News Focus

સ્વતંત્રતાનો સાદ કે વિખવાદ : યુનાઈટેડ કિંગડમ વિખરાવાની અણીએ

By GS Team
18 Sep 20267 mins read
TukuTouch Logo
યુનાઈટેડ કિંગડમ આજે તેના ઈતિહાસના સૌથી ગંભીર બંધારણીય સંકટ પર છે. સ્કોટલેન્ડમાં સ્વતંત્રતાની માંગ, નોર્ધન આયર્લેન્ડમાં પુન: એકીકરણની લાગણી અને વેલ્સમાં સ્વાયત્તતાની ઈચ્છાએ લંડન સરકાર સામે પડકારો સર્જ્યા છે. બ્રેક્ઝિટ, આર્થિક અસમાનતા અને પ્રાદેશિક રાષ્ટ્રવાદના કારણે સદીઓ જૂનો આ સંઘ તૂટવાની અણીએ છે. જો યુકે વિભાજિત થશે, તો વૈશ્વિક મંચ પર બ્રિટનનું કદ ઘટશે અને આર્થિક સંકટ ઊભું થશે.

Summarized by AI; it may make mistakes. Check important info

સ્વતંત્રતાનો સાદ કે વિખવાદ : યુનાઈટેડ કિંગડમ વિખરાવાની અણીએ
  • ઈંગ્લેન્ડ, સ્કોટલેન્ડ, વેલ્સ અને નોર્ધન આયર્લેન્ડના જોડાણથી બનેલા યુનાઈટેડ કિંગડમના આંતરિક સાંધા ઢીલા પડી રહ્યા છે
  • યુનાઈટેડ કિંગડમ એક જ દિવસે રચાયેલો દેશ નથી, સદીઓના યુદ્ધો, રાજકીય સમજૂતીઓ અને કાયદાકીય સંધિઓને પરિણામે તેનું અસ્તિત્વ શક્ય બન્યું હતું. સ્કોટલેન્ડમાં સ્વતંત્રતાની માંગ, નોર્ધન આયર્લેન્ડમાં પુન: એકીકરણની પ્રબળ બનતી લાગણી અને વેલ્સમાં વધતી સ્વાયત્તતાની ઈચ્છાએ સદીઓ બાદ મોટા બંધારણીય પડકારો સર્જ્યા છે : યુકે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદનું કાયમી સભ્ય છે અને G7 તેમજ નાટોમાં અગ્રણી ભૂમિકા ભજવે છે. જો તેનો જ એક મોટો હિસ્સો અલગ થઈ જાય, તો વૈશ્વિક મંચ પર બ્રિટનનું કદ અને પ્રભાવ નોંધપાત્ર રીતે ઘટી જશે. તેનાથી પણ વિશેષ ચલણ, વેપાર જકાત અને રાષ્ટ્રીય દેવાની વહેંચણી જેવા મુદ્દાઓ તમામ પક્ષો માટે જટિલ આર્થિક સંકટ ઊભું કરી શકે છે : યુનાઈટેડ કિંગડમ આજે તેના ઈતિહાસના સૌથી ગંભીર બંધારણીય સંકટ ઉપર ઊભું છે.
    એક સમયે જે સંઘ સામ્રાજ્યવાદ અને ઔદ્યોગિક ક્રાંતિની સહિયારી સફળતા પર ટકેલો હતો, તે સંઘ આજે બ્રેક્ઝિટ, આર્થિક અસમાનતા અને પ્રાદેશિક રાષ્ટ્રવાદના વમળમાં ફસાયો છે

વિશ્વના સૌથી જૂના, પ્રભાવશાળી અને આધુનિક લોકશાહીના પાયા ગણાતા યુનાઈટેડ કિંગડમ સામે અસ્તિત્વનું સંકટ ઊભું થયું છે. સદીઓ જૂનો આ સંઘ તૂટવાની અણીએ પહોંચી ગયો છે. સદીઓ પહેલાં ઈંગ્લેન્ડ, સ્કોટલેન્ડ, વેલ્સ અને નોર્ધન આયર્લેન્ડના જોડાણથી બનેલા યુનાઈટેડ કિંગડમના આંતરિક સાંધા હવે ઢીલા પડી રહ્યા હોય તેવું સ્પષ્ટ જણાય છે. ઉલ્લેખનીય છે કે, સ્કોટલેન્ડમાં સ્વતંત્રતાની માંગ, નોર્ધન આયર્લેન્ડમાં આયર્લેન્ડ પ્રજાસત્તાક સાથે પુન: એકીકરણની પ્રબળ બનતી લાગણી અને વેલ્સમાં વધતી સ્વાયત્તતાની ઈચ્છાએ લંડનની કેન્દ્ર સરકાર સામે બંધારણીય પડકારો સર્જ્યા છે.
