News Focus

બ્રિક્સની પોકળ ગર્જનાઓ, નબળી કૂટનીતિ અને લોહીયાળ વૈશ્વિક અર્થતંત્ર

By GS Team
15 Sep 20267 mins read
TukuTouch Logo
ભારતમાં યોજાયેલી BRICS પરિષદ વૈશ્વિક જનતાને પોકળ સધિયારો આપવાનું એક ખર્ચાળ નાટક હતું. આ સમિટમાં રશિયા-યુક્રેન યુદ્ધ, ઇઝરાયેલ-ગાઝા સંઘર્ષ અને ચીનની આક્રમકતા જેવા કડવા સત્યો પર મૌન સેવી લેવાયું. જાણકારોના મતે, આ માત્ર રાજકીય દંભ અને નૈતિક કાયરતા હતી. આ સંમેલનો સમસ્યાઓનું નિવારણ નથી, પરંતુ સ્વાર્થી શાસકોનો તાયફો બની ગયા છે.

Summarized by AI; it may make mistakes. Check important info

બ્રિક્સની પોકળ ગર્જનાઓ, નબળી કૂટનીતિ અને લોહીયાળ વૈશ્વિક અર્થતંત્ર
  • બ્રિક્સની ફલશ્રૃતિ દેખવામાં ભપકાદાર અને અસરકારક લાગે પણ અસરકારકતા ભારતમાં મોંઘવારી ઘટાડવા જેવી છે
  • કોઈપણ સંસ્થા કે સંમેલનનું મૂલ્ય એ વાત પરથી નક્કી થાય છે કે તે મુશ્કેલ સમયમાં કડવા સત્યો બોલવાની કેટલી તાકાત ધરાવે છે. જે પરિષદ પોતાના ઉંબરે પડેલા શબોને જોઈને આંખો મીંચી લેતી હોય, તે અમેરિકાની જોહુકમી સામે ક્રાંતિ કરવાની વાતો કરે તે હાસ્યાસ્પદ અને શરમજનક છે. આ કોઈ રાજદ્વારી વ્યૂહરચના નથી, આ સ્પષ્ટપણે નૈતિક કાયરતા છે : દુનિયાના સામાન્ય નાગરિકોએ હવે એ ક્રૂર સત્ય સ્વીકારી જ લેવું પડશે કે યુદ્ધ હવે કોઈ અસાધારણ ઘટના નથી, તે રોજિંદા જીવનનો હિસ્સો બની ગયું છે. પેટ્રોલ-ડીઝલના ભાવ વધે, શેરબજાર તૂટે કે મોંઘવારી વધે, તેની પાછળ ક્યાંક ચાલી રહેલું યુદ્ધ જ જવાબદાર હોય છે : જ્યાં સુધી વિશ્વના અર્થતંત્રો માણસોના મોત પર નફો કમાતા રહેશે, જ્યાં સુધી બ્રિક્સના પોતાના સભ્યો એકબીજાની જમીન હડપવા અને નરસંહાર કરવા આતુર રહેશે, ત્યાં સુધી આવા સંમેલનોનો કોઈ અર્થ રહેશે નહીં. આ આખી સમિટ એ વૈશ્વિક જનતા સાથે થયેલો એક અત્યંત શરમજનક અને ક્રૂર રાજકીય દંભ હતો

આંતરરાષ્ટ્રીય કૂટનીતિના નામે ચાલતી વૈશ્વિક સમિટો હવે સમસ્યાઓના નિવારણ માટેનાં ગંભીર મંચો નથી રહી, પણ વિશ્વના સૌથી પાખંડી અને સ્વાર્થી શાસકોનો તાયફો બનીને રહી ગઈ છે. ભારતમાં યોજાયેલી બ્રિક્સ પરિષદ એ માત્ર બીજું કશું નહીં, પણ વૈશ્વિક જનતાને પોકળ સધિયારો આપવાનું એક સુવ્યવસ્થિત અને ખર્ચાળ નાટક હતું. બંધ બારણે, એર-કન્ડિશન્ડ હોલોમાં બેસીને પશ્ચિમી દબાણો સામે ઘાંટા પાડવા, અમેરિકાની દાદાગીરી સામે છાતી કૂટવી અને આતંકવાદ કે ટ્રેડવોર સામે કાગળના વાઘ દોડાવવા, આ તમાશો જોઈને સામાન્ય બુદ્ધિ ધરાવતો માણસ પણ સમજી શકે છે કે આ આખી કવાયત માત્ર ને માત્ર દંભ છે.
