News Focus
ટ્રમ્પ અને નેતન્યાહૂ ઈચ્છે છતાં એકબીજાનો વિરોધ કરવાની સ્થિતિમાં નથી
By GS Team
27 Jun 20267 mins read
અમેરિકા અને ઈઝરાયેલની ઈરાનને ઘૂંટણીયે લાવવાની ગણતરી ઉંધી પડી. ઈરાને પોતાની સ્ટ્રેટેજીથી જવાબ આપતા ગેમ પલટાઈ. યુદ્ધ લાંબુ ખેંચાતા બંને દેશોમાં મોંઘવારી વધી, પ્રજા નારાજ થઈ. ટ્રમ્પ અને નેતન્યાહૂ બંનેને આર્થિક-રાજકીય દબાણ હેઠળ ઈરાન સાથે શાંતિ સમજૂતી કરવી પડી. આ મડાગાંઠે બંને નેતાઓની ખુરશી જોખમમાં મૂકી છે.
Summarized by AI; it may make mistakes. Check important info
અમેરિકા અને ઈઝરાયેલની ઈરાનને ઘૂંટણીયે લાવવાની ગણતરી ઉંધી પડી. ઈરાને પોતાની સ્ટ્રેટેજીથી જવાબ આપતા ગેમ પલટાઈ. યુદ્ધ લાંબુ ખેંચાતા બંને દેશોમાં મોંઘવારી વધી, પ્રજા નારાજ થઈ. ટ્રમ્પ અને નેતન્યાહૂ બંનેને આર્થિક-રાજકીય દબાણ હેઠળ ઈરાન સાથે શાંતિ સમજૂતી કરવી પડી. આ મડાગાંઠે બંને નેતાઓની ખુરશી જોખમમાં મૂકી છે.
Summarized by AI; it may make mistakes. Check important info

- ખુરશીનો ખેલ : ઈરાન સાથે શાંતિ સમજૂતી કરવી તે ટ્રમ્પની મજબૂરી છે, જ્યારે નેતન્યાહૂની પણ મજબૂરી છે કે તે અમેરિકાના નિર્ણયો સાથે સ્વીકારી શકતા નથી પણ માનવા પડશે
- બંનેની ગણતરીઓ એવી જ હતી કે ઈરાન થોડા દિવસમાં ઘુંટણીયે આવી જશે. ત્યાં સત્તા પરિવર્તન થશે, પરમાણુ કાર્યક્રમ બંધ થઈ જશે, બેલેસ્ટિક મિસાઈલ્સના ઠેકાણા ધ્વસ્ત થઈ જશે. ઈરાને જ્યારે પોતાની સ્ટાઈલમાં અને સ્ટ્રેટેજી પ્રમાણે જવાબ આપવાનું શરૂ કર્યું ત્યારે ગેમ પલટાઈ ગઈ. બંનેએ ધાર્યું હતું તેનાથી તદ્દન વિપરિત યુદ્ધ લડાવાનું શરૂ થઈ ગયું. ઈઝરાયેલ અને અમેરિકાનો પરાજય તેનાથી જ સિદ્ધ થવા લાગ્યો હતો : વચગાળાની ચૂંટણીઓના કારણે ટ્રમ્પ પાસે આ કરાર કરવા સિવાય કોઈ વિકલ્પ નથી. અમેરિકામાં આર્થિક સમસ્યાઓ છે, રાજકીય મુશ્કેલીઓ છે, પ્રજા નારાજ છે, મોંઘવારી વધી ગઈ છે. તેમાં હવે મીટટર્મ ઈલેક્શન આવતા હોવાથી ટ્રમ્પ બધું થાળે પાડીને ફરી લોકચાહને મેળવવા મથી રહ્યા છે : ઈઝરાયેલમાં હવે સ્થિતિ કફોડી થઈ ગઈ છે. નેતન્યાહૂને પણ ત્યાંની પ્રજા નકારવા લાગી છે.
