News Focus

સોનિયાએ સંતાનોના દબાણને પગલે પીએમ પદ સ્વીકાર્યું નહીં!

By GS Team
18 Nov 20268 mins read
TukuTouch Logo
સોનિયા ગાંધીએ પોતાના સંસ્મરણોમાં 2004માં વડાપ્રધાન પદ ન સ્વીકારવા પાછળની અજાણી વાતો જણાવી છે. રાહુલ-પ્રિયંકા દાદી ઇન્દિરા અને પિતા રાજીવની હત્યાથી ડરતા હતા. પરિવારની વેદના જોઈ, સોનિયાએ અંતરાત્માના અવાજને અનુસરી ડો. મનમોહન સિંહને વડાપ્રધાન બનાવ્યા. વિદેશી મૂળના મુદ્દા પર રાજકીય વિવાદ ટાળવા પણ આ નિર્ણય લીધો.

Summarized by AI; it may make mistakes. Check important info

સોનિયાએ સંતાનોના દબાણને પગલે પીએમ પદ સ્વીકાર્યું નહીં!
  • સત્તાનો ત્યાગ, અંતરાત્માનો અવાજ અને પરિવારનો સંઘર્ષ : સોનિયા ગાંધીના સંસ્મરણોની અકથિત દાસ્તાન
  • રાહુલ અને પ્રિયંકા બંનેમાંથી કોઈ પણ નહોતું ઈચ્છતું કે તેમની માતા વડાપ્રધાન બને. તેમણે પોતાની દાદી ઈન્દિરા ગાંધીની હત્યા અને પોતાના પિતા રાજીવ ગાંધીની ક્રૂર હત્યાનો ભયાનક સમય નજરે જોયો હતો અને એ દર્દમાંથી તેઓ પસાર થયા હતા, પરંતુ કોંગ્રેસ પક્ષને બચાવવા અંતર આત્માનો નિર્ણય સ્વીકારી તેમને કોંગ્રેસ બેઠી કરવાનું કામ કર્યું પરંતુ જ્યારે કોંગ્રેસને લોકસભાની ૨૦૦૪ની ચૂંટણીમાં આશ્ચર્યજનક પરિણામો મળ્યા પછી કોંગ્રેસના નેતાઓ તરફથી વડાપ્રધાનપદ માટે દબાણ થયું તે સમયે રાહુલ અને પ્રિયંકાનું દર્દ અને વેદનાઓએ તેમને રોક્યા. રાહુલ વડાપ્રધાનપદ માટે પોતાની માતાને ગુમાવવા તૈયાર ન હતો અને માટે જ લાગણીવશ સોનિયા ગાંધીએ વડાપ્રધાનપદનો અસ્વીકાર કર્યો તેમના મનમાં વારંવાર એક જ વિચાર આવતો હતો કે સમગ્ર ભારત માટે. દેશને એક એવી મજબૂત અને કાબેલ સરકારની જરૂર હતી જે ભારતને ભાગલાવાદી રાજકારણથી દૂર રાખી શકે અને વિકાસ તથા પ્રગતિના પથ પર આગળ લઈ જાય તેથી તેમણે ડો. મનમોહનસિંહને વડાપ્રધાનપદ માટે લાયક ગણાવ્યા

ભારતીય રાજકારણના ઈતિહાસમાં મે ૨૦૦૪નો એ સમયખંડ ક્યારેય ભૂલી શકાય તેમ નથી. સમગ્ર દેશની નજર ૧૦ જનપથના દરવાજા પર મંડાયેલી હતી. લોકસભાની ચૂંટણીના પરિણામોએ સૌને આશ્ચર્યમાં મૂકી દીધા હતા અને કોંગ્રેસના નેતૃત્વ હેઠળના ગઠબંધનને સત્તાના શિખર સુધી પહોંચાડી દીધું હતું. લાખો કાર્યકરોના હૃદયમાં એક જ નામ ગુંજતું હતું, સોનિયા ગાંધી. સૌ કોઈએ સ્વીકારી લીધું હતું કે, હવે દેશના આગામી વડાપ્રધાન સોનિયા ગાંધી જ બનશે. પરંતુ, જ્યારે સત્તાનો મુગટ સામે ચાલીને આવ્યો, ત્યારે તેમણે જે નિર્ણય લીધો તેણે સમગ્ર વિશ્વને સ્તબ્ધ કરી દીધું. પોતાની આત્મકથા 'બિલોંગિંગ : અ જર્ની ઓફ લવ' માં સોનિયા ગાંધીએ એ ઐતિહાસિક ક્ષણો, પડદા પાછળના રાજકીય દાવપેચ, પોતાના બાળકોની વેદના અને સત્તાથી દૂર રહેવાના પોતાના દ્રઢ સંકલ્પના અનેક અજાણ્યા પાસાઓ ઉજાગર કર્યા છે.
