વિશાખાપટ્ટનમ : ISIના જાસુસીનો અડ્ડો બની રહેલું નેવલ બેઝ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

- દેશના ઈસ્ટર્ન નેવલ બેઝમાં છેલ્લાં સાત વર્ષમાં ૯ લોકોને જાસુસીમાં આકરી સજા થઈ છતાં હનીટ્રેપની ઘટનાઓ અટકતી નથી
- વિશાખાપટ્ટનમ પાકિસ્તાનના રડાર પર હોવાનું કારણ એ છે કે તે ભારતની દરિયાઈ સાર્વભૌમત્વનું હૃદય છે. ઈસ્ટર્ન નેવલ કમાન્ડનું વડું મથક હોવા ઉપરાંત, વિશાખાપટ્ટનમમાં ભારતનું અત્યંત ગુપ્ત 'શિપ બિલ્ડિંગ સેન્ટર' આવેલું છે. આ એ જ વ્યૂહાત્મક સ્થળ છે જ્યાં ભારતની ગૌરવશાળી અરિહંત-ક્લાસ પરમાણુ બેલિસ્ટિક મિસાઈલ સબમરીનનું નિર્માણ થાય છે : તાજેતરના જાસુસી કેસમાં કુલ ૧૮ મુખ્ય શંકાસ્પદોની ઓળખ કરી છે, જેમાં ચોંકાવનારી બાબત એ છે કે ૧૨ જેટલા નૌસેનાના જવાનો આ શંકા હેઠળ આવી ગયા છે. સરહદ પર દેશનું રક્ષણ કરવાની પવિત્ર સોગંદ લેનારા કેટલાક જવાનો લાલચ, હનીટ્રેપ અને થોડા રૂપિયાના કાળા કારોબારમાં ફસાઈને દેશની અત્યંત સંવેદનશીલ વિગતો શત્રુ દેશના એજન્ટોને વેચી રહ્યા હતા : પકડાયેલા બે લોકોમાંથી પ્રદીપ મુખર્જીની ધરપકડ તમિલનાડુના કોઈમ્બતુર સ્થિત પ્રશિક્ષણ સંસ્થાન આઈએનએસ અગ્રણીમાંથી કરવામાં આવી હતી. આ શખ્સે દેશની ગુપ્ત લશ્કરી વિગતો લીક કરવા ઉપરાંત પાકિસ્તાની ઓપરેટિવ્સને ભારતીય નંબરો પરથી એન્ક્રિપ્ટેડ વોટ્સએપ ચેનલો સક્રિય કરવા માટે વન ટાઈમ પાસવર્ડ આપીને મદદ કરી હતી
ભારતની દરિયાઈ સીમાઓનું રક્ષણ કરતી સુરક્ષા વ્યવસ્થાને કોરી ખાવાની પાકિસ્તાનની ઝેરી પ્રવૃત્તિ ફરી એક વખત ઉજાગર થઈ છે. તાજેતરમાં દેશના પૂર્વ કિનારાની સૌથી મજબૂત ઢાલ સમાન ગણાતા ઈસ્ટર્ન નેવલ કમાન્ડને નિશાન બનાવી જાસુસી કરનારા આઈએસઆઈના નેટવર્કને ઝડપી પાડવામાં આવ્યું છે. ભારતની નૌસેનાની અંદર ઘૂસીને વિદેશી દળો ભારતની પરમાણુ સબમરીન અને ગુપ્ત લશ્કરી અસ્કયામતોના રહસ્યો ચોરી રહ્યા હતા. આ ઘૃણાસ્પદ ગુના સામે આંધ્રપ્રદેશ કાઉન્ટર ઈન્ટેલિજન્સ સેલ, નેવલ ઈન્ટેલિજન્સ અને દેશના ૧૦ રાજ્યોની સુરક્ષા એજન્સીઓએ એક સંયુક્ત અને આક્રમક મહા-ઓપરેશન પાર પાડીને પાકિસ્તાની જાસૂસી સંસ્થાના મનસૂબાને ઉથલાવી દીધા છે. તેમાં કુલ ૧૮ લોકોની અટકાયત કરવામાં આવી છે. ચિંતાજનક બાબત એ છે કે, આ ઘટનામાં ૧૨ શંકાસ્પદ નેવીના જ જવાનો છે. ઓપરેશન ફાયરવોલ નામના આ ઓપરેશને સ્પષ્ટ કરી દીધું છે કે ભારતની સુરક્ષા સામે આંખ ઉંચી કરનાર કોઈપણ શત્રુ કે દેશની અંદર છુપાયેલો દેશદ્રોહી કાયદાની ભયાનક પકડમાંથી બચી શકશે નહીં.