સંજય નહીં, તમારા પતિ રાજીવ ગાંધી એક દિવસ વડાપ્રધાન બનશે!
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

વિલિંગ્ડન ક્રેસેન્ટના ૧૨ નંબરના બંગલામાં અચાનક ઘુસી આવેલા એક જ્યોતિષીને સોનિયા ગાંધી દરવાજા તરફ ધકેલી રહ્યા હતા, ત્યારે બહાર નીકળતી વખતે પેલા જ્યોતિષીએ પાછળ ફરીને અત્યંત મોટા અવાજે બૂમ પાડીને કહ્યું, 'ના, ના, સંજય નહીં… તમારા પતિ રાજીવજી એક દિવસ આ દેશના વડાપ્રધાન બનશે.' જે અકળ વાણીએ સમગ્ર પરિવારને આશ્ચર્યમાં મુકી દીધો હતો : આ ભવિષ્યવાણી ત્રણ વર્ષ બાદ સાચી પડી. જૂન ૧૯૮૦માં દિલ્હીમાં થયેલી એક દુર્ભાગ્યપૂર્ણ વિમાન દુર્ઘટનામાં સંજય ગાંધીનું અકાળે અવસાન થયું. આ ઘટનાના ચાર વર્ષ બાદ ઓક્ટોબર ૧૯૮૪માં તત્કાલીન વડાપ્રધાન ઇન્દિરા ગાંધીની તેમના જ અંગરક્ષકો દ્વારા ઘાતકી હત્યા કરવામાં આવી. સંજોગોએ એવો વળાંક લીધો કે રાજીવ ગાંધીને દેશના વડાપ્રધાન પદના શપથ લેવા પડયા ઃ ૧૦ જનપથમાં રહેવા આવ્યાના માત્ર ૧૫ મહિના બાદ, મે ૧૯૯૧માં તમિલનાડુના શ્રીપેરુમ્બુદુર ખાતે એક ચૂંટણી સભા દરમિયાન આત્મઘાતી હુમલામાં રાજીવ ગાંધીની કરપીણ હત્યા કરી દેવામાં આવી. જે ભય સોનિયા ગાંધીને વર્ષોથી સતાવી રહ્યો હતો, જે ચેતવણીનો ભાસ તેમને ૧૯૮૫ના જન્મદિવસની રાત્રે થયો હતો, તે તમામ આશંકાઓ મે ૧૯૯૧ની એ કાળી રાત્રે સાચી પડી.
સમયની ગતિ હંમેશા અકળ હોય છે. માણસ પોતાના વર્તમાનમાં જીવતો હોય ત્યારે તેને એ વાતનો અણસાર પણ હોતો નથી કે ભવિષ્યના ગર્ભમાં કેવા અણધાર્યા અને હચમચાવી નાખનારા વળાંકો છુપાયેલા છે. રાજકારણના શિખર પર રહેલા પરિવારો માટે તો આ અનિશ્ચિતતા વધુ ગુઢ અને સંવેદનશીલ બની જતી હોય છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા સોનિયા ગાંધીએ તાજેતરમાં પ્રકાશિત થયેલી તેમની આત્મકથા 'બિલોંગિંગ ઃ અ જર્ની ઓફ લવ'માં પોતાના જીવનના અને ગાંધી પરિવારના ઇતિહાસના કેટલાક એવા જ અજાણ્યા, રહસ્યમય અને હૃદયદ્રાવક પ્રસંગોને વાચા આપી છે. આ પુસ્તકમાં સોનિયા ગાંધીએ ભૂતકાળની એવી ઘટનાઓનું વર્ણન કર્યું છે, જે બની ત્યારે કદાચ સામાન્ય કે હાસ્યાસ્પદ લાગી હતી, અંધશ્રદ્ધાથી ભરેલી હતી અને કદાચ આશ્ચર્ય પમાડે તેવી હતી, પરંતુ સમય જતાં તેણે એક ભયાનક અને કરુણ વાસ્તવિકતાનું રૂપ ધારણ કર્યું હતું.