સોનિયા ગાંધી લખે છે કે જ્યારે તેમણે વડાપ્રધાન પદ ન સ્વીકારવાનો અંતિમ નિર્ણય લીધો, ત્યારે તેમના મનમાંથી શંકાના છેલ્લા અંશો પણ ઓગળી ગયા હતા. તેમણે જાણે પોતાની જાતને જ એમ કહેતા સાંભળી હતી કે, 'સોનિયા, તારી જાત પ્રત્યે ઈમાનદાર રહે. તું હંમેશાથી આ વાત જાણતી હતી.
બસ, હવે આને છોડી દે.'આ શબ્દો માત્ર કોઈ રાજકીય નિર્ણયનું પરિણામ નહોતા, પરંતુ વર્ષોથી તેમના અંતરમનમાં ચાલી રહેલા મનોમંથનનો અંતિમ પડાવ હતો. તેમણે તે સમયે પણ જાહેરમાં કહ્યું હતું કે તેમણે પોતાના 'અંતરાત્માના અવાજ' પર આ નિર્ણય લીધો છે, અને આજે આટલા વર્ષો પછી પણ તેમના સંસ્મરણોમાં એ જ સત્ય અને સ્પષ્ટતા છલકાય છે. વાસ્તવિકતા એવી પણ છે કે, પોતાના સંતાનોને પીડા આપીને તેઓ સત્તા ભોગવવા માગતા નહોતા.
આ નિર્ણયના મૂળ ૨૦૦૪ની ચૂંટણીના પરિણામોમાં નહીં, પરંતુ તેના કેટલાક મહિનાઓ પહેલાના એક પારિવારિક સંવાદમાં છુપાયેલા હતા. સોનિયા ગાંધી જણાવે છે કે ચૂંટણીના થોડા મહિના પહેલા તેમણે પોતાના બંને સંતાનો, રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી વાડ્રા સાથે આ મુદ્દે ખુલીને વાત કરી હતી.
વાતચીત દરમિયાન બેમાંથી એક સંતાને તેમને સીધો સવાલ પૂછયો હતો કે જો આપણી પાર્ટી ચૂંટણી જીતી જાય, તો શું તમે વડાપ્રધાન પદ સ્વીકારશો? સોનિયા ગાંધીએ લગભગ ગુસ્સા અને અત્યંત સ્પષ્ટતા સાથે તરત જ જવાબ આપ્યો હતો કે, 'બિલકુલ નહીં.' જ્યારે બાળકોએ ફરીથી ભારપૂર્વક પૂછયું કે શું તમને પૂરો વિશ્વાસ છે, ત્યારે તેમણે દ્રઢતાથી કહ્યું કે હું મારા નિર્ણય અંગે એકદમ સ્પષ્ટ છું.
રાહુલ અને પ્રિયંકા બંનેમાંથી કોઈ પણ નહોતું ઈચ્છતું કે તેમની માતા વડાપ્રધાન બને. આ ઈચ્છા પાછળ કોઈ રાજકીય ગણતરી નહોતી, પરંતુ એક ઊંડો, અસહ્ય પારિવારિક આઘાત હતો. તેમણે પોતાની દાદી ઈન્દિરા ગાંધીની હત્યા અને પોતાના પિતા રાજીવ ગાંધીની ક્રૂર હત્યાનો ભયાનક સમય નજરે જોયો હતો અને એ દર્દમાંથી તેઓ પસાર થયા હતા. તેમના મનમાં વડાપ્રધાનનું પદ કોઈ વૈભવ કે સત્તાનું પ્રતીક નહોતું, પરંતુ સીધેસીધું જીવલેણ જોખમ સાથે જોડાયેલું હતું. જ્યારે સોનિયા ગાંધીએ ના પાડી, ત્યારે રાહુલ અને પ્રિયંકાને રાહત થઈ. સોનિયા ગાંધીને પણ પોતાનું મન અત્યંત હળવું થઈ ગયું હોય તેવો અનુભવ થયો હતો, કારણ કે જીવનમાં પહેલીવાર તેમણે આ સવાલ પર પોતાનો નિર્ણય મોટેથી, સ્પષ્ટ શબ્દોમાં વ્યક્ત કર્યો હતો.
