News Focus

ગુજરાતમાં છ પાકિસ્તાનીઓને 7 વર્ષ જેલમાં રાખ્યા અને કોર્ટે ચુકાદો આપ્યો નિર્દોષ, આ છે ગૃહખાતાનો વહીવટ !

By GS Team
29 Jul 20268 mins read
TukuTouch Logo
NIA કોર્ટે ગુજરાતના જખૌમાંથી 2019માં પકડાયેલા 6 પાકિસ્તાનીઓને 7 વર્ષ બાદ નિર્દોષ છોડી દીધા. 217 કિલો ડ્રગ્સ સાથે પકડાયેલા આ પાકિસ્તાનીઓને પુરાવાના અભાવે ડ્રગ્સ કેસમાં છોડી, માત્ર ઘુસણખોરી બદલ 8 વર્ષની સજા અને 25 હજારનો દંડ ફટકાર્યો. આ ઘટના ભારતીય ન્યાયતંત્ર અને તપાસ એજન્સીઓની કામગીરી પર સવાલો ઉભા કરે છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ગુજરાતમાં છ પાકિસ્તાનીઓને 7 વર્ષ જેલમાં રાખ્યા અને કોર્ટે ચુકાદો આપ્યો નિર્દોષ, આ છે ગૃહખાતાનો વહીવટ !
  • ભારતીયોને ન્યાય મળતો નથી અને પાકિસ્તાની કેદીઓ જેલમાં આનંદ કરે છે…
  • એનઆઈએના ચુકાદાને ન્યાય ગણવો કે ઉપહાસ તે જ સમજાતું નથી, કચ્છથી પકડાયેલા છ લોકો સાત વર્ષે સ્મગલર નથી તેવું સિદ્ધ થયા પછી કોર્ટને લાગ્યું કે આ લોકો પાકિસ્તાની છે તેથી ઘુસણખોરીના કેસમાં આઠ વર્ષની જેલની સજા કરી : દેશની 1333 જેલોમાં સરેરાશ 113 ટકા જેટલા કેદીઓ પુરાયેલા છે. તેમાંય દિલ્હીની જેલોની વાત કરીએ તો તેનો ઓક્યુપન્સી રેટ 195 ટકા જેટલો છે. મેઘાલયની જેલમાં પણ 164 ટકા કેદીઓ ભરેલા છે. બીજી તરફ કાશ્મીરની જેલમાં 147 ટકા અને મહારાષ્ટ્રની જેલોમાં પણ 140 ટકા કેદીઓ ઠુંસેલા છે : દિલ્હી અને બિહારની જેલમાં ૮૭ ટકા કેદીઓ અંડર ટ્રાયલ છે. બીજી તરફ અંદાજે 10 હજાર કેદીઓ એવા છે જે પાંચ વર્ષ કે તેનાથી વધુ સમયથી અંડર ટ્રાયલ કેદી તરીકે જેલવાસ ભોગવી રહ્યા છે

ભારતમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ એટલી કથળેલી છે કે, સામાન્ય માણસને ન્યાય મેળવવા માટે કોર્ટના પગથિયા ઘસી નાખવા પડે છે, આખી જિંદગી પૂરી થઈ જાય છે અને છતાં ન્યાય મળતો નથી. બીજી તરફ આ જ ન્યાયતંત્ર અને ગૃહખાતું પાકિસ્તાનીઓને પકડીને ભારતની જેલમાં મોકલી દે છે. આ પાકિસ્તાનીઓને ભારતીય જેલોમાં દાયકાઓ સુધી સાચવવામાં આવે છે. તેમની સુરક્ષા, ભોજન, કાયદો અને વ્યવસ્થા પાછળ અત્યાર સુધીમાં કરોડો રૂપિયા ખર્ચવામાં આવે છે અને પરિણામ કશું જ મળતું નથી. સામાન્ય માણસ હેલમેટ ન પહેરે તો તેની પાસે આતંકવાદી જેવું વર્તન કરવામાં આવે છે, તેની સામે કેસ કરવામાં આવે છે, અને કોર્ટ સતત સામાન્ય માણસને દબડાવતી રહે છે. બીજી તરફ આ જ ન્યાયતંત્ર ૨૧૭ કિલો ડ્રગ્સ સાથે પકડાયેલા પાકિસ્તાનીઓને સાત વર્ષે ગુનેગાર ગણી શકતી નથી. તેને નિર્દોષ છોડી દે છે. તેની પાછળ કારણ એવું આવે છે કે, તપાસ એજન્સીઓ યોગ્ય પુરાવા આપી ન શક્યા.
