News Focus

ભારતમાં ડુંગળી સંકટ : નીતિગત નિષ્ફળતા, પ્રજાનો આક્રોશ

By GS Team
26 Aug 20267 mins read
TukuTouch Logo
મોદી સરકારના 12 વર્ષના શાસન છતાં ડુંગળીના ભાવ મુદ્દે પ્રજા પરેશાન છે. નબળી સપ્લાય ચેઈન, ભ્રષ્ટાચાર અને નીતિગત નિષ્ફળતાથી ખેડૂતો અને ગ્રાહકો બંનેને નુકસાન થયું છે. નોટબંધી, કોરોના અને હવે ડુંગળીના ભાવ વધારાથી સામાન્ય માણસ પીસાયો છે. જો સરકારે વાસ્તવિક સમસ્યાઓનો ઉકેલ નહીં લાવે તો પ્રજા ત્રીજી વખત સત્તા પરિવર્તન કરી શકે છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ભારતમાં ડુંગળી સંકટ : નીતિગત નિષ્ફળતા, પ્રજાનો આક્રોશ
  • એક દાયકાથી વધુના શાસન પછી પણ દેશમાં એક મજબૂત અને સ્થિર સપ્લાય ચેઈન કેમ ઊભી ન થઈ શકી?
  • સત્તાના કેન્દ્રીકરણમાં માનતી ભાજપ સરકારમાં તમામ નિર્ણયો બે-ચાર લોકોના હાથમાં આપી દેવાયા છે પણ નીચલા સ્તરે જે રીતે ભ્રષ્ટાચાર વકરેલો છે અને પોલિસી પેરાલિસિસની સ્થિતિ છે તેના પરિણામે દેશના ગરીબ અને પાયાના લોકો પરેશાન થઈ રહ્યા છે. આ સ્થિતિમાં મોદી સરકારના કાર્યકાળનું મૂલ્યાંકન કરવું અનિવાર્ય બને છે કે ક્યાં નીતિઓ સફળ રહી અને ક્યાં વહીવટી તંત્ર ખેડૂતોની અપેક્ષાઓ પૂર્ણ કરવામાં નિષ્ફળ રહ્યું : સામાન્ય માણસ માટેની સરકાર રચવાના દાવા કરીને સત્તામાં આવેલી ભાજપ સરકારે છેલ્લાં બાર વર્ષમાં સામાન્ય લોકોને ફાયદો થાય તેવા વાસ્તવિક કોઈ કામ કર્યા નથી. નોટબંદીમાં સામાન્ય લોકો રસ્તા ઉપર ઊભા રહ્યા અને કેટલાક તો મોતને ભેટયા. કોરોનામાં પણ ગરીબો ચાલતા વતન સુધી નીકળી પડયા અને રસીકરણમાં પણ તેમને અન્યાય થયો હતો. હવે તેમના ભોજનમાંથી ડુંગળી પણ છિનવાઈ ગઈ છે : દુનિયાના ટોચના અર્થતંત્રમાં સ્થાન ધરાવતા હોવાના માત્ર દંભ અને કાગળીયા અને પોસ્ટરોના વિકાસથી કંઈ નહીં થાય. મોદી સરકારે વાસ્તવિક જમીન ઉપર રહીને પ્રજાના પ્રશ્નો સમજીને તેનો ઉકેલ લાવવા માટે નક્કર પગલાં લેવા પડશે નહીંતર પ્રજા ત્રીજી વખત દેશમાં ડુંગળીમાં ભાવ વધારા માટે સત્તા પરિવર્તનનો શંખ ફુંકી દે તો કંઈ નવાઈ પામવા જેવું નથી