ચૂંટણી પ્રચાર દરમિયાન જ્યારે પણ પત્રકારો કે જનતા દ્વારા તેમને પૂછવામાં આવતું કે કોંગ્રેસ તરફથી વડાપ્રધાન કોણ બનશે, ત્યારે સોનિયા ગાંધી ક્યારેય કોઈ ચોક્કસ જવાબ આપતા નહોતા. પરંતુ તેમના અંતરમનમાં એક સ્પષ્ટ ચિત્ર અંકિત હતું. તેઓ જાણતા હતા કે આ પદ પર એવી કોઈ વ્યક્તિ હોવી જોઈએ જે અગાઉની કોંગ્રેસ સરકારોના વારસાને આગળ ધપાવી શકે, જેને સરકાર ચલાવવાનો બહોળો અનુભવ હોય અને જેની ઈમાનદારીનો રેકોર્ડ સંપૂર્ણપણે બેદાગ હોય.
જોકે, ૨૦૦૪ની જીત સુધીનો આ પ્રવાસ સોનિયા ગાંધી માટે જરાય સરળ નહોતો. તેમણે જુલાઈ ૨૦૦૩માં શિમલામાં યોજાયેલી કોંગ્રેસની એક તણાવપૂર્ણ બેઠકનો પણ ઉલ્લેખ કર્યો છે. તે સમયે અન્ય પક્ષો સાથે ગઠબંધન કરવા મુદ્દે પાર્ટીની અંદર ભારે મતભેદો ચાલી રહ્યા હતા.
એક તબક્કે સોનિયા ગાંધીને લાગ્યું કે તેમને આ ચર્ચાથી બાકાત રાખવામાં આવ્યા છે. જ્યારે તેમણે પોતાના સાથીઓને પૂછયું કે તેઓ શેની ચર્ચા કરી રહ્યા છે, ત્યારે થોડા ખચકાટ સાથે તેમને જવાબ મળ્યો કે ચૂંટણીમાં પાર્ટીનું નેતૃત્વ કોણ કરશે તે અંગે વિચારણા ચાલી રહી છે. આ સાંભળીને સોનિયા ગાંધી સ્તબ્ધ થઈ ગયા હતા. તેમને એ વાતનું ઊંડું દુ:ખ થયું હતું કે તેમની જ પાર્ટીના સાથીઓએ તેમને 'બહારના' સમજ્યા હતા. જોકે, તેમણે મક્કમતાથી સંદેશ આપ્યો કે કોંગ્રેસ અધ્યક્ષ તરીકે તેઓ જ ચૂંટણી પ્રચારનું નેતૃત્વ કરશે.
ત્યારબાદ એ જ થયું જેની કોઈને કલ્પના નહોતી. તત્કાલીન એનડીએ સરકારે 'ઈન્ડિયા શાઈનિંગ' અને 'ફીલ ગુડ'ના આકર્ષક નારાઓ સાથે નિર્ધારિત સમય કરતાં છ મહિના વહેલી ચૂંટણી કરાવવાનો મોટો જુગાર ખેલ્યો હતો.
ભાજપને પોતાની જીતનો અતિશય વિશ્વાસ હતો, પરંતુ સોનિયા ગાંધીના નેતૃત્વમાં કોંગ્રેસે એવો જબરદસ્ત વળતો પ્રહાર કર્યો કે ભાજપ સત્તાની બહાર ફેંકાઈ ગયો. આ પરિણામોએ સમગ્ર દેશના રાજકીય સમીકરણો બદલી નાખ્યા. પરંતુ, જીતની ખુશીની સાથે જ સોનિયા ગાંધી સામે સૌથી મોટી અગ્નિપરીક્ષા આવીને ઉભી રહી.