આપણા દેશની કરુણતા જ એ રહી છે કે, ગૃહખાતા અને ન્યાયતંત્ર દ્વારા કાયમ સામાન્ય માણસને દબડાવાયો છે અને કીડીને કોશનો ડામ આપવાનો જ ન્યાય કર્યો છે. દુનિયાભરના દેશોમાં આતંકવાદીઓ પકડાય છે, ઘુસણખોરો પકડાય છે, ગુનેગારો પકડાય છે. તેમની સામે તરત જ કામગીરી કરવાની વ્યવસ્થા વિકસેલી છે પણ ભારતમાં તો રામરાજ્ય અને પોલીસ સુખી છે.
હાલમાં ન્યાયતંત્ર અને કાયદા તંત્ર એટલું કથળી ગયું છે કે તેનો ઉપયોગ હવે હથિયાર તરીકે થવા લાગ્યો છે. એક સમયે લોકો શ્રદ્ધાપૂર્વક કોર્ટમાં જતા હતા, તેમને ન્યાય મળવાની આશા હતી. મંદિરમાં જેમ વ્યક્તિ આસ્થાપૂર્વક જાય તેમ ન્યાયમંદિરમાં જતો હતો પણ ભ્રષ્ટ રાજકારણે ધર્મના મંદિર હોય કે ન્યાયના મંદિર હોય તમામ સ્થળે તંત્ર ખરાબ કરી નાખ્યું છે. ક્યાંક લોકોનું દાન લુંટી લેવાય છે તો ક્યાંક લોકોની જિંદગી ખર્ચાઈ જાય છે અને ઘુસણખોરો, આતંકીઓ સરકારી પૈસે જલસા કરે છે.
ગુજરાતમાં તાજેતરમાં જે ઘટના બની તે આ ભ્રષ્ટ અને નિંભર તંત્રની સાક્ષી પુરે છે. કેન્દ્રમાં ભાજપની સરકાર છે, અમિત શાહ જેવા સક્ષમ ગૃહમંત્રી છે. બીજી તરફ ગુજરાતમાં હર્ષ સંઘવીને ગૃહખાતું સોંપવામાં આવ્યું છે. આ બંને ગૃહમંત્રીઓ પાસે તસવીરો ખેંચાવા સિવાય અન્ય કોઈ કામ નથી. આતંકી હુમલા થાય એટલે કેન્દ્રીય મંત્રી લોકોને સધીયારો આપવા પહોંચી જશે અને ગુજરાતમાં મોટી ઘટના બને એટલે હર્ષ સંઘવી ત્યાં પહોંચી જશે. થોડી તસવીરો ખેંચાશે, મીડિયામાં અને સોશિયલ મીડિયામાં ફરતી થશે અને પછી બધું ભુલાઈ જશે. કેન્દ્રીય ગૃહમંત્રી છેલ્લાં ઘણા સમયથી દેશની વિવિધ સરહદો ઉપર ફરજ બજાવતા બીએસએફના જવાનોને મળવા જાય છે. તેમની સાથે ભોજનની ઈવેન્ટ રખાય છે અને તેની તસવીરો સોશિયલ મીડિયામાં ફરતી કરાય છે. આ બીએસએફના જવાનોની જે સમસ્યાઓ છે તેને સાંભળવાનો કે પછી સરહદે શું પડકારો છે તેનો નિકાલ લાવવાનો સમય તેમની પાસે નથી. તેમના તાબા હેઠળની સરહદોએથી બાંગ્લાદેશીઓ કે પાકિસ્તાનીઓ દેશમાં ઘુસી જાય છે છતાં કોઈ કશું જ કરી શકતું નથી કે બોલી શકતું પણ નથી.
