News Focus

સોનિયા ગાંધીએ મુંબઈના બદલે મિલાનમાં કેન્સરની સર્જરી કરાવી!

By GS Team
15 Nov 20268 mins read
TukuTouch Logo
સોનિયા ગાંધીએ પોતાની આત્મકથામાં ઘટસ્ફોટ કર્યો છે કે, 2010માં બ્રેસ્ટ કેન્સરના ઓપરેશન માટે તેમણે મુંબઈને બદલે ઈટાલીના મિલાનની હોસ્પિટલ પસંદ કરી હતી. સારવારની ગુણવત્તા નહીં, પરંતુ પોતાની પ્રાઇવસી જાળવવા અને બીમારીને રાજકીય રંગ અપાવાથી બચવા તેમણે આ નિર્ણય લીધો હતો. ભારતમાં સારવાર કરાવવાથી મીડિયામાં હેડલાઇન્સ બને તેવો ભય હતો.

Summarized by AI; it may make mistakes. Check important info

સોનિયા ગાંધીએ મુંબઈના બદલે મિલાનમાં કેન્સરની સર્જરી કરાવી!
  • સોનિયા ગાંધીનો આત્મકથામાં સ્વીકાર : સારી સારવાર નહીં માનસિક શાંતિ માટે વિદેશ જવાનું નક્કી કર્યું
  • બ્રેસ્ટ કેન્સરના ઓપરેશન માટે તેમણે મુંબઈની ટાટા મેમોરિયલ હોસ્પિટલને બદલે ઈટાલીના મિલાન સ્થિત એક હોસ્પિટલની પસંદગી કરી હતી. આની પાછળ સૌથી મોટું કારણ સારવારની ગુણવત્તા કરતાં વધુ પોતાની પ્રાઇવસીની ચિંતા હતી. તેમને ડર હતો કે ભારતમાં ઓપરેશન કરાવવા પર તેમની બીમારી મીડિયામાં હેડલાઇન્સ બની જશે. તેમની બિમારી અને સારવારને પણ રાજકીય રંગ આપવામાં આવશે : તેમણે લખ્યું છે કે, હું હંમેશા મારા અંગત જીવનને ખાનગી રાખવા માંગતી હતી. મારી બીમારીને મીડિયામાં ચર્ચાનો વિષય બનતી જોવી મારા માટે અત્યંત પીડાદાયક અને ગુસ્સો અપાવનારી હતી. શું સાર્વજનિક જીવનમાં હોવાનો અર્થ એ હતો કે મને થોડીક ગોપનીયતાનો પણ અધિકાર નહોતો? બસ આ સવાલની માનસિક પીડા અને કેન્સરની શારીરિક પીડામાંથી બહાર આવવું હતું : તે સમયે સોનિયા ગાંધીએ રાજકીય વિરોધીઓ કે ટીકાકારોનો વિચાર કર્યા વગર પોતાના સ્વાસ્થ્યને પ્રાધાન્ય આપ્યું હતું. સોનિયા ગાંધી માટે સારવાર દરમિયાન પરિવારનો સાથ પણ ખૂબ જ મહત્વપૂર્ણ હતો. મિલાનના બહારના વિસ્તારમાં આવેલી હોસ્પિટલ તેમના માટે એટલા માટે પણ સુવિધાજનક હતી, કારણ કે તેમની બહેનો નાદિયા અને અનૌશ્કા ત્યાંથી નજીક રહેતા હતા. તેઓ ગમે ત્યારે હોસ્પિટલ આવી શકે તેમ હતા.

કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધીની આત્મકથા તાજેતરમાં જ લોન્ચ થઈ છે. તેમાં તેમના દ્વારા પોતાના જીવન, કવન, પરિસ્થિતિ અને ભારતીય રાજકારણ વિશે જે વાતો કરવામાં આવી છે તેના કારણે તેની ચારકોર ચર્ચા છે. ક્યાંક રાજકીય વિરોધાભાસ ધરાવતા લોકો દ્વારા વિરોધ કરાઈ રહ્યો છે તો ક્યાંક વખાણ થઈ રહ્યા છે તો ક્યાંક નવી પેઢીમાં આ પુસ્તક વિશે ચર્ચા થઈ રહી છે. વાસ્તવિકતા એટલી જ છે કે, તેઓ જેવું જીવન જીવ્યા અને હાલ જીવી રહ્યા છે તેના વિશે તેમણે પહેલી વખત ખુલ્લા મનથી વાત કરી છે.
