News Focus

હોર્મુઝમાં ફસાયેલા જહાજો સુપર સ્પ્રેડર બનવાનું જોખમ!

By GS Team
19 Aug 20267 mins read
TukuTouch Logo
હોર્મુઝની ખાડીમાં લાંબા સમયથી અટવાયેલા 1,500થી વધુ જહાજો હવે વૈશ્વિક સ્તરે 'બિમારીના બોમ્બ' બની શકે છે. જહાજોના તળિયે ચોંટેલા દરિયાઈ જીવો, શેવાળ અને પરોપજીવીઓ (બાયોફાઉલિંગ) ખાડી ખુલતા વિવિધ દેશોના બંદરો સુધી પહોંચી શકે છે, જેનાથી અજ્ઞાત બિમારીઓ અને ઇકોલોજિકલ સંકટનો ભય છે. નિષ્ણાતોએ જહાજોની સફાઈ અને તપાસની તાત્કાલિક જરૂરિયાત પર ભાર મૂક્યો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

હોર્મુઝમાં ફસાયેલા જહાજો સુપર સ્પ્રેડર બનવાનું જોખમ!
  • મહિનાઓથી દરિયામાં ફસાયેલા આ જહાજોની નીચે અનેક પરોપજીવીઓ ચોંટેલા હશે જે વિવિધ દેશોમાં પહોંચીને ડિસિઝ બોમ્બ બની શકે છે
  • જહાજો લાંબા સમય સુધી સમુદ્રમાં એક જ જગ્યાએ ઊભા રહે છે, ત્યારે તેમના નીચેના ભાગ પર દરિયાઈ જીવો, શેવાળ, પરોપજીવીઓ અને અન્ય સૂક્ષ્મજીવો ચોંટવા લાગે છે. તેને બાયોફાઉલિંગ કહેવામાં આવે છે. હવે ભય જ એ છે કે, હોર્મુઝની ખાડી ખુલ્યા પછી જ્યારે આ જહાજો અલગ-અલગ દેશોના બંદરો તરફ રવાના થશે, ત્યારે તેમની સાથે આ જીવો પણ હજારો કિલોમીટર દૂર સુધી પહોંચી શકે છે : સમુદ્રમાં રહેતા મોટાભાગના જીવો તેમની સ્થાનિક ઇકોસિસ્ટમનો ભાગ હોય છે. પરંતુ જો કોઈ બાહ્ય પ્રજાતિ કોઈ નવા દરિયાઈ ક્ષેત્રમાં પહોંચી જાય, તો ત્યાં તેનો કુદરતી શિકારી ન હોવાને કારણે તે ઝડપથી ફેલાઈ શકે છે. આનાથી સ્થાનિક માછલીઓ, દરિયાઈ વનસ્પતિ અને અન્ય જીવો માટે જોખમ ઊભું થઈ શકે છે. આ ઉપરાંત આની અસર માત્ર સમુદ્ર પૂરતી સીમિત નહીં રહે, તેની સાથે જોડાયેલી અર્થવ્યવસ્થા પણ તેની ઝપેટમાં આવી શકે છે : એક એવું નેટવર્ક વિકસાવવું પડશે જેથી આવા સંક્રમિત કે પરોપજીવી ધરાવતું જહાજ આવે તો તરત જ તેને આઈસોલેટ કરીને તેના ઉપર ટ્રિટમેન્ટ કરી શકાય. જો સમયસર આ સ્થિર જહાજોના જૈવિક કચરાનું સંચાલન કરવામાં નહીં આવે, તો આર્થિક નુકસાનમાંથી બહાર આવ્યા પછી વિશ્વએ એક નવા દરિયાઈ 'ઇકોલોજિકલ સંકટ'નો સામનો કરવો પડશે

હોર્મુઝની ખાડી લાંબા સમય સુધી બંધ રહેવાની અસર માત્ર ક્રૂડ, ગેસ અને વૈશ્વિક વેપાર પૂરતી મર્યાદિત નથી. ફારસની ખાડીમાં લાંબા સમયથી અટવાયેલા જહાજો હવે એક એવા જોખમને દુનિયાના વિવિધ દેશો સુધી વિસ્તારી શકે છે, જેની અસર હજારો કિલોમીટર દૂર સુધી પહોંચવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. સંશોધકોએ ચેતવણી આપી છે કે પર્શિયન ગલ્ફમાં લાંબા સમયથી ઊભેલા ૧,૫૦૦થી વધુ કોમર્શિયલ જહાજો હવે એક અલગ પ્રકારનો ખતરો ઊભો કરી રહ્યા છે. તેઓ હવે બિમારીના બોમ્બ બનીને દુનિયાભરમાં ભય ફેલાવી શકે તેમ છે.