ગુજરાતમાં તાજેતરમાં એનઆઈએ કોર્ટ દ્વારા એક ચુકાદો આપવામાં આવ્યો છે. ૨૦૧૯માં પકડાયેલા છ પાકિસ્તાનીઓને સાત વર્ષ જેલમાં રાખ્યા બાદ, તેમને સાચવ્યા બાદ હવે નક્કી કરવામાં આવ્યું કે, તેઓ ખોટી રીતે ભારતમાં આવ્યા છે. તેમણે ભારતીય કાયદાનો ભંગ કર્યો છે અને તેમને ઘુસણખોરી બદલ આઠ વર્ષની સજા કરવામાં આવી છે. કથળયેલા પોલીસ તંત્ર અને ન્યાયતંત્રનું આ અનોખું ઉદાહરણ છે. સાત વર્ષ સુધી કેસ ચાલ્યા બાદ કોર્ટે કહ્યું કે, આ પાકિસ્તાનીઓને ડ્રગ્સ સ્મગલર સાબિત કરવા માટે પુરતા પુરાવા નથી. તેથી તેમને ડ્રગ્સના કેસમાં દોષિત ગણવામાં આવતા નથી. બીજી તરફ તેમને ઘુસણખોરી બદલ આઠ વર્ષની સજા કરવામાં આવે છે.
હકિકતે તો આ આઘાતજનક સ્થિતિ છે. એક પાકિસ્તાની બોટમાંથી ૨૧૭ કિલો ડ્રગ્સ ઝડપાય છે. તેની સાથે આ પાકિસ્તાનીઓને પણ પકડવામાં આવે છે. ગુજરાતના જખૌથી પકડાયેલા આ પાકિસ્તાનીઓને ડ્રગ્સના કેસમાં તો જેલ થઈ જ નહોતી. તેમને માત્ર પકડીને જેલ હવાલે કરાયા હતા. ત્યાં સાત વર્ષ સાચવ્યા બાદ કોર્ટે વારંવાર સુનાવણીઓ રાખીને જાહેર કરી દીધું કે પકડાયેલા લોકો આરોપી નથી. તેમને કોઈ સજા જાહેર કરાઈ નથી. તેઓ ગેરકાયદે ભારતમાં ઘુસ્યા હતા તેથી તમામને ફોરન એક્ટના ભંગ બદલે દોષિત જાહેર કરીને આઠ વર્ષની કેદની સજા સંભળાવવામાં આવી.
કોર્ટને લાગ્યું કે, તપાસ એજન્સીઓ દ્વારા ઘટનાના પુરાવાના અભાવે વાર્તા કહેવામાં આવે છે. તપાસ એજન્સીઓએ કોર્ટમાં વાર્તા કહી અને તમામ આરોપીઓ નિર્દોષ સાબિત થઈ ગયા. કોર્ટનું કહેવું હતું કે, જહાજના લોગબુક કે તેના વાયરલેસ મેસેજના કોઈ ડેટા યોગ્ય રીતે રજૂ થયા નહોતા. તે ઉપરાંત આ પાકિસ્તાની બોટ ભારતીય જળસીમામાં ઘુસવાની પહેલેથી ગુપ્ત માહિતી હતી તો ઉપરી અધિકારીઓને તેની જાણ કેમ કરવામાં આવી નહોતી. સૌથી હાસ્યાસ્પદ બાબત તો એવી સામે આવી કે, કોસ્ટગાર્ડ દ્વારા જ્યારે પાકિસ્તાની બોટને આંતરવામાં આવી ત્યારે પાકિસ્તાનીઓને ડ્રગ્સના પેકેટ પાણીમાં ફેંકી દીધા. તપાસ અધિકારીઓના નિવેદનો અને સાક્ષીઓના નિવેદનોમાં પણ વિરોધાભાસ આવતો હતો. તેના કારણે અમદાવાદની સ્પેશિયલ એનાઈએ કોર્ટે છ પાકિસ્તાનીઓને ડ્રગ્સના કેસમાં નિર્દોષ છોડી મુક્યા. તેમને માત્ર ઘુસણખોરી માટે આઠ વર્ષની જેલની સજા ફટકારાઈ અને ૨૫ હજારનો દંડ કરવામાં આવ્યો.