આ જાસૂસીનો વ્યાપ આંધ્રપ્રદેશ, મહારાષ્ટ્ર, કર્ણાટક, કેરળ, ગોવા, દિલ્હી, ગુજરાત, તમિલનાડુ, બિહાર અને છત્તીસગઢ જેવા ૧૦ મોટા રાજ્યો સુધી ફેલાયેલો હતો. તપાસ એજન્સીઓએ આ સમગ્ર પ્રકરણમાં કુલ ૧૮ મુખ્ય શંકાસ્પદોની ઓળખ કરી છે, જેમાં ચોંકાવનારી બાબત એ છે કે ૧૨ જેટલા નૌસેનાના જવાનો આ શંકા હેઠળ આવી ગયા છે. સરહદ પર દેશનું રક્ષણ કરવાની પવિત્ર સોગંદ લેનારા કેટલાક જવાનો લાલચ, હનીટ્રેપ અને થોડા રૂપિયાના કાળા કારોબારમાં ફસાઈને દેશની અત્યંત સંવેદનશીલ વિગતો શત્રુ દેશના એજન્ટોને વેચી રહ્યા હતા. આ કેસમાં સુરક્ષા દળોએ ત્વરિત કાર્યવાહી કરીને બે મુખ્ય આરોપીઓની ધરપકડ કરી લીધી છે, જ્યારે અન્ય શંકાસ્પદો પર બાજ નજર રાખીને તેમના દેશવિરોધી કાવતરાંના તમામ તાર ખોલી નાખવામાં આવી રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે, પકડાયેલા દેશદ્રોહીઓમાં નૌસેનાનો સૈનિક પ્રદીપ મુખર્જી અને વિશાખાપટ્ટનમમાં નૌસેના સ્ટાફ સાથે સંકળાયેલો નાગરિક કોન્ટ્રાક્ટ ડ્રાઈવર અન્નમ સાઈ વરપ્રસાદ સંડોવાયેલો છે. પ્રદીપ મુખર્જીની ધરપકડ તમિલનાડુના કોઈમ્બતુર સ્થિત પ્રશિક્ષણ સંસ્થાન આઈએનએસ અગ્રણીમાંથી કરવામાં આવી હતી. આ શખ્સે દેશની ગુપ્ત લશ્કરી વિગતો લીક કરવા ઉપરાંત પાકિસ્તાની ઓપરેટિવ્સને ભારતીય નંબરો પરથી એન્ક્રિપ્ટેડ વોટ્સએપ ચેનલો સક્રિય કરવા માટે વન ટાઈમ પાસવર્ડ આપીને મદદ કરી હતી. બીજી તરફ, વરપ્રસાદ વિશાખાપટ્ટનમ ખાતેથી પૈસાની લાલચમાં લશ્કરી ગતિવિધિઓ અને સંવેદનશીલ દસ્તાવેજો શત્રુ દેશના ઓપરેટિવ્સ સુધી પહોંચાડતો હતો. વિજયવાડાના કાઉન્ટર ઈન્ટેલિજન્સ પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા, ગેરકાનૂની પ્રવૃત્તિઓ નિવારણ કાયદો અને ઓફિશિયલ સિક્રેટ્સ એક્ટ હેઠળ કડક ગુનાઓ દાખલ કરીને બંને આરોપીઓને જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં આવ્યા છે.