ઉલ્લેખનીય છે કે, યુનાઈટેડ કિંગડમ એક જ દિવસે રચાયેલો દેશ નથી તે સંઘીય માળખું છે. સદીઓના યુદ્ધો, રાજકીય સમજૂતીઓ અને કાયદાકીય સંધિઓને પરિણામે તેનું અસ્તિત્વ શક્ય બન્યું હતું. ૧૩મી સદીમાં ઈંગ્લેન્ડે વેલ્સ પર વિજય મેળવ્યો હતો અને ૧૫૩૬-૧૫૪૨ના 'એક્ટ્સ ઓફ યુનિયન' દ્વારા તેને વહીવટી રીતે ઈંગ્લેન્ડ સાથે જોડી દેવામાં આવ્યું. ત્યારબાદ ૧૭૦૭ના 'એક્ટ ઓફ યુનિયન' અંતર્ગત ઈંગ્લેન્ડ અને સ્કોટલેન્ડની સંસદોનું વિલીનીકરણ થયું અને 'ગ્રેટ બ્રિટન' અસ્તિત્વમાં આવ્યું. આ સંધિ છતાં સ્કોટલેન્ડે તેની આગવી કાયદાકીય પ્રણાલી જેને સ્કોટ્સ લો, શિક્ષણ વ્યવસ્થા અને ધાર્મિક ઓળખ જાળવી રાખી હતી. આ ત્યારબાદ ત્રીજા તબક્કામાં સમગ્ર આયર્લેન્ડ ૧૮૦૧માં યુકેનો ભાગ બન્યું હતું. જોકે, ૨૦મી સદીની શરૂઆતમાં થયેલા સશસ્ત્ર રાષ્ટ્રવાદી સંઘર્ષ પછી ૧૯૨૧માં આયર્લેન્ડનું વિભાજન થયું. દક્ષિણનો મોટો હિસ્સો આઝાદ થઈને 'રિપબ્લિક ઓફ આયર્લેન્ડ' બન્યો, જ્યારે પ્રોટેસ્ટન્ટ બહુમતી ધરાવતો ઉત્તરી ભાગ નોર્ધન આયર્લેન્ડ યુકે સાથે જોડાયેલો રહ્યો. મહત્ત્વની વાત એ છે કે, આ રીતે બનેલું યુકે કાગળ પર એક દેશ હોવા છતાં તેની અંદર ચાર અલગ-અલગ ઐતિહાસિક રાષ્ટ્રો વસેલા છે. વર્તમાન સમયની સમસ્યાઓની વાત કરીએ તો યુકેમાં રહેલા સમાવિષ્ટ દેશોમાં જ જાતભાતની ઈચ્છાઓ પ્રગટી છે. તેમાં સ્કોટલેન્ડમાં સ્વતંત્રતાની ભાવના વધારે પ્રબળ બનેલી છે. જાણકારોના મતે સ્કોટલેન્ડમાં સ્વતંત્રતાની માંગણી કોઈ અચાનક ઉભરેલો વિચાર નથી, પરંતુ દાયકાઓથી ચાલતી એક સંગઠિત રાજકીય ચળવળ છે. સ્કોટિશ નેશનલ પાર્ટીના ઉદય સાથે આ મુદ્દો સ્કોટિશ રાજકારણના કેન્દ્રમાં આવ્યો છે. સ્કોટલેન્ડમાં ઊભા થયેલા અસંતોષ પાછળ ઘણા પરિબળો જવાબદાર માનવામાં આવે છે.
