News Focus

અવિચારી, અનિયંત્રિત વિકાસ અધોગતિ તરફ લઈ જઈ રહ્યો છે

By GS Team
26 Jul 20268 mins read
TukuTouch Logo
છેલ્લા 2 દાયકામાં મેટ્રો શહેરોમાં થયેલા અવિચારી વિકાસથી કુદરત અને માનવજીવનનું જોડાણ કપાયું છે. મુંબઈ, દિલ્હી, અમદાવાદ જેવા શહેરોમાં ખેતરો-તળાવો પર સિમેન્ટના જંગલો ઊભા થયા. દાયકાઓ જૂની ગટર વ્યવસ્થા અને ઓછી ક્ષમતાવાળી લાઈનોને કારણે જળભરાવ વધ્યો છે. શુદ્ધ હવા, પાણી અને ફળદ્રુપ જમીન વિના આ ભૌતિક સુખો નકામા છે.

Summarized by AI; it may make mistakes. Check important info

અવિચારી, અનિયંત્રિત વિકાસ અધોગતિ તરફ લઈ જઈ રહ્યો છે
  • છેલ્લાં બે દાયકામાં આધુનિક જરૂરિયાતોના નામે જે વિકાસ થયો છે તેણે કુદરત અને માનવજીવનનું જોડાણ જ કાપી નાખ્યું છે
  • ભારતના મેટ્રો શહેરો જેવા કે મુંબઈ, દિલ્હી, બેંગલુરુ, અમદાવાદ, ચેન્નઈથી લઈને ટાયર-૨ અને ટાયર-૩ શહેરોનો અકલ્પનીય વિસ્તાર થયો છે. અહીંયા ખેતરો, તળાવો, અને ખુલ્લી જમીનો પર આજે સિમેન્ટ- ક્રોંક્રીટની ઊંચી ઈમારતો, ફ્લેટો અને શોપિંગપ્લેક્સ ઊભા થઈ ગયા છે. જમીન જે પહેલા વરસાદી પાણીને શોષી લેતી હતી તે હવે સંપૂર્ણપણે ક્રોંક્રીટથી ઢંકાઈ ગઈ છે : જૂના શહેરોમાં અને નાના શહેરોમાં તેની જરૂરિયાત પ્રમાણે ગટર વ્યવસ્થા કરેલી હતી. શહેરો મોટા થયા અને વિકાસ થયો પણ ડ્રેનેજ સિસ્ટમમાં જોઈએ તેવો વિકાસ થયો નથી. દાયકાઓ જૂની ગટર વ્યવસ્થા અને ઓછી ક્ષમતાવાળી ગટરલાઈનોના કારણે જળભરાવ વધ્યો છે : આપણે ગાડીઓ, એસી, ઊંચી ઈમારતો અને સિમેન્ટના જંગલોને જ સમૃદ્ધિ માની લીધી છે. આ ભૌતિક સુખોની પાછળ દોડવામાં આપણે એ ભુલી ગયા કે શુદ્ધ હવા, ચોખ્ખું પાણી અને ફળદ્રુપ જમીન વગર આ તમામ ભૌતિક સુખો નકામા છે

આજના યુગમાં 'વિકાસ' એ કોઇપણ દેશ કે સમાજ માટે પ્રગતિનો પર્યાય બની ગયો છે. પરંતુ, ભારતમાં છેલ્લાં બે દાયકામાં (છેલ્લા ૨૦ વર્ષોમાં) શહેરીકરણ અને આધુનિકીકરણની જે આંધળી દોડ શરૂ થઈ છે, તેણે વિકાસની વ્યાખ્યા પર જ એક મોટું પ્રશ્નાર્થ ચિહ્ન મૂકી દીધું છે. શહેરોનો કૂદકે ને ભૂસકે થયેલો વિસ્તાર, ઈન્ફ્રાસ્ટ્રક્ચરના નામે કૂદરતી સ્ત્રોતો પર કરાયેલા અતિક્રમણો અને પ્રકૃતિના નિયમોને નેવે મૂકીને કરાયેલા બાંધકામોએ આજે ભારતને એક એવા વળાંકે લાવીને ઊભું કરી દીધું છે, જ્યાં એક તરફ આધુનિકતાની ચમક છે તો બીજી તરફ વિનાશનો અંધકાર. અત્યાર સુધી જે વિકાસ થયો તે કદાચ વધતી જતી વસ્તી અને આથક જરૂરિયાતો માટે જરૂરી હતો, પરંતુ જરૂરિયાતના નામે જે અવિચારી અને અનિયંત્રિત વિકાસ થયો છે, તેણે આજે માનવજાતને પોતાના જ બનાવેલા જાળમાં ફસાવી દીધી છે. હવે આ વિકાસ ઉપર કાબુ નહીં કરવામાં આવે તો તે આગામી પેઢીને અધોગતિ તરફ ચોક્કસ લઈ જશે.