આ કથાની શરૂઆત ૧૯૭૦ના દાયકાના અંતિમ વર્ષોથી થાય છે. ૧૯૭૭માં દેશની સત્તા ગુમાવ્યા બાદ પૂર્વ વડાપ્રધાન ઇન્દિરા ગાંધી અને તેમનો પરિવાર એક અત્યંત કપરા અને સંઘર્ષમય સમયમાંથી પસાર થઈ રહ્યો હતો. સત્તાના ભવ્ય ગલિયારાઓ છોડીને ગાંધી પરિવાર દિલ્હીના વિલિંગ્ડન ક્રેસન્ટ સ્થિત બંગલા નંબર ૧૨માં રહેવા આવ્યો હતો. ચાર બેડરૂમનું આ સાધારણ નિવાસસ્થાન પરિવારના અત્યંત નજીકના મિત્ર મોહમ્મદ યુનુસે તેમના માટે ખાલી કરાવ્યું હતું. સોનિયા ગાંધીએ પોતાના પુસ્તકમાં આ સમયગાળાને 'બારા નંબર કે દિન' તરીકે યાદ કર્યો છે. એ દિવસોમાં ગાંધી પરિવારનું વાતાવરણ સાવ અલગ હતું. ઇન્દિરા ગાંધીના નાના પુત્ર સંજય ગાંધી સક્રિય રાજકારણમાં હતા અને તેમને જ ઇન્દિરા ગાંધીના રાજકીય ઉત્તરાધિકારી માનવામાં આવતા હતા. બીજી તરફ, મોટા પુત્ર રાજીવ ગાંધીને રાજકારણ સાથે કોઈ નિસ્બત નહોતી. તેઓ એક કોમર્શિયલ પાયલોટ તરીકે પોતાની નોકરીમાં વ્યસ્ત હતા અને સોનિયા ગાંધી તથા પોતાના બાળકો સાથે એક શાંત, પારિવારિક જીવન જીવી રહ્યા હતા.
વિલિંગ્ડન ક્રેસન્ટના આ બંગલા નંબર ૧૨માં રોજબરોજ અનેક લોકોની અવરજવર રહેતી હતી અને ઘણી વિચિત્ર ઘટનાઓ પણ બનતી હતી. પરંતુ તેમાંથી એક ઘટના સોનિયા ગાંધીના માનસપટ પર આજે પણ એટલી જ તાજી છે. એક દિવસ સફેદ વસ્ત્રો પહેરેલો એક ભારેભરખમ વ્યક્તિ કોઈની પણ પરવાનગી વિના સીધો તેમના ઘરના અંદરના હિસ્સામાં ઘૂસી આવ્યો. તેના હાથમાં શાહીથી લીધેલી હથેળીની છાપ વાળો એક કાગળ હતો. તે વ્યક્તિ વ્યવસાયે હસ્તરેખા નિષ્ણાત એટલે કે જ્યોતિષી હતો. અંદર આવતાની સાથે જ તેણે સોનિયા ગાંધી પાસે જીદ પકડી કે તે તેમનું ભવિષ્ય જોવા માંગે છે. સોનિયા ગાંધી સ્વભાવે અત્યંત તાર્કિક અને વ્યવહારુ હતાં. તેમને જ્યોતિષશાસ્ત્ર કે ભવિષ્યવાણીઓમાં જરાય વિશ્વાસ નહોતો. તેમણે અત્યંત વિનમ્રતાપૂર્વક પરંતુ સ્પષ્ટ શબ્દોમાં પેલા વ્યક્તિને કહ્યું કે તેમને આ બધી બાબતોમાં કોઈ રસ નથી અને તે ત્યાંથી ચાલ્યો જાય.