સ્કોટલેન્ડના મતદારો સામાન્ય રીતે ડાબેરી કે મધ્યમ-માર્ગીય એટલે કે સોશિયલ ડેમોક્રેટિક પક્ષો તરફ વધુ ઢળેલા છે. તેનાથી વિપરીત, વેસ્ટમિન્સ્ટર (લંડન)માં મોટાભાગે કન્ઝર્વેટિવ પક્ષની સરકાર રહી છે. સ્કોટિશ નાગરિકોને લાગે છે કે તેઓ જે સરકારને મત આપતા નથી, તે સરકાર તેમના પર શાસન ચલાવે છે. આ સિવાય સ્કોટલેન્ડ પાસે ઉત્તર સમુદ્રમાં કુદરતી તેલ અને ગેસના વિપુલ ભંડાર છે તેમજ રિન્યુએબલ એનર્જીમાં તે અગ્રેસર છે. સ્વતંત્રતા સમર્થકો માને છે કે જો સ્કોટલેન્ડ આઝાદ થાય, તો તે નોર્વેની જેમ પોતાના સંસાધનોનું નિયમન કરીને સમૃદ્ધ કલ્યાણકારી દેશ બની શકે છે. આ સિવાય ૧૯૯૯માં સ્કોટિશ સંસદની પુન:સ્થાપના પછી સ્કોટલેન્ડે આરોગ્ય અને શિક્ષણ જેવા વિષયોમાં પોતાની નીતિઓ બનાવી, જે દર્શાવે છે કે તેઓ પોતાનો વહીવટ ચલાવવા સક્ષમ છે. આ અંસતોષની સ્થિતિ જાણવા અને સ્કોટલેન્ડના લોકો કઈ દિશામાં આગળ વધવા માગે છે તે જાણવા ૧૮ સપ્ટેમ્બર ૨૦૧૪ના રોજ સ્કોટલેન્ડમાં ઐતિહાસિક જનમત સંગ્રહ યોજાયો હતો. આ મતદાન દરમિયાન અંદાજે ૫૬ ટકા લોકોએ આઝાદીની વિરુદ્ધમાં જ્યારે ૪૪ ટકા લોકોએ આઝાદીની તરફેણમાં મતદાન કર્યું હતું. આ ચૂંટણી દરમિયાન મતદાનનું પ્રમાણ આશરે ૮૪.૬% જેટલું અભૂતપૂર્વ રહ્યું હતું. તે સમયે બ્રિટિશ સરકારે વચન આપ્યું હતું કે આ ઘટના વન્સ ઈન એ જનરેશન જેવી છે. ત્યારબાદ આ દિશામાં કોઈ નક્કર પગલાં લેવાયા નહોતા.
જાણકારોના મતે સ્કોટલેન્ડ મુદ્દે મતદાન થયાના બે વર્ષ બાદ સ્થિતિ વધુ વણસવા લાગી હતી. ખાસ કરીને ૨૦૧૬માં થયેલ બ્રેક્ઝિટ જનમત સંગ્રહે યુકેના રાજકીય માળખાને હચમચાવી દીધું. સમગ્ર યુકેના સ્તરે ૫૨% લોકોએ યુરોપિયન યુનિયન (EU) છોડવાની તરફેણમાં મતદાન ંકર્યું, પરંતુ પ્રાદેશિક આંકડા સંપૂર્ણપણે અલગ હતા. ઈંગ્લેન્ડમાં ૪૭ ટકા લોકો ઈયુમાં રહેવા જ્યારે ૫૩ ટકા ઈયુ છોડવા માગતા હતા. તેવી જ રીતે વેલ્સના ૪૭.૫ ટકા લોકો યુરોપમા જોડાયેલા રહેવા જ્યારે ૫૨.૫ ટકા લોકો ઈયુ છોડવાની વાત કરતા હતા. આ સિવાય સ્કોટલેન્ડમાં ૬૨ ટકા લોકો યુરોપીયન યૂનિયનમાં રહેવા જ્યારે માત્ર ૩૮ ટકા લોકો તેને છોડવા માગતા હતા. નોર્ધન આર્યલેન્ડમાં પણ ૫૬ ટકા લોકો ઈયુ સાથે જોડાયેલા રહેવા અને ૪૪ ટકા લોકો તેને છોડવાની તરફેણ કરતા હતા. સ્કોટલેન્ડના ૬૨% અને નોર્ધન આયર્લેન્ડના આશરે ૫૬% લોકોએ યુરોપિયન યુનિયન સાથે જોડાયેલા રહેવા મત આપ્યો હતો. છતાં, ઈંગ્લેન્ડની મોટી વસ્તીના બહુમતી મતોને કારણે સમગ્ર યુકેને EUમાંથી બહાર નીકળવું પડયું.
