News Focus

મિટટર્મ ઈલેક્શન : અમેરિકી ઇતિહાસની સૌથી મોંઘી ચૂંટણી

By GS Team
3 Nov 20267 mins read
TukuTouch Logo
અમેરિકામાં યોજાયેલી મધ્યસત્ર ચૂંટણી સૌથી મોંઘી સાબિત થઈ છે. એડઇમ્પેક્ટના અંદાજ મુજબ, 31 ઓક્ટોબર સુધીમાં રાજકીય જાહેરાતો પર $11.2 બિલિયનનો ખર્ચ થયો છે, જે $11.6 બિલિયન સુધી પહોંચવાની શક્યતા છે. રિપબ્લિકન અને ડેમોક્રેટ્સે સેનેટ, હાઉસ અને ગવર્નરની ચૂંટણીઓમાં કરોડો ડોલર ખર્ચ્યા છે. કેલિફોર્નિયાની ગવર્નર રેસમાં $349.4 મિલિયનનો ખર્ચ થયો, જે રેકોર્ડબ્રેક છે.

Summarized by AI; it may make mistakes. Check important info

મિટટર્મ ઈલેક્શન : અમેરિકી ઇતિહાસની સૌથી મોંઘી ચૂંટણી
  • આ ચૂંટણી પાછળ ૩૧ ઓક્ટોબર સુધીમાં રાજકીય જાહેરાતો પર ૧૧.૬ અબજ ડોલર ખર્ચવામાં આવ્યા છે
  • એડઇમ્પેક્ટના અંદાજ અનુસાર, ૩૧ ઓક્ટોબર સુધીમાં રાજકીય જાહેરાતો પર ૧૧.૨ અબજ ડોલર ખર્ચવામાં આવ્યા છે. તેનું અનુમાન છે કે આ અંતિમ આંકડો લગભગ ૧૧.૬ અબજ ડોલર સુધી પહોંચશે. આ આંકડો ૨૦૨૪ના રાષ્ટ્રપતિ ચૂંટણી ચક્રમાં ખર્ચાયેલા લગભગ ૧૧.૨ અબજ ડોલરને પણ વટાવી જશે અને ૨૦૨૨ની મધ્યસત્ર ચૂંટણીમાં ખર્ચાયેલા ૮.૯ અબજ ડોલર કરતાં ઘણો વધારે છે : રિપબ્લિકન અને તેમના સાથીઓએ જાહેરાત પર આશરે ૫.૧૮ અબજ ડોલર ખર્ચ્યા કે અનામત રાખ્યા છે, તેની સરખામણીમાં ડેમોક્રેટ્સે આશરે ૪.૭૭ અબજ ડોલર ખર્ચ્યા છે. કુલ ખર્ચમાં સૌથી મોટો હિસ્સો સેનેટની ચૂંટણીઓ રોકે તેવી શક્યતા છે. સેનેટ સ્પર્ધાઓમાં લગભગ ૩.૪ અબજ ડોલરનો ખર્ચ થવાનો અંદાજ છે, જ્યારે હાઉસ ચૂંટણીઓની જાહેરાત આશરે ૨.૨ અબજ ડોલર રહેવાનું અનુમાન હતું : જાણકારોના મતે ગવર્નરની ચૂંટણીઓ પણ રેકોર્ડ તોડવામાં પાછળ નથી. એડઇમ્પેક્ટ મુજબ કેલિફાર્નિયાની ગવર્નર રેસમાં ૨૭ ઓક્ટોબર સુધીમાં જાહેરાત ખર્ચ અને રિઝર્વેશન પેટે ૩૪.૯૪ કરોડ ડોલર નોંધાયા હતા, જે અત્યાર સુધીની સૌથી મોંઘી ગવર્નર ચૂંટણી બની છે. અબજોપતિ ડેમોક્રેટ ટોમ સ્ટેયરે ૨ જૂનની પ્રાઇમરી પહેલાં ૧૯.૫ કરોડ ડોલરથી વધુનો ખર્ચ કર્યો હતો. જ્યોર્જિયાની ગવર્નર રેસમાં પણ રિપબ્લિકન રિક જેક્સનની આશરે ૮.૩ કરોડ ડોલરની જાહેરાતો સાથે ભારે ખર્ચ જોવા મળ્યો હતો.