આગંતુક જ્યોતિષી ટસનો મસ થવા તૈયાર નહોતો. તે વારંવાર સોનિયા ગાંધીને ભવિષ્ય જાણવા માટે આગ્રહ કરતો રહ્યો. આખરે કંટાળીને અને થોડા ગુસ્સામાં આવીને સોનિયા ગાંધી તેને બહાર કાઢવા માટે આગળ વધ્યાં. જ્યારે તેઓ પેલા જ્યોતિષીને દરવાજા તરફ ધકેલી રહ્યા હતા, ત્યારે બહાર નીકળતી વખતે પેલા જ્યોતિષીએ પાછળ ફરીને અત્યંત મોટા અવાજે બૂમ પાડીને કહ્યું, 'ના, ના, સંજય નહીં… તમારા પતિ રાજીવજી એક દિવસ આ દેશના વડાપ્રધાન બનશે.' તે સમયે આ વાત સાંભળવી કોઈ મજાકથી ઓછી નહોતી. સંજય ગાંધી રાજકારણમાં પૂરી રીતે સ્થાપિત થઈ ચૂક્યા હતા, જ્યારે રાજીવ ગાંધીને રાજકારણની દુનિયા પ્રત્યે અરુચિ હતી. સોનિયા ગાંધીને આ વાત પર ન તો વિશ્વાસ બેઠો, ન તો તેમણે તેને ગંભીરતાથી લીધી. આ ઘટનાનું એક બીજું પણ રસપ્રદ અને ભાવનાત્મક પાસું હતું, જેનો ઉલ્લેખ સોનિયા ગાંધીએ ખૂબ જ સંવેદનશીલતાથી કર્યો છે. પેલા જ્યોતિષીના ગયા બાદ જ્યારે સોનિયા ગાંધીએ પાછળ ફરીને જોયું, તો ત્યાં રાજીવ ગાંધી ઊભા હતા અને તેઓ ખડખડાટ હસી રહ્યા હતા. સોનિયા ગાંધીની નજર રાજીવ ગાંધીના હાથ પર પડી, તો તેમણે જોયું કે તેમની હથેળી પર કાળી શાહીની છાપ લાગેલી હતી. વાસ્તવમાં, સોનિયા ગાંધી પાસે આવતા પહેલા તે જ્યોતિષીએ રાજીવ ગાંધીનો હાથ જોઈ લીધો હતો, અને રાજીવ ગાંધીએ પણ આ આખી વાતને એક હળવી મજાક સમજીને ઉત્સુકતાવશ પોતાની હથેળીની છાપ તેને આપી હતી. રાજીવ ગાંધી માટે તો આ એક રમૂજી ક્ષણ હતી, પરંતુ સોનિયા ગાંધીના મન પર આ ઘટનાની ઊંડી અને વિચિત્ર અસર પડી. તેઓ તુરંત ત્યાંથી પોતાના રૂમમાં ચાલ્યા ગયા. તેમણે પોતાની જાતને શાંત કરવાનો ઘણો પ્રયાસ કર્યો, પરંતુ અજાણ્યા ભય અને બેચેનીને કારણે તેઓ ધ્રુસકે ને ધ્રુસકે રડી પડયા. કદાચ તેમના અંતર્મનને કોઈ અણધારી આફતનો અણસાર આવી ગયો હોય તેમ લાગતું હતું.
સમયનું ચક્ર ફરતું ગયું અને જે વાતને એ દિવસે મજાક સમજીને હસી કાઢવામાં આવી હતી, તેણે ધીમે ધીમે એક ભયાનક વાસ્તવિકતાનું સ્વરૂપ લેવાનું શરૂ કર્યું. જૂન ૧૯૮૦માં દિલ્હીમાં થયેલી એક દુર્ભાગ્યપૂર્ણ વિમાન દુર્ઘટનામાં સંજય ગાંધીનું અકાળે અવસાન થયું. આ ઘટનાએ ગાંધી પરિવાર અને ભારતીય રાજકારણના સમીકરણો રાતોરાત બદલી નાખ્યા. પરિવાર હજુ આ આઘાતમાંથી બહાર આવે તે પહેલાં જ, ચાર વર્ષ બાદ ઓક્ટોબર ૧૯૮૪માં તત્કાલીન વડાપ્રધાન ઇન્દિરા ગાંધીની તેમના જ અંગરક્ષકો દ્વારા ઘાતકી હત્યા કરવામાં આવી. સમગ્ર દેશ શોક અને સ્તબ્ધતામાં ડૂબી ગયો હતો. ઇન્દિરા ગાંધીની હત્યાના ગણતરીના કલાકોમાં જ સંજોગોએ એવો વળાંક લીધો કે રાજીવ ગાંધીને દેશના વડાપ્રધાન પદના શપથ લેવા પડયા.