ભારતના રાજકારણ અને અર્થતંત્રમાં ડુંગળી માત્ર એક ખાદ્ય પદાર્થ નથી, પરંતુ રાજકીય ઉથલપાથલ સર્જી શકે તેવું અત્યંત સંવેદનશીલ પરિબળ છે. જ્યારે પણ ડુંગળીના ભાવ આસમાને પહોંચે છે ત્યારે સામાન્ય ગ્રાહકનું બજેટ ખોરવાય છે અને જ્યારે ભાવ તળિયે બેસી જાય છે ત્યારે ખેડૂત પાયમાલ થઈ જાય છે. આ સમસ્યા કોઈ એક કારણને લીધે સર્જાતી હોય તેવું નથી. કુદરતી આબોહવા, બજારનું અસંતુલન, નબળું સંગ્રહ માળખું, વચેટિયાઓની પકડ, ખાસ કરીને કેન્દ્ર સરકારની અણધારી નિકાસ નીતિઓ અને નીતિગત સંકલનના અભાવનું સામૂહિક પરિણામ છે. હાલમાં સર્જાયેલી ડુંગળીની સમસ્યા પણ મોદી સરકારની આ નિષ્ફળ અને ખાડે ગયેલી નીતિઓ અને કામગીરીઓનું જ પરિણામ છે. સત્તાના કેન્દ્રીકરણમાં માનતી ભાજપ સરકારમાં તમામ નિર્ણયો બે-ચાર લોકોના હાથમાં આપી દેવાયા છે પણ નીચલા સ્તરે જે રીતે ભ્રષ્ટાચાર વકરેલો છે અને પોલિસી પેરાલિસિસની સ્થિતિ છે તેના પરિણામે દેશના ગરીબ અને પાયાના લોકો પરેશાન થઈ રહ્યા છે. આ સ્થિતિમાં મોદી સરકારના કાર્યકાળનું મૂલ્યાંકન કરવું અનિવાર્ય બને છે કે ક્યાં નીતિઓ સફળ રહી અને ક્યાં વહીવટી તંત્ર ખેડૂતોની અપેક્ષાઓ પૂર્ણ કરવામાં નિષ્ફળ રહ્યું.
ચિંતાજનક વાત એ છે કે, સામાન્ય માણસ માટેની સરકાર રચવાના દાવા કરીને સત્તામાં આવેલી ભાજપ સરકારે છેલ્લાં બાર વર્ષમાં સામાન્ય લોકોને ફાયદો થાય તેવા વાસ્તવિક કોઈ કામ કર્યા નથી. જીએસટી લાગુ કરાયો તેમાં સામાન્ય જનતા જ પિસાઈ રહી છે, તે ઉપરાંત નોટબંદીએ કેર વર્તાવ્યો હતો. તેમાં નાના માણસો જ પૈસા માટે વલખા મારતા અને બેન્કોની બહાર લાઈનોમાં ઊભા રહીને જીવ ગુમાવતા જોવા મળ્યા હતા. કોરોના દરમિયાન અવિચારી લોકડાઉન અને ત્યારબાદ અંધાધૂંધ રસિકરણમાં પણ સામાન્ય અને ગરીબ માણસ જ પિસાયો છે. આયાત અને નિકાસની પણ કોઈ નક્કર પોલિસી નથી તેના કારણે ખેડૂતો અને વેપારીઓ બધા ઉપર લટકતી તલવાર રહે છે.