મંગળવારે સમગ્ર યુનાઇટેડ સ્ટેટ્સમાં મતદાન શરૂ થવા સાથે જ, ૨૦૨૬ની મધ્યસત્ર ચૂંટણીઓએ પહેલેથી જ એક એવો રેકોર્ડ બનાવી દીધો છે જેને કોઈ પરિણામ બદલી શકે તેમ નથી. તે અત્યાર સુધી નોંધાયેલી સૌથી મોંઘી મધ્યસત્ર ચૂંટણી છે, અને કેટલાક માપદંડો મુજબ કોઈપણ પ્રકારની ચૂંટણીઓમાં આ સૌથી મોંઘો ચૂંટણી સમયગાળો બની રહ્યો છે. એડ-ટ્રેકિંગ ફર્મ એડઇમ્પેક્ટના અંદાજ અનુસાર, ૩૧ ઓક્ટોબર સુધીમાં રાજકીય જાહેરાતો પર ૧૧.૨ અબજ ડોલર ખર્ચવામાં આવ્યા છે અથવા અનામત (રિઝર્વ) રાખવામાં આવ્યા છે, અને તેનું અનુમાન છે કે આ અંતિમ આંકડો લગભગ ૧૧.૬ અબજ ડોલર સુધી પહોંચશે. આ આંકડો ૨૦૨૪ના રાષ્ટ્રપતિ ચૂંટણી ચક્રમાં ખર્ચાયેલા લગભગ ૧૧.૨ અબજ ડોલરને પણ વટાવી જશે અને ૨૦૨૨ની મધ્યસત્ર ચૂંટણીમાં ખર્ચાયેલા ૮.૯ અબજ ડોલર કરતાં ઘણો વધારે છે.
આ નાણાં સમાન રીતે વહેંચાયેલા નથી. તે સેનેટની કેટલીક મુખ્ય બેઠકો, પુનર્ગઠિત થયેલા કેટલાક હાઉસ, મતવિસ્તારો અને અમુક ગવર્નરની ચૂંટણીઓમાં જ મોટાપાયે ઠલવાયા છે. આમાંના મોટાભાગના નાણાં ઉમેદવારો તરફથી નહીં, પરંતુ સુપર પીએસી, પક્ષ-સમર્થિત બિન-નફાકારક સંસ્થાઓ અને અત્યંત ધનાઢય દાતાઓના એક નાના જૂથ તરફથી આવ્યા છે. આ વર્ષના ખર્ચનું પ્રમાણ અતિ વિશાળ છે. એડઇમ્પેક્ટના ટ્રેકર દર્શાવે છે કે આ ચક્રમાં રિપબ્લિકન અને તેમના સાથીઓએ જાહેરાત પર આશરે ૫.૧૮ અબજ ડોલર ખર્ચ્યા કે અનામત રાખ્યા છે, તેની સરખામણીમાં ડેમોક્રેટ્સે આશરે ૪.૭૭ અબજ ડોલર ખર્ચ્યા છે. કુલ ખર્ચમાં સૌથી મોટો હિસ્સો સેનેટની ચૂંટણીઓ રોકે તેવી શક્યતા છે; એડઇમ્પેક્ટ મુજબ સેનેટ સ્પર્ધાઓમાં લગભગ ૩.૪ અબજ ડોલરનો ખર્ચ થવાનો અંદાજ છે, જ્યારે હાઉસ ચૂંટણીઓની જાહેરાત આશરે ૨.૨ અબજ ડોલર રહેવાનું અનુમાન હતું.
