વિશ્વશાંતિના નામે ટ્રમ્પ અને જિનપિંગની રાજકીય સોગઠાબાજી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

- બંને નેતાઓના આલિંગનમાં વિશ્વશાંતિની નહીં, પરંતુ વૈશ્વિક બજારોને ચૂંથી નાખવાની આતુરતા છલકાય છે
- ડોનાલ્ડ ટ્રમ્પની રાજનીતિ હંમેશાં આભાસી વાસ્તવિકતા અને ટીવી રેટિંગ્સના સિદ્ધાંત પર ચાલી છે. એક તરફ વિશ્વમાં યુદ્ધનો ભયાનક માહોલ ઊભો કરવો, સહયોગી દેશો પર ટેરિફના કોરડા વીંઝવા, આંતરરાષ્ટ્રીય સંસ્થાઓને લકવાગ્રસ્ત કરવી અને બીજી તરફ વ્હાઇટ હાઉસમાં બેસીને 'હું જ આ દુનિયાને ત્રીજા વિશ્વયુદ્ધથી બચાવી રહ્યો છું' તેવા આત્મશ્લાઘાના બણગાં ફૂંકવા : જિનપિંગ એવા સામ્યવાદી સરમુખત્યાર છે જેમણે મૂડીવાદના સૌથી વિકૃત સ્વરૂપને અપનાવીને એશિયા, આફ્રિકા અને લેટિન અમેરિકાના ગરીબ અને વિકાસશીલ દેશોને પોતાના 'ડેબ્ટ ટ્રેપ'માં ફસાવ્યા છે. બેલ્ટ એન્ડ રોડ ઇનિશિયેટિવ જેવા ભપકાદાર નામો હેઠળ શ્રીલંકા, પાકિસ્તાનથી માંડીને આફ્રિકન દેશોના બંદરો, ખનિજો અને જમીનો ગિરવે મૂકાવી દેનાર જિનપિંગ શાંતિ, સ્થિરતા અને વૈશ્વિક કલ્યાણની વાતો કરે છે : જાણકારોના મતે, ટ્રમ્પ અને જિનપિંગ આ બેઠકો દ્વારા માત્ર 'સમય ખરીદી' રહ્યા છે. ચીનને સમય જોઈએ છે જેથી તે અમેરિકન ટેકનોલોજી પરની પોતાની નિર્ભરતા સંપૂર્ણપણે ખતમ કરી શકે અને પોતાની અર્થવ્યવસ્થાને મજબૂત કરી શકે. અમેરિકાને સમય જોઈએ છે જેથી તે પોતાના ઘટતા ઉત્પાદન પાયાને ફરી ઊભો કરી શકે અને વૈશ્વિક સપ્લાય ચેઇનમાંથી ચીનને ધીમે ધીમે બહાર ધકેલી શકે
વિશ્વના સૌથી શક્તિશાળી ગણાતા બે દેશોના વડાઓ જ્યારે એક ભવ્ય ડાઇનિંગ ટેબલ પર આમને-સામને બેસીને હાસ્યના મહોરાં પહેરે છે, ત્યારે બાકીની દુનિયાએ સમજી લેવું જોઈએ કે તેના હિસ્સામાં નવો ભય અને નવી ગુલામી લખાવા જઈ રહી છે. અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને ચીની પ્રમુખ શિ જિનપિંગ વચ્ચે છેલ્લા બે દિવસથી ચાલી રહેલી બેઠકો, મુલાકાતો, મીડિયા સામેના પોઝ અને કહેવાતી 'ડિનર ડિપ્લોમસી' બીજું કશું જ નથી, પરંતુ સત્તા અને સંસાધનોની ભૂખી બે સામ્રાજ્યવાદી માનસિકતાઓનો નફ્ફટ તમાશો છે. ટેબલ પર પીરસવામાં આવતી મોંઘી વાનગીઓની સુગંધ પાછળ સંરક્ષણ બજેટ વધારવાની દુર્ગંધ છુપાયેલી છે અને બંને નેતાઓના આલિંગનમાં વિશ્વશાંતિની નહીં, પરંતુ વૈશ્વિક બજારોને ચૂંથી નાખવાની આતુરતા છલકાય છે.
