અમેરિકન ચૂંટણી અબજો ડોલરની 'મફત રેવડી'નો અખાડો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

- ડોલર પાવર : મીડટર્મ ચૂંટણી માટે કુલ ૨.૭૭ અબજ ડોલરનું માત્ર ૫૦ મોટા દાતાઓ દ્વારા દાન કરાયું,
- આ ચૂંટણીમાં આવેલા ૨.૭૭ અબજના દાનમાંથી આશરે ૧.૬૭ અબજ ડોલર જેટલું પ્રચંડ ભંડોળ રિપબ્લિકન પાર્ટી અને ટ્રમ્પને મળ્યું છે. તેની સરખામણીએ ડેમોક્રેટિક પાર્ટી અને ઉદારવાદી જૂથોને લગભગ ૩૦ ટકા હિસ્સો મળ્યો છે, જે આશરે ૮૩.૨ કરોડ ડોલર થાય છે. બાકી બચેલો આશરે ૧૦ ટકા હિસ્સો, જે લગભગ ૨૬.૪ કરોડ ડોલર છે, જે એવા દાતાઓ અને જૂથો તરફથી આવ્યો છે જેઓ બંને પક્ષોને સમાંતર દાન આપે છે : મસ્કે એકલા હાથે ૪૪.૬ કરોડ ડોલરથી પણ વધુ રકમનું દાન કર્યું છે. મસ્કે પોતાની આગવી 'અમેરિકા પીએસી' સ્થાપી અને પેન્સિલવેનિયા, મિશિગન, વિસ્કોન્સિન જેવા મહત્વપૂર્ણ બેટલગ્રાઉન્ડ રાજ્યોમાં મતદારોને રિપબ્લિકન તરફ વાળવા માટે ટેકનોલોજી, નાણાં અને વ્યક્તિગત સોશિયલ મીડિયા પ્લેટફોર્મની આખી તાકાત જોતરી દીધી. આ ઉપરાંત એલિઝાબેથ અને રિચાર્ડ ઉઇહલીને કન્ઝર્વેટિવ સુપર પીએસીમાં આશરે ૧૫ કરોડ ડોલર ઠાલવ્યા છે : જ્યોર્જ સોરોસે વ્યક્તિગત અને પોતાના પારિવારિક ટ્રસ્ટ મારફતે ૧૦.૨ કરોડ ડોલરથી વધુ રકમ ડેમોક્રેટિક સુપર પીએસીમાં આપી છે. આ ઉપરાંત ન્યૂયોર્કના પૂર્વ મેયર અને મીડિયા મુઘલ માઇકલ બ્લૂમબર્ગે લગભગ ૮.૪ કરોડ ડોલરનું દાન આપીને ડેમોક્રેટિક ઉમેદવારોને મજબૂત કર્યા છે
વિશ્વની સૌથી શક્તિશાળી લોકશાહી ગણાતા સંયુક્ત રાજ્ય અમેરિકાની ચૂંટણીઓ માત્ર જનાદેશ કે વૈચારિક યુદ્ધ પૂરતી સીમિત નથી રહીત વાસ્તવમાં તે વિશ્વનું સૌથી મોટું, જટિલ અને રહસ્યમય નાણાકીય અખાડો બની ચૂકી છે. વ્હાઇટ હાઉસની ગાદી કે કેપિટોલ હિલની સત્તા સુધી પહોંચવાનો માર્ગ બેલેટ પેપર પર મત અંકિત થાય તે પહેલાં અબજો ડોલરના વ્યવહારોમાંથી પસાર થાય છે. ૩ નવેમ્બરે જ્યારે અમેરિકામાં મીડટર્મ ચૂંટણી થવાની છે અને ટ્રમ્પની વિશ્વસનિયતા દાવ ઉપર લાગી છે ત્યારે સમજવા જેવું એ પણ છે કે, તેની પાછળ ધનકૂબેરોના અબજો ડોલર પણ દાવ ઉપર લાગ્યા છે.
