ટ્રમ્પ-જિનપિંગની અગમ્ય નિકટતા અને વૈશ્વિક વ્યવસ્થામાં ભૂકંપ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

- અમેરિકા જિનપિંગને રિઝવવા ટેક્સ ઘટાડવા રાજી પણ પોતાના વર્ષો જૂના મિત્રદેશોના ટેક્સમાં સતત વધારાના મિજાજમાં
- વોશિંગ્ટનની સત્તાની ધરી હવે વફાદારીની કદર કરવાને બદલે સોદાબાજીની દુકાન બની ચૂકી છે. આ કૂટનીતિક ગતિવિધિઓએ સ્પષ્ટ સંદેશ આપી દીધો છે કે અમેરિકા પોતાના સ્વાર્થ ખાતર કોઈપણ ક્ષણે પોતાના સાથીદારોની સાથે વિશ્વાસઘાત કરી શકે છે અથવા જૂના શત્રુઓને ભેટીને આવકારી પણ શકે છે : કેનેડા અમેરિકાનો માત્ર સરહદી પાડોશી જ નથી, પરંતુ 'નોરાડ' જેવી ઉત્તર અમેરિકી હવાઈ સંરક્ષણ વ્યવસ્થા અને નાટો ગઠબંધનનો સૌથી ભરોસાપાત્ર ભાગ રહ્યો છે. તેમ છતાં, કેનેડા પર આડેધડ ઈમ્પોર્ટ ટેરિફ લાદીને, આર્થિક ગળું દબાવવાના પ્રયાસો કરીને અને તેની સાર્વભૌમત્વ પર વિવાદાસ્પદ પ્રહારો કરીને ટ્રમ્પે સંબંધોમાં ઝેર ઘોળવાનું કામ કર્યું છે
આંતરરાષ્ટ્રીય કૂટનીતિના રંગમંચ પર સિદ્ધાંતો કે કાયમી વફાદારી જેવું કશું જ હોતું નથી, માત્ર નગ્ન રાષ્ટ્રીય સ્વાર્થ અને સોદાબાજી જ સર્વોપરી હોય છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તાજેતરની વિદેશ નીતિએ આ વરવી વાસ્તવિકતાને અત્યંત નિર્દયતાથી વૈશ્વિક પટલ પર છતી કરી દીધી છે. જે ચીનને અમેરિકા છેલ્લા બે દાયકાથી પોતાનો સૌથી મોટો સુરક્ષા ખતરો, વ્યૂહાત્મક હરીફ અને આર્થિક શત્રુ ગણાવીને દુનિયાભરમાં ઢોલ પીટતું રહ્યું હતું, તે જ ચીનના સર્વેસર્વા શી જિનપિંગનું વોશિંગ્ટનમાં જે રીતે ભવ્યાતિભવ્ય સ્વાગત કરવામાં આવ્યું, તેણે સમગ્ર આંતરરાષ્ટ્રીય સમીકરણોને હચમચાવી મૂક્યા છે. ખુદ ટ્રમ્પ એરપોર્ટ પર આગતાસ્વાગતા કરવા દોડી ગયા, લાલ જાજમ પાથરવામાં આવી, લશ્કરી ગાર્ડ ઓફ ઓનર અપાયું અને વ્હાઇટ હાઉસમાં શાહી ડિનરનું આયોજન થયું. આ કોઈ સામાન્ય ઔપચારિક મુલાકાત નહોતી, પરંતુ અમેરિકી સત્તાની પલટાતી રણનીતિનો એવો કૂટનીતિક વિરોધાભાસ હતો, જેણે દાયકાઓ જૂની પરંપરાગત મિત્રતા અને શત્રુતાની સીમારેખાઓ ભૂંસી નાખી છે.