ઉલ્લેખનીય છે કે, જ્યારે જહાજો લાંબા સમય સુધી સમુદ્રમાં એક જ જગ્યાએ ઊભા રહે છે, ત્યારે તેમના નીચેના ભાગ પર દરિયાઈ જીવો, શેવાળ, પરોપજીવીઓ અને અન્ય સૂક્ષ્મજીવો ચોંટવા લાગે છે. તેને બાયોફાઉલિંગ કહેવામાં આવે છે. જાણકારોના મતે હવે ભય જ એ છે કે, હોર્મુઝની ખાડી ખુલ્યા પછી જ્યારે આ જહાજો અલગ-અલગ દેશોના બંદરો તરફ રવાના થશે, ત્યારે તેમની સાથે આ જીવો પણ હજારો કિલોમીટર દૂર સુધી પહોંચી શકે છે. તેના દ્વારા વ્યાપક બિમારી અથવા તો અજ્ઞાાત બિમારીઓ ફેલાવાનો ભય રહે છે. સમુદ્રમાં રહેતા મોટાભાગના જીવો તેમની સ્થાનિક ઇકોસિસ્ટમનો ભાગ હોય છે. પરંતુ જો કોઈ બાહ્ય પ્રજાતિ કોઈ નવા દરિયાઈ ક્ષેત્રમાં પહોંચી જાય, તો ત્યાં તેનો કુદરતી શિકારી ન હોવાને કારણે તે ઝડપથી ફેલાઈ શકે છે.
આનાથી સ્થાનિક માછલીઓ, દરિયાઈ વનસ્પતિ અને અન્ય જીવો માટે જોખમ ઊભું થઈ શકે છે. આ ઉપરાંત આની અસર માત્ર સમુદ્ર પૂરતી સીમિત નહીં રહે. મત્સ્યપાલન, જળચર ઉછેર, દરિયાકાંઠાના ઉદ્યોગો અને તેની સાથે જોડાયેલી અર્થવ્યવસ્થા પણ તેની ઝપેટમાં આવી શકે છે. આ જ કારણ છે કે વૈજ્ઞાાનિકો લાંબા સમય સુધી ખાડીમાં ઊભેલા જહાજોને સંભવિત 'સુપર-સ્પ્રેડર' માની રહ્યા છે.
હકિકતે, પર્શિયન ખાડીનું ગરમ દરિયાઈ વાતાવરણ બાયોફાઉલિંગ માટે અનુકૂળ માનવામાં આવે છે. એટલે કે, જહાજો જેટલા લાંબા સમય સુધી અહીં ઊભા રહેશે, તેમની સપાટી પર દરિયાઈ જીવો અને વનસ્પતિઓ જમા થવાની શક્યતા વધશે.
પશયનની ખાડીમાં પહેલેથી જ ૫૦થી વધુ બિન-સ્થાનિક દરિયાઈ પ્રજાતિઓ હાજર હોવાનું કહેવાય છે.
