News Focus

શેનજેન APEC સમિટ : ત્રણ મહાસત્તાઓનું સર્જાઈ રહેલું મહાજોડાણ

By GS Team
7 Nov 20267 mins read
TukuTouch Logo
પુતિન સારી રીતે જાણે છે કે જો તેઓ વોશિંગ્ટન અને બેઇજિંગ સાથે સમાન સ્તરે વાર્તાલાપના ટેબલ પર બેસવામાં સફળ થશે, તો તે પશ્ચિમી પ્રતિબંધોની દીવાલોને તોડવા અને મોસ્કોને ફરીથી અનિવાર્ય વૈશ્વિક સત્તા સાબિત કરવા તરફનું મોટું પગલું સાબિત થશે ઃ ટ્રમ્પની વિદેશ નીતિ 'અમેરિકા ફર્સ્ટ'ના પાયા પર ટકેલી છે, જ્યાં પ્રત્યેક બેઠકનો અર્થ અમેરિકન હિતો માટે શ્રેષ્ઠ વળતર મેળવવાનો હોય છે. ટ્રમ્પ માટે આ ત્રિપક્ષીય મંચ વેપાર ખાધ ઘટાડવા, ટેરિફની રણનીતિનો લાભ ઉઠાવવા અને વૈશ્વિક બજારોમાં અમેરિકાનું પ્રભુત્વ કાયમ રાખવા માટેનું સચોટ હથિયાર બની શકે છે ઃ શી જિનપિંગ પોતાની ધરતી પર આ પ્રકારની ઐતિહાસિક બેઠકનું સફળ આયોજન કરીને આખી દુનિયાને એ સાબિત કરવા માંગે છે કે વૈશ્વિક રાજકારણની ધરી હવે પશ્ચિમથી ખસીને પૂર્વ તરફ આવી ચૂકી છે. ચીન પોતાને માત્ર આર્થિક મહાસત્તા તરીકે જ નહીં, પરંતુ વૈશ્વિક વિવાદોને ઉકેલવાની ક્ષમતા ધરાવતા એક સર્વોચ્ચ મધ્યસ્થી તરીકે પ્રસ્થાપિત કરવા આતુર છે

Summarized by AI; it may make mistakes. Check important info

શેનજેન APEC સમિટ : ત્રણ મહાસત્તાઓનું સર્જાઈ રહેલું મહાજોડાણ
  • પુતિન સારી રીતે જાણે છે કે જો તેઓ વોશિંગ્ટન અને બેઇજિંગ સાથે સમાન સ્તરે વાર્તાલાપના ટેબલ પર બેસવામાં સફળ થશે, તો તે પશ્ચિમી પ્રતિબંધોની દીવાલોને તોડવા અને મોસ્કોને ફરીથી અનિવાર્ય વૈશ્વિક સત્તા સાબિત કરવા તરફનું મોટું પગલું સાબિત થશે ઃ ટ્રમ્પની વિદેશ નીતિ 'અમેરિકા ફર્સ્ટ'ના પાયા પર ટકેલી છે, જ્યાં પ્રત્યેક બેઠકનો અર્થ અમેરિકન હિતો માટે શ્રેષ્ઠ વળતર મેળવવાનો હોય છે. ટ્રમ્પ માટે આ ત્રિપક્ષીય મંચ વેપાર ખાધ ઘટાડવા, ટેરિફની રણનીતિનો લાભ ઉઠાવવા અને વૈશ્વિક બજારોમાં અમેરિકાનું પ્રભુત્વ કાયમ રાખવા માટેનું સચોટ હથિયાર બની શકે છે ઃ શી જિનપિંગ પોતાની ધરતી પર આ પ્રકારની ઐતિહાસિક બેઠકનું સફળ આયોજન કરીને આખી દુનિયાને એ સાબિત કરવા માંગે છે કે વૈશ્વિક રાજકારણની ધરી હવે પશ્ચિમથી ખસીને પૂર્વ તરફ આવી ચૂકી છે. ચીન પોતાને માત્ર આર્થિક મહાસત્તા તરીકે જ નહીં, પરંતુ વૈશ્વિક વિવાદોને ઉકેલવાની ક્ષમતા ધરાવતા એક સર્વોચ્ચ મધ્યસ્થી તરીકે પ્રસ્થાપિત કરવા આતુર છે