ચિંતાજનક વાત એ છે કે, દાયકાઓથી પાકિસ્તાનની ગુપ્તચર એજન્સીઓ ભારતના સૈનિકોને લલચાવવા માટે હનીટ્રેપના સૌથી જૂના કાવતરાનો ઉપયોગ કરતી આવી છે. સોશિયલ મીડિયા પર બનાવટી મહિલા પ્રોફાઈલ બનાવીને દેશના રક્ષકોને પોતાની જાળમાં ફસાવવાનો આ કુટિલ પ્રયાસ હતો. ઉલ્લેખનીય છે કે, જોશિતા પલ નામની નકલી પ્રોફાઈલ બનાવવામાં આવી હતી, જેણે મુંબઈની જાણીતી શિપબિલ્ડિંગ કંપનીમાં કામ કરતી હોવાનો ઢોંગ કર્યો હતો. આવી જ બીજી ઓળખ અન્વી મહેતા નામથી ઊભી કરવામાં આવી હતી, જે દિલ્હી સ્થિત મનોવૈજ્ઞાાનિક હોવાનો દાવો કરતી હતી. ફેસબુક પર મૈત્રીપૂર્ણ વાતચીતથી શરૂ થયેલો આ ક્રમ ધીમે ધીમે એન્ક્રિપ્ટેડ વોટ્સએપ મેસેજ, વૉઇસ કૉલ અને વિડીયો કૉલ સુધી પહોંચાડવામાં આવતો હતો.
આ ડિજિટલ વિષકન્યાઓએ ભારતીય જવાનો સાથે લાંબા સમય સુધી મીઠી-મીઠી વાતો કરીને, અંગત સંબંધોની આડમાં વિશ્વાસ કેળવ્યો હતો. ત્યાર બાદ શરૂ થતો હતો દેશવિરોધી માહિતી કઢાવવાનો ક્રમ. પાકિસ્તાની હેન્ડલર્સ જવાનો પાસેથી ભારતીય નૌસેનાના જહાજો અને સબમરીનની ચોક્કસ કામગીરી, નૌકાદળ મથકોના અંદરના વિડીયો-ફોટોગ્રાફ્સ, લશ્કરી પ્રતિષ્ઠાનોના નકશા અને કમાન્ડિંગ ઓફિસરોના અંગત તેમજ વ્યાવસાયિક વિગતો માંગતા હતા. તપાસમાં એવો પણ ભયાનક ખુલાસો થયો છે કે વિડીયો કૉલ દરમિયાન આ એજન્ટો જવાનોને યુદ્ધજહાજો અને સબમરીનના અતિસંવેદનશીલ ભાગ બતાવવા માટે દબાણ કરતા હતા. આ સાથે જ અંગત અને અશ્લીલ વિડીયો કૉલ્સ દ્વારા બ્લેકમેઇલ કરીને તેમની પાસેથી દેશદ્રોહ કરાવવામાં આવતો હતો કે કેમ, તે અંગે પણ ઊંડાણપૂર્વક તપાસ ચાલી રહી છે.
ખાસ વાત એ છે કે, આ સમગ્ર કાવતરામાં ટેકનોલોજીનો ઉપયોગ અત્યંત ચાલાકીપૂર્વક કરવામાં આવ્યો હતો. સ્થાનિક નાગરિકોના નામે ભારતીય સિમ કાર્ડ ખરીદીને સ્થાનિક એજન્ટો દ્વારા ઓટીપી મેળવવામાં આવતા હતા. આ ઓટીપી પાકિસ્તાન મોકલીને ત્યાંથી ભારતીય નંબરો પર ચાલતા વોટ્સએપ એકાઉન્ટ ઓપરેટ કરવામાં આવતા હતા, જેથી સુરક્ષા એજન્સીઓને ભ્રમમાં રાખી શકાય કે સંદેશાવ્યવહાર ભારતની અંદર જ થઈ રહ્યો છે. આ ગદ્દારોને દેશ સાથે દગો કરવાના બદલામાં ક્રિપ્ટોકરન્સી, હવાલા અને અનામી બેંક વ્યવહારો દ્વારા લાખો રૂપિયા ચૂકવવામાં આવતા હતા. ટેકનોલોજી અને પૈસાના જોરે ભારતની સરહદોને નબળી પાડવાનું પાકિસ્તાનનું આ કાવતરું અત્યંત ખતરનાક હતું.