દુ:ખની વાત એ છે કે આટલી મોટી ઘટના બને છે, દેશના ગૃહમંત્રી અમીત શાહને ગૃહખાતામાં શું ચાલી રહ્યું છે તેની ખબર માત્ર નથી. તપાસ એજન્સીઓની કામગીરી એટલી હદે કથળી ગઈ છે કોર્ટમાં સચોટ પુરાવા કે દલીલો પણ કરાતી નથી, સરકારી વકીલોને લખલૂટ પૈસા અપાય છે પરંતુ સરકારી કેસો હારી જવા માટે જ અપાતા હોય છે… આવી જ પરિસ્થિતિ ગુજરાતના ગૃહખાતાની છે. હર્ષ સંઘવીને પણ હજી નવા નવા છે માટે એટલો અભ્યાસ કરવાનો સમય જ નથી, ખેર ૭ વર્ષ સુધી પાકિસ્તાનીઓને આ દેશમાં રાખી એમની સરભરા કરાય અને ગૃહમંત્રી આની જવાબદારી પણ ન લઈ શકે તે ઘટના શરમજનક છે !

ન્યાયના નામે ઉપહાસ : ભારતીય જેલોમાં ૭૩ ટકા કેદીઓ અંડર ટ્રાયલ છે
ભારતની જેલોમાં જે કેદીઓની સંખ્યા છે તે જ ભારતની ન્યાય વ્યવસ્થા અને ગૃહખાતા તથા પોલીસની કામગીરી સામે મોટા સવાલ ઊભા કરે છે.
ભારતની જેલોમાં પહેલેથી જ મર્યાદા કરતા અનેક ગણા વધારે કેદીઓ ભરવામાં આવ્યા છે. તેમાંય વાસ્તવિકતા જોઈએ તો ભારતીય જેલોની ક્ષમતા ૪.૫૦ લાખ કેદીઓની છે. તેની સામે હાલમાં ભારતમાં ૫.૧૧ લાખ કરતા વધારે કેદીઓ ભરેલા છે. તેનો સીધો અર્થ એ છે કે, ભારતીય જેલોમાં ૬૦ હજાર જેટલા વધારે કેદીઓ છે. દેશની ૧૩૩૩ જેલોમાં સરેરાશ ૧૧૩ ટકા જેટલા કેદીઓ પુરાયેલા છે. તેમાંય દિલ્હીની જેલોની વાત કરીએ તો તેનો એક્યુપન્સી રેટ ૧૯૫ ટકા જેટલો છે. અહીંયા મર્યાદા કરતા બમણા કેદીઓ છે.
મેઘાલયની જેલમાં પણ ૧૬૪ ટકા કેદીઓ ભરેલા છે. બીજી તરફ કાશ્મીરની જેલમાં ૧૪૭ ટકા અને મહારાષ્ટ્રની જેલોમાં પણ ૧૪૦ ટકા કેદીઓ ઠુંસેલા છે.
ચિંતાજનક બાબત એવી છે કે, ભારતીય જેલોમાં જે કેદીઓ ભરવામાં આવ્યા છે તેમાંથી ૭૩ ટકા કેદીઓ તો કાચા કામના કેદીઓ છે.