શેનજેન APEC સમિટના આયોજનને આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે વૈશ્વિક મુત્સદ્દીગીરીના કેન્દ્રમાં એક જ પ્રશ્ન સૌથી વધુ ગુંજી રહ્યો છે, શું ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ, રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન અને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ એક જ ટેબલ પર આમને-સામને બેસીને વૈશ્વિક વ્યવસ્થાની નવી સીમારેખાઓ દોરશે? દક્ષિણ એશિયાથી લઈને પશ્ચિમી જગત સુધીના તમામ સત્તાના કોરિડોરમાં આ સંભવિત બેઠક અંગે ચાલી રહેલા પડદા પાછળના દાવપેચોએ જબરદસ્ત ઉત્તેજના જગાવી છે. આ માત્ર કોઈ પરંપરાગત બહુપક્ષીય વાર્તાલાપ નથી, પરંતુ ૨૧મી સદીના ભૂ-રાજકીય સમીકરણોને મૂળથી બદલી નાખવાની ક્ષમતા ધરાવતો સંભવિત ય્-૩ મોરચો છે. વિશ્વના ત્રણ સૌથી શક્તિશાળી, પ્રભાવશાળી અને આક્રમક નેતાઓ જ્યારે એક જ છત નીચે એકઠા થાય છે ત્યારે સમગ્ર આંતરરાષ્ટ્રીય વ્યવસ્થા પર તેના ઘેરા પ્રત્યાઘાતો પડવા અનિવાર્ય બની જાય છે.
ચીનનું આધુનિક ટેકનોલોજીનું પાટનગર ગણાતું શેનજેન શહેર હાલ આ વૈશ્વિક રાજકીય નાટકના મુખ્ય મંચ તરીકે ઊભરી આવ્યું છે. પરંપરાગત રીતે APEC પરિષદ એશિયા-પેસિફિક ક્ષેત્રના આર્થિક સહયોગ, વેપાર વૃદ્ધિ અને સપ્લાય ચેઈનની સ્થિરતા માટે જાણીતી છે. પરંતુ આ વખતે પ્રાદેશિક આર્થિક સહકારના તમામ ઔપચારિક મુદ્દાઓ બાજુ પર ધકેલાઈ ગયા છે અને માત્ર અમેરિકા, ચીન અને રશિયા વચ્ચે ત્રિપક્ષીય શિખર વાર્તાલાપની શક્યતાનો મુદ્દો ચર્ચાની એરણે ચડયો છે. બંધ બારણે યોજાઈ રહેલી વાટાઘાટો અને વહીવટી સ્તરની ગુપ્ત બેઠકો સંકેત આપે છે કે બેઇજિંગ, મોસ્કો અને વોશિંગ્ટનના ટોચના મુત્સદ્દીઓ આ ઐતિહાસિક મુલાકાતને સાકાર કરવા માટે સતત મનોમંથન કરી રહ્યા છે.
આ સંભવિત ત્રિપક્ષીય મહા-વાર્તા પાછળનું ગણિત અત્યંત ગૂંચવણભર્યું છે. ખાસ કરીને ક્રેમલિનના પ્રવક્તા દિમિત્રી પેસ્કોવ દ્વારા આપવામાં આવેલું સત્તાવાર નિવેદન કે આ ત્રણેય નેતાઓની મુલાકાત ગોઠવવા માટે ઝડપી કામગીરી ચાલી રહી છે, તે દર્શાવે છે કે રશિયા આ બેઠક માટે સૌથી વધુ ઉત્સુક છે. યુક્રેન સંઘર્ષ બાદ પશ્ચિમી દેશો દ્વારા લાદવામાં આવેલા આકરા પ્રતિબંધો અને આંતરરાષ્ટ્રીય એકલતાનો સામનો કરી રહેલા રશિયા માટે આ મંચ પોતાની ગુમાવેલી વૈશ્વિક પ્રતિષ્ઠા પુનઃસ્થાપિત કરવાની સોનેરી તક સમાન છે. પુતિન સારી રીતે જાણે છે કે જો તેઓ વોશિંગ્ટન અને બેઇજિંગ સાથે સમાન સ્તરે વાર્તાલાપના ટેબલ પર બેસવામાં સફળ થશે, તો તે પશ્ચિમી પ્રતિબંધોની દીવાલોને તોડવા અને મોસ્કોને ફરીથી અનિવાર્ય વૈશ્વિક સત્તા સાબિત કરવા તરફનું મોટું પગલું સાબિત થશે.