ઈથેનોલના નામે વિચિત્ર પેટ્રોલ અને ડીઝલ વેચીને અચાનક જ શેરડી અને મકાઈના પાક ઉપર પસ્તાળ લાવી લીધી. તેની સંગ્રહ કરવા દરમિયાન બગાડ થયો, હવે શેરડીના પાકમાં જ રોગ લાગ્યો છે તેથી તેની ઉત્પાદકતા ઘટી ગઈ છે. તેના પગલે સંગ્રહખોરી અને કાળા બજાર થવા લાગ્યા છે. તેના પગલે ખાંડના ભાવ વધી ગયા, ઈથેનોલથી લોકોના વાહનો ખરાબ થવા લાગ્યા. આમ સરકારની બેજવાબદારી નીતિઓને પગલે ખાંડના ભાવ વધ્યા છે. તેવી જ સ્થિતિ ડુંગળીની પણ કરી મૂકી છે. દેશના ગરીબ લોકો જેમના નામે રાજકારણ કરવામાં આવે છે તેમની થાળીમાંથી ડુંગળી પણ ગાયબ થવા લાગી છે. અચ્છે દિનના નામે વેપારીઓ, પ્રજા અને ખેડૂતોને પાયમાલ કરવામાં આવી રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે, ડુંગળીનો પાક હવામાન પ્રત્યે અત્યંત સંવેદનશીલ હોય છે. ભારતના કુલ ડુંગળી પુરવઠામાં મહારાષ્ટ્ર (ખાસ કરીને નાસિક, લાસલગાવ અને આસપાસના જિલ્લાઓ) કરોડરજ્જુ સમાન ભૂમિકા ભજવે છે. વાવણી સમયે વધુ પડતો વરસાદ કે લણણી ટાણે થતા કમોસમી કરા અને માવઠાં પાકને ભારે નુકસાન પહોંચાડે છે. આ ઉપરાંત હવામાનની અનિશ્ચિતતા વાવેતર વિસ્તાર, એકર દીઠ ઉપજ, પાકની સંગ્રહક્ષમતા અને પરિવહન વ્યવસ્થાને સીધી અસર કરે છે. જ્યારે પુરવઠામાં ૧૦-૧૫%નો પણ ઘટાડો થાય છે, ત્યારે બજારમાં કૃત્રિમ કે વાસ્તવિક અછત ઊભી થાય છે અને ભાવમાં મોટો ઉછાળો જોવા મળે છે. હાલમાં પણ અંદાજે આઠ ટકા જેવો ઘટાડો થયાની વાત ચાલી રહી છે.
બીજી તરફ ભારતીય કૃષિ બજાર ડુંગળીના સંદર્ભમાં એક પરંપરાગત વિષચક્રમાં ફસાયેલું છે જ્યારે ખેડૂતને ૨ થી ૫ રૂપિયે પ્રતિ કિલો જેવા નજીવા ભાવ મળે છે, ત્યારે તે આગામી સિઝનમાં વાવેતર ઘટાડી દે છે. પરિણામે થોડા મહિના પછી પુરવઠો ઘટતાં છૂટક બજારમાં ભાવ ૭૦ થી ૧૦૦ રૂપિયા પ્રતિ કિલો સુધી પહોંચી જાય છે. ઊંચા ભાવ જોઈને ખેડૂતો ફરીથી મોટા પાયે વાવેતર કરે છે, જેનાથી બજારમાં વધુ પડતો માલ આવતા ભાવ ફરી તળિયે બેસી જાય છે. આ સમસ્યા માત્ર વર્તમાન સમય પૂરતી મર્યાદિત નથી, પરંતુ એક દાયકાથી વધુ સમય સત્તામાં રહ્યા પછી પણ આ સાયકલને સ્થિર કરવામાં સરકાર નિષ્ફળ રહી છે તે વાસ્તવિકતા છે.
ડુંગળી એવો પાક છે જેનો યોગ્ય પરિસ્થિતિમાં મહિનાઓ સુધી સંગ્રહ કરી શકાય છે, જેથી વર્ષ દરમિયાન ધીમે-ધીમે પુરવઠો બજારમાં લાવી શકાય. પરંતુ ભારતમાં પર્યાપ્ત કોલ્ડ સ્ટોરેજ અને આધુનિક વેરહાઉસિંગ સુવિધાઓનો મોટો અભાવ છે. યોગ્ય વેન્ટિલેશન ન હોવાને કારણે ભેજ, ફૂગ, અંકુરણ અને તાપમાનના ફેરફારથી ૨૫% થી ૩૫% ડુંગળી સંગ્રહ દરમિયાન જ સડી જાય છે. ભારત સમગ્ર વર્ષ દરમિયાન પૂરતી ડુંગળી પકવે છે, છતાં સંગ્રહના અભાવે ચોક્કસ મહિનાઓમાં તીવ્ર અછતનો સામનો કરવો પડે છે. આધુનિક સાયન્ટિફિક સ્ટોરેજ નેટવર્ક ન હોવાને કારણે બજારમાં જ્યારે ભાવ તૂટે છે ત્યારે ખેડૂત ડિસ્ટ્રેસ સેલિંગ કરવા મજબૂર બને છે.