જાણકારો માને છે કે, બ્રિક્સ કોઈ મદદ કરવાનું સંગઠન નહીં પણ એકબીજા સામે પરમાણુ મિસાઇલો તાકીને બેઠેલા, એકબીજાની જમીન પચાવી પાડવા તલપાપડ અને અંદરોઅંદર ધિક્કારતા દેશોનું એક અનૈતિક મિશ્રણ! આ મંચ પર ભારત અને ચીન એક જ ટેબલ પર બેસીને વિશ્વ વ્યવસ્થા સુધારવાની વાતો કરે છે. આનાથી મોટી મજાક કઈ હોઈ શકે? માત્ર સ્થિતિ વિચારીએ કે, ચીન ભારતના લદ્દાખમાં ઘૂસણખોરી કરે છે, અરુણાચલ પ્રદેશ પર પોતાનો દાવો ઠોકી બેસે છે, ભારતના સૈનિકો સાથે લોહિયાળ અથડામણો કરે છે અને હિંદ મહાસાગરમાં ભારતને ઘેરવા માટે 'સ્ટ્રિંગ ઓફ પર્લ્સ'ની જાળ બિછાવે છે.
આવા ખંધા ચીનના સરમુખત્યાર સાથે હાથ મિલાવીને ભારત વૈશ્વિક શાંતિના ડ્રાફ્ટ પાસ કરાવે છે! આ એકતા નથી, આ નરી લાચારી અને આંતરરાષ્ટ્રીય સ્તરનું નાટક છે. બ્રિક્સના સભ્ય દેશો વચ્ચે કોઈ પ્રામાણિકતા કે સહિયારો ઉદ્દેશ નથી. આ માત્ર એવા ગઠિયાઓનું ટોળું છે જેમને અમેરિકી ડાલરની મોનોપોલી તોડવી છે જેથી તેઓ પોતપોતાના દેશોમાં સ્વતંત્ર રીતે પોતાની દાદાગીરી ચલાવી શકે. આ દેશો માત્ર પોતાના અંગત સ્વાર્થ સાધવા ભેગા થયા છે, બાકી તક મળતાં જ એકબીજાની પીઠમાં ખંજર ભોંકવામાં આમાંથી એકેય દેશ સેકન્ડનો પણ વિચાર કરવાનો નથી.
કોઈપણ સંસ્થા કે સંમેલનનું મૂલ્ય એ વાત પરથી નક્કી થાય છે કે તે મુશ્કેલ સમયમાં કડવા સત્યો બોલવાની કેટલી તાકાત ધરાવે છે. આ દ્રષ્ટિએ બ્રિક્સની આ બેઠક સંપૂર્ણપણે નબળી સાબિત થઈ છે. વિશ્વ આજે જે વિનાશકારી સંકટોમાંથી પસાર થઈ રહ્યું છે, તેના પર આ સમિટમાં પથ્થર જેવું મૌન સેવી લેવાયું છે. સૌથી પહેલી બાબત છે રશિયાનો યુક્રેનમાં નરસંહાર અને બંનેનું ભયાનક યુદ્ધ. વ્લાદિમીર પુતિને એક આખા દેશને ખંડેર બનાવી દીધો, લાખો લોકો બેઘર બન્યા, હજારો નિર્દોષો માર્યા ગયા. તેના કારણે સમગ્ર વિશ્વમાં અનાજ, ખાતર અને તેલના ભાવો આસમાને પહોંચી ગયા. છતાં, બ્રિક્સના સંયુક્ત નિવેદનમાં રશિયાનું નામ લઈને તેની આક્રમકતાની નિંદા કરવાની કોઈમાં તાકાત નહોતી. કારણ? પુતિન પોતાના જૂથના જ 'ભાઈ' છે! પોતાના સભ્યના અપરાધો પર પડદો પાડવો એ જ જો આ સંગઠનનો ધર્મ હોય, તો આ સંગઠનને વિશ્વ સમક્ષ ખુલ્લું પાડીને ફેંકી દેવું જોઈએ.