બીજી તરફ, ડોનાલ્ડ ટ્રમ્પની રાજકીય શૈલી હંમેશાં અણધારી અને આશ્ચર્યજનક નિર્ણયોથી ભરેલી રહી છે. ટ્રમ્પ આંતરરાષ્ટ્રીય સંબંધોને કોઈ જટિલ વિચારધારાત્મક દ્રષ્ટિકોણથી મૂલવવાને બદલે સીધા અને સચોટ વ્યાપારી સોદા તરીકે જુએ છે. તેમની વિદેશ નીતિ 'અમેરિકા ફર્સ્ટ'ના પાયા પર ટકેલી છે, જ્યાં પ્રત્યેક બેઠકનો અર્થ અમેરિકન હિતો માટે શ્રેષ્ઠ વળતર મેળવવાનો હોય છે. ટ્રમ્પ માટે આ ત્રિપક્ષીય મંચ વેપાર ખાધ ઘટાડવા, ટેરિફની રણનીતિનો લાભ ઉઠાવવા અને વૈશ્વિક બજારોમાં અમેરિકાનું પ્રભુત્વ કાયમ રાખવા માટેનું સચોટ હથિયાર બની શકે છે.
જોકે, આ સમગ્ર ખેલમાં સૌથી નાજુક અને નિર્ણાયક સ્થિતિ ચીનની છે. એક તરફ પોતાની ધરતી પર આ પ્રકારની ઐતિહાસિક બેઠકનું સફળ આયોજન કરીને શી જિનપિંગ આખી દુનિયાને એ સાબિત કરવા માંગે છે કે વૈશ્વિક રાજકારણની ધરી હવે પશ્ચિમથી ખસીને પૂર્વ તરફ આવી ચૂકી છે. ચીન પોતાને માત્ર આર્થિક મહાસત્તા તરીકે જ નહીં, પરંતુ વૈશ્વિક વિવાદોને ઉકેલવાની ક્ષમતા ધરાવતા સર્વોચ્ચ મધ્યસ્થી તરીકે પ્રસ્થાપિત કરવા આતુર છે.
જો બેઇજિંગ આ બંને શક્તિશાળી નેતાઓને એક જ મંચ પર સફળતાપૂર્વક બેસાડી શકે, તો તે શી જિનપિંગની વ્યક્તિગત કૂટનીતિક કારકિર્દીની સૌથી મોટી ઉપલબ્ધિ ગણાશે.-
જાણકારોના મતે, આ સિક્કાની બીજી બાજુ ચીન માટે ભારે જોખમી છે. બેઇજિંગનું વિદેશ મંત્રાલય અત્યંત સાવચેતીપૂર્વક આગળ વધી રહ્યું છે તેનું મુખ્ય કારણ ટ્રમ્પ અને પુતિન જેવા અનિશ્ચિત નેતાઓ સાથે એક જ મંચ વહેંચવાનું મોટું જોખમ છે. ચીનની અર્થવ્યવસ્થા હાલ આંતરિક પડકારો, મંદ વૃદ્ધિદર અને સંભવિત વેપાર યુદ્ધના જોખમો સામે ઝઝૂમી રહી છે. આવા સંવેદનશીલ તબક્કે જો ટ્રમ્પ પ્રેસ કોન્ફરન્સમાં કોઈ અનપેક્ષિત વિધાન કરે અથવા તાઇવાન, દક્ષિણ ચીન સાગર કે ટેકનોલોજી પ્રતિબંધો જેવા બાબતો પર ચીનને જાહેરમાં ભીંસમાં લેવાનો પ્રયાસ કરે, તો ચીન માટે આંતરરાષ્ટ્રીય સ્તરે ક્ષોભજનક સ્થિતિ સર્જાઈ શકે છે. શી જિનપિંગ ક્યારેય એવું નહીં ઈચ્છે કે પોતાના આંગણે યોજાયેલી પરિષદ ચીનનું અપમાન કરનારા મંચમાં ફેરવાઈ જાય.