સ્કોટલેન્ડના લોકો માટે આ એક મોટો રાજકીય આંચકો હતો. આ પહેલાં ૨૦૧૪ના જનમત સંગ્રહમાં ઘણા સ્કોટિશ નાગરિકોએ યુકેમાં રહેવા માટે એટલા માટે મત આપ્યો હતો કે યુકે છોડવાથી તેઓ EUમાંથી પણ બહાર થઈ જશે. પરંતુ ૨૦૧૬માં યુકે સાથે રહેવા છતાં તેમને અનિચ્છાએ EUમાંથી બહાર ધકેલી દેવામાં આવ્યા. આ ઘટનાએ બીજા જનમત સંગ્રહની માંગને બળવત્તર બનાવી.
મહત્ત્વની વાત એ છે કે, સ્કોટલેન્ડની સ્થાનિક સરકારે બીજો સ્વતંત્રતા જનમત સંગ્રહ યોજવા માટે કાયદાકીય પ્રક્રિયા શરૂ કરી હતી. જોકે, આ મામલો યુકેની સર્વોચ્ચ અદાલતમાં પહોંચ્યો. યુકેની સુપ્રીમ કોર્ટે ૨૦૨૨માં સર્વાનુમતે ચુકાદો આપ્યો કે ૧૯૯૮ના 'સ્કોટલેન્ડ એક્ટ' મુજબ બંધારણ અને સંઘને લગતા તમામ વિષયો વેસ્ટમિન્સ્ટર (બ્રિટિશ સંસદ)ના અધિકાર હેઠળ આવે છે. તેથી, બ્રિટિશ સંસદની મંજૂરી વિના સ્કોટિશ સંસદ પોતાની રીતે સ્વતંત્રતા અંગે જનમત સંગ્રહ કરાવી શકે નહીં. આ મુદ્દે કેન્દ્ર સરકારે સ્પષ્ટ કર્યું છે કે ૨૦૧૪માં જનમત સંગ્રહ થઈ ચૂક્યો હોવાથી ફરી મંજૂરી આપવામાં આવશે નહીં. આનાથી લોકશાહી અધિકાર અને બંધારણીય કાયદા વચ્ચે મોટો સંઘર્ષ ઊભો થયો છે.
બીજી તરફ જીએ તો નોર્ધન આયર્લેન્ડની સ્થિતિ સ્કોટલેન્ડ કરતાં સંપૂર્ણપણે અલગ અને વધુ સંવેદનશીલ છે. અહીં પ્રશ્ન યુકેથી સ્વતંત્ર થઈને નવો દેશ બનાવવાનો નથી, પરંતુ આયર્લેન્ડ ટાપુનું પુન: એકીકરણ કરીને રિપબ્લિક ઓફ આયર્લેન્ડ સાથે જોડાવવાનો છે. તેના ઈતિહાસ ઉપર નજર કરીએ તો ૧૯૬૦ના દાયકાના અંતથી ૧૯૯૮ સુધી નોર્ધન આયર્લેન્ડમાં લોહિયાળ આંતરિક સંઘર્ષ ચાલ્યો, જેને 'ધ ટ્રબલ્સ' તરીકે ઓળખવામાં આવે છે. નોર્ધન આયર્લેન્ડને યુકેનો હિસ્સો જાળવી રાખવા માંગતા લોયાલિસ્ટ (મોટાભાગે પ્રોટેસ્ટન્ટ) તથા યુકેથી અલગ થઈને સંયુક્ત આયર્લેન્ડ બનાવવા માંગતા નેશનલિસ્ટ (મોટાભાગે કેથોલિક) વચ્ચે સંઘર્ષ ચાલ્યો. આ ત્રણ દાયકાના હિંસક સંઘર્ષમાં ૩,૫૦૦થી વધુ નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા હતા. ત્યારબાદ ૧૦ એપ્રિલ ૧૯૮૮ના રોજ ઐતિહાસિક શાંતિ કરાર થયો જેને પ્રિન્સિપલ ઓફ કન્સેન્ટ કહેવાય છે. તેમાં નક્કી થયું કે, નોર્ધન આયર્લેન્ડ ત્યાં સુધી જ યુકેનો હિસ્સો રહેશે જ્યાં સુધી ત્યાંની બહુમતી જનતા તેમ ઈચ્છે. જો ભવિષ્યમાં એવું સ્પષ્ટ જણાય કે લોકો આયર્લેન્ડ રિપબ્લિક સાથે જોડાવા માંગે છે, તો બ્રિટિશ સરકારે મતદાન કરાવવું પડશે.