આ કોઈ બે જવાબદાર રાજનેતાઓ વચ્ચેનો વૈશ્વિક સંવાદ નથી. આ તો બે ચાલાક વેપારીઓ વચ્ચેની સોદાબાજી છે, જેમાં નિયમો બંનેના પોતાના છે અને ભોગ આખી પૃથ્વીના નિર્દોષ નાગરિકોનો લેવાઈ રહ્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પની રાજનીતિ હંમેશાં આભાસી વાસ્તવિકતા અને ટીવી રેટિંગ્સના સિદ્ધાંત પર ચાલી છે. એક તરફ વિશ્વમાં યુદ્ધનો ભયાનક માહોલ ઊભો કરવો, સહયોગી દેશો પર ટેરિફના કોરડા વીંઝવા, આંતરરાષ્ટ્રીય સંસ્થાઓને લકવાગ્રસ્ત કરવી અને બીજી તરફ વ્હાઇટ હાઉસમાં બેસીને 'હું જ આ દુનિયાને ત્રીજા વિશ્વયુદ્ધથી બચાવી રહ્યો છું' તેવા આત્મશ્લાઘાના બણગાં ફૂંકવા. આ ટ્રમ્પની કાયમી મોડસ ઓપરેન્ડી છે.
તેમની છાપ હંમેશાં એક એવી વ્યક્તિની રહી છે જે પહેલાં પોતે જ આગ લગાવે છે અને પછી ફાયર બ્રિગેડનું એન્જિન લઈને ઊભા રહી જાય છે જેથી લોકો તેમને તારણહાર માને. તાજેતરના મધ્યપૂર્વના તણાવો હોય કે નાટો દેશો પર નાણાં ચૂકવવાનું દબાણ, ટ્રમ્પની નીતિઓએ વિશ્વભરમાં અસુરક્ષાનું વાતાવરણ ગંભીર બનાવ્યું છે. આવા સંજોગોમાં ચીનના વડા સાથે બેસીને તેઓ પોતે એક 'ગ્લોબલ પીસમેકર' અને કઠોર નેગોશિયેટર હોવાનો ડોળ કરી રહ્યા છે. પરંતુ સત્ય એ છે કે તેમની આખી રાજદ્વારી કવાયત સ્થાનિક મતોના સમીકરણો અને કોર્પોરેટ અમેરિકાના હિતો પૂરતી જ સીમિત છે. ટ્રમ્પને વિશ્વની નથી પડી, તેમને માત્ર પોતાની છબી અને અમેરિકન ડોલરના પ્રભુત્વની ચિંતા છે.
બીજી તરફ ટેબલની સામે બેઠેલા શિ જિનપિંગનો ચહેરો પણ કોઈ દૂધે ધોયેલો નથી. જિનપિંગ એવા સામ્યવાદી સરમુખત્યાર છે જેમણે મૂડીવાદના સૌથી વિકૃત સ્વરૂપને અપનાવીને એશિયા, આફ્રિકા અને લેટિન અમેરિકાના ગરીબ અને વિકાસશીલ દેશોને પોતાના 'ડેબ્ટ ટ્રેપ'માં ફસાવ્યા છે. બેલ્ટ એન્ડ રોડ ઇનિશિયેટિવ જેવા ભપકાદાર નામો હેઠળ શ્રીલંકા, પાકિસ્તાનથી માંડીને આફ્રિકન દેશોના બંદરો, ખનિજો અને જમીનો ગિરવે મૂકાવી દેનાર જિનપિંગ જ્યારે આંતરરાષ્ટ્રીય મંચ પર શાંતિ, સ્થિરતા અને વૈશ્વિક કલ્યાણની વાતો કરે છે, ત્યારે એ દ્રશ્ય કોઈ નિર્દયી શાહુકાર કર્મના ફળ વિશે ગંભીર પ્રવચન આપતો હોય તેવું વરવું લાગે છે. ચીનનું આર્થિક મોડલ નબળા દેશોની સાર્વભૌમત્વને ભરખી જવાનું છે. પોતાના દેશમાં લોકશાહી અને માનવાધિકારોનો કચ્ચરઘાણ કાઢનાર જિનપિંગ વોશિંગ્ટનના એર-કંડિશન્ડ હોલમાં બેસીને વિશ્વ સામે એવો દેખાવ કરે છે જાણે તેઓ પશ્ચિમી સામ્રાજ્યવાદ સામે ગ્લોબલ સાઉથના સાચા રક્ષક હોય!