અમેરિકન ચૂંટણી ભંડોળની પાયાની વ્યવસ્થાને સમજવા માટે ફેડરલ ઇલેક્શન કમિશનના કાયદાકીય માળખાને અને તેના ઐતિહાસિક પરિવર્તનોને ઓળખવા પડે. વર્ષો પહેલાં ચૂંટણીમાં ભ્રષ્ટાચાર અને કોર્પોરેટ પ્રભાવને રોકવા માટે નિયમો અત્યંત કડક રાખવામાં આવ્યા હતા. કોઈપણ સામાન્ય નાગરિક પોતાના પસંદગીના ઉમેદવારને સીધેસીધું દાન આપે તો તેના પર કાનૂની મર્યાદા લાદવામાં આવી હતી, જે મુજબ કોઈ એક વ્યક્તિ ચૂંટણી દીઠ વધુમાં વધુ ઇં૩,૫૦૦ જેવી મર્યાદિત રકમ જ પ્રત્યક્ષ રીતે ઉમેદવારના સત્તાવાર ખાતામાં જમા કરાવી શકે. જોકે, ચૂંટણીનો પ્રચાર ટેલિવિઝન, રેડિયો, વિશાળ રેલીઓ અને ખાસ કરીને અત્યાધુનિક ડિજિટલ સ્પેસ સુધી વિસ્તરતાં ઉમેદવારો માટે આ મર્યાદિત રકમ ઊંટના મોંમાં જીરા સમાન બની ગઈ. સત્તાના આકાંક્ષીઓને અબજો ડોલરની જરૂર હતી અને આ જરૂરિયાતને સંતોષવા કાયદાકીય છટકબારીઓનો પાયો નંખાયો.
આ વ્યવસ્થામાં સૌથી મોટો ભૂકંપ વર્ષ ૨૦૧૦માં આવ્યો, જ્યારે યુએસ સુપ્રીમ કોર્ટે પોતાનો સીમાચિહ્નરૂપ સિટીઝન્સ યુનાઈટેડ વર્સિસ ચુકાદો સંભળાવ્યો. સર્વોચ્ચ અદાલતે બંધારણના પ્રથમ સુધારા હેઠળ વાણી અને અભિવ્યક્તિ સ્વાતંત્ર્યની એવી વ્યાખ્યા કરી કે રાજકીય પ્રચાર પાછળ ખર્ચવામાં આવતા નાણાં પણ એક પ્રકારનું મુક્ત ભાષણ છે. આ ચુકાદાએ કોર્પોરેશનો, ધનિક ઉદ્યોગપતિઓ અને મજૂર યુનિયનો માટે ચૂંટણીઓમાં અમર્યાદિત નાણાં રેડવાના દરવાજા કાયમ માટે ખોલી નાખ્યા. આ કાનૂની ક્રાંતિમાંથી જન્મ થયો એક નવા રાક્ષસી તંત્રનો, જેને આપણે 'સુપર પીએસી' એટલે કે સુપર પોલિટિકલ એક્શન કમિટીઝ તરીકે ઓળખીએ છીએ.
સામાન્ય પોલિટિકલ એક્શન કમિટી અને સુપર પીએસી વચ્ચેનો તફાવત જમીન-આસમાન જેટલો છે. સામાન્ય પીએસીમાં દાન સ્વીકારવાની નિશ્ચિત મર્યાદાઓ હોય છે અને તે ઉમેદવાર સાથે સીધો સંપર્ક રાખી શકે છે. બીજી તરફ, સુપર પીએસી ઉમેદવાર કે તેના પક્ષના સત્તાવાર પ્રચાર સાથે 'સીધું સંકલન' નથી કરી શકતા તેવો કાગળ પર નિયમ છે, પરંતુ બદલામાં તેમને કોઈપણ વ્યક્તિ, કંપની કે ટ્રસ્ટ પાસેથી અમર્યાદિત રકમ એકત્ર કરવાની અને તેને મનફાવે તેમ ખર્ચવાની પૂર્ણ સ્વતંત્રતા મળે છે. સુપર પીએસી ઉમેદવારના પ્રચાર માટે કરોડો ડોલરની ટેલિવિઝન જાહેરાતો ખરીદે છે, વિરોધી ઉમેદવારના ચરિત્ર