આ યુદ્ધનો અંત દેખાતો નથી. ઈઝરાયેલમાં પણ મોંઘવારીએ માઝા મુકી છે. યુદ્ધનું કોઈ પરિણામ આવ્યું નથી. હવે ઈઝરાયેલમાં પણ ઓક્ટોબરમાં ચૂંટણી આવવાની છે. તે પહેલાં ઈરાનનો અંત આણવાની નેતન્યાહૂની વાત હવે પ્રજા પકડીને બેઠી છે
ઈરાન, અમેરિકા અને ઈઝરાયેલના યુદ્ધનો અંત ખરેખર આવશે તેવા કોઈ એંધાણ દેખાતા નથી. ટ્રમ્પ દ્વારા તો ભરચક પ્રયાસ કરવામાં આવી રહ્યા છે કે, ઈરાન સાથે શાંતિ મંત્રણા થાય અને કરાર કરી દેવામાં આવે. આ કામગીરીમાં ઈઝરાયેલ ફાંસ મારી રહ્યું છે. ઈઝરાયેલ હવે હિઝબુલ્લાને પૂરું કરવા મરણીયું બન્યું છે અને સતત લેબેનોન ઉપર હુમલા કરી રહ્યું છે. તેના કારણે ઈરાન ગિન્નાયેલું છે. તે યુદ્ધ વિરામ હોવા છતાં અમેરિકાની સાથે ચર્ચા કરવા તૈયાર નથી. સ્થિતિ એવી થઈ ગઈ છે કે, વચગાળાની ચૂંટણીઓના કારણે ટ્રમ્પ પાસે આ કરાર કરવા સિવાય કોઈ વિકલ્પ નથી. અમેરિકામાં આર્થિક સમસ્યાઓ છે, રાજકીય મુશ્કેલીઓ છે, પ્રજા નારાજ છે, મોંઘવારી વધી ગઈ છે. તેમાં હવે મીટટર્મ ઈલેક્શન આવતા હોવાથી ટ્રમ્પ બધું થાળે પાડીને ફરી લોકચાહને મેળવવા મથી રહ્યા છે.
ટ્રમ્પની સારા બનવાની ઝંખના કદાચ પૂરી થાય તેવું લાગતું નથી. ટ્રમ્પને તેના જ મિત્ર નેતન્યાહૂ નડી રહ્યા છે. ઈઝરાયેલ કોઈપણ મુદ્દે આ સમજૂતીથી ખુશ નથી. તે કરાર કરવા માગતું જ નથી. તે કોઈપણ ભોગે ઈરાનને ખતમ કરી દેવા માગે છે. તે ઉપરાંત ઈરાન સમર્થિત હિઝબુલ્લાનો પણ અંત આણવા માગે છે. તેના જ કારણે તે સતત લેબેનોનને ભડકે બાળે છે. હવે સ્થિતિ કફોડી થઈ ગઈ છે. નેતન્યાહૂને પણ ત્યાંની પ્રજા નકારવા લાગી છે. આ યુદ્ધનો અંત દેખાતો નથી. ઈઝરાયેલમાં પણ મોંઘવારીએ માઝા મુકી છે. યુદ્ધનું કોઈ પરિણામ આવ્યું નથી. હવે ઈઝરાયેલમાં પણ ઓક્ટોબરમાં ચૂંટણી આવવાની છે. તે પહેલાં ઈરાનનો અંત આણવાની નેતન્યાહૂની વાત હવે પ્રજા પકડીને બેઠી છે. બીજી બાજુ ટ્રમ્પ પણ સંધિ માટે દબાણ કરી રહ્યા છે. નેતન્યાહૂ સીધી રીતે અમેરિકાને ના પાડી શકે કે તેનો વિરોધ કરી શકે તેમ નથી. તેનાથી તેને મોટું આર્થિક, વ્યાપારિક અને ખાસ તો લશ્કરી