આવા સંજોગોમાં અહીં લાંબા સમયથી અટવાયેલા જહાજો જ્યારે વિશ્વના અન્ય ભાગોમાં જશે ત્યારે તેમની સાથે નવા દરિયાઈ જીવો પહોંચવાનું જોખમ વધી શકે છે. વિશ્વમાં દરિયાઈ વેપારના એવા ઘણા માર્ગો છે, જેને 'ચોક પોઈન્ટ' કહેવામાં આવે છે. આ માર્ગો અવરોધાતાં જહાજોની અવરજવર ખરાબ રીતે પ્રભાવિત થાય છે. મોટાભાગના ચોક પોઈન્ટ માટે વૈકલ્પિક માર્ગો ઉપલબ્ધ છે, પરંતુ કેટલાક એવા દરિયાઈ માર્ગો છે જ્યાં વિકલ્પો અત્યંત મર્યાદિત અથવા વ્યવહારુ રીતે ઉપલબ્ધ નથી.
હોર્મુઝની ખાડી પણ આ અત્યંત મહત્વપૂર્ણ દરિયાઈ માર્ગોમાં સ્થાન ધરાવે છે. આ ઉપરાંત ઓરેસુંડ, બોસ્ફોરસ-ડાર્ડેનેલ્સ અને બોહાઈ જેવા માર્ગો પણ વૈશ્વિક દરિયાઈ વેપાર માટે વ્યૂહાત્મક મહત્વ ધરાવે છે. ઇતિહાસમાં દરિયાઈ માર્ગો લાંબા સમય સુધી ખોટકાઈ જવાના ભૂતકાળમાં પણ ઘણા ઉદાહરણો મળતા રહ્યા છે.
સુએઝ નહેરમાં ૨૦૨૧નો અકસ્માત અને પનામા નહેરમાં દુષ્કાળને કારણે સર્જાયેલી પરિસ્થિતિઓએ દર્શાવ્યું છે કે દરિયાઈ પરિવહનમાં કોઈ એક મહત્વપૂર્ણ માર્ગનો અવરોધ કેટલી મોટી સમસ્યા બની શકે છે. પરંતુ હોર્મુઝના કિસ્સામાં ચિંતાનું એક નવું પાસું સામે આવ્યું છે. જહાજોનું લાંબા સમય સુધી એક જ દરિયાઈ વિસ્તારમાં સ્થિર ઊભા રહેવું. સંશોધન મુજબ, હોર્મુઝમાંથી નીકળ્યા પછી તરત જ જહાજો દ્વારા ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડ સુધી આ ખતરો પહોંચવાની શક્યતા ઓછી હોઈ શકે છે. પરંતુ સમય જતાં ઘણા જહાજો આ દેશોના બંદરો સુધી પહોંચી શકે છે.
બંને દેશોમાં દરિયાઈ જૈવ-સુરક્ષાને લઈને કડક નિયમો છે. ત્યાં શંકાસ્પદ જહાજોની તપાસ કરવામાં આવે છે અને જરૂર પડયે તેમની બાહ્ય સપાટી, પ્રોપેલર અને અન્ય ભાગોની સફાઈ કરવામાં આવે છે. તેમ છતાં, મોટી સંખ્યામાં જહાજોની એકસાથે અવરજવર શરૂ થવા પર આ પડકાર ઘણો મોટો બની શકે છે. નિષ્ણાતોનું કહેવું છે કે હોર્મુઝ વિસ્તારમાંથી નીકળતા પહેલા જહાજોની તપાસ જરૂરી છે. તેમની બાહ્ય સપાટી પર જમા થયેલા જીવો અને જૈવિક સામગ્રીની ઓળખ કરી શકાય છે. જરૂર પડયે સમુદ્રમાં આગળ વધતા પહેલા જહાજની અંડરવોટર સફાઈ પણ થવી જોઈએ. જોકે સફાઈ દરમિયાન સાવચેતી અત્યંત જરૂરી રહેશે. જો જહાજમાંથી નીકળેલો જૈવિક કચરો સીધો સમુદ્રમાં ભળી જશે તો સમસ્યા ઘટવાને બદલે વધુ વધી શકે છે.