જાણકારોના મતે ખર્ચની ઝડપ અવિરત રહી છે. એડઇમ્પેક્ટ દ્વારા ૧ જૂન સુધીમાં ૪ અબજ ડોલરની રાજકીય જાહેરાતો ટ્રેક કરવામાં આવી હતી, જે ૨૦૨૪ના રાષ્ટ્રપતિ ચક્રના તે જ સમયગાળા કરતાં લગભગ ૪૬ ટકા વધુ હતી. ઓગસ્ટના મધ્ય સુધીમાં આ આંકડો ૫.૨ અબજ ડોલરને વટાવી ગયો હતો, જે ૨૦૨૨ની મધ્યસત્ર ચૂંટણીના તે તબક્કા કરતાં ત્રીજા ભાગ કરતાં પણ વધુ હતો. આ ચક્ર ઓક્ટોબરના મધ્યમાં ૧૦ અબજ ડોલરનો આંકડો પાર કરી ગયું હતું. એડઇમ્પેક્ટના રાજ્ય-સ્તરીય અંદાજો દર્શાવે છે કે કેલિફોર્નિયા ૯૭.૯ કરોડ ડોલરના અંદાજિત રાજકીય જાહેરાત ખર્ચ સાથે દેશમાં મોખરે છે, ત્યારબાદ મિશિગન ૮૫.૧ કરોડ ડોલર, ટેક્સાસ ૮૫ કરોડ ડોલર અને ઓહાયો ૭૪.૮ કરોડ ડોલર પર છે.
ઉલ્લેખનીય છે કે, ટેક્સાસની સેનેટ સ્પર્ધા જેવી આ સ્થિતિનું પ્રતિબિંબ બીજે ક્યાંય જોવા મળતું નથી. ડેમોક્રેટિક રાજ્ય પ્રતિનિધિ ટેલારિકો ૧૯૯૪ પછી ટેક્સાસમાં રાજ્યવ્યાપી પદ જીતનારા પ્રથમ ડેમોક્રેટ બનવાનો પ્રયાસ કરી રહ્યા છે. તેમના હરીફ રિપબ્લિકન એટર્ની જનરલ કેન પેક્સટન છે, જેમના પ્રચાર અભિયાન પર વિવાદોની છાયા રહી છે પરંતુ તેમને બહારના ખર્ચનો જબરદસ્ત ટેકો મળ્યો છે. એડઇમ્પેક્ટ અનુસાર, આ સ્પર્ધામાં જાહેરાત ખર્ચ અને રિઝર્વેશન હવે ૫૬ કરોડ ડોલરને વટાવી ચૂક્યા છે, જે બિન-રાષ્ટ્રપતિ ચૂંટણી માટે અત્યાર સુધીનો સૌથી મોટો આંકડો છે. ઓપનસિક્રેટ્સ પદ્ધતિનો ઉપયોગ કરીને કરવામાં આવેલા વિશ્લેષણ (જે ઉમેદવાર અને બહારના ખર્ચને જોડે છે) મુજબ પણ ૨૩ ઓક્ટોબર સુધીમાં આશરે ૫૬ કરોડ ડોલરનો આંકડો સામે આવ્યો છે, જેણે ટેક્સાસને ૨૦૨૦ અને ૨૦૨૧ની જ્યોર્જિયા ચૂંટણીઓના અગાઉના સેનેટ રેકોર્ડ કરતાં લગભગ ૪.૪ કરોડ ડોલર આગળ મૂકી દીધું છે.
આ નાણાંનો પ્રવાહ એકતરફી રહ્યો છે. ટેલારિકોએ ઉમેદવાર સ્તરના ભંડોળ એકત્રીકરણમાં દબદબો જાળવ્યો છે, જેમાં તેમણે પેક્સટનના આશરે ૨.૨ કરોડ ડોલરની સામે લગભગ ૧૪.૬ કરોડ ડોલર એકત્ર કર્યા છે. પરંતુ બહારના જૂથોએ પેક્સટન વતી આશરે ૩૦ કરોડ ડોલર ખર્ચ્યા છે, જ્યારે ટેલારિકો માટે આ આંકડો લગભગ ૮ કરોડ ડોલર રહ્યો છે. પેક્સટન સમર્થક કુલ રકમમાંથી લગભગ ૩.૭ કરોડ ડોલર યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે સંકળાયેલા સુપર પીએસી મેગા ઇન્ક તરફથી આવ્યા હતા, અને મસ્કે 'સેનેટ લીડરશિપ ફંડ' તથા પેક્સટનને સમર્થન આપતી 'લોન સ્ટાર લિબર્ટી' નામની પીએસી સહિતના જૂથો દ્વારા આ ચૂંટણીમાં નાણાં મોકલ્યા છે.