આ બેઠકનું તટસ્થ મૂલ્યાંકન કરીએ તો સ્પષ્ટ દેખાય છે કે રાજદ્વારી પાસાંઓમાં શિ જિનપિંગનો હાથ ઘણો ઉપર છે. તેનું સૌથી મોટું કારણ એ છે કે ચીને છેલ્લા બે દાયકામાં આધુનિક ટેકનોલોજીની કરોડરજ્જુ ગણાતા 'રેર અર્થ મિનરલ્સ' (દુર્લભ ખનિજો) પર લગભગ એકહથ્થુ ઈજારો સ્થાપિત કરી લીધો છે. સ્માર્ટફોનથી માંડીને ઇલેક્ટ્રિક વ્હીકલ્સ, સેટેલાઇટ્સ અને અત્યાધુનિક ફાઈટર જેટ્સ સુધીની તમામ ચીજો નિયોડીમિયમ, ડિસ્પ્રોસિયમ કે લિથિયમ જેવા ખનિજો વિના અશક્ય છે. ચીન વૈશ્વિક રેર અર્થ પ્રોસેસિંગના ૭૦થી ૮૦ ટકાથી વધુ હિસ્સા પર નિયંત્રણ ધરાવે છે. જ્યારે પણ અમેરિકા ટેરિફ કે સેમિકન્ડક્ટર પ્રતિબંધોની ધમકી આપે છે, ત્યારે બેઇજિંગ માત્ર આ ખનિજોની નિકાસ ધીમી કરવાનો સંકેત આપે છે અને અમેરિકન ટેક-જાયન્ટ્સના પગ ધ્રૂજવા લાગે છે. જિનપિંગને સારી રીતે ખબર છે કે ટ્રમ્પની ધમકીઓ માત્ર સોશિયલ મીડિયા કે પ્રેસ કોન્ફરન્સ પૂરતી મર્યાદિત છે, જ્યારે ચીન પાસે અમેરિકાના મેન્યુફેક્ચરિંગ સેક્ટરનું ગળું દબાવી દેવાનું વાસ્તવિક હથિયાર છે. આ સંસાધનાત્મક આધિપત્યના જોરે જિનપિંગ બેઠકમાં સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે બેઠા છે, જ્યારે ટ્રમ્પ અંદરખાનેથી બચાવની મુદ્રામાં છે.
આ બંને પાસેથી માનવજાતના કલ્યાણની અપેક્ષા રાખવી એ મૂર્ખામીની પરાકાષ્ઠા
આંતરરાષ્ટ્રીય બાબતોના ગંભીર વિશ્લેષકો સ્પષ્ટપણે જોઈ રહ્યા છે કે ટ્રમ્પ અને જિનપિંગ આ બેઠકો દ્વારા માત્ર 'સમય ખરીદી' રહ્યા છે. ચીનને સમય જોઈએ છે જેથી તે અમેરિકન ટેકનોલોજી પરની પોતાની નિર્ભરતા સંપૂર્ણપણે ખતમ કરી શકે અને પોતાની અર્થવ્યવસ્થાને મજબૂત કરી શકે. અમેરિકાને સમય જોઈએ છે જેથી તે પોતાના ઘટતા ઉત્પાદન પાયાને ફરી ઊભો કરી શકે અને વૈશ્વિક સપ્લાય ચેઇનમાંથી ચીનને ધીમે ધીમે બહાર ધકેલી શકે. પરિણામે, આ બેઠકોમાં કોઈ મૂળભૂત નીતિગત પરિવર્તન આવવાનું નથી. કોઈ મોટી સમજૂતી થશે તો પણ તે ઉપરછલ્લી અને કામચલાઉ હશે, જે થોડા મહિનાઓમાં કાગળનો ડૂચો સાબિત થશે. પરંતુ આ દરમિયાન જે નુકસાન થઈ રહ્યું છે તે આખી દુનિયા ભોગવી રહી છે બંને દેશોના આર્થિક ગજગ્રાહ અને ટેરિફ યુદ્ધને કારણે વિકાસશીલ દેશોનું ચલણ તૂટી રહ્યું છે, ફુગાવો વધી રહ્યો છે અને ગરીબ દેશો માટે દેવું ચૂકવવું અશક્ય બની રહ્યું છે. જ્યારે બે સૌથી મોટા પ્રદૂષક દેશો પોતાના અહંકારની લડાઈ લડતા હોય, ત્યારે વૈશ્વિક ગ્લોબલ વોર્મિંગ સામેની લડાઈ આપોઆપ કોરાણે મુકાઈ જાય છે. વિશ્વ ફરી એકવાર શીતયુદ્ધ જેવા દ્વિધ્રુવીય માળખામાં ધકેલાઈ રહ્યું છે, જ્યાં નાના દેશોને કોઈ એક પક્ષ પસંદ કરવા મજબૂર કરવામાં આવે છે. ટ્રમ્પ-જિનપિંગની આ હાઈ-પ્રોફાઈલ ડિનર ડિપ્લોમસી એ આધુનિક જમાનાનો સૌથી મોટો રાજકીય ઢોંગ છે. એક નેતા કે જે ચૂંટણી જીતવા માટે વૈશ્વિક આગ સાથે રમત રમી રહ્યો છે, અને બીજો નેતા કે જે આજીવન સત્તા ભોગવવા માટે સમગ્ર પૃથ્વીના સંસાધનો પર અજગરી ભરડો લઈ રહ્યો છે. આ બંને પાસેથી માનવજાતના કલ્યાણની અપેક્ષા રાખવી એ મૂર્ખામીની પરાકાષ્ઠા છે. તેમની બંધ બારણે થતી મીટિંગો, કેમેરા સામેની કૃત્રિમ મુસ્કાનો અને સંયુક્ત નિવેદનોના પોકળ શબ્દો પાછળ માત્ર એક જ સત્ય છુપાયેલું છે, સત્તા ટકાવી રાખવી અને પોતાના હિતો સાધવા. વિશ્વશાંતિ, વૈશ્વિક વેપાર અને માનવતાનું ભવિષ્ય આ બે દેશોના અહંકારના પાટા નીચે કચડાઈ રહ્યું છે. આ બેઠક કોઈ નવા યુગની શરૂઆત નથી, પરંતુ વૈશ્વિક અરાજકતાના આગામી અધ્યાયનું કાવતરાભર્યું રિહર્સલ માત્ર છે. સમય આવી ગયો છે કે બાકીનું વિશ્વ આ બે કહેવાતા 'શાહુકારો' અને 'મસીહાઓ'ના પાખંડને ઓળખે અને તેમના ગંદી રમતનો ભાગ બનવાનું છોડીને સભાનતા સાથે આગળ વધે.