ઉલ્લેખનીય છે કે, એક તરફ ચીન જેવા કટ્ટર હરીફ સમક્ષ લળી-લળીને નમતું વર્તન અને બીજી તરફ પોતાના જ જૂના, વફાદાર સાથી દેશો પર ટેરિફ અને દબાણના બેફામ ચાબુક, આ ટ્રમ્પની 'અમેરિકા ફર્સ્ટ' નીતિનું સૌથી ભયાનક અને આક્રમક પાસું છે. વોશિંગ્ટનની સત્તાની ધરી હવે વફાદારીની કદર કરવાને બદલે સોદાબાજીની દુકાન બની ચૂકી છે. આ કૂટનીતિક ગતિવિધિઓએ સ્પષ્ટ સંદેશ આપી દીધો છે કે અમેરિકા પોતાના સ્વાર્થ ખાતર કોઈપણ ક્ષણે પોતાના સાથીદારોની સાથે વિશ્વાસઘાત કરી શકે છે અથવા જૂના શત્રુઓને ભેટીને આવકારી પણ શકે છે.
અમેરિકાના પરંપરાગત મિત્ર દેશો સાથે ટ્રમ્પ તંત્રનો હાલનો વ્યવહાર જોવામાં આવે તો આ બેવડા વલણની નિર્લજ્જતા છતી કરે છે. કેનેડા અમેરિકાનો માત્ર સરહદી પાડોશી જ નથી, પરંતુ 'નોરાડ' જેવી ઉત્તર અમેરિકી હવાઈ સંરક્ષણ વ્યવસ્થા અને નાટો ગઠબંધનનો સૌથી ભરોસાપાત્ર ભાગ રહ્યો છે. તેમ છતાં, કેનેડા પર આડેધડ ઈમ્પોર્ટ ટેરિફ લાદીને, આર્થિક ગળું દબાવવાના પ્રયાસો કરીને અને તેની સાર્વભૌમત્વ પર વિવાદાસ્પદ પ્રહારો કરીને ટ્રમ્પે સંબંધોમાં ઝેર ઘોળવાનું કામ કર્યું છે. જે દેશ સાથે દાયકાઓથી મુક્ત વેપાર અને અતૂટ વિશ્વાસનો સેતુ હતો, તેને પણ વ્યાપારી બ્લેકમેલિંગની એરણે ચડાવી દેવામાં આવ્યો.
યુરોપિયન રાષ્ટ્રોની દશા પણ આનાથી જુદી નથી. બીજા વિશ્વયુદ્ધ બાદ એટલાન્ટિક સંરક્ષણ સુરક્ષાનો પાયો અમેરિકા અને યુરોપિયન સહયોગીઓની અતૂટ એકતા પર રચાયો હતો. પરંતુ ટ્રમ્પના આગમન સાથે જ નાટો સહયોગીઓને અપમાનિત કરવાની જાણે સ્પર્ધા શરૂ થઈ ગઈ. સંરક્ષણ ખર્ચ વધારવાના બહાને બ્રિટન, જર્મની અને ફ્રાન્સ જેવા દેશોની ક્ષમતા અને નિર્ભરતા પર આકરા સવાલો ઉઠાવવામાં આવ્યા. એટલું જ નહીં, મધ્યપૂર્વ સંકટ કે ઈરાન સાથેના તણાવ વખતે અમેરિકાને અંધ સમર્થન ન આપવા બદલ આ દેશો સામે જાહેરમાં રોષ ઠાલવીને સંબંધોની ગરિમાને ધૂળધાણી કરી દેવાઈ.