સોનિયા ગાંધીએ એ કાળમુખી રાતનું વર્ણન કરતા લખ્યું છે કે તેઓ જરાય નહોતા ઇચ્છતા કે રાજીવ ગાંધી રાજકારણમાં પ્રવેશે કે વડાપ્રધાન પદ સ્વીકારે. તેમને પોતાના પતિના જીવનું જોખમ સ્પષ્ટ દેખાઈ રહ્યું હતું. તેમણે રડતા રડતા રાજીવ ગાંધીને આ નિર્ણય ન લેવા માટે ખૂબ વિનંતી કરી હતી. પરંતુ રાજીવ ગાંધીએ અત્યંત શાંત અને દ્રઢ સ્વરે સોનિયા ગાંધીને જે જવાબ આપ્યો, તે આજે પણ રૂંવાડા ઊભા કરી દે તેવો છે. રાજીવ ગાંધીએ કહ્યું હતું કે, 'તેઓ ગમે તેમ કરીને મને મારી જ નાખશે.' આ શબ્દોમાં એક પતિની લાચારી અને એક પુત્રની પોતાની માતા પ્રત્યેની ફરજ બજાવવાની નિર્ભયતા બંને છલકાતા હતા. આ રીતે, બંગલા નંબર ૧૨માં પેલા જ્યોતિષીએ કરેલી ભવિષ્યવાણી બે અત્યંત કરુણ ઘટનાઓ બાદ સાચી પડી હતી.
સોનિયા ગાંધી પોતાના પુસ્તકમાં વારંવાર એ વાત પર ભાર મૂકે છે કે તેઓ ન તો ક્યારેય અંધશ્રદ્ધાળુ હતાં, ન તો શુકન-અપશુકનમાં માનતા હતાં. પરંતુ તેમના જીવનમાં બનેલી કેટલીક ઘટનાઓએ તેમને એ વિચારવા પર મજબૂર કરી દીધા કે શું ખરેખર આપણી આસપાસ બનતી ઘટનાઓ પાછળ કોઈ ગૂઢ સંકેત છુપાયેલો હોય છે? આવી જ એક અન્ય ઘટના ઓગસ્ટ ૧૯૮૫માં બની હતી. એ દિવસે રાજીવ ગાંધીનો ૪૧મો જન્મદિવસ હતો. વડાપ્રધાન નિવાસસ્થાને પરિવારના સભ્યો રાત્રિભોજન માટે સાથે બેઠા હતા. વાતાવરણ ખુશનુમા હતું, પરંતુ અચાનક પંજાબથી એક અત્યંત દુઃખદ સમાચાર આવ્યા. અકાલી દળના વરિષ્ઠ નેતા હરચંદ સિંહ લોંગોવાલની ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી હતી.
રાજીવ ગાંધીએ થોડા સમય પહેલાં જ પંજાબમાં શાંતિ સ્થાપવા માટે લોંગોવાલ સાથે ઐતિહાસિક સમજૂતી કરી હતી. પોતાના જન્મદિવસની ઉજવણી વચ્ચે આ હત્યાના સમાચાર સાંભળીને સોનિયા ગાંધી અંદરથી હચમચી ગયા. તેમણે લખ્યું છે કે એ સમયે તેમના મનમાં જે વિચારોનું વાવાઝોડું ચાલી રહ્યું હતું, તેને તેઓ કોઈની સાથે ચર્ચી શકે તેમ નહોતા. એક તરફ આ એક મોટી રાજકીય આફત હતી, તો બીજી તરફ સોનિયા ગાંધીને તેમાં કોઈ અશુભ સંકેતનો ભાસ થઈ રહ્યો હતો. તેમના મનમાં વારંવાર એક જ સવાલ ગુંજતો હતો કે આખરે રાજીવના જન્મદિવસના દિવસે જ આવી લોહિયાળ ઘટના કેમ બની? શું આ માત્ર એક સંયોગ હતો કે પછી ભવિષ્યમાં આવનારા કોઈ મોટા સંકટની ચેતવણી?
'બિલોંગિંગ ઃ અ જર્ની ઓફ લવ' પુસ્તકમાં નોંધાયેલી આ તમામ યાદો માત્ર એક રાજકીય પરિવારની કથા નથી, પરંતુ એક એવી સ્ત્રીની સંવેદનાઓનો દસ્તાવેજ છે જેણે પોતાના પ્રેમ, પોતાના પરિવાર અને પોતાના જીવનસાથીને નિયતિના ક્રૂર પંજામાં સપડાતા જોયા છે. સોનિયા ગાંધી આજે પણ એ સ્વીકારે છે કે તેઓ અંધશ્રદ્ધાળુ નથી, છતાં જીવનના આ વળાંકો પર પાછળ ફરીને જોતાં એ તમામ ઘટનાઓ એક અદ્રશ્ય દોરાથી જોડાયેલી જણાય છે. બંગલા નંબર ૧૨ની એ બપોર, હથેળી પર લાગેલી કાળી શાહી, ૧૦ જનપથની દીવાલો અને રાજીવ ગાંધીનું એ નિર્મળ હાસ્ય-આ બધું જ આજે ઇતિહાસના પાનાઓમાં એક ગંભીર, રહસ્યમય અને અત્યંત કરુણ સંસ્મરણ બનીને કાયમ માટે અંકિત થઈ ગયું છે.