વિશાખાપટ્ટનમ પાકિસ્તાનના રડાર પર હોવાનું કારણ એ છે કે તે ભારતની દરિયાઈ સાર્વભૌમત્વનું હૃદય છે. ઈસ્ટર્ન નેવલ કમાન્ડનું વડું મથક હોવા ઉપરાંત, વિશાખાપટ્ટનમમાં ભારતનું અત્યંત ગુપ્ત 'શિપ બિલ્ડિંગ સેન્ટર' આવેલું છે. આ એ જ વ્યૂહાત્મક સ્થળ છે જ્યાં ભારતની ગૌરવશાળી અરિહંત-ક્લાસ પરમાણુ બેલિસ્ટિક મિસાઈલ સબમરીનનું નિર્માણ થાય છે. ભારતની 'ન્યુક્લિયર ટ્રાયડ' એટલે કે જમીન, આકાશ અને પાણીમાંથી અણુ હુમલો કરવાની ત્રિપાંખી ક્ષમતાનું કેન્દ્રબિંદુ આ શહેર છે. આ ક્ષેત્રમાંથી નાની અમથી માહિતી પણ લીક થવી એ રાષ્ટ્રીય સુરક્ષા માટે સીધો ઘા સમાન છે. ઈસ્ટર્ન નેવલ કમાન્ડ હોવાના કારણે હિન્દ મહાસાગર અને બંગાળની ખાડીમાં સર્વેલન્સ અને સિક્યોરિટીની તમામ જવાબદારી વિશાખાપટ્ટનમ ઉપર આવેલી છે. તેના કારણે જ આઈએસઆઈ અહીંયા જાસુસી કરાવતું રહે છે.
સંરક્ષણ નિષ્ણાતોના મતે યુદ્ધજહાજ કે સબમરીનની ગતિવિધિની માહિતી અગાઉથી મળવાથી શત્રુ દેશ પોતાના જાસૂસી જહાજો, રડાર અને સેટેલાઇટ સિસ્ટમને તે દિશામાં ગોઠવી શકે છે. આનાથી ભારતીય સબમરીન અને યુદ્ધજહાજોના એકોસ્ટિક સિગ્નેચર, રડાર ફ્રીક્વન્સી અને ગુપ્ત સંચાર પેટર્ન ચોરાઈ જવાનો મોટો ભય રહે છે. જો શત્રુને આપણા જહાજોની અવાજની ફ્રિક્વન્સી મળી જાય, તો યુદ્ધના સમયે તેઓ આપણી સબમરીનને સમુદ્રના ઊંડાણમાં સરળતાથી ટ્રેક કરીને નિષ્ક્રિય કરી શકે છે. પાકિસ્તાન આ જ માહિતી મેળવીને ભારતના અજેય દરિયાઈ કવચને તોડવા માંગતું હતું.
આ વખતે ભારતીય કાઉન્ટર ઈન્ટેલિજન્સ સેલ શત્રુ કરતાં એક ડગલું આગળ સાબિત થયું. એજન્સીઓ છેલ્લા ઘણા મહિનાઓથી ડિજિટલ ફૂટપ્રિન્ટ્સ અને શંકાસ્પદ નેટવર્ક ટ્રાફિક પર સતત વોચ રાખી રહી હતી. ભારતીય સિમ કાર્ડ પર આવતા ઓટીપી જ્યારે વિદેશી આઈપી એડ્રેસ અને ડિજિટલ સિગ્નેચર સાથે કનેક્ટ થવા લાગ્યા, ત્યારે ગુપ્તચર વિભાગના કાન સરવા થયા. સંરક્ષણ કર્મચારીઓના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ પરની અસામાન્ય હિલચાલ પકડાતા જ એજન્સીઓએ સંપૂર્ણ ગુપ્તતા સાથે ડિજિટલ અને ફિઝિકલ સર્વેલન્સ શરૂ કરી દીધું.