છેલ્લાં બાર વર્ષથી સત્તામાં રહેલી મોદી સરકાર સામે સૌથી મોટો ખેડૂત વિરોધ તેની નિકાસ નીતિઓ બાબતે થઈ રહ્યો છે. માત્ર સત્તા પોતાના હાથમાં રાખીને સામાન્ય પ્રજાને કરવેરા, નિયમો અને કાયદાના નામે રંજાડવા સિવાય આ સરકારમાં કશું જ કામ થયું નથી. સરકારની ખેતી વિરોધી અથવા તો એમ કહીએ કે અણઘડ નીતિઓના કારણે ખેડૂતોની માઠી દશા બેઠી છે. જ્યારે પણ સ્થાનિક બજારમાં ભાવ વધવાની સંભાવના દેખાય, ત્યારે સરકાર ગ્રાહકોને ખુશ કરવા માટે અચાનક નિકાસ પર પ્રતિબંધ મૂકી દે છે, ન્યૂનતમ નિકાસ મૂલ્ય વધારી દે છે અથવા ૪૦% જેવી ભારે એક્સપોર્ટ ડયુટી લાદી દે છે. બીજી તરફ ભારતની આવી અનિશ્ચિત નીતિઓને કારણે બાંગ્લાદેશ, મલેશિયા અને મધ્યપૂર્વના દેશો ભારત પરનો વિશ્વાસ ગુમાવીને પાકિસ્તાન, ઈજિપ્ત અને તુર્કી તરફ વળ્યા છે. ભારતના વૈશ્વિક નિકાસ હિસ્સામાં મોટો ઘટાડો નોંધાયો છે. આ ઉપરાંત ખેડૂતે સારા ભાવની આશાએ વાવેતર કર્યું હોય, પરંતુ સરકાર અચાનક નિકાસના દરવાજા બંધ કરી દેતા સ્થાનિક માર્કેટમાં માલનો ભરાવો થાય છે અને ભાવ તૂટી જાય છે. ખેડૂતો સવાલ ઉઠાવે છે કે, 'જ્યારે અમને નફો કમાવવાની તક મળે છે ત્યારે સરકાર કેમ બજાર બંધ કરી દે છે?' ત્યારે સરકાર પાસે કોઈ જવાબ હોતા નથી.
આ ઉપરાંત સરકાર પીએફએસ હેઠળ નાફેડ અને એસીસીએફ જેવી એજન્સીઓ મારફતે દર વર્ષે લાખો ટન ડુંગળીનો બફર સ્ટોક તૈયાર કરે છે. વાસ્તવિકતા એવી છે કે, સરકારી ખરીદીનો સમય ઘણો મોડો હોય છે, જેના કારણે ખેડૂતો પહેલેથી જ વેપારીઓને સસ્તામાં માલ વેચી ચૂક્યા હોય છે. આ સિવાય ભારતના વિશાળ વપરાશ સામે સરકારી બફર સ્ટોક ઘણીવાર ખૂબ નાનો સાબિત થાય છે, જેના કારણે તે ભાવને સંપૂર્ણપણે નિયંત્રિત કરી શકતો નથી. સરકારી ગોડાઉનોમાં પણ યોગ્ય કોલ્ડ સ્ટોરેજ સુવિધાઓ ન હોવાથી મોટી માત્રામાં ડુંગળી સડી જાય છે.