તેમણે પોતાની આત્મકથા 'બિલોન્ગિંગ : અ જર્ની ઓફ લવ'માં કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં અભ્યાસ માટે જવું, ત્યાં સ્ટુડન્ટ એક્સ્ચેન્જ હેઠળ કોઈ એક પરિવારને ત્યાં પીજી તરીકે સેટ થવું, રાજીવ ગાંધી સાથે મુલાકાત થવી, ભારત આવવું, રાજીવ સાથે લગ્ન કરવાનું નક્કી કરવું, લગ્ન જીવન, પારિવારિક જીવન, સંજય ગાંધીનું અવસાન, રાજીવ ગાંધીનો રાજકારણમાં આંશિક પ્રવેશ, સાસુ ઈન્દિરા ગાંધી સાથેનું જીવન અને પૂર્વ વડા પ્રધાન ઈન્દિરા ગાંધીના કેટલાક આકરા નિર્ણયો, તેમની હત્યા, રાજીવ ગાંધીનું વડા પ્રધાન બનવું, તેમની હત્યા, પોતાનો રાજકારણમાં પ્રવેશ, રાહુલનો રાજકીય પ્રવેશ જેવા ઘણા મુદ્દે તેમણે વિગતે વાત કરી છે. આ દરમિયાન તેમણે પોતાના જીવનના સૌથી કપરા કાળ એવા કેન્સર સામેના સંઘર્ષ અને તેમાંથી બહાર આવવાની વાત પણ કરી છે. તેમણે જણાવ્યું છે કે વર્ષ ૨૦૧૦માં બ્રેસ્ટ કેન્સરના ઓપરેશન માટે તેમણે મુંબઈની ટાટા મેમોરિયલ હોસ્પિટલને બદલે ઈટાલીના મિલાન સ્થિત એક હોસ્પિટલની પસંદગી કરી હતી. આની પાછળ સૌથી મોટું કારણ સારવારની ગુણવત્તા કરતાં વધુ પોતાની પ્રાઇવસીની ચિંતા હતી. તેમને ડર હતો કે ભારતમાં ઓપરેશન કરાવવા પર તેમની બીમારી મીડિયામાં હેડલાઇન્સ બની જશે. તેમની બિમારી અને સારવારને પણ રાજકીય રંગ આપવામાં આવશે.
સોનિયા ગાંધીએ પોતાના પુસ્તકમાં લખ્યું છે કે તેમને દિલ્હીની સર ગંગારામ હોસ્પિટલના ડોક્ટરો પર પૂરો વિશ્વાસ હતો. ડોક્ટરોએ જ તેમને ઓપરેશનની સલાહ આપી હતી. પરંતુ તેમની સામે યક્ષ પ્રશ્ન એ હતો કે સર્જરી ભારતમાં કરાવવામાં આવે કે વિદેશમાં. મુંબઈની તાતા મેમોરિયલ હોસ્પિટલનો વિકલ્પ હતો. જોકે, તેમને લાગ્યું કે ભારતમાં સારવાર કરાવવા દરમિયાન તેમની બીમારીની મીડિયામાં ઘણી ચર્ચા થશે. એક સાર્વજનિક જીવન જીવતી વ્યક્તિ હોવા છતાં તેઓ પોતાની બીમારીને ખાનગી રાખવા માંગતા હતા. તેમણે લખ્યું છે કે, હું હંમેશા મારા અંગત જીવનને ખાનગી રાખવા માંગતી હતી. મારી બીમારીને મીડિયામાં ચર્ચાનો વિષય બનતી જોવી મારા માટે અત્યંત પીડાદાયક અને ગુસ્સો અપાવનારી હતી. શું સાર્વજનિક જીવનમાં હોવાનો અર્થ એ હતો કે મને થોડીક ગોપનીયતાનો પણ અધિકાર નહોતો? બસ આ સવાલની માનસિક પીડા અને કેન્સરની શારીરિક પીડામાંથી બહાર આવવું હતું.