હોર્મુઝની ખાડી વિશ્વના સૌથી મહત્વપૂર્ણ દરિયાઈ માર્ગો પૈકીનો એક છે. અહીં લાંબા સમયથી લાગેલા પ્રતિબંધો વૈશ્વિક વેપાર અને તેલ-ગેસના પુરવઠા માટે પહેલેથી જ ચિંતાનો વિષય છે.
હવે તેની સાથે દરિયાઈ જૈવ-સુરક્ષાનો ખતરો જોડાતાં પડકાર વધુ જટિલ બન્યો છે. જહાજો સ્થિર ઊભા રહેવાથી આવો ખતરો ઊભો થયો હોય તેવી આ પહેલી ઘટના નથી.
આંતરરાષ્ટ્રીય વેપાર ઠપ થવાને કારણે વિશ્વના ૧૦% કન્ટેનર અને ૨૫% રીફર્ડ જહાજો મહિનાઓ સુધી સમુદ્રમાં ઊભા રહ્યા હતા.
વર્ષ ૧૯૭૦ની તેલ કટોકટી પણ આવું જ ઉદાહરણ છે જ્યારે વિશ્વભરમાં ૪૬૬ તેલ ટેન્કરો ઊભા કરી દેવામાં આવ્યા હતા. દક્ષિણ ચીન સાગરમાં દર વર્ષે માછીમારી પર લાગતા પ્રતિબંધોને કારણે હજારો બોટ એક જ જગ્યાએ ઊભી રહે છે, જેનાથી આ જૈવિક સંક્રમણ પેદા થાય છે.
ઈન્ટરનેશનલ મરીન ઓર્ગેનાઈઝેશન (IMO)ની સલાહ છે કે ૩૦ દિવસથી વધુ સમય માટે નિષ્ક્રિય ઊભેલા જહાજોને મુસાફરી શરૂ કરતા પહેલા બાયોફાઉલિંગ મેનેજમેન્ટની તાત્કાલિક જરૂરિયાત હોય છે. જોકે આ જહાજો દરિયાઈ જીવોના વિકાસ અને પ્રજનનની મુખ્ય ઋતુમાં લગભગ ચાર મહિનાથી અટવાયેલા છે. IMOના સંશોધન મુજબ, ચીકણી લીલનું એક પાતળું પડ પણ ગ્રીનહાઉસ વાયુઓના ઉત્સર્જનમાં ૨૦થી ૨૫ ટકાનો વધારો કરી શકે છે, જ્યારે બાર્નકલના સહેજ વધારાથી પણ ઇંધણના વપરાશ અને ઉત્સર્જનમાં ૫૦ ટકાથી વધુનો વધારો થઈ શકે છે.
આ સિવાય IMOનો અંદાજ છે કે શિપિંગ ઉદ્યોગના કુલ ઇંધણનો લગભગ ૧૦ ટકા હિસ્સો માત્ર બાયોફાઉલિંગને કારણે પેદા થતા ઘર્ષણને ઘટાડવામાં ખર્ચાઈ જાય છે.
સંશોધકોએ એમ પણ જણાવ્યું હતું કે આધુનિક શિપિંગને હંમેશાં દરિયાઈ આક્રમક પ્રજાતિઓના ફેલાવા માટેનું મુખ્ય કારણ માનવામાં આવે છે.
તેઓએ ચેતવણી આપી હતી કે જહાજોના આટલા લાંબા રોકાણનું આ પ્રમાણ ઇતિહાસમાં અભૂતપૂર્વ છે. તાજેતરના દાયકાઓમાં ખાડી ક્ષેત્રમાંથી બાયોફાઉલિંગ દ્વારા ફેલાયેલી આક્રમક પ્રજાતિઓએ એટલાન્ટિક અને પ્રશાંત મહાસાગરોમાં સ્થાનિક પ્રજાતિઓને વિસ્થાપિત કરીને બંદરોના માળખાને ભારે નુકસાન પહોંચાડયું છે. ઇકોલોજિકલ અસરનું એક ઉદાહરણ 'એશિયન ગ્રીન મસલ' છે, જેને ખૂબ જ આક્રમક માનવામાં આવે છે.