આ ત્રણેય મહાસત્તાઓ વચ્ચેનો મૂળભૂત તફાવત તેમની સંપૂર્ણપણે વિરોધાભાસી અગ્રતાઓમાં રહેલો છે. જ્યારે અમેરિકા આર્થિક પ્રભુત્વ અને વેપાર શરતોને પોતાની તરફેણમાં વાળવા માગે છે, ત્યારે રશિયા પોતાની સુરક્ષા ચિંતાઓ, યુરોપિયન સરહદો પર પોતાનો પ્રભાવ અને રાજદ્વારી પુનર્જીવનની શોધમાં છે. સાથોસાથ ચીન પોતાના ઔદ્યોગિક હિતોનું રક્ષણ કરવા, તાઇવાનના મુદ્દે પોતાની સાર્વભૌમત્વની સીમાઓ સ્પષ્ટ કરવા અને અમેરિકન ટેરિફથી પોતાની નિકાસલક્ષી અર્થવ્યવસ્થાને બચાવવા માટે મરણિયા પ્રયાસો કરી રહ્યું છે. જ્યારે ત્રણ પક્ષોના મૂળભૂત હિતો આટલા વિરોધી હોય, ત્યારે કોઈ સર્વસંમત એજન્ડા ઘડવો એ રાજદ્વારી દ્રષ્ટિએ હિમાલય ચડવા સમાન કપરું કામ છે.
આ સંભવિત બેઠકના માર્ગમાં સૌથી મોટો અવરોધ પરસ્પર અવિશ્વાસની ઊંડી ખીણ છે. ત્રણેય દેશો વચ્ચેના સંબંધો શંકા, ગુપ્તતા અને વ્યૂહાત્મક સ્પર્ધાથી ઘેરાયેલા છે. વોશિંગ્ટન અને બેઇજિંગ વચ્ચેનું ટેકનોલોજી યુદ્ધ ચરમસીમા પર છે, જ્યારે મોસ્કો અને વોશિંગ્ટન વચ્ચેના સંબંધો શીતયુદ્ધ પછીના સૌથી નીચલા સ્તરે પહોંચી ચૂક્યા છે. આવા સમયે જો માત્ર ફોટો-ઓપ માટે અથવા પ્રતીકાત્મક સંદેશ આપવા ખાતર આ બેઠક યોજવામાં આવે, તો પણ તેના કોઈ દીર્ઘકાલીન પરિણામો મળવાની સંભાવના નહિવત જણાય છે. આ અવિશ્વાસ જ એ પરિબળ છે જે છેલ્લી ઘડીએ આ સમગ્ર આયોજનને રદ કરાવવા માટે પૂરતું સાબિત થઈ શકે છે.
જો આ મહા-મુલાકાત છેલ્લી ઘડીએ રદ થાય, તો તેનો વિકલ્પ દ્વિપક્ષીય વાટાઘાટોનો રહેશે. ચીન ખૂબ જ સરળતાથી ટ્રમ્પ સાથે અલગ રૂમમાં અને પુતિન સાથે અલગ રૂમમાં બેઠક યોજીને જોખમોને સીમિત કરી શકે છે. દ્વિપક્ષીય વાર્તાલાપમાં એજન્ડા નિયંત્રણમાં રહે છે અને અનિચ્છનીય વિવાદો સાર્વજનિક થવાનું જોખમ નહિવત હોય છે. પરંતુ જો બેઇજિંગ આ જોખમ ઉઠાવવાનું નક્કી કરે અને ત્રિપક્ષીય મંચ ખરેખર સાકાર થાય, તો તે આંતરરાષ્ટ્રીય સંબંધોના ઈતિહાસમાં એક સીમાચિહ્નરૂપ ઘટના બની રહેશે. તે સંકેત આપશે કે વિશ્વ હવે બે-ધુ્રવીય કે એક-ધુ્રવીય નથી રહ્યું, પરંતુ ત્રિ-ધુ્રવીય સત્તા સંતુલનના નવા યુગમાં પ્રવેશી ચૂક્યું છે.
સમગ્ર પરિસ્થિતિનું તારણ એ દર્શાવે છે કે આંતરરાષ્ટ્રીય રાજકારણમાં કાયમી મિત્રો કે કાયમી શત્રુઓ હોતા નથી, માત્ર કાયમી હિતો હોય છે.
શેનજેનમાં રમાઈ રહેલી આ રાજકીય શતરંજ સાબિત કરે છે કે ગમે તેટલા ગંભીર મતભેદો છતાં મહાસત્તાઓ સંવાદના દરવાજા ક્યારેય કાયમ માટે બંધ કરતી નથી. આગામી બે સપ્તાહમાં આ ત્રિપક્ષીય બેઠક વાસ્તવિકતા બનશે કે માત્ર કૂટનીતિક અફવા બનીને રહી જશે, તેનો ફેંસલો થઈ જશે. પરંતુ એટલું ચોક્કસ છે કે શેનજેનનું આ દરિયાકાંઠાનું શહેર હાલ સમગ્ર માનવજાતના ભવિષ્ય અને વૈશ્વિક વ્યવસ્થાની નવી દિશા નક્કી કરનારી સૌથી રોમાંચક બિસાત બની ચૂક્યું છે.