તેનાથી આગળ વાત કરીએ તો, ચીન વારંવાર તાઇવાનની સરહદમાં ફાઇટર જેટ મોકલે છે, દક્ષિણ ચીન સાગરમાં આંતરરાષ્ટ્રીય કાયદાઓનાં ધજાગરા ઉડાવે છે. પરંતુ શી જિનપિંગના ચહેરા તરફ આંગળી ચીંધવાની કોઈની હેસિયત નહોતી. તેવી જ રીતે ઇઝરાયેલ-ગાઝાનું લોહિયાળ તાંડવ પણ એટલું જ દુનિયાને કઠે છે. પશ્ચિમ એશિયા સળગી રહ્યું છે, હોસ્પિટલો પર બોમ્બ પડી રહ્યા છે, બાળકો કાટમાળ નીચે દબાઈને મરી રહ્યા છે. છતાં આ વૈશ્વિક નેતાઓ માત્ર ગોળ-ગોળ, નિર્જીવ અને શબ્દોની જાળ ગૂંથતા રહ્યા. જે પરિષદ પોતાના ઉંબરે પડેલા શબોને જોઈને આંખો મીંચી લેતી હોય, તે અમેરિકાની જોહુકમી સામે ક્રાંતિ કરવાની વાતો કરે તે હાસ્યાસ્પદ અને શરમજનક છે. આ મૌન કોઈ રાજદ્વારી વ્યૂહરચના નથી, આ સ્પષ્ટપણે નૈતિક કાયરતા છે.
જાણકારોના મતે વિશ્વના નેતાઓ ભલે વિવિધ મંચ પરથી શાંતિના કબૂતરો ઉડાડતા હોય, પણ કડવું અને બિહામણું સત્ય એ છે કે આજનું સમગ્ર વૈશ્વિક અર્થતંત્ર યુદ્ધ, બારૂદ અને માનવ સંહારના પાયા પર ટકેલું છે. અમેરિકા હોય, રશિયા હોય, ચીન હોય કે યુરોપિયન દેશો કે પછી મોટા વિકાસશિલ દેશો, તેમની જીડીપીનો મોટો હિસ્સો સંરક્ષણ ઉદ્યોગ પર નિર્ભર છે. બોઇંગ, લોકહીડ માટન કે રશિયાની રોસ્ટેક જેવી વિશાળકાય કંપનીઓ જો મિસાઇલો, બોમ્બ અને યુદ્ધ વિમાનો ન વેચે, તો તેમના દેશોમાં આર્થિક મંદી આવી જાય. આ દેશોને પોતાના અર્થતંત્રને ધબકતું રાખવા માટે દર પાંચ-દસ વર્ષે ક્યાંક ને ક્યાંક નવું યુદ્ધ સળગાવવું અનિવાર્ય છે.
દુનિયાના સામાન્ય નાગરિકોએ હવે એ ક્રૂર સત્ય સ્વીકારી જ લેવું પડશે કે યુદ્ધ હવે કોઈ અસાધારણ ઘટના નથી, તે રોજિંદા જીવનનો હિસ્સો બની ગયું છે. પેટ્રોલ-ડીઝલના ભાવ વધે, શેરબજાર તૂટે કે મોંઘવારી વધે, તેની પાછળ ક્યાંક ચાલી રહેલું યુદ્ધ જ જવાબદાર હોય છે. આપણે એક એવા યુગમાં પ્રવેશી ચૂક્યા છીએ જ્યાં યુદ્ધો અટકવાના નથી, માત્ર તેના મોરચાઓ બદલાવાના છે. આવા ખૂની માહોલમાં જ્યારે કોઈ નેતા નિ:શસ્ત્રીકરણ કે શાંતિની અપીલ કરે, ત્યારે તે કોઈ કતલખાનામાં જઈને અહિંસા પર પ્રવચન આપવા જેવી મૂર્ખામી લાગે છે.