ઉલ્લેખનીય છે કે, છેલ્લા ૨૦ વર્ષોમાં ભારતના મેટ્રો શહેરો જેવા કે મુંબઈ, દિલ્હી, બેંગલુરુ, અમદાવાદ, ચેન્નઈથી લઈને ટાયર-૨ અને ટાયર-૩ શહેરોનો અકલ્પનીય વિસ્તાર થયો છે. અહીંયા ખેતરો, તળાવો, અને ખુલ્લી જમીનો પર આજે સિમેન્ટ-ક્રોંક્રીટની ઊંચી ઈમારતો, ફ્લેટો અને મલ્ટીપ્લેક્સ ઊભા થઈ ગયા છે. જમીન જે પહેલા વરસાદી પાણીને શોષી લેતી હતી તે હવે સંપૂર્ણપણે ક્રોંક્રીટથી ઢંકાઈ ગઈ છે. જમીનમાં પાણી ઉતરતું નથી અને બીજી તરફ બોરવેલ થકી દરરોજ કરોડો લિટર પાણી ખેંચવામાં આવે છે જેથી ભૂગર્ભજળનું સંતુલન પણ બગડી ગયું છે. નવું પાણી ઉમેરાવામાં ઘટાડો થયો છે અને વપરાશ વધી ગયો છે.
આ સિવાય બિલ્ડિંગ બાયલોઝ અને પર્યાવરણીય નિયમોને નેવે મૂકીને માત્ર નફાખોરી માટે અંધાધૂંધ બાંધકામો કરવામાં આવ્યા છે. રસ્તા પહોળા કરવા અને ઈમારતો બાંધવા માટે લાખો વર્ષો જૂના વૃક્ષોને એક ઝાટકે કાપી નાખવામાં આવ્યા, જેના કારણે શહેરોનું તાપમાન સતત વધી રહ્યું છે અને 'અર્બન હીટ આઈલેન્ડ' ની સમસ્યા સર્જાઈ છે. તે ઉપરાંત પર્વતીય રાજ્યોમાં જમીન નબળી પડી છે અને સતત ભૂસ્ખલન અને જમીન ધોવાઈ જવાની ઘટનાઓ સતત વધી રહી છે. વરસાદ અનિયમિત થઈ ગયો છે અને ઋતુચક્ર ખોરવાયું છે.