તેમની કોર્ટ ટ્રાયલ ચાલુ છે. તેમાંથી મોટાભાગના બિચારા એવા કમનસીબ કેદીઓ છે જેમના કેસના ચુકાદા આવતા જ વર્ષો અને દાયકા નિકળી જાય છે. દિલ્હી અને બિહારની જેલમાં ૮૭ ટકા કેદીઓ અંડર ટ્રાયલ છે. તેમાંથી આશરે ૭૦ ટકા કેદીઓ એક વર્ષથી જેલમાં રાખવામાં આવેલા છે. બીજી તરફ અંદાજે ૧૦ હજાર કેદીઓ એવા છે જે પાંચ વર્ષ કે તેનાથી વધુ સમયથી અંડર ટ્રાયલ કેદી તરીકે જેલવાસ ભોગવી રહ્યા છે.

પાકિસ્તાનીઓ કે બાંગ્લાદેશીઓને તગેડવાના કે સરભરા કરવાની? : પ્રજાનો પ્રશ્ન
એનઆઈએની સ્પેશિયલ કોર્ટે આપેલા ચુકાદા બાદ લોકોમાં ફરી એક વખત ચર્ચા ચાલી છે. ખાસ કરીને ગુજરાતની જે સ્થિતિ છે તે જોતાં લાગી રહ્યું છે કે, અહીંયા કાયદો અને ન્યાયના નામે પ્રજા સાથે માત્ર મજાક કરવામાં આવી રહી છે. સામાન્ય માણસને સજા અને ઘુસણખોરોને બિરિયાની પિરસવાની પરંપરા બની ગઈ છે.
ગુજરાતમાં દાયકાઓથી બાંગ્લાદેશીઓ ઘુસણખોરી કરીને આવ્યા છે અને વિવિધ શહેરોમાં વસવાટ કરે છે. છેલ્લાં ત્રણ દાયકાથી ભાજપની સરકારને, સ્થાનિક તંત્રને અને ન્યાય વ્યવસ્થાને આ બાબતની ખબર છે પણ માત્ર ચૂંટણી પહેલાં આ લોકો સામે પગલાં લેવાય છે. પચાસ-સો લોકોને પકડીને પરત મોકલવામાં આવે છે અને પછી સરકારી ખેલ પૂરો થાય છે અને પ્રજા પણ તાળીઓ પાડીને ઘરભેગી થઈ જાય છે. બધું જ ભુલાઈ જાય છે. પાકિસ્તાની કે બાંગ્લાદેશી ઘુસણખોરો પકડાય છે ત્યારે જ તેમને તરત જ સરહદ ઉપરથી જ રવાના કરી દેવાના બદલે ભારતમાં લાવીને તેમના જેલમાં રાખવાનો કે તેમનો બોજો ઉપાડવાની શું જરૂર છે. તેમાંય જે આતંકીઓ પકડાય છે તેને કાયદાની ઝડપી કામગીરી કરી ફાંસી આપી દેવાતી નથી. દાયકાઓ સુધી તેનો કેસ ચાલે છે. તેને સુરક્ષા અપાય છે, સારવાર અપાય છે, સારું ભોજન અપાય છે અને સુવિધાઓ અપાય છે. બીજી તરફ ભારતની જેલમાં સામાન્ય માણસો જીવજંતુઓની જેમ સબડે છે પણ તેની સામે જોનાર કોઈ નથી.
ગુજરાતના ગૃહમંત્રી હોય કે કેન્દ્રના ગૃહમંત્રી હોય તેમને સ્થિતિની ખબર જ છે તો પછી આ દિશામાં ઝડપી અને નક્કર પગલાં કેમ નથી લેતા. સરહદે જ ઘુસણખોર પકડાય છે તો તેને તરત જ પરત મોકલી દેવો અને આતંકીને પૂરો કરી દેવો. દુનિયાના મોટાભાગના દેશો આવી જ કામગીરી કરે છે પણ ભારતમાં રાજકીય રમતો માટે તમામ સ્તરે સખાવતો ચાલુ જ રાખવામાં આવે છે, આવું કેમ?