આખરે તેમણે ૨૦૧૦માં ઈટાલીના મિલાન સ્થિત યુરોપિયન ઈન્સ્ટિટયૂટ ઓફ ઓન્કોલોજીમાં ઓપરેશન કરાવ્યું હતું. આ યુરોપની પ્રમુખ કેન્સર સંસ્થાઓમાં સામેલ છે. તેની સ્થાપના ૧૯૯૪માં પ્રખ્યાત કેન્સર નિષ્ણાત ડો. ઉમ્બર્ટો વેરોનેસીએ કરી હતી. તેઓ બ્રેસ્ટ કેન્સરની સારવારમાં ઓછી ચીરફાડ વાળી સર્જરીની ટેકનિક વિકસાવનારા ટોચના ડોક્ટરોમાં ગણાતા હતા. ડો. વેરોનેસીએ બ્રેસ્ટ કેન્સરના કેટલાક કિસ્સાઓમાં આખા સ્તનને દૂર કરવાને બદલે તેના અસરગ્રસ્ત ભાગને કાઢવાની ટેકનિક સ્થાપિત કરવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. તેને ક્વાડ્રેન્ટેક્ટોમી કહેવામાં આવે છે. આ પદ્ધતિમાં કેન્સરગ્રસ્ત ભાગને કાઢીને રેડિયોથેરાપી આપવામાં આવે છે. આનાથી ઘણા દર્દીઓમાં સ્તનને સંપૂર્ણપણે દૂર કરવાની જરૂર પડતી નથી.
સોનિયા ગાંધીનું ઓપરેશન પણ ડો. વેરોનેસીએ જ કર્યું હતું. તેમણે પોતાના પુસ્તકમાં જણાવ્યું છે કે, ઓપરેશન બાદ જ્યારે તેમને ભાન આવ્યું ત્યારે ડોક્ટર તેમના બેડ પાસે ઉભા હતા. ડો. વેરોનેસીએ તેમને જણાવ્યું કે ઓપરેશન સફળ રહ્યું છે અને શરીરમાં બીમારીના અવશેષો બચ્યા નથી. સોનિયા ગાંધીના જણાવ્યા મુજબ આ સાંભળીને તેમને મોટી રાહત મળી હતી. તેમણે એ પણ જણાવ્યું કે ઓપરેશન દરમિયાન ડોક્ટરોએ બે ટયુમર કાઢી હતી. આમાંથી એક સામાન્ય ગાંઠ હતી અને જેના કેન્સરગ્રસ્ત હોવાની શંકા નહોતી છતાં સાવચેતીના ભાગરૂપે તેને પણ કાઢી નાખવામાં આવી. સાથે જ ઓપરેશન દરમિયાન જ રેડિયેશન આપવામાં આવ્યું, જેથી તેમને પાંચ અઠવાડિયા સુધી અલગથી રેડિયોથેરાપી ન કરાવવી પડે.