  • આ બેઠકની વૈશ્વિક રાજકારણ, અર્થવ્યવસ્થા પર સંભવિત અસરો
    ટ્રમ્પની વેપાર નીતિઓ મુખ્યત્વે આક્રમક ટેરિફ અને દ્વિપક્ષીય સોદાબાજી પર આધારિત છે.
    જો ચીન અને અમેરિકા વચ્ચે આ મંચ પર કોઈ અસ્થાયી વેપાર સમજૂતી થાય, તો વૈશ્વિક શેરબજારો અને રોકાણકારોને તાત્કાલિક રાહત મળશે. જોકે, જો વાટાઘાટો નિષ્ફળ જાય અને ટેરિફ વોર વધુ ઉગ્ર બને, તો વૈશ્વિક ફુગાવો વધવાની અને આંતરરાષ્ટ્રીય જીડીપી વૃદ્ધિ દર ધીમો પડવાની પ્રબળ આશંકા રહેશે. તેવી જ રીતે રશિયા વિશ્વનું મોટું ઊર્જા નિકાસકાર છે. જો આ બેઠકમાં રશિયન ઓઇલ અને ગેસ પરના પશ્ચિમી પ્રતિબંધો અંગે કોઈ રાહત લાવવાની ચર્ચા થાય, તો વૈશ્વિક બજારમાં ક્રૂડ ઓઇલના ભાવ સ્થિર થઈ શકે અથવા નીચા આવી શકે છે.
    આનાથી યુરોપિયન અને એશિયન બજારોમાં ઊર્જા ખર્ચ ઘટશે, જે વૈશ્વિક ઉત્પાદન ક્ષેત્ર માટે ફાયદાકારક સાબિત થશે. બીજી તરફ ચીન પોતાના આર્થિક પ્રભાવને બચાવવા માટે પુરવઠા શૃંખલા પરની પોતાની પકડ મજબૂત રાખવા માંગશે. બીજી તરફ, અમેરિકા ક્રિટિકલ ટેકનોલોજી અને સેમિકન્ડક્ટર સેક્ટરમાં ચીન પરની નિર્ભરતા ઘટાડવા મક્કમ રહેશે. આ ખેંચતાણ વૈશ્વિક કંપનીઓને ઉત્પાદન માટે અન્ય વૈકલ્પિક દેશો શોધવા વધુ મજબૂર કરશે. આ ઉપરાંત ભારત ઉપર પણ તેની વ્યૂહાત્મક હિતો અને જિયોપોલિટિક્સ અંગે વ્યાપક અસર પડશે. ભારત અમેરિકા સાથે 'ક્વાડ' (ઊેંછઘ) અને વ્યૂહાત્મક ભાગીદારી દ્વારા જોડાયેલું છે, જ્યારે રશિયા ભારતનું ઐતિહાસિક સંરક્ષણ અને ઊર્જા ભાગીદાર છે. જો ટ્રમ્પ અને પુતિન વચ્ચેના સંબંધોમાં સુધારો થાય, તો ભારત પર રશિયા પાસેથી સસ્તું ક્રૂડ ઓઇલ કે સંરક્ષણ સાધનો ખરીદવા બાબતે પશ્ચિમી દેશોનું જે દબાણ રહેતું હતું તે નોંધપાત્ર રીતે ઘટી જશે.
    આ સિવાય એલએસી મુદ્દે, મેક ઈન ઈન્ડિયાના પ્રોડક્શન લિંક્ડ ઈન્સેન્ટિવ યોજના મુદ્દે પણ ઘણો ફાયદો થશે. શેનજેનમાં રમાઈ રહેલી આ રમત માત્ર ત્રણ નેતાઓ વચ્ચેની ચર્ચા નથી, પરંતુ તે ૨૧મી સદીના વૈશ્વિક સત્તા સંતુલનને નવો આકાર આપનારી ઘટના છે. ભારત આ તમામ પ્રક્રિયા પર તીક્ષ્ણ નજર રાખીને પોતાની વિદેશ નીતિમાં સંતુલન જાળવી રાખવા માટે પોતાના તમામ રાજદ્વારી વિકલ્પો ખુલ્લા રાખશે.