તેવી જ રીતે એશિયા-પેસિફિક અને હિંદ-પેસેફિક ક્ષેત્રની વાત કરીએ તો અમેરિકી કૂટનીતિનો પાયો ગણાતા જાપાન અને દક્ષિણ કોરિયા જેવા રાષ્ટ્રો સાથે પણ માત્ર નાણાકીય લેવડ-દેવડની ભાષામાં વાત કરવામાં આવી રહી છે. જાપાન દાયકાઓથી ચીનની આક્રમકતા સામે પેસિફિકમાં અમેરિકાનો સૌથી મજબૂત કિલ્લો રહ્યો છે. તે ક્વાડ અને સમગ્ર હિંદ-પેસેફિક ક્ષેત્રમાં અમેરિકી હિતોનો મુખ્ય સહભાગી છે. તેમ છતાં જાપાનને વેપારમાં છૂટછાટો આપવા અને નવા કરારો સ્વીકારવા માટે ટેરિફના હથિયારથી ડરાવવામાં આવ્યું. ઉત્તર કોરિયાના પરમાણુ જોખમો સામે ઢાલ બનીને ઊભેલા દક્ષિણ કોરિયા પાસેથી સુરક્ષા સહયોગનો ખર્ચ વસૂલવાની જીદ પકડીને સંબંધોને વ્યાવસાયિક સ્તરે ઉતારી દેવાયા.
ઓસ્ટ્રેલિયા, જે ઓકસ જેવા મહત્ત્વકાંક્ષી લશ્કરી કરારનો આધારસ્તંભ છે અને પેસેફિક મહાસાગરમાં ચીનના વિસ્તરણવાદ સામે સીધી ટક્કર ઝીલે છે, તેને પણ અમેરિકાની અનિશ્ચિત આર્થિક નીતિઓ અને ટેરિફના આંચકા સહન કરવા પડયા છે. પોતાના તમામ હિતો દાવ પર લગાવીને અમેરિકાની પાછળ ઊભા રહેલા મિત્રોને બદલામાં શું મળ્યું? આર્થિક દબાણ, ઉપેક્ષા અને અપમાન. જ્યારે બીજી બાજુ, જે ચીન તાઇવાનને ગળી જવા બેઠું છે, જેણે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, ટેકનોલોજી, હિંદ મહાસાગરમાં લશ્કરી અડ્ડાઓ અને આર્થિક તાકાત વડે અમેરિકાના વૈશ્વિક પ્રભુત્વને સીધો પડકાર ફેંક્યો છે, તેના સરમુખત્યાર શી જિનપિંગ માટે રેડ કાર્પેટ પાથરીને તેમના ગુણગાન ગાવામાં આવી રહ્યા છે. આ બેવડું વલણ માત્ર વિરોધાભાસ નથી, પરંતુ સત્તાની ખુલ્લી લુચ્ચાઈ છે.
આ સમગ્ર કૂટનીતિક ભૂકંપની સૌથી ગંભીર, ઊંડી અને સીધી અસર હિંદ-પેસેફિક ક્ષેત્ર અને ખાસ કરીને ભારત પર પડવાની છે. ભારતે છેલ્લા કેટલાક વર્ષોમાં ચીનની આક્રમકતા અને વિસ્તરણવાદને ખાળવા માટે અમેરિકા, જાપાન અને ઓસ્ટ્રેલિયા સાથે મળીને ક્વાડને અત્યંત સક્રિય અને આક્રમક બનાવ્યું હતું. ભારતે અમેરિકા સાથે સંરક્ષણ કરારો કર્યા, સંવેદનશીલ ટેકનોલોજીનું આદાનપ્રદાન વધાર્યું, નૌકાદળની સંયુક્ત કવાયતો વધારી અને સપ્લાય ચેઇન નેટવર્કમાં ચીનને અલગ પાડવા માટે અમેરિકા સાથે હાથ મિલાવ્યો. ભારતે પોતાની કૂટનીતિને એ દિશામાં વાળી કે જેથી હિંદ-પેસેફિક ક્ષેત્રમાં નિયમ-આધારિત વૈશ્વિક વ્યવસ્થા જળવાઈ રહે.