સોનિયા ગાંધીની આફત અહીંયાથી અટકી જાય તેમ નહોતું. તેમની શારીરિક વેદના હજી રાહ જોઈને ઊભી હતી. મિલાનમાં ઓપરેશનના લગભગ એક વર્ષ બાદ ૨૦૧૧માં નિયમિત તપાસ દરમિયાન સોનિયા ગાંધીના પેન્ક્રિયાઝમાં (સ્વાદુપિંડમાં) એક ગાંઠ હોવાની જાણ થઈ. આનાથી સોનિયા અને તેમના પરિવારની ચિંતા વધી ગઈ. ડોક્ટરોએ વિવિધ સ્તરે તપાસ કરી, રિપોર્ટ કઢાવ્યા અને ચર્ચા બાદ સર્જરીની સલાહ આપી. સોનિયા લખે છે કે, અમને તરત જ લાગ્યું કે અગાઉની સમસ્યા ફરીથી ઉથલો મારી રહી છે. શરૂઆતમાં આ ગાંઠ ન્યુરોએન્ડોક્રાઈન હોવાની શંકા હતી. તેનો અર્થ એ હતો કે, જટિલ ઓપરેશન અને હોસ્પિટલમાં લાંબો સમય રોકાણ. આ વખતે મને રોટરડેમની ઇરાસ્મસ ટીચિંગ હોસ્પિટલમાં મોકલવામાં આવી, જ્યાં જાણીતા પેન્ક્રિયાટિક સર્જન ડૉ. કાસ્પર વાન આઈક દ્વારા મારી સારવાર થવાની હતી. દરેકના આશ્વાસન છતાં હું ઓપરેશન મુદ્દે થોડી વધારે ચિંતિત હતી, કારણ કે રોગની વાસ્તવિકતા સર્જરી પછી જ નક્કી થઈ શકે તેમ હતી. મારું મન સૌથી ખરાબ પરિસ્થિતિ વિશે વિચારવા લાગ્યું. જો તે મેટાસ્ટેટિક ગાંઠ નીકળશે તો શું થશે? શું હું તેમાંથી બહાર આવી શકીશ? શું મારે કીમોથેરાપી લેવી પડશે? મારે ઘર અને કામથી કેટલો સમય દૂર રહેવું પડશે? વડાપ્રધાન અને થોડા વરિષ્ઠ સાથીદારો સિવાય કોઈને પણ જાણ કર્યા વિના જતા રહેવાથી મને દુ:ખ થયું હતું. ડૉ. મનમોહન સિંહ સમજુ હતા, કારણ કે તેઓ પોતે થોડા વર્ષો પહેલા હૃદયની મોટી સર્જરીમાંથી પસાર થયા હતા, પરંતુ આ બધી ચિંતાઓ મને તણાવ અને અનિદ્રા આપી રહી હતી. નીકળતા પહેલા, મેં રાહુલ અને પ્રિયંકા માટે એક ચિઠ્ઠી લખી રાખી હતી, જેમાં જો કંઈક ખોટું થાય તો શું કરવું તેની સૂચનાઓ હતી.
પહેલાની જેમ જ, સર્જરીની સવારે રાહુલ અને પ્રિયંકા બંને મારી પડખે હતા. ઓપરેશન બાદ હું મારા રૂમમાં જાગી, તો ડૉ. વાન આઈક સાથે મારા સંતાનોને પણ જોયા. તેમણે સમજાવ્યું કે હું નસીબદાર હતી, ગાંઠ શરૂઆતના પ્રી-કેન્સરસ તબક્કામાં હોવાનું જણાયું હતું, કારણ કે તે વહેલી તકે પકડાઈ ગઈ હતી. મેં મનોમન સર ગંગારામ હોસ્પિટલના મારા બધા ડોક્ટરોનો તેમની કુશળતા અને તકેદારી બદલ આભાર માન્યો.
ઉલ્લેખનીય છે કે, તેમની સારવાર વિદેશમાં થઈ તે મુદ્દો રાજકીય ગરમાવો લાવે અને ભવિષ્યમાં લાવશે તે સ્વાભાવિક હતું. તે સમયે સોનિયા ગાંધીએ રાજકીય વિરોધીઓ કે ટિકાકારોનો વિચાર કર્યા વગર પોતાના સ્વાસ્થ્યને પ્રાધાન્ય આપ્યું હતું. સોનિયા ગાંધી માટે સારવાર દરમિયાન પરિવારનો સાથ પણ ખૂબ જ મહત્વપૂર્ણ હતો. મિલાનના બહારના વિસ્તારમાં આવેલી હોસ્પિટલ તેમના માટે એટલા માટે પણ સુવિધાજનક હતી, કારણ કે તેમની બહેનો નાદિયા અને અનૌશ્કા ત્યાંથી નજીક રહેતા હતા. તેઓ ગમે ત્યારે હોસ્પિટલ આવી શકે તેમ હતા. આનાથી રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી અને પરિવારના અન્ય સભ્યોની સાથે બહેનોને પણ તેમની પાસે રહેવાની તક મળી.