હનન માટે આક્રમક ઝુંબેશ ચલાવે છે, મતદારોના ડેટા એનાલિટિક્સ માટે અલ્ગોરિધમ્સ તૈયાર કરાવે છે અને ગ્રાઉન્ડ લેવલ પર સેંકડો કેનવાસર્સની સેના ઊભી કરે છે. વ્યવહારમાં ઉમેદવાર અને સુપર પીએસી વચ્ચે માત્ર એક પાતળી કાગળની દીવાલ હોય છે, જેની પાછળ અબજો ડોલરનું અંધાધૂંધ રોકાણ રમતું રહે છે. તાજેતરના ચૂંટણી ચક્રના સત્તાવાર આંકડાઓનું વિશ્લેષણ કરીએ તો આંખો પહોળી થઈ જાય તેવું ચિત્ર સામે આવે છે. આ ચૂંટણીમાં ટોચના ૫૦ અતિ-ધનવાન દાતાઓ અને પ્રભાવશાળી સંગઠનો દ્વારા જ આશરે ૨.૭૭ અબજ ડોલર જેટલી જંગી રકમ ચૂંટણીના મેદાનમાં ઠાલવવામાં આવી છે. આ પૈકી લગભગ ૬૦ ટકા હિસ્સો, એટલે કે આશરે ૧.૬૭ અબજ ડોલર જેટલું પ્રચંડ ભંડોળ રિપબ્લિકન પાર્ટી અને તેની વિચારધારા સાથે જોડાયેલા સંગઠનોના ખાતામાં ગયું છે. તેની સરખામણીએ ડેમોક્રેટિક પાર્ટી અને ઉદારવાદી જૂથોને લગભગ ૩૦ ટકા હિસ્સો મળ્યો છે, જે આશરે ૮૩.૨ કરોડ ડોલર થાય છે. બાકી બચેલો આશરે ૧૦ ટકા હિસ્સો, જે લગભગ ૨૬.૪ કરોડ ડોલર છે, તે એવા દાતાઓ અને જૂથો તરફથી આવ્યો છે જેઓ બંને પક્ષોને સમાંતર દાન આપે છે અથવા તો ચોક્કસ ઉદ્યોગોના હિતોના રક્ષણ માટે દ્વિપક્ષીય અભિગમ અપનાવે છે.
આ ચૂંટણી ચક્રમાં વ્યક્તિગત દાનવીરોની યાદીમાં વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ અને ટેક ઉદ્યોગપતિ એલોન મસ્ક નિર્વિવાદપણે સૌથી મોટા ખેલાડી તરીકે ઊભરી આવ્યા છે. મસ્કે અમેરિકન ચૂંટણીના ઈતિહાસમાં કોઈપણ એક વ્યક્તિ દ્વારા આપવામાં આવેલું અત્યાર સુધીનું સૌથી મોટું યોગદાન આપીને નવો વિક્રમ સ્થાપ્યો છે. તેમણે રિપબ્લિકન પક્ષ અને કન્ઝર્વેટિવ મૂવમેન્ટને આગળ ધપાવવા માટે એકલા હાથે ૪૪.૬ કરોડ ડોલરથી પણ વધુ રકમનું દાન કર્યું છે. મસ્કે પોતાની આગવી 'અમેરિકા પીએસી' સ્થાપી અને પેન્સિલવેનિયા, મિશિગન, વિસ્કોન્સિન જેવા મહત્વપૂર્ણ બેટલગ્રાઉન્ડ રાજ્યોમાં મતદારોને રિપબ્લિકન તરફ વાળવા માટે ટેકનોલોજી, નાણાં અને વ્યક્તિગત સોશિયલ મીડિયા પ્લેટફોર્મની આખી તાકાત જોતરી દીધી. મસ્કનું આ પગલું માત્ર સામાન્ય દાન નહોતું, પરંતુ અમેરિકાની ભાવિ ઉદ્યોગ નીતિઓ, નિયમનકારી તંત્ર અને અંતરિક્ષ સંશોધન ક્ષેત્રે પોતાના સામ્રાજ્યને અભયદાન અપાવવાની સુઆયોજિત વ્યુહરચના ગણાય છે.