ઉલ્લેખનીય છે કે, ઈતિહાસ જણાવે છે કે, માનવ સભ્યતાનો વિકાસ નદીઓના કિનારે થયો હતો. નદીઓને ભારતીય સંસ્કૃતિમાં 'લોકમાતા' કહેવામાં આવી છે, પરંતુ આધુનિક ક્રાંતિના નામે આપણે નદીઓ સાથે સૌથી મોટો અન્યાય કર્યો છે. વિકાસ કરવામાં હજારો નાના-મોટા બંધ બાંધવામાં આવ્યા અને પોતાના સ્વાર્થ માટે નદીઓના કુદરતી પ્રવાહને બદલી નાખવામાં આવ્યા. આ ઉપરાંત નદીઓના પૂરના મેદાનોમાં ગામડાઓ, નગરો, રિસોર્ટ્સ અને ઈન્ડસ્ટ્રીઝ ઊભી કરી દેવામાં આવી. નદીના કુદરતી રસ્તાને સાંકડા કરીને ત્યાં રસ્તા અને રીવરફ્રન્ટ બનાવી દેવાયા. તેનું પરિણામ એ આવ્યું છે કે, જ્યારે ચોમાસામાં અતિવૃષ્ટિ થાય છે ત્યારે નદીઓને વહેવા માટે જગ્યા મળતી નથી. પરિણામે નદીનું પાણી શહેરો અને ગામડાઓમાં ઘૂસી જાય છે. ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશમાં આવતી પૂરની હોનારતો તથા કેરળનું પૂર એ માનવસર્જિત ભૂલોનું જ પ્રત્યક્ષ ઉદાહરણ છે.
આજે ભારતના મોટાભાગના શહેરો ચોમાસાની શરૂઆતમાં જ 'સ્વિમિંગ પૂલ' બની જાય છે. થોડાક કલાકના વરસાદમાં જ જનજીવન અસ્તવ્યસ્ત થઈ જાય છે. હકિકત એવી છે કે, જૂના શહેરોમાં અને નાના શહેરોમાં તેની જરૂરિયાત પ્રમાણે ગટર વ્યવસ્થા કરેલી હતી. શહેરો મોટા થયા અને વિકાસ થયો પણ ડ્રેનેજ સિસ્ટમમાં જોઈએ તેવો વિકાસ થયો નથી. દાયકાઓ જૂની ગટર વ્યવસ્થા અને ઓછી ક્ષમતાવાળી ગટરલાઈનોના કારણે જળભરાવ વધ્યો છે. અમદાવાદની જ વાત કરીએ તો ત્યાં કોટવિસ્તારમાં દાયકાઓ પહેલાં નગરવ્યવસ્થા કરવામાં આવી હતી. ત્યાં આજે પણ ગમે તેટલા વરસાદમાં પાણી ભરાતા નથી.
બીજી તરફ કોર્પોરેશને વિકાસવેલા સ્માર્ટ સિટીમાં બે-ચાર ઈંચ વરસાદમાં રસ્તા ઉપર નદીઓ વહેતી થઈ જાય છે. ગેરવ્યવસ્થા અને અવિચારી વિકાસનું આ મોટું ઉદાહરણ છે.
બીજી તરફ જૂના નગરો અને શહેરોમાં બહારની તરફ કુદરતી નાળા અને કાંસ બનેલા હતા જેના દ્વારા વરસાદી પાણી અને ગંદા પાણીનો નિકાલ થતો હતો. હવે આ નાળાઓ અને ખાડીઓ મોટાભાગે કચરાઓ અને ગંદકીથી ખદબદતા હોય છે. તેના કારણે વરસાદી પાણી આવે ત્યારે બહાર જઈ શકતું નથી. તેથી શહેરની ગટરો ચોકઅપ થવા લાગે છે અને ચારેતરફ જળબંબાકાર થઈ જાય છે. આ ઉપરાંત પ્લાસ્ટિક અને કચરાનો પણ અવિચારી નિકાલ કરવામાં આવી રહ્યો છે. તેના કારણે પણ ડ્રેેનેજ લાઈન અને ગટરો વારંવાર બ્લોક થઈ જાય છે. તેના કારણે જે શહેરોને આપણે 'સ્માર્ટ સિટી' કહીએ છીએ, તે માત્ર ૨ ઈંચ વરસાદમાં પાણીમાં ડૂબી જાય છે, જે આપણા આયોજન વિનાના વિકાસની પોકળતા છતી કરે છે.