હિંદ અને પ્રશાંત મહાસાગરના ઉષ્ણકટિબંધીય વિસ્તારોમાંથી ઉદ્ભવેલી આ મસલ ખાડી વિસ્તારમાં સામાન્ય છે અને હવે તે કેરેબિયન તેમજ દક્ષિણ એટલાન્ટિક મહાસાગરમાં ફેલાઈ ચૂકી છે, જેનાથી સ્થાનિક પ્રજાતિઓને નુકસાન પહોંચ્યું છે.

ચોક્કસ પગલાં નહીં લેવાય તો દુનિયા અને દરિયામાં મહામારી ફેલાશે
જાણકારોના મતે જો આ જહાજોની યોગ્ય ચકાસણી અને સાફસફાઈ નહીં કરવામાં આવે તો આગામી સમયમાં તે દુનિયાભરમાં અને દરિયાઈ દુનિયામાં પણ મહામારી ફેલાવી શકે છે. કોઈ પણ જહાજ અહીંયાથી રવાના થાય તે પહેલાં તેમના પાણી અને તળિયાના ભાગનું 'પર્યાવરણીય ડીએનએ' પરીક્ષણ કરવામાં આવે તે અત્યંત જરૂરી છે. આ ઉપરાંત ખાડી વિસ્તાર છોડતા પહેલાં જ જહાજોના નીચેના ભાગની વિશેષ ઉપકરણો દ્વારા સફાઈ કરવામાં આવે જેથી પરોપજીવીઓ ત્યાં જ નષ્ટ થઈ જાય. આ સફાઈ દરમિયાન કચરો દરિયામાં જ પડવાના બદલે તેને કોઈ રીતે સંગ્રહિત કરવામાં આવે તે વધારે ગ્રાહ્ય છે. જહાજો પોતાના ડેસ્ટિનેશન ઉપર પહોંચે અને ત્યારબાદ તેને સફાઈ કરવામાં આવે તો પરોપજીવીઓ નવા દરિયામાં જ પહોંચી જવાના છે અને કોઈ અર્થ સરવાનો નથી. જહાજો જે બંદરો પર પહોંચવાના હોય તેમને અગાઉથી જાણ કરવામાં આવે જેથી તેઓ સુરક્ષા તપાસની પૂર્વ તૈયારી રાખી શકે. આ બાબતે ઉપર ખાસ ધ્યાન રાખવા જેવું છે. એક વખત બિમારી મરિન ઈકોલોજીમાં પહોંચી ગઈ તો તેને દૂર કરવામાં ઘણી મુશ્કેલી ઊભી થઈ શકે છે. આ સિવાય રેપિડ રિસ્પોન્સ સિસ્ટમ પણ વિકસાવવી જોઈએ. દરેક દેશની પોર્ટ ઓથોરિટી ત્વરિત તપાસ અને રિસ્પોન્સ ફોર્સ તૈનાત કરે જે આવા જહાજો માટે ઝડપથી કામ કરી શકે અને બિમારી ફેલાતા પહેલાં જ તેને જડમૂળમાંથી જ અટકાવી દે. આ ઉપરાંત ગ્લોબલ એલર્ટ નેટવર્ક વિકસાવવું પડશે. દરિયાઈ સીમાઓને બચાવવા માટે વિશ્વભરના દેશો રિયલ-ટાઇમ ડેટા શેર કરીને એક એવું નેટવર્ક વિકસાવવું પડશે જેથી આવા સંક્રમિત કે પરોપજીવી ધરાવતું જહાજ આવે તો તરત જ તેને આઈસોલેટ કરીને તેના ઉપર ટ્રિટમેન્ટ કરી શકાય. જો સમયસર આ સ્થિર જહાજોના જૈવિક કચરાનું સંચાલન કરવામાં નહીં આવે, તો આર્થિક નુકસાનમાંથી બહાર આવ્યા પછી વિશ્વએ એક નવા દરિયાઈ 'ઇકોલોજિકલ સંકટ'નો સામનો કરવો પડશે.