જ્યારે પુરાવા પાકા થઈ ગયા, ત્યારે આંધ્રપ્રદેશ કાઉન્ટર ઈન્ટેલિજન્સ સેલે ૧૨ સ્પેશ્યલાઈઝ્ડ ટીમો બનાવીને દેશના ૧૦ રાજ્યોમાં એકસાથે દરોડા પાડયા. આ ટીમોએ સ્થાનિક પોલીસ અને એન્ટી-ટેરર સ્ક્વોડ્સ સાથે મળીને આરોપીઓના ઠેકાણાઓ પર ત્રાટકીને મોબાઈલ ફોન, હાર્ડ ડ્રાઈવ, લેપટોપ અને અન્ય ગુપ્ત દસ્તાવેજો જપ્ત કરી લીધા. હાલ ફોરેન્સિક લેબમાં ડિલીટ કરેલા ચેટ્સ, ફાઈલો અને ટ્રાન્ઝેક્શનની વિગતો રિકવર કરવામાં આવી રહી છે, જેથી આ કાળા કારોબારના મૂળિયાં ક્યાં સુધી પહોંચેલા છે તે શોધી શકાય. ઓપરેશન ફાયરવોલ દેશના દુશ્મનો માટે સ્પષ્ટ ચેતવણી છે કે ભારતીય સેનાના જવાનોની દેશભક્તિ અડગ છે, અને જે કોઈ પણ વ્યક્તિ લોભ કે લાલચમાં દેશની રક્ષા સાથે સોદો કરવાનો પ્રયાસ કરશે, તેનો અંત જેલના અંધકારમય સળિયા અને કાયદાનો આકરો દંડ જ હશે. ભારતની સુરક્ષા અખંડ છે અને રહેશે.
વિશાખાપટ્ટનમમાં પહેલાં પણ સામે આવી ચૂક્યા છે જાસૂસીના કિસ્સા
નૌકાદળની ઇન્ટેલિજન્સ યુનિટ અને કેન્દ્રીય એજન્સીઓએ ૨૦૧૯માં 'ઓપરેશન ડૉલ્ફિન્સ નોઝ' ચલાવીને વિશાખાપટ્ટનમમાં પાકિસ્તાન સાથે જોડાયેલા એક જાસૂસી નેટવર્કનો પર્દાફાશ કર્યો હતો. આ કેસમાં ૭ નૌકાદળના જવાનો અને એક હવાલા ઓપરેટરની ધરપકડ કરવામાં આવી હતી. તેમના પર જહાજો અને સબમરીન સંબંધિત માહિતી પાકિસ્તાનને આપવાનો આરોપ હતો. આ સિવાય ૨૦૨૦માં આ જ કેસની તપાસ NIAએ શરૂ કરી અને તપાસનો વ્યાપ વધતાં કુલ ૧૫ લોકોની ધરપકડ કરવામાં આવી, જેમાં ૧૧ નૌકાદળના કર્મીઓ સામેલ હતા. તેમના પર પાકિસ્તાની ઓપરેટિવ્સને સબમરીનના લોકેશન અને મૂવમેન્ટની જાણકારી પહોંચાડવાનો આરોપ હતો. ત્યારબાદ ૨૦૨૧માં અન્ય એક જાસૂસીનો કેસ સામે આવ્યો હતો. આ કેસ પણ NIA પાસે પહોંચ્યો ત્યારે કર્ણાટકના બે અને કેરળના એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી હતી. ઝડપાયેલા આરોપીઓ સોશિયલ મીડિયા દ્વારા પાકિસ્તાની ગુપ્તચર ઓપરેટિવ્સના સંપર્કમાં હતા અને નૌકાદળના મથકો સંબંધિત સંવેદનશીલ માહિતી પાકિસ્તાન મોકલી રહ્યા હતા. બે વર્ષ પહેલાં ૨૦૨૪માં તે જ કેસ અંતર્ગત ગુજરાત અને મહારાષ્ટ્રમાં શંકાસ્પદોના ઠેકાણાઓ પર તપાસ હાથ ધરવામાં આવી હતી. ત્યાંથી મળેલા ઇલેક્ટ્રોનિક ઉપકરણોના આધારે ખુલાસો થયો હતો કે પાકિસ્તાની નાગરિકો અને ભારતીય આરોપીઓ લાંબા સમયથી એકબીજાના સંપર્કમાં હતા. ઉલ્લેખનીય છે કે, ૨૦૧૯ના કેસમાં ઝડપાયેલા લોકોને વિશાખાપટ્ટનમની વિશેષ NIA કોર્ટે જાસૂસીના ગુનામાં દોષિત ઠેરવ્યા હતા. ધરપકડ કરાયેલા ૧૫ આરોપીઓમાંથી ૮ લોકોને દોષિત ઠેરવીને સજા ફટકારવામાં આવી હતી. જાન્યુઆરી ૨૦૨૬માં અન્ય એક આરોપીને ૫.૫ વર્ષની જેલની સજા સંભળાવવામાં આવી હતી.




