દાઓને પ્રાધાન્ય આપ્યું હતું. તેમનો રાજકીય વારસો તેમની પુત્રી જેની ઠુમ્મર આગળ ધપાવી રહ્યા છે, જેઓ 2015થી 2018 દરમિયાન અમરેલી જિલ્લા પંચાયતના પ્રમુખ રહ્યા હતા અને 2024ની લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર પણ હતા. વીરજી ઠુમ્મરના નિધનથી અમરેલીના રાજકારણના એક મહત્વપૂર્ણ અધ્યાયનો અંત આવ્યો છે.