જોડાણમાં નુકસાન થાય તેમ છે. તેની તમામ અમેરિકી સહાય અટકી જાય તેમ છે. આ મડાગાંઠ કોઈપણ રીતે ઉકેલવા પ્રયાસ થઈ રહ્યા છે ત્યારે બંને મિત્રો ટ્રમ્પ અને નેતન્યાહૂ જ એકબીજા માટે મુશ્કેલી ઊભી કરી રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે, અમેરિકા અને ઈરાન વચ્ચે સીઝફાયર થયું ત્યારે નેતન્યાહૂએ પોતાનો બળાપો ઠાલવ્યો હતો. ત્યારે તેમણે કહ્યું હતું કે, અમેરિકાના લોકો એવું માને છે કે, રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પ મારી દરેક વાત માને છે અને ઈઝરાયેલના લોકો એવું માને છે કે, હું ટ્રમ્પની બધી જ વાતો માનું છે. વાસ્તવિકતા એવી છે કે, અમે બંને મિત્રો નથી પણ સાથીદારો છીએ. અમે ક્યારેક સહમત થઈએ છીએ તો ક્યારેક અસહમત થઈએ છીએ. અમારું જોડાણ આવું જ છે. જાણકારોના મતે અમેરિકા અને ઈરાન વચ્ચે એમઓયુ થયા તે દિવસથી જ ઈઝરાયેલ અને અમેરિકા વચ્ચે એકબીજા સાથે અણગમા શરૂ થઈ ગયા હતા. તેમ છતાં બંને એકબીજાને કહી શકે તેમ નથી.
જાણકારોના મતે આ સોદો જ્યારે થયો ત્યારે જ નક્કી થઈ ગયું હતું કે, આ ઘટનાથી નેતન્યાહૂના રાજકીય જીવનને સૌથી મોટી અસર થવાની છે. આ સીઝફાયરથી ખરેખર ઈઝરાયેલને જ નુકસાન થયું છે. તેના કારણે ઈઝરાયેલની સંપ્રભુતાને તો કોઈ નુકસાન થયું નથી પણ ઈઝરાયેલના રાજકારણમાં નેતન્યાહૂનો સૌથી વધારે વિરોધ થવા લાગ્યો છે. બીજી તરફ આ સીઝફાયર થવા પહેલાં ટ્રમ્પની એવી જ સ્થિતિ થઈ હતી. અમેરિકાની સ્થિતિ ડામાડોળ થતાં અમેરિકામાં પણ ટ્રમ્પનો રાજકીય વિરોધ શરૂ થઈ ગયો હતો. આ રાજકીય વિરોધ ક્યાંક આગામી સમયમાં પાર્ટીને અને ટ્રમ્પના પદને નુકસાન ન પહોંચાડે તે માટે જ ટ્રમ્પે સંધિ કરવાની પહેલ કરી હોવાનું પણ ચર્ચાય છે.
હાલમાં નેતન્યાહૂ ફિક્સમાં મુકાઈ ગયા છે, તેઓ અમેરિકાનો અને ટ્રમ્પનો વિરોધ કરવા ઈચ્છે છે છતાં તેમ કરી શકતા નથી. અમેરિકા જે નિર્ણય કરશે તેમાં તેમણે મૂક સહમતી આપવી જ પડશે. હાલમાં અમેરિકા જાણી જોઈને નેતન્યાહૂને આ સંધિમાં જોડવા માગતા નથી અને બીજી તરફ નેતન્યાહૂ આ જાણે છે છતાં વિરોધ કરી શકતા નથી.