- શું 10 જનપથ તેમના માટે વધુ એક આઘાત લાવવા સજ્જ હતો
નિયતિ અને અશુભ સંકેતોની આ શૃંખલા અહીં અટકી નહોતી. સોનિયા ગાંધીએ પોતાના સંસ્મરણોમાં નવી દિલ્હીના '૧૦ જનપથ' બંગલામાં રહેવા જવાના નિર્ણયનો પણ વિગતવાર ઉલ્લેખ કર્યો છે. ૧૯૮૯ની ચૂંટણીમાં સત્તા ગુમાવ્યા બાદ રાજીવ ગાંધી અને સોનિયા ગાંધી ૫ ફેબ્રુઆરી, ૧૯૯૦ના રોજ ૧૦ જનપથ ખાતે રહેવા ગયા હતા. સોનિયા ગાંધી આજે પણ આ જ નિવાસસ્થાને રહે છે. પરંતુ જ્યારે તેમણે આ બંગલો પસંદ કર્યો, ત્યારે રાજીવ ગાંધીના અનેક નજીકના સહયોગીઓ અને શુભેચ્છકોએ તેમને ત્યાં રહેવા જવાની સ્પષ્ટ ના પાડી હતી. સહયોગીઓનું માનવું હતું કે ૧૦ જનપથનું આ મકાન અશુભ છે અને તેમાં રહેવું પરિવાર માટે સારું નથી.
આ માન્યતા પાછળ કેટલાક સ્થાનિક કારણો અને લોકવાયકાઓ જવાબદાર હતી. કહેવામાં આવતું હતું કે ૧૦ જનપથના પાછળના દરવાજાની બરાબર પાછળ એક ઊંચો ટેકરો હતો, જેના વિશે એવી માન્યતા પ્રચલિત હતી કે ત્યાં કોઈ હાથીની કબર આવેલી છે. આ ઉપરાંત, બંગલાના મુખ્ય પ્રવેશદ્વારની બરાબર સામે એક સૂફી પીરની દરગાહ એટલે કે કબર પણ હતી. વાસ્તુ અને પરંપરાગત માન્યતાઓમાં માનનારા લોકો આ બંને બાબતોને રહેણાંક મકાન માટે અત્યંત અશુભ ગણતા હતા. પરંતુ રાજીવ ગાંધી અને સોનિયા ગાંધી બંને આધુનિક વિચારસરણી ધરાવતા હતા. તેમને આ બધી વાતો પાયાવિહોણી અને અંધશ્રદ્ધાપૂર્ણ લાગી. બંને પતિ-પત્નીએ પોતાના સહયોગીઓની આ આશંકાઓને હસીને ટાળી દીધી અને ૧૦ જનપથમાં પોતાનો નવો સંસાર વસાવ્યો.
કુદરતની ક્રૂરતા જુઓ કે ૧૦ જનપથમાં રહેવા આવ્યાના માત્ર ૧૫ મહિના બાદ, મે ૧૯૯૧માં તમિલનાડુના શ્રીપેરુમ્બુદુર ખાતે એક ચૂંટણી સભા દરમિયાન આત્મઘાતી હુમલામાં રાજીવ ગાંધીની કરપીણ હત્યા કરી દેવામાં આવી. જે ભય સોનિયા ગાંધીને વર્ષોથી સતાવી રહ્યો હતો, જે અણસાર તેમને બંગલા નંબર ૧૨માં પેલા જ્યોતિષીની બૂમ સાંભળીને આવ્યો હતો, અને જે ચેતવણીનો ભાસ તેમને ૧૯૮૫ના જન્મદિવસની રાત્રે થયો હતો, તે તમામ આશંકાઓ મે ૧૯૯૧ની એ કાળી રાત્રે સાચી પડી. રાજીવ ગાંધીના અવસાન સાથે જ સોનિયા ગાંધીના જીવનમાં એક એવો શૂન્યાવકાશ સર્જાયો, જે ક્યારેય ભરાઈ શકે તેમ નહોતો.