હવે ટ્રમ્પ અને જિનપિંગ વચ્ચેની આ મિલીભગતે નવી દિલ્હીના સંરક્ષણ અને વ્યૂહાત્મક વર્તુળોમાં લાલબત્તી ધરી દીધી છે. જો વોશિંગ્ટન અને બેઇજિંગ વચ્ચે આર્થિક કે વ્યૂહાત્મક સમજુતીઓ પાકી થઈ જાય અને બંને મહાસત્તાઓ વચ્ચેનો ગજગ્રાહ ધીમો પડી જાય, તો શું અમેરિકા માટે 'ક્વાડ' માત્ર એક કાગળનો વાઘ બનીને નહીં રહી જાય? ચીનને નિયંત્રિત કરવા માટે અમેરિકાને જે ભારતની સૌથી વધુ જરૂરિયાત જણાતી હતી, શું ચીન સાથે સમાધાન થતાં જ એ જરૂરિયાત ઓસરી નહીં જાય? ઇતિહાસ સાક્ષી છે કે અમેરિકા જ્યારે પણ મહાસત્તાઓની મંત્રણાના ટેબલ પર બેસે છે, ત્યારે તે પોતાના પ્રાદેશિક ભાગીદારોના હિતોનું બલિદાન આપતાં સહેજ પણ અચકાતું નથી.
આ દાવપેચની અસર માત્ર લશ્કરી કે સુરક્ષા ક્ષેત્ર પૂરતી સીમિત નથી, પરંતુ ભારતના આર્થિક ભવિષ્ય સાથે પણ સીધી જોડાયેલી છે. કોરોના મહામારી અને ત્યારબાદ અમેરિકા-ચીન વચ્ચેના વેપાર યુદ્ધને કારણે સમગ્ર વિશ્વમાં ચાઇના પ્લસ વન વ્યૂહરચના આક્રમક બની હતી. દુનિયાભરની બહુરાષ્ટ્રીય કંપનીઓ ચીનમાંથી પોતાનો કારોબાર સમેટીને ભારતમાં ઉત્પાદન પ્લાન્ટ નાખવા વિચારતી થઈ હતી. ભારતે પણ પીએલઆઇ સ્કીમ અને ઉત્પાદન ક્ષેત્રે મોટા સુધારાઓ કરીને પોતાને વૈશ્વિક સપ્લાય ચેઇનનું વૈકલ્પિક કેન્દ્ર બનાવવા માટે પૂરી તાકાત લગાવી દીધી હતી. જો ટ્રમ્પ અને ચીન વચ્ચે વેપાર તણાવ હળવો થઈ જશે, ટેરિફ પાછા ખેંચાશે અને અમેરિકી બજારોમાં ફરી ચીની માલ માટે સરળ બનશે, તો આંતરરાષ્ટ્રીય કંપનીઓનો ચીન છોડવાનો ઉત્સાહ આપોઆપ ઠંડો પડી જશે.
આ સ્થિતિ ભારતના મેન્યુફેક્ચરિંગ સેક્ટર અને નિકાસ વૃદ્ધિના સપનાઓ પર સીધો આઘાત સાબિત થઈ શકે છે.
ચિંતાજનક બાબત એ છે કે, ભારત-અમેરિકાના દ્વિપક્ષીય સંબંધોમાં પહેલેથી જ અનિશ્ચિતતાના વાદળો ઘેરાયેલા છે. એક તરફ બંને દેશો મુક્ત વેપાર કરારના માળખા પર સંમતિ સાધવાના દાવા કરે છે, તો બીજી તરફ અમેરિકા ભારતની સ્વાયત્ત વિદેશ નીતિ સામે આંખ આડા કાન કરવા તૈયાર નથી. રશિયા પાસેથી સસ્તું ક્રૂડ ઓઇલ ખરીદવાના ભારતના નિર્ણય પર અમેરિકી પ્રતિબંધો અને સંભવિત દંડાત્મક ટેરિફની તલવાર લટકાવવામાં આવી રહી છે. ભારતે સ્પષ્ટ શબ્દોમાં જણાવી દીધું છે કે દેશની ૧.૪ અબજ જનતાની ઊર્જા સુરક્ષા અને આર્થિક હિતો સાથે કોઈ બાંધછોડ નહીં થાય. તેમ છતાં, વોશિંગ્ટન દ્વારા આ મુદ્દે ભારત પર અવારનવાર દબાણ લાવવાના પ્રયાસો દર્શાવે છે કે ટ્રમ્પ પ્રશાસન પોતાના મિત્રો પાસેથી માત્ર શરણાગતિની અપેક્ષા રાખે છે, સમાન ભાગીદારીની નહીં.