જાણકારોના મતે ઈઝરાયેલ દ્વારા યુદ્ધ અંગે કરવામાં આવેલા ખોટા પ્લાનિંગને પગલે જ હાલમાં અમેરિકા અને ઈઝરાયેલ વચ્ચે ઈરાન મુદ્દે ખેંચતાણ થયેલી છે. તેના કારણે જ બંનેના રસ્તા એકાએક અલગ થઈ ગયા છે. જિયો પોલિટિક્સના જાણકારો માને છે કે, અમેરિકા અને ઈઝરાયેલ દ્વારા જ્યારે ઈરાન ઉપર હુમલા કરવામાં આવ્યા ત્યારે બંનેની માનસિકતા અને ગણતરીઓ એવી જ હતી કે ઈરાન થોડા દિવસમાં ઘુંટણીયે આવી જશે. ત્યાં ખામેનેઈના ગયા બાદ સત્તા પરિવર્તન થશે, પરમાણુ કાર્યક્રમ બંધ થઈ જશે, બેલેસ્ટિક મિસાઈલ્સના ઠેકાણા ધ્વસ્ત થઈ જશે. ઈઝરાયેલ અને અમેરિકાનું જે લક્ષ્ય છે તે સરળતાથી પ્રાપ્ત થઈ જશે. ઈરાને જ્યારે પોતાની સ્ટાઈલમાં અને સ્ટ્રેટેજી પ્રમાણે જવાબ આપવાનું શરૂ કર્યું ત્યારે ગેમ પલટાઈ ગઈ. ઈરાને જે રીતે હુમલા કર્યા અને જવાબ આપ્યો તેના કારણે બંને દેશોની તમામ ધારણાઓ ધરાશાયી થઈ ગઈ. ઈઝરાયેલ અને અમેરિકાએ ધાર્યું હતું તેનાથી તદ્દન વિપરિત યુદ્ધ લડાવાનું શરૂ થઈ ગયું. ઈઝરાયેલ અને અમેરિકાનો પરાજય તેનાથી જ સિદ્ધ થવા લાગ્યો હતો.
ઉલ્લેખનીય છે કે, ઈરાન મિસાઈલ, હવાઈ હુમલા કે અન્ય માધ્યમો દ્વારા વળતા જવાબ આપી શક્યું હોત.
તેણે તેવી રીતે જવાબ આપ્યા જ છે. ઈરાને સાથે સાથે એવી પદ્ધતિથી યુદ્ધ લડયું કે, સમગ્ર વિશ્વને હંફાવી દીધું. ઈરાને હથિયારો દ્વારા અમેરિકા અને ઈઝરાયેલને તો જવાબ આપ્યા જ સાથે સાથે ખાડી ક્ષેત્રમાં રહેલા અમેરિકી સાથી દેશોને પણ નિશાન બનાવ્યા. ત્યારબાદ હોર્મુઝની ખાડી બંધ કરી દીધી. તેની સાથે જ દુનિયાભરમાં ક્રૂડની અને ગેસની ભયાનક તંગી સર્જાઈ ગઈ. ઈરાનના આ પગલાના આંતરરાષ્ટ્રીય સ્તરે પડઘા પડયા. દુનિયાભરમાં ક્રૂડ અને ગેસના ભાવમાં તોતિંગ વધારો થયો. અનેક દેશોમાં મોંઘવારી વધી ગઈ. અમેરિકા પોતે હચમચી ગયું. હવે સ્થિતિ એવી આવી છે કે, ટ્રમ્પ અને નેતન્યાહૂ બંનેને આ ફાંસ વાગી છે પણ તેઓ કાઢી શકતા નથી અને તેના માટે એકબીજાને દોષ પણ દઈ શકતા નથી.
ઉલ્લેખનીય છે કે, થોડા સમય પહેલાં જ લેબેનોન હુમલા અંગે ટ્રમ્પ અકળાયા હતા. તેમણે નેતન્યાહૂને ચિમકી પણ આપી હતી. ઈરાન સાથેની વાતચીત અને વાટાઘાટોમાં ઈઝરાયેલને અને નેતન્યાહૂને નહીં જોવા અંગે પણ ટ્રમ્પ કોઈ તર્ક આપતા નથી. તેઓ માને છે કે, અમેરિકા જે આદેશ આપશે તેનું નેતન્યાહૂ અને ઈઝરાયેલે પાલન કરવું પડશે. તેનાથી વધારે કશું જ નથી. ટ્રમ્પે કહ્યું હતું કે, ઈઝરાયેલ પાસે કોઈ વિકલ્પ નથી. હું જે નક્કી કરીશ તે નેતન્યાહૂએ માનવું પડશે. તેમની પાસે કશું જ નક્કી કરવાનો કે વિચારવાનો અધિકાર નથી. બધું અમેરિકા જ નક્કી કરશે. - ઓક્ટોબર-નવેમ્બરમાં ઈઝરાયેલ-અમેરિકામાં ચૂંટણીએ બંનેને ભીંસમાં લીધા
મહત્ત્વની વાત એ છે કે, નેતન્યાહૂ બરાબરના ફસાયા છે. તેમણે ઈરાનને પરમાણુ કાર્યક્રમથી દૂર રાખવાને પોતાનું લક્ષ્ય બનાવ્યું હતું અને તેના કારણે તેઓ ખામેનેઈને પૂરા કરવા માગતા હતા.