મોદી સરકારે આ દિશામાં ઘણા પગલાં લીધા છે, જેમ કે ઈ-નેશનલ એગ્રીકલ્ચર માર્કેટનું વિસ્તરણ, ફાર્મર પ્રોડયુસર ઓર્ગેનાઈઝેશનની સ્થાપના, એગ્રીકલ્ચર ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફંડ અને પીએમ આશા યોજના હેઠળ બજેટમાં વધારો. પરંતુ જમીની વાસ્તવિકતા એ છે કે આ યોજનાઓ હોવા છતાં દર વર્ષે ખેડૂતોનો આક્રોશ અને ભાવની અસ્થિરતા યથાવત છે. સરકાર પરનો મુખ્ય આક્ષેપ એ નથી કે તેણે કંઈ નથી કર્યું, પરંતુ એ છે કે એક દાયકાથી વધુના શાસન પછી પણ દેશમાં એક મજબૂત અને સ્થિર સપ્લાય ચેઈન કેમ ઊભી ન થઈ શકી?

ડુંગળીના લીધે ઈન્દિરા સત્તામાં આવ્યા અને ભાજપે સરકારી ગુમાવી હતી
દેશમાં કટોકટી લાદીને પ્રજાને પરેશાન કરનાર ઈન્દિરા ગાંધી ૧૯૭૫ બાદ સત્તાથી દૂર થઈ ગયા હતા પણ ૧૯૮૦માં જનતા સરકારની અવિચારી નીતિઓને પગલે ડુંગળીના ભાવ આસમાને પહોંચ્યા હતા. તેનાથી પ્રજા કંટાળી હતી અને ઈન્દિરા ગાંધીએ ડુંગળીના ભાવ વધારાને જ મુખ્ય મુદ્દો બનાવી દીધો અને લોકોએ જનતા સરકારને ઉખાડી ફેંકી અને ઈન્દિરાની સરકાર સત્તામાં આવી. તે સમયે ડુંગળીના ભાવ વધારાનો મુદ્દો અને ભારત સરકારના સત્તા પરિવર્તનની વૈશ્વિક સ્તરે નોંધ લેવાઈ હતી. તેવી જ રીતે ૧૯૯૮માં સુષમા સ્વરાજની સરકાર ૫૨ દિવસમાં જ ઉખેડી ફેંકાઈ હતી. તે સરકાર પણ ભાજપે ગુમાવી હતી. દિલ્હી સરકાર પડી ભાંગી અને ત્યારબાદ કોંગ્રેસ સરકાર સત્તામાં આવી.
શિલા દિક્ષિત દિલ્હીના સીએમ બન્યા હતા.
ચાલો માની લઈએ કે તે ૧૯૮૦માં મોરારજીની સરકારે સત્તાની ચાવી ચૌધરી ચરણસિંહને સોંપી હતી અને નીતિઓમાં નિષ્ફળ ગઈ પણ હાલની સરકારમાં સત્તા સંપૂર્ણ રીતે એક જ વ્યક્તિના હાથમાં છે.આ સંજોગોમાં પણ વારંવાર દર વર્ષે ડુંગળીની અછત સર્જાય અને વિવિધ રાજ્યોમાં ડુંગળી વહેંચવી પડે અને ટ્રેનો દોડાવવી પડે તે શરમજનક બાબત છે. દુનિયાના ટોચના અર્થતંત્રમાં સ્થાન ધરાવતા હોવાના માત્ર દંભ અને કાગળીયા અને પોસ્ટરોના વિકાસથી કંઈ નહીં થાય. મોદી સરકારે વાસ્તવિક જમીન ઉપર રહીને પ્રજાના પ્રશ્નો સમજીને તેનો ઉકેલ લાવવા માટે નક્કર પગલાં લેવા પડશે નહીંતર પ્રજા ત્રીજી વખત દેશમાં ડુંગળીમાં ભાવ વધારા માટે સત્તા પરિવર્તનનો શંખ ફુંકી દે તો કંઈ નવાઈ પામવા જેવું નથી.