મસ્ક ઉપરાંત રિપબ્લિકન છાવણીને આર્થિક ઓક્સિજન પૂરું પાડનારાઓમાં અનેક અબજોપતિઓ મોખરે રહ્યા છે. પેકિંગ મટિરિયલના વિશાળ ઉદ્યોગપતિ એલિઝાબેથ અને રિચાર્ડ ઉઇહલીને કન્ઝર્વેટિવ સુપર પીએસીમાં આશરે ૧૫ કરોડ ડોલર ઠાલવ્યા છે. ટ્રેડિંગ અને રોકાણ ક્ષેત્રના દિગ્ગજ જેફ અને જેનીન યાસે સ્કૂલ ચોઈસ અને નિયમનમુક્ત અર્થતંત્રના સમર્થનમાં ૧૧ કરોડ ડોલરથી વધુનું દાન કર્યું છે. વધુમાં, સિલિકોન વેલીના ટોચના વેન્ચર કેપિટલિસ્ટ માર્ક એન્ડ્રીસન અને બેન હોરોવિટ્ઝે પરંપરાગત ટેક-લિબરલ વિચારધારાથી અલગ થઈને રિપબ્લિકન પક્ષને લાખો ડાલરનું ફંડ આપ્યું છે. તેમનો મુખ્ય ઉદ્દેશ્ય અમેરિકામાં ક્રિપ્ટોકરન્સી અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ પર લાદવામાં આવતા સરકારી નિયંત્રણોને અટકાવવાનો અને મુક્ત બજારને પ્રોત્સાહન આપવાનો છે.
ડેમોક્રેટિક પાર્ટી ભલે કુલ આંકડામાં રિપબ્લિકન કરતાં પાછળ રહી ગઈ હોય, પરંતુ તેના આર્થિક સ્તંભો પણ ઓછા પ્રભાવશાળી નથી. આંતરરાષ્ટ્રીય સ્તરે ચર્ચાસ્પદ રહેલા અબજોપતિ ફિલાન્થ્રોપિસ્ટ અને ઓપન સોસાયટી ફાઉન્ડેશન્સના ચેરમેન જ્યોર્જ સોરોસ ડેમોક્રેટ્સના સૌથી મોટા આર્થિક ટેકેદાર સાબિત થયા છે. સોરોસે વ્યક્તિગત અને પોતાના પારિવારિક ટ્રસ્ટ મારફતે ૧૦.૨ કરોડ ડોલરથી વધુ રકમ ડેમોક્રેટિક સુપર પીએસીમાં આપી છે, જેનો ઉપયોગ નાગરિક અધિકારો, ન્યાયતંત્ર સુધારા અને ઉદારવાદી મૂલ્યોના પ્રચાર માટે થયો છે. આ ઉપરાંત ન્યૂયોર્કના પૂર્વ મેયર અને મીડિયા મુઘલ માઇકલ બ્લૂમબર્ગે લગભગ ૮.૪ કરોડ ડોલરનું દાન આપીને ડેમોક્રેટિક ઉમેદવારોને મજબૂત કર્યા છે. પ્રોફેશનલ નેટવર્કિંગ પ્લેટફોરમ લિંક્ડઇનના સહ-સ્થાપક રીડ હોફમેન અને તેમના પત્ની મિશેલ યી દ્વારા આશરે ૪.૧ કરોડ ડોલરથી વધુની નાણાકીય સહાય પૂરી પાડવામાં આવી છે.
આ દાતાઓ સામાન્ય રીતે આબોહવા પરિવર્તન, આરોગ્ય સુવિધાઓ અને લોકશાહી સંસ્થાઓના રક્ષણ જેવા મુદ્દાઓને પ્રાથમિકતા આપે છે.
આ સમગ્ર નાણાકીય માળખાનું વિહંગાવલોકન કરતાં સ્પષ્ટ જણાય છે કે અમેરિકન ચૂંટણીઓ હવે લોકતાંત્રિક પ્રક્રિયા કરતાં પણ વધુ એક વિરાટ 'કોર્પોરેટ ઓક્શન' બની ચૂકી છે. જ્યારે કોઈ સામાન્ય અમેરિકન મોંઘવારી, શિક્ષણ ફી અને મોર્ટગેજના હપ્તા ભરવા સંઘર્ષ કરતો હોય, ત્યારે મુઠ્ઠીભર અબજોપતિઓ કરોડો ડાલરનું રોકાણ કરીને સત્તાના સમીકરણો બદલી રહ્યા છે. લોકશાહીનો મૂળ મંત્ર 'એક વ્યક્તિ, એક મત' નો છે, પરંતુ સુપર પીએસી અને ડાર્ક મનીના આ યુગમાં 'એક ડાલર, એક અવાજ' ની વિકૃત વાસ્તવિકતા પ્રસ્થાપિત થઈ રહી છે.