પરિણામો બાદ ગઠબંધનના સહયોગી નેતાઓ સાથે એક મહત્વપૂર્ણ બેઠક નક્કી કરવામાં આવી હતી.
આ નેતાઓએ કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓને વિશ્વાસ અપાવ્યો હતો કે તેઓ કોઈપણ ભોગે સોનિયા ગાંધીને વડાપ્રધાન બનવા માટે મનાવી લેશે. બીજા દિવસે બપોરે ૧૦ જનપથના સૌથી પાછળના ભાગમાં આવેલા રાજીવ ગાંધીના કોન્ફરન્સ રૂમમાં આ બેઠક શરૂ થઈ.
તમામ નેતાઓ એકસૂરે સોનિયા ગાંધીને વડાપ્રધાન પદ સ્વીકારવાનો આગ્રહ કરી રહ્યા હતા. જ્યારે ચર્ચા પૂરી થઈ, ત્યારે સોનિયા ગાંધીએ હિંમત એકઠી કરીને પોતાની અસહમતી જાહેર કરી. તેમણે પદ સંભાળવાની મનાઈ કરી.
તેમની વાત સાંભળતા જ રૂમમાં જાણે ભૂકંપ આવી ગયો. તમામ નેતાઓ ઉભા થઈ ગયા અને તેમની તરફ આગળ વધ્યા. સોનિયા ગાંધી પણ ઉભા થઈ ગયા. નેતાઓએ તેમને ચારેબાજુથી ઘેરી લીધા. એક નેતાએ ઊંચા અવાજે કહ્યું, 'અમે આ નહીં માનીએ.' બીજાએ કહ્યું, 'મેડમ, તમે આ નિર્ણય ન લઈ શકો.' તેમનો સૂર અત્યંત જોરદાર અને લગભગ ગુસ્સાભર્યો હતો. આ અણધાર્યા અને આક્રમક દબાણ સામે સોનિયા ગાંધી હચમચી ગયા. દબાણ હેઠળ તેમના મોંમાંથી ધીમેથી શબ્દો સરી પડયા, 'ઠીક છે.' તેમનું વાક્ય પૂરું થાય તે પહેલાં જ ત્યાં હાજર નેતાઓએ એકબીજાને અને તેમને અભિનંદન આપવાનું શરૂ કરી દીધું. કોઈ બૂમો પાડવા લાગ્યું કે, 'તેઓ માની ગયા છે, તેઓ માની ગયા છે.' સોનિયા ગાંધી ત્યાં જ સ્તબ્ધ, જડવત ઉભા રહ્યા.
આ ઘટનાની સૌથી તીવ્ર અને ભાવનાત્મક પ્રતિક્રિયા તેમના પોતાના ઘરમાં જ જોવા મળી. જ્યારે રાહુલ ગાંધીને આ વાતની ખબર પડી, ત્યારે તેમનો ગુસ્સો ફાટી નીકળ્યો. સોનિયા ગાંધી યાદ કરે છે કે રાહુલ રીતસરના ગર્જ્યા હતા, 'તમે હા પાડી દીધી?ધ' સોનિયા ગાંધીએ લાચારીથી જવાબ આપ્યો, 'તેઓ મારી વાત સાંભળવા તૈયાર નહોતા. હું આ કરવા નથી માંગતી, તું જાણે છે કે હું આ નથી ઈચ્છતી. મારા પર ભારે દબાણ કરવામાં આવી રહ્યું હતું.' રાહુલનો સવાલ સીધો તેમના હૃદયને વીંધી ગયો, જ્યારે તેમણે પૂછયું, 'તમારા પર દબાણ કરવામાં આવી રહ્યું હતું, અને અમારું શું?' આટલું કહીને રાહુલ ગુસ્સાથી લાલચોળ ચહેરા સાથે ત્યાંથી ચાલ્યા ગયા.