આ ઉપરાંત માનવીના અવિચારી વિકાસના કારણે પર્યાવરણને જે નુકસાન થયું છે, તેનું પરિણામ આજે ક્લાઈમેટ ચેન્જ અને ગ્લોબલ વોર્મિંગ તરીકે આપણી સામે છે. પહેલાં જ્યાં ચોમાસાના ૪ મહિનામાં ધીમો અને સતત વરસાદ પડતો હતો, ત્યાં હવે ઘસારો વધી ગયો છે. જે વિસ્તારમાં આખા ચોમાસામાં ૪ ઈંચ વરસાદ પડતો હતો, ત્યાં હવે એક જ દિવસમાં કે કલાકમાં ૧૦ ઈંચ કે તેથી વધુ વરસાદ પડી જાય છે. પર્વતીય શહેરોમાં વારંવાર વાદળ ફાટવાની ઘટનાઓ વધી રહી છે. આવા વાદળફાટવા કે અતિશય ભારે વરસાદને ઝીલવાની ક્ષમતા આપણા આધુનિક શહેરો પાસે નથી. આ ઉપરાંત ઋતુચક્ર ખોરવાઈ ગયું છે; શિયાળામાં અચાનક ગરમી, નાની ચોમાસાની મુદત અને ઉનાળામાં અસહ્ય લૂ - આ બધું પ્રકૃતિના સંતુલનને છીનવી લેવાનું પરિણામ છે.
જો આ જ પરિસ્થિતિ ચાલુ રહેશે, તો આપણી આવનારી પેઢીને આપણે કેવું ભવિષ્ય આપીને જઈશું? તે એક અત્યંત ગંભીર પ્રશ્ન છે. સૌથી પહેલાં તો પીવાના પાણીનું સંકટ સર્જાશે. વરસાદનું પાણી જમીનમાં ઉતરતું નથી અને નદીઓ પ્રદૂષિત થઈ ગઈ છે, જેના કારણે ભૂગર્ભ જળના સ્તર ખૂબ ઊંડા ઉતરી ગયા છે. ભવિષ્યમાં ત્રીજું વિશ્વયુદ્ધ પાણી માટે થાય તો નવાઈ નહીં. આ ઉપરાંત વૃક્ષોના વિનાશ અને વાહનોના પ્રદૂષણને કારણે શહેરોની હવા શ્વાસ લેવા યોગ્ય રહી નથી. બાળપણથી જ બાળકો શ્વાસની બીમારીઓનો ભોગ બની રહ્યા છે. તે ઉપરાંત ખાદ્ય સુરક્ષા સામે જોખમ ઊભું થશે તેને પણ ભુલી શકીએ તેમ નથી. અનિયમિત વરસાદ અને ક્લાઈમેટ ચેન્જના કારણે ખેતી નાશ પામી રહી છે.
રાસાયણિક ખાતરોના અવિચારી અને અતિશય ઉપયોગને પગલે જમીનની ફળદ્રુપતા ઘટી રહી છે, જેનાથી ભવિષ્યમાં અન્નનું સંકટ ઊભું થઈ શકે છે. એક સમય એવો પણ આવશે કે વારંવાર કુદરતી આપત્તિઓનો સામનો કરવાનો આવશે. ભૂસ્ખલન, દરિયાની સપાટી વધવી, વાવાઝોડા અને પૂર જેવી હોનારતો રોજિંદી બની જશે. તેમાંય ગરમીમાં જે વધારો થશે તે અસહ્ય સાબિત થશે.
સમય હજુ પણ વિતી ગયો નથી, પણ જો આપણે હવે નહીં જાગીએ તો ખૂબ મોડું થઈ જશે. વિકાસ અને પર્યાવરણ વચ્ચે સંતુલન સાધવું એ જ એકમાત્ર રસ્તો છે. આપણે સસ્ટેઈનેબલ ડેવલપમેન્ટ વિશે વિચાર કરવો પડશે. એવો વિકાસ જે આજની જરૂરિયાતો પૂરી કરે પરંતુ આવનારી પેઢીના હિતોનો ભોગ પણ ન લે.