અમેરિકન ચૂંટણીમાં ડાર્ક મની સૌથી મોટું અને મજબૂત પાસું બની રહે છે
અમેરિકન ચૂંટણી ફંડિંગના આ આખા માળખામાં સૌથી ઘાતક અને ચિંતાજનક પાસું ડાર્ક મનીનું છે. ડાર્ક મની એટલે એવા નાણાં જેનો સ્ત્રોત જાહેર જનતા માટે સાવ અજાણ્યો અને ગુપ્ત રહે છે. અમેરિકન કરવેરા કાયદાની કલમ ૫૦૧(બ)(૪) હેઠળ નોંધાયેલી સંસ્થાઓ, જેમને સામાજિક કલ્યાણ સંગઠનો ગણવામાં આવે છે, તેમને કાયદાકીય રીતે પોતાના દાતાઓના નામ, સરનામાં કે ઓળખ જાહેર કરવાની કોઈ ફરજ હોતી નથી. આ છટકબારીનો દુરુપયોગ કરીને મોટા કોર્પોરેટ ગૃહો અને અબજોપતિઓ પહેલાં આ ગુપ્ત સંગઠનોમાં કરોડો ડોલર જમા કરાવે છે. ત્યારબાદ આ સંગઠનો તે નાણાં સુપર પીએસીને ટ્રાન્સફર કરે છે અથવા તો જાતે જ મતદારોને પ્રભાવિત કરતી જાહેરખબરો ચલાવે છે. જ્યારે ટીવી કે મોબાઈલ સ્ક્રીન પર કોઈ આક્રમક રાજકીય જાહેરાત આવે છે, ત્યારે સામાન્ય મતદાર માત્ર તે સંગઠનનું આકર્ષક નામ વાંચી શકે છે, પરંતુ તે જાહેરાત પાછળ અસલમાં કોનું કાળું નાણું કે સ્વાર્થ છુપાયેલો છે તે જાણી શકતો નથી. આ ડાર્ક મની નેટવર્કમાં બંને પક્ષો સમાન રીતે સંડોવાયેલા છે. રિપબ્લિકન તરફી મોરચે 'વન નેશન' નામના ગુપ્ત સંગઠને ૧૩.૩ કરોડ ડોલરથી વધુ અને 'અમેરિકન એક્શન નેટવર્ક' દ્વારા ૬.૪ કરોડ ડોલરથી વધુની રકમ ખર્ચવામાં આવી છે. આ સંસ્થાઓ રિપબ્લિકન સેનેટરો અને સાંસદોની જીત સુનિશ્ચિત કરવા માટે પડદા પાછળ કામ કરે છે. બીજી તરફ, ડેમોક્રેટિક તરફી છાવણીમાં 'મેજોરિટી ફોરવર્ડ' સંગઠને ૧૦.૨ કરોડ ડોલરથી વધુ અને 'હાઉસ મેજોરિટી ફોરવર્ડ' દ્વારા આશરે ૯.૪૦ કરોડ ડોલરનું ભંડોળ ચૂંટણી પ્રચારમાં વહાવવામાં આવ્યું છે. હાર્વર્ડ યુનિવર્સિટીના જાણીતા બંધારણીય નિષ્ણાત અને પ્રોફેસર લોરેન્સ લેસિગ આ પરિસ્થિતિનું કટાક્ષમય વર્ણન કરતા જણાવે છે કે આ નાણાં માત્ર મતદારો માટે 'ડાર્ક' એટલે કે અંધારામાં છે; જે રાજકારણીઓ આ નાણાંના સહારે સત્તા પર બેસે છે તેમને તો સ્પષ્ટ ખબર હોય છે કે અસલ ચેક કોણે સાઇન કર્યા હતો. પરિણામે, ચૂંટાયા પછી તે રાજકારણી સામાન્ય જનતા કરતાં પોતાના ગુપ્ત દાતાઓના હિતોનું રક્ષણ કરવા માટે વધુ બંધાયેલા રહે છે.