જાણકારોના મતે સ્થિતિ ત્યારે બદલાઈ જ્યારે બ્રેક્ઝિટ પછી નોર્ધન આયર્લેન્ડ અને રિપબ્લિક ઓફ આયર્લેન્ડ વચ્ચે ભૌતિક સીમા ન બને તે માટે યુકે અને ઈયુ વચ્ચે ખાસ સમજૂતી થઈ. પરિણામે, ગ્રેટ બ્રિટન (ઈંગ્લેન્ડ-સ્કોટલેન્ડ)થી નોર્ધન આયર્લેન્ડ આવતા સામાનની આઇરિશ સમુદ્રમાં ચકાસણી શરૂ થઈ. આનાથી લોયલિસ્ટ જૂથોમાં ભારે નારાજગી ફેલાઈ છે, કારણ કે તેમને લાગે છે કે નોર્ધન આયર્લેન્ડ આર્થિક રીતે બાકીના યુકેથી અલગ પડી રહ્યું છે.
તાજેતરની ચૂંટણીઓમાં આઇરિશ એકીકરણની હિમાયત કરનાર પક્ષ શિન ફેનના વિજયે આ ચર્ચાને વધુ વેગ આપ્યો છે.
ઉલ્લેખનીય છે કે, યુકેનો જ ભાગ ગણાતું વેલ્સ પરંપરાગત રીતે ઈંગ્લેન્ડ સાથે સૌથી વધુ ગાઢ રીતે જોડાયેલું રહ્યું છે અને ૨૦૧૬માં તેણે બ્રેક્ઝિટની તરફેણમાં મતદાન પણ કર્યું હતું. છતાં, તાજેતરના વર્ષોમાં ત્યાં પણ સ્વતંત્રતાની માંગણી કરતો 'પ્લેડ સિમરુ' પક્ષ અને 'યસસાયમરૂ' જેવી નાગરિક ચળવળો મજબૂત બની છે. વેલ્સની રાજધાની કાર્ડિફ ખાતે સ્કોટલેન્ડ, વેલ્સ અને નોર્ધન આયર્લેન્ડના રાષ્ટ્રવાદી નેતાઓની બેઠકો એ સંકેત આપે છે કે કેન્દ્ર સરકાર સામે પ્રાદેશિક પક્ષો એક સંયુક્ત મોરચો બનાવવાનો પ્રયાસ કરી રહ્યા છે.

આ પ્રદેશો છૂટા પડશે તો રાજકીય અને આર્થિક બંને મોરચે યુકે પડી ભાંગશે
જાણકારો સ્પષ્ટપણે માને છે કે, જો યુકેમાંથી સ્કોટલેન્ડ કે નોર્ધન આયર્લેન્ડ અલગ થાય, તો તેના ભૌગોલિક, આથક અને વૈશ્વિક પરિણામો અત્યંત ગંભીર આવી શકે છે.
યુકે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદનું કાયમી સભ્ય છે અને G7 તેમજ નાટોમાં અગ્રણી ભૂમિકા ભજવે છે.
જો તેનો જ એક મોટો હિસ્સો અલગ થઈ જાય, તો વૈશ્વિક મંચ પર બ્રિટનનું કદ અને પ્રભાવ નોંધપાત્ર રીતે ઘટી જશે. આ ઉપરાંત યુકેનું પરમાણુ સબમરીન બેઝ સ્કોટલેન્ડના ફાસ્લેન ખાતે આવેલું છે.
સ્કોટલેન્ડ અલગ થાય તો આ પરમાણુ મથક ખસેડવું લંડન માટે અતિ ખર્ચાળ અને મુશ્કેલ બની જશે. તેનાથી પણ વિશેષ ચલણ, વેપાર જકાત અને રાષ્ટ્રીય દેવાની વહેંચણી જેવા મુદ્દાઓ તમામ પક્ષો માટે જટિલ આર્થિક સંકટ ઊભું કરી શકે છે. યુનાઈટેડ કિંગડમ આજે તેના ઈતિહાસના સૌથી ગંભીર બંધારણીય સંકટ ઉપર ઊભું છે. એક સમયે જે સંઘ સામ્રાજ્યવાદ અને ઔદ્યોગિક ક્રાંતિની સહિયારી સફળતા પર ટકેલો હતો, તે સંઘ આજે બ્રેક્ઝિટ, આર્થિક અસમાનતા અને પ્રાદેશિક રાષ્ટ્રવાદના વમળમાં ફસાયો છે.