બીજી તરફ પ્રિયંકા ગાંધીની પ્રતિક્રિયા શાંત, પરંતુ અત્યંત વેદનાભરી હતી. પ્રિયંકાએ પોતાની માતાને સમજાવતા કહ્યું, 'જુઓ, મા, તમે હંમેશાથી આ બાબતે એકદમ સ્પષ્ટ રહ્યા છો. આમાં જબરદસ્તી ન કરશો. તમે જે નક્કી કર્યું છે, તે જ કરો.' પ્રિયંકાની આંખો લાલ થઈ ગઈ હતી અને તેમને જોઈને ખુદ સોનિયા ગાંધીને પણ રડવાનું મન થઈ આવ્યું હતું. પોતાના સંતાનોની આ વેદના અને આક્રોશે સોનિયા ગાંધીને ફરી એકવાર વાસ્તવિકતાનું ભાન કરાવ્યું.
આ પારિવારિક સંવાદ પછી સોનિયા ગાંધીએ ફરીથી ઊંડો વિચાર કર્યો. તેમના મનમાં વારંવાર એક જ વિચાર આવતો હતો કે તેમના આ પગલાના દૂરગામી પરિણામો આવશે, માત્ર તેમની પાર્ટી માટે જ નહીં, પરંતુ સમગ્ર ભારત માટે. દેશને એક એવી મજબૂત અને કાબેલ સરકારની જરૂર હતી જે ભારતને ભાગલાવાદી રાજકારણથી દૂર રાખી શકે અને વિકાસ તથા પ્રગતિના પથ પર આગળ લઈ જાય.

વિરોધીઓના વિદેશી મૂળ અંગેના દુષ્પ્રચારના મુદ્દાને જ ઉખાડી ફેંક્યો
સોનિયા ગાંધીને એ વાતનો પૂરો અણસાર હતો કે જો તેઓ વડાપ્રધાન પદ સ્વીકારી લેશે, તો વિરોધીઓ દ્વારા ચૂંટણી પ્રચાર દરમિયાન તેમના 'વિદેશી મૂળ'ને લઈને જે ઝેરી પ્રચાર અને હોબાળો શરૂ કરવામાં આવ્યો હતો, તે ક્યારેય શાંત નહીં થાય. ભાજપ અને તેના સહયોગીઓ ચોક્કસપણે આ મુદ્દાને હથિયાર બનાવીને લોકોની ભાવનાઓ ભડકાવશે અને દેશમાં એવી અરાજકતા ફેલાવશે કે જે પાછલા અને આવનારા વર્ષોના તમામ સારા કામો પર પાણી ફેરવી દેશે. દેશના હિત અને શાંતિને સર્વોપરી રાખીને તેમણે પોતાની જાતને પૂછયું કે તેઓ આ પદ સ્વીકારવા માટે કેવી રીતે સંમત થઈ શકે? અને જવાબ હતો 'ના, ક્યારેય નહીં.
અંતે તેમણે ડો. મનમોહન સિંહને વડાપ્રધાન બનાવવાનો ઐતિહાસિક નિર્ણય જાહેર કરીને તમામ અટકળોનો અંત આણ્યો. યુપીએ સરકારના દસ વર્ષના શાસનકાળ દરમિયાન વિપક્ષ દ્વારા સોનિયા ગાંધી પર સતત એવા આરોપો લગાવવામાં આવ્યા કે સરકાર વડાપ્રધાન કાર્યાલયથી નહીં, પરંતુ ૧૦ જનપથથી ચાલે છે અને તેઓ 'સુપર પીએમ' તરીકે સરકારી ફાઈલો મંગાવીને નિર્ણયો લે છે.
પોતાના સંસ્મરણોમાં સોનિયા ગાંધીએ આ તમામ આરોપોને સખત શબ્દોમાં ફગાવી દીધા છે. સરકારની રચના સમયે તેમણે ચોક્કસપણે પોતાના સૂચનો આપ્યા હતા જેથી વર્ષોથી પાર્ટીની નિષ્ઠાપૂર્વક સેવા કરનારા નેતાઓને યોગ્ય સ્થાન મળી શકે, પરંતુ પીએમઓમાંથી ફાઈલો મંગાવવાના આરોપો 'દુર્ભાવનાપૂર્ણ અને સંપૂર્ણપણે જૂઠા' હતા.