આ સ્થિતિમાં ભારતની પોતાની વાસ્તવિકતા જોઈએ તો તેમાં મોટો વિરોધાભાસ છે. એક તરફ ભારત વિશ્વને ઉપદેશ આપે છે કે સંસાધનો અને ટેકનોલોજીનો હથિયાર તરીકે ઉપયોગ ન કરો, યુદ્ધો બંધ કરો. પણ બીજી તરફ ભારત સરકાર પોતાનું અર્થતંત્ર ક્યાં ખર્ચે છે? ભારત વિશ્વના સૌથી મોટા હથિયાર ખરીદનાર દેશોની યાદીમાં ટોચ પર બેઠું છે. આ ઉપરાંત ભારતે હથિયારો વિચારવાની પણ શરૂઆત કરી દીધી છે. દેશની કરોડો ગરીબ જનતા જે કુપોષણ, બેરોજગારી, કથળેલી શિક્ષણ વ્યવસ્થા અને સડી ગયેલી આરોગ્ય સેવાઓ વચ્ચે સબડે છે, તેમના કલ્યાણ માટે પૈસા નથી હોતાત પરંતુ દેશનું વાષક સંરક્ષણ બજેટ લાખો કરોડો રૂપિયાનું હોય છે. હા, ભારત પાસે પાકિસ્તાન અને ચીન જેવા ઘાતકી પાડોશીઓ હોવાથી સૈન્ય મજબૂત કરવું તેની મજબૂરી હોઈ શકે. પરંતુ જો આ તમારી મજબૂરી છે, તો પછી વિશ્વ મંચ પર જઈને 'શાંતિદૂત' કે 'વિશ્વગુરુ' બનવાના અભરખાં છોડી દેવા જોઈએ!
બ્રિક્સમાં મોદીએ રજૂ કરેલા શાંતિ અને ટેકનોલોજી સુરક્ષાના પ્રસ્તાવો પણ દેશમાં મોંઘવારી ઘટાડવાના વચનો જેવા જ છે, સંપૂર્ણપણે પોકળ, અમલમાં મૂકવા અશક્ય અને માત્ર પ્રજાનું ધ્યાન ભટકાવવા પૂરતા! આ બેઠક બાદ કેટલાક સવાલો ઊભા થાય છે જેના જવાબ કોઈ આપી શકે તેમ નથી. જેમ કે, શું આ ડ્રાફ્ટ પાસ થવાથી રશિયા યુક્રેન પર મિસાઇલો છોડવાનું બંધ કરી દેશે? શું ચીન તાઇવાનની સરહદેથી પોતાના ફાઇટર પ્લેન પાછા ખેંચી લેશે? શું અમેરિકા પોતાની આર્થિક પ્રતિબંધો લાદવાની જોહુકમી બંધ કરશે? બિલકુલ નહીં. આમાંથી કશું જ થવાનું નથી. કાગળના આ ટુકડાઓ માત્ર રાજદ્વારી દફતરોની ધૂળ ખાશે. જેમ મોંઘવારી ઘટવાની વાતો માત્ર ચૂંટણી જીતવાના નારા છે, તેમ જ વૈશ્વિક મંચ પર શાંતિ સ્થાપવાની વાતો માત્ર હેડલાઇન્સ મેનેજમેન્ટનો એક ભાગ છે.