ટેક્સાસની ચૂંટણી સામાન્ય ચૂંટણી પહેલાંથી જ રેકોર્ડ તોડવા લાગી હતી. બંને સેનેટ પ્રાઇમરીઝમાં ફેબ્રુઆરીના અંત સુધીમાં ૧૨.૨ કરોડ ડોલરથી વધુની જાહેરાતો જોવા મળી હતી, જે સેનેટ પ્રાઇમરી માટે એક રેકોર્ડ હતો. ઓપિનિયન પોલ્સમાં ડેમોક્રેટ્સ થોડી લીડ સાથે નજીકની સ્પર્ધા દર્શાવે છે. ઓક્ટોબરના અંતમાં સીએનએનના એક સર્વેમાં ટેલારિકો ૪૯ ટકા અને પેક્સટન ૪૩ ટકા પર હતા, જ્યારે ૧૦થી ૧૪ ઓક્ટોબર દરમિયાન લેવાયેલા યુનિવર્સિટી ઓફ હ્યુસ્ટનના પોલમાં ઉમેદવારો માર્જિન ઓફ એરરની અંદર (૪૮ ટકા સામે ૪૬ ટકા) હતા. વહેલા મતદાનના પ્રથમ સપ્તાહમાં જ લગભગ ૪૫ લાખ મતો પડયા હોવાના અહેવાલ સાથે મતદાન પણ ઉત્સાહજનક રહ્યું છે.
બીજી સૌથી મોંઘી સેનેટ સ્પર્ધા ઓહાયોની વિશેષ ચૂંટણી છે, જ્યાં ડેમોક્રેટ શેરડ બ્રાઉન રિપબ્લિકન સેનેટર જોન હસ્ટેડ પાસેથી બેઠક પાછી મેળવવાનો પ્રયાસ કરી રહ્યા છે. જેડી વેન્સ વાઇસ પ્રેસિડેન્ટ બન્યા બાદ આ બેઠક ખાલી થઈ હતી, અને પુનરાવર્તિત મુકાબલા જેવી આ ચૂંટણીમાં ભારે રકમ ખેંચાઈ આવી છે. ઓપનસિક્રેટ્સના વિશ્લેષણમાં લગભગ ૪૨.૩ કરોડ ડોલર ગણવામાં આવ્યા હતા, જેમાંથી આશરે ૩૪.૪ કરોડ ડોલર બહારના જૂથો તરફથી આવ્યા હતા. માત્ર જાહેરાતોની ગણતરી કરતા એડઇમ્પેક્ટનું કહેવું છે કે આ સ્પર્ધા જાહેરાતો અને રિઝર્વેશનમાં ૫૦ કરોડ ડોલર વટાવી ચૂકી છે, જેના કારણે આ એકમાત્ર એવું ચક્ર બન્યું છે જેમાં એક કરતાં વધુ બિન-રાષ્ટ્રપતિ ચૂંટણીઓએ આ મર્યાદા વટાવી હોય. આ વર્ષ પહેલાં માત્ર ૨૦૨૪માં બ્રાઉન અને રિપબ્લિકન બર્ની મોરેનો વચ્ચેની ઓહાયો સેનેટ ચૂંટણી જ આ સ્તરે પહોંચી હતી. ગવર્નરની રસાકસીભરી સ્પર્ધાને કારણે પણ ઓહાયોના સમગ્ર એડ માર્કેટને વેગ મળ્યો છે. ઓહાયોની તમામ ચૂંટણીઓમાં કુલ જાહેરાત ખર્ચ આશરે ૭૪.૯ કરોડ ડોલર રહેવાનો અંદાજ છે.