ભારતે બહુધ્રુવીય વિશ્વ વ્યવસ્થામાં પોતાની ધરી જાતે મજબૂત કરવી પડશે
આ કપરા અને અનિશ્ચિત વૈશ્વિક માહોલમાં ભારત માટે સ્પષ્ટ અને કડક પાઠ એ છે કે તેણે વ્યૂહાત્મક સ્વાયત્તતાની પોતાની ઢાલને વધુ મજબૂત કરવી પડશે. કોઈ એક મહાસત્તાના ખોળામાં બેસી જવું એ ભારતના ભૌગોલિક અને ઐતિહાસિક કદને શોભે નહીં અને તે રાષ્ટ્રીય સુરક્ષા માટે આત્મઘાતી પણ સાબિત થઈ શકે. ભારતે બહુધ્રુવીય વિશ્વ વ્યવસ્થામાં પોતાની ધરી જાતે મજબૂત કરવી પડશે. ક્વાડનું મહત્ત્વ પોતાની જગ્યાએ અકબંધ રહેશે, પરંતુ તે જ સમયે રશિયા સાથેના ઐતિહાસિક સંબંધોને જાળવી રાખવા, યુરોપના શક્તિશાળી દેશો સાથે દ્વિપક્ષીય સંરક્ષણ સોદા કરવા, જાપાન અને ઓસ્ટ્રેલિયા સાથે સ્વતંત્ર સુરક્ષા ગઠબંધનો રચવા, મધ્યપૂર્વના દેશો સાથે ઊર્જા અને વેપાર મજબૂત કરવો તથા ગ્લોબલ સાઉથના અવાજ તરીકે પોતાનું નેતૃત્વ સ્થાપિત કરવું અનિવાર્ય બની ગયું છે. કોઈપણ મહાસત્તાની ખરી તાકાત માત્ર તેના ઘાતક હથિયારો, વિરાટ અર્થતંત્ર કે આધુનિક ટેકનોલોજીથી નથી મપાતી; તેની અસલ તાકાત તેની શાખ અને વિશ્વસનીયતામાં હોય છે. જ્યારે કોઈ દેશ પોતાના સૌથી વફાદાર સાથીઓ પર દબાણ લાવે અને પોતાના કટ્ટર શત્રુઓ સમક્ષ સોદાબાજી માટે ઘૂંટણિયે પડે, ત્યારે તે પોતાની વૈશ્વિક વિશ્વસનીયતા ગુમાવી બેસે છે. જો સાથી દેશોનો અમેરિકી સંકલ્પો પરથી ભરોસો ઊઠી જશે, તો દુનિયા એક નવા વિકલ્પ તરફ વળશે. ટ્રમ્પ અને શી જિનપિંગની આ મિલન-ગાથા નવી દિલ્હી માટે લપડાક સમાન ચેતવણી છે. આંતરરાષ્ટ્રીય જંગલમાં મિત્રતાના મહોરા પાછળ શિકારીઓ છુપાયેલા છે, અને ભારતે પોતાની સુરક્ષા તથા સ્વાભિમાનની રક્ષા પોતાના જ બાહુબળે કરવી પડશે. અમેરિકા દ્વારા પોતાના સાથી દેશો સાથે જે રીતે વિશ્વાસઘાત કરવામાં આવી રહ્યો છે તે જોતાં આગામી સમયમાં અમેરિકા ગમે ત્યારે અને ગમે તે મોરચે ભારતને પણ દગો કરે તો નવાઈ પામવા જેવું નથી.