મધ્યસત્ર ચૂંટણીનું દબાણ અને ઘટતી લોકપ્રિયતા ટ્રમ્પની મજબૂરી
ટ્રમ્પની ઉતાવળ અને બેચેની પાછળનું અસલી કારણ છે નવેમ્બરમાં માથે તોળાઈ રહેલી યુએસ મધ્યસત્ર ચૂંટણીઓ છે. અમેરિકામાં હાલમાં મોંઘવારી, જીવનનિર્વાહના વધતા ખર્ચ અને વૈશ્વિક સ્તરે અમેરિકન વર્ચસ્વ ઘટવાની ચિંતા વચ્ચે ટ્રમ્પની લોકપ્રિયતા સામે પ્રશ્નાર્થો ઊભા થયા છે. રિપબ્લિકન પાર્ટી માટે કાઁગ્રેસ પર નિયંત્રણ જાળવી રાખવું અત્યંત જરૂરી છે. ટ્રમ્પ પોતાના મતદારોને એવું વેચવા માગે છે કે તેઓ જ એકમાત્ર એવા નેતા છે જે ચીનને ઘૂંટણિયે લાવી શકે છે. તેથી જ તેઓ આ બેઠકને એક ઐતિહાસિક સફળતા તરીકે ખપાવવા માટે હવાતિયાં મારી રહ્યા છે. જો કોઈ નક્કર પરિણામ ન આવે તો પણ આ ડિનર ડિપ્લોમસીના ફોટા, હાથ મિલાવવાની ક્ષણો અને મીડિયા કવરેજ દ્વારા અમેરિકન પ્રજાને એવો ભ્રમ કરાવવો છે કે પ્રમુખ રાત-દિવસ દેશના અર્થતંત્ર માટે લડી રહ્યા છે. ટૂંકમાં, ટ્રમ્પ માટે આ બેઠક કોઈ વિદેશનીતિનું ગંભીર પગલું નથી, પરંતુ પોતાની ગાદી બચાવવા માટેની ઘરઆંગણાની ચૂંટણી-પ્રચાર ઝુંબેશનો એક ભાગ માત્ર છે. સામાન્ય નાગરિક એવા ભ્રમમાં જીવે છે કે આ બે મહાસત્તાઓ વચ્ચેનો સંવાદ વિશ્વને ત્રીજા વિશ્વયુદ્ધના ભયમાંથી મુક્ત કરશે અથવા કૃત્રિમ બુદ્ધિમત્તા (છૈં) જેવા ઘાતક વિષયો પર કોઈ વૈશ્વિક નિયમન લાવશે. પરંતુ વાસ્તવિકતા એનાથી બિલકુલ વિપરીત અને બિહામણી છે. વાસ્તવિકતા એ છે કે, ન તો અમેરિકા યુદ્ધો અટકાવવા માગે છે, ન તો ચીન. અમેરિકાનું અર્થતંત્ર જ હથિયારો વેચવા પર ટકેલું છે. યુક્રેન હોય કે મધ્યપૂર્વ, જો ત્યાં શાંતિ સ્થપાઈ જાય તો અમેરિકાની લોકહીડ માર્ટિન કે બોઇંગ જેવી કંપનીઓનું અબજો ડોલરનું શસ્ત્ર-બજાર ઠપ્પ થઈ જાય. ચીન માટે પણ તાઇવાનનો મુદ્દો રાષ્ટ્રવાદ ભડકાવવાનું અને પોતાના સૈન્ય બજેટને કાયદેસરતા આપવાનું સૌથી સસ્તું સાધન છે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને ઓટોનોમસ વેપન્સ બાબતે બંને દેશો કોઈ વૈશ્વિક આચારસંહિતા સ્વીકારવા તૈયાર નથી.