ખાસ કરીને સ્માર્ટ ડ્રેનેજ અને રેઈન વોટર હાર્વેસ્ટિંગ ઉપર ભાર મુકવો પડશે. દરેક ઈમારત અને શહેરમાં વરસાદી પાણીના સંગ્રહ અને યોગ્ય નિકાલ માટે કડક કાયદા હોવા જોઈએ. તે સિવાય નદીઓના પૂરના મેદાનોમાંથી અતિક્રમણ દૂર કરવું અને તળાવો-નાળાઓને ઊંડા કરી તેમનો કુદરતી પ્રવાહ ચાલુ કરવો. આ સિવાય સૌથી વધારે જરૂર વધુમાં વધુ વૃક્ષો વાવવાની છે.
વૃક્ષારોપણ અને અર્બન ફોરેસ્ટ ડેવલપમેન્ટમાં વ્યાપક કામગીરી કરવી પડશે. શહેરોમાં 'મિયાવાકી' પદ્ધતિ કે અન્ય રીતે વૃક્ષોનું પ્રમાણ વધારવું. સિમેન્ટની જગ્યાએ પાણી શોષી શકે તેવા પેવર બ્લોક નાખવા કે કુદરતી જમીન રાખવી. પર્યાવરણની જાળવણી એ માત્ર સરકારની જવાબદારી નથી, પરંતુ દરેક નાગરિકની ફરજ છે. પ્લાસ્ટિકનો ત્યાગ, કચરાનું યોગ્ય વર્ગીકરણ અને પાણીનો વિવેકપૂર્ણ ઉપયોગ અનિવાર્ય છે.

આપણે ભુલી ગયા છીએ કે, માણસ પોતે પણ પ્રકૃતિનો જ ભાગ છે
જાણકારોના મતે આ સમસ્યાનું મોટું કારણ માણસ પોતે છે. આપણે એ ભૂલી ગયા છીએ કે માનવ પ્રકૃતિનો એક ભાગ છે, પ્રકૃતિનો માલિક નથી. પ્રાચીન સમયમાં વૃક્ષ વાવવું, તળાવ ખોદવું કે નદીની પૂજા કરવી એ ધર્મ અને સંસ્કૃતિનો ભાગ હતો. આજે આપણે કુદરતને માત્ર એક સંસાધન તરીકે જોઈએ છીએ જેને ગમે તેમ વાપરી શકાય. આપણે કુદરતી સંપદાઓ પ્રત્યેની સંવેદના ગુમાવી દીધી છે. તે ઉપરાંત ભૌતિકવાદની આંધળી દોટ મુકેલી છે. આપણે ગાડીઓ, એસી, ઊંચી ઈમારતો અને સિમેન્ટના જંગલોને જ સમૃદ્ધિ માની લીધી છે.
આ ભૌતિક સુખોની પાછળ દોડવામાં આપણે એ ભુલી ગયા કે શુદ્ધ હવા, ચોખ્ખું પાણી અને ફળદ્રુપ જમીન વગર આ તમામ ભૌતિક સુખો નકામા છે. ભારતમાં છેલ્લા બે દાયકામાં થયેલો વિકાસ એક ચમકતો સિક્કો છે, જેની બીજી બાજુ પર્યાવરણીય વિનાશ છે. આપણે એ સત્ય સમજવું પડશે કે પ્રકૃતિ માનવી વિના જીવી શકે છે, પરંતુ માનવી પ્રકૃતિ વિના એક ક્ષણ પણ જીવી શકતો નથી.
જો આપણે આ અવિચારી વિકાસની આંધળી દોડમાંથી બ્રેક નહીં લગાવીએ અને કુદરત સાથે આપણું સનાતન જોડાણ ફરી પ્રસ્થાપિત નહીં કરીએ, તો આપણે આપણી જ આવનારી પેઢીઓ માટે આ પૃથ્વીને જીવવા અયોગ્ય બનાવી દઈશું. હજુ પણ સમય છે - પ્રકૃતિને બચાવીએ, તો જ પ્રકૃતિ આપણને બચાવશે!