ફ્રેક્ચરના ઓપરેશન બાદ શિયાળાના પ્રદૂષણથી બચવા ગોવામાં થોડો સમય વસવાટ કર્યો
થોડા વર્ષો પછી, ઓગસ્ટ ૨૦૧૬માં, ઉત્તર પ્રદેશમાં વિધાનસભા ચૂંટણી પ્રચાર મને પવિત્ર શહેર વારાણસીના ગીચ વસ્તીવાળા વિસ્તારમાં જનસંપર્ક યાત્રા પર લઈ ગયો. રાહુલ અને પ્રિયંકાને લાગ્યું કે, આટલા ગરમ અને ભેજવાળા હવામાનમાં તે જોખમી રહેશે, પરંતુ હું અમારા પક્ષના કાર્યકરોને નિરાશ કરવા માંગતી ન હતી, જેમણે મોટી તૈયારીઓ કરી હતી. રસ્તાની બંને બાજુ કોંગ્રેસની તરફેણમાં સૂત્રોચ્ચાર કરતા ઉત્સાહી ટોળા ઉમટી પડયા હતા, પરંતુ કાફલો પાંચ કલાક સુધી ચાલ્યો, અને વધતો જતો થાક મારા પર હાવી થઈ ગયો. હું ઢળી પડી અને મને વિમાન દ્વારા દિલ્હી લઈ જવામાં આવી. બેભાન અવસ્થામાં આવતા-જતા, મેં મારા પર ઝૂકેલા મારા સાથીદારો અને ડોક્ટરોના ચિંતિત ચહેરાઓની ઝલક જોઈ. પડવાને કારણે મારા ખભામાં ગંભીર ફ્રેક્ચર થયું હતુંથ વધુ એક ઓપરેશન! આ સર્જરીઓએ મને થોડી નાજુક બનાવી દીધી હતી. તેમાં વળી, દિલ્હીમાં વાયુ પ્રદૂષણ એક મોટો પડકાર હતો. સોનિયા ગાંધીને અસ્થમા અને એલર્જીની સમસ્યા પણ રહી છે. દિલ્હીની પ્રદૂષિત હવા અને શિયાળાની ઋતુ તેમના માટે પરેશાની વધારનારી હતી. બંને મોટી સર્જરી અને એક નાની સર્જરી બાદ તેઓ પોતાને પહેલાની સરખામણીમાં નબળા અનુભવતા હતા. વર્ષના ગરમ મહિનાઓમાં હું થોડા સમય માટે પહાડોમાં જઈ શકું છું, પરંતુ શિયાળાના મહિનાઓ વધુ કઠિન હોય છે. પાનખર આવતા જ શહેરની હવા ગૂંગળામણ ભરી થવા લાગે છે, અને ડિસેમ્બર સુધીમાં તો તેને જોખમી અથવા ઝેરી ગણાવવામાં આવે છે. એલર્જી કે અસ્થમાથી પીડાતા કોઈપણ વ્યક્તિ માટે, નાના હોય કે મોટા, શ્વાસ લેવો મુશ્કેલ બની જાય છે. સોનિયા ગાંધી નોંધે છે કે, મને દિલ્હીના શિયાળાની આ કઠિન કસોટીમાંથી છૂટકારો ગોવામાં મળ્યો, જ્યાં હું પરિવાર કે મિત્રો સાથે ઘણી વખત થોડા દિવસો માટે ગઈ હતી. તે એક થેરાપી હતી, સવાર-સાંજ નિર્જન દરિયાકિનારે લાંબી લટાર મારવી, સુંદર વૃક્ષો અને છોડવાઓ વચ્ચે બનેલી કેડીઓ પર સાયકલ ચલાવવી, ખુલ્લામાં બેસીને તાજી હવામાં શ્વાસ લેવો.