તેમનું એક કાર્ય સફળ થયું પણ ઈરાન હજી સરંડર થયું નથી. ઈરાનમાં સત્તા પરિવર્તનનો નેતન્યાહૂનો દાવ પણ ઉંધો પડી ગયો છે. સ્થિતિ એવી આવી ગઈ કે, અમેરિકા અને ઈઝરાયલે હવે પરાણે ઈરાન સાથે સંધિ કરવી પડે તેમ છે. તેનાથી પણ આગળ જો આ સંધિ ફાઈનલ થઈ ગઈ તો ઈઝરાયેલ લેબેનોન ઉપર પણ હુમલા કરી શકશે નહીં. તેના કારણે ઈઝરાયેલ અને યહુદીઓની છબીને નુકસાન થશે. તેના કારણે ઈઝરાયેલમાં હાલમાં નેતન્યાહૂ પ્રત્યે ભયાનક નારાજગી ચાલી રહી છે. ઓક્ટોબરમાં ઈઝરાયેલમાં ચૂંટણી યોજાવાની છે. તે પહેલાં જો સ્થિતિ કાબુમાં ન આવી તો નેતન્યાહૂની ખુરશી જશે તે નક્કી છે. બીજી તરફ અમેરિકી પ્રમુખ ટ્રમ્પ પણ ફસાયા છે. ઈરાનને સતત ધમકીઓ આપવામાં આવે છે પણ તે ગાંઠતું નથી.
ટ્રમ્પને હવે પોતાની છબી સારી કરવા ગમે તે રીતે યુદ્ધ વિરામ અને સંધિ કરવી પડે તેમ છે. તેમણે પ્રમુખપદે ચૂંટાતા પહેલાં વાયદા કર્યા હતા કે, તેઓ વિદેશી યુદ્ધથી દૂર રહેશે પણ ઈરાન સાથે જે થયું તે તદ્દન વિપરિત હતું. જાણકારો માને છે કે, ટ્રમ્પ દ્વારા આંતરરાષ્ટ્રીય સ્તરે જે રીતે ગમે તે મુદ્દે અને દેશની બાબતોમાં કૂદી પડવાની કામગીરી કરાય છે તેનાથી હવે અમેરિકી પ્રજા કંટાળી છે.
અહીંયા નવેમ્બર ૨૦૨૬માં મીડટર્મ ચૂંટણીઓ થવાની છે. ટ્રમ્પ કોઈપણ ભોગે પ્રજા અને પોતાની પાર્ટી ઉપરથી પકડ ગુમાવવા માગતા નથી. ટ્રમ્પના શાસનના બે વર્ષ બાદ આ મીડટર્મ ચૂંટણી આવી છે તેમાં નીચલા અને ઉપરના બંને ગૃહના સભ્યોની ચૂંટણી થવાની છે. આ સિવાય ઘણા રાજ્યોમાં ગર્વનર અને રાજ્ય વિધાનસભાની મીડ ટર્મ ચૂંટણી છે. હાલમાં જનતા ટ્રમ્પ અને રિપબ્લિકન પાર્ટીથી નાખુશ છે. હવે પ્રજાને ખુશ રાખવા પણ ટ્રમ્પે યુદ્ધ છોડીને ઈઝરાયેલની અવગણના કરીને, નેતન્યાહૂને કોરાણે મુકીને પણ ઈરાન સાથે સંધિ કરવી પડે તેમ છે. એકંદરે ટ્રમ્પ અને નેતન્યાહૂની સ્થિતિ સાપે છછુંદર ગળ્યા જેવી થઈ ગઈ છે.