ભારતમાં યોજાયેલી બ્રિક્સ બેઠકે એ સ્પષ્ટ કરી દીધું છે કે વૈશ્વિક કૂટનીતિ હવે સંપૂર્ણપણે સડી ચૂકી છે. આ બેઠક માત્ર એવા દેશોનો મેળાવડો હતો જેઓ પોતાના અપરાધો, પોતાની સરમુખત્યારશાહી અને પોતાના રક્તરંજિત એજન્ડાને અમેરિકા-વિરોધના પડદા પાછળ છુપાવવા માગતા હતા. વડાપ્રધાન મોદીના શાંતિના ડ્રાફ્ટ કે બ્રિક્સના સંયુક્ત નિવેદનો વાસ્તવિક દુનિયામાં કોઈ કિંમત ધરાવતા નથી. જ્યાં સુધી વિશ્વના અર્થતંત્રો માણસોના મોત પર નફો કમાતા રહેશે, જ્યાં સુધી બ્રિક્સના પોતાના સભ્યો એકબીજાની જમીન હડપવા અને નરસંહાર કરવા આતુર રહેશે, ત્યાં સુધી આવા સંમેલનોનો કોઈ અર્થ રહેશે નહીં. આ આખી સમિટ એ વૈશ્વિક જનતા સાથે થયેલો એક અત્યંત શરમજનક અને ક્રૂર રાજકીય દંભ હતો.

બ્રિક્સની બેઠકો અને વાતો માત્ર સમાચારો બનાવવા જેટલી જ અસરકારક
ઉલ્લેખનીય છે કે, ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંચ પરથી ખૂબ જ મીઠાં અને આકર્ષક ભાષણો આપ્યાં. તેમણે ડ્રાફ્ટ રજૂ કર્યો કે ટેક્નોલોજી અને રેર અર્થ મટિરિયલ્સનો ઉપયોગ હથિયાર તરીકે ન થવો જોઈએ, સપ્લાય ચેઈનને સુરક્ષિત રાખવી જોઈએ અને યુદ્ધો અટકાવવા જોઈએ. સાંભળવામાં આ બધું કેટલું ઉત્તમ, નૈતિક અને ગાંધીવાદી લાગે છે! પરંતુ આંતરરાષ્ટ્રીય કૂટનીતિ કોઈ સંતોના આશ્રમથી નથી ચાલતી. આ વરવી વાસ્તવિકતામાં મોદીના આ તમામ વિચારો સાવ પોકળ, ફુલગુલાબી અને હવામાં ઉડતા પરપોટા જેવા છે. તેની વાસ્તવિકતા જોઈએ તો, ચીન વિશ્વના ૭૦ ટકાથી વધુ રેર અર્થ મિનરલ્સ પર કબજો જમાવીને બેઠું છે. શું ચીન મોદીના એક ભાષણથી પીગળીને પોતાની આ મોનોપોલી અને આથક બ્લેકમેઇલિંગ છોડી દેશે? ક્યારેય નહીં! આજે સેમિકન્ડક્ટર, આટફિશિયલ ઇન્ટેલિજન્સ અને સાયબર સ્પેસ એ જ આધુનિક યુદ્ધના સૌથી ઘાતક હથિયાર છે. જે દેશ પાસે આ ટેકનોલોજી છે, તે તેનો ઉપયોગ સામા પક્ષને કચડી નાખવા માટે જ કરવાનો છે. તેમાં પણ ચીન મોખરે છે. હકિકત એ છે કે, નરેન્દ્ર મોદીના શાંતિના ડ્રાફ્ટને સર્વસંમતિથી સ્વીકારી લેવાયો કારણ કે કાગળ પર સહી કરવામાં કોઈનું કંઈ લૂંટાઈ જતું નથી.
હકીકતમાં આ ડ્રાફ્ટ એક સુંદર રમકડું છે, જેને કબાટમાં મૂકીને તમામ દેશો પોતાના શસ્ત્રાગારો વધુ ઘાતક બનાવવામાં જ લાગેલા રહેવાના છે. આ વાતો માત્ર અખબારોની હેડલાઇન્સ બનાવવા માટે સારી છે, વૈશ્વિક વાસ્તવિકતામાં તેનું મૂલ્ય શૂન્ય છે.