આ ઉપરાંત નિવૃત્ત થઈ રહેલા ડેમોક્રેટ ગેરી પીટર્સની લાંબા સમયથી ખાલી પડેલી મિશિગનની સેનેટ બેઠક ત્રીજા ક્રમે છે. અહીં ડેમોક્રેટ અબ્દુલ અલ-સયીદનો સામનો રિપબ્લિકન માઇક રોજર્સ સામે છે, અને વિશ્લેષણ અનુસાર આ ભંડોળ આશરે ૩૩.૭ કરોડ ડોલરની આસપાસ છે. આ પેટર્ન ટેક્સાસ જેવી જ છે. અલ-સયીદે આશરે ૫.૪ કરોડ ડોલર એકઠા કર્યા છે જ્યારે રોજર્સે આશરે ૨.૩ કરોડ ડોલર; પરંતુ બહારના જૂથોએ અલ-સયીદના આશરે ૯.૪ કરોડ ડોલર સામે રોજર્સના સમર્થનમાં લગભગ ૧૬.૯ કરોડ ડોલર ખર્ચ્યા છે. પીટર્સના ઉત્તરાધિકારી માટેની ડેમોક્રેટિક પ્રાઇમરી એ આ વર્ષની ટેક્સાસ પ્રાઇમરી અને એરિઝોનાની ૨૦૨૨ની સ્પર્ધા પછી રેકોર્ડ પરની ત્રીજી સૌથી મોંઘી સેનેટ પ્રાઇમરી હતી. ઓક્ટોબરના અંતમાં મિશિગન સ્ટેટ યુનિવર્સિટીના એક પોલમાં અલ-સયીદ ૪૮ ટકા સામે ૪૫.૫ ટકા સાથે આગળ હતા.
જાણકારોના મતે ગવર્નરની ચૂંટણીઓ પણ રેકોર્ડ તોડવામાં પાછળ નથી. એડઇમ્પેક્ટ મુજબ કેલિફોર્નિયાની ગવર્નર રેસમાં ૨૭ ઓક્ટોબર સુધીમાં જાહેરાત ખર્ચ અને રિઝર્વેશન પેટે ૩૪.૯૪ કરોડ ડોલર નોંધાયા હતા, જે અત્યાર સુધીની સૌથી મોંઘી ગવર્નર ચૂંટણી બની છે.
અબજોપતિ ડેમોક્રેટ ટોમ સ્ટેયરે ૨ જૂનની પ્રાઇમરી પહેલાં ૧૯.૫ કરોડ ડોલરથી વધુનો ખર્ચ કર્યો હતો. જ્યોર્જિયાની ગવર્નર રેસમાં પણ રિપબ્લિકન રિક જેક્સનની આશરે ૮.૩ કરોડ ડોલરની જાહેરાતો સાથે ભારે ખર્ચ જોવા મળ્યો હતો.

અમેરિકાની ચૂંટણી : ક્યાંક અધધ ખર્ચ તો ક્યાંક નિયમોમાં ફેરફાર

  • ટેક્સાસ અત્યાર સુધીની સૌથી મોંઘી સેનેટ રેસથ એડઇમ્પેક્ટના જણાવ્યા અનુસાર, ડેમોક્રેટ જેમ્સ ટેલારિકો અને રિપબ્લિકન કેન પેક્સટન વચ્ચેની ટેક્સાસ સ્પર્ધામાં જાહેરાત ખર્ચ અને બુકિંગ ૫૬ કરોડ ડોલર (૫૬૦ મિલિયન ડોલર)થી વધુ થઈ ગયું છે, જે બિન-રાષ્ટ્રપતિ ચૂંટણી માટે એક રેકોર્ડ છે.
  • ઓહાયો અને મિશિગન ટોચના ત્રણમાં : ફેડરલ ફાઇલિંગ્સ અને ઓપનસિક્રેટ્સ ડેટાના વિશ્લેષણ મુજબ, ટેક્સાસ, ઓહાયો અને મિશિગન ત્રણેયમાં મળીને ઓક્ટોબરના અંત સુધીમાં આશરે ૧.૩ અબજ ડોલર ઠલવાયા હતા.
  • બહારના જૂથો ઉઠાવી રહ્યા છે ખર્ચનો મોટો હિસ્સો : ટોચની દસ સૌથી મોંઘી સેનેટ સ્પર્ધાઓમાંથી નવમાં, સુપર પીએસી અને અન્ય બહારના જૂથોએ ઉમેદવારો કરતાં પણ વધુ ખર્ચ કર્યો છે.
  • એલોન મસ્ક સૌથી મોટા જાણીતા દાતા : એક અંદાજ મુજબ આ મધ્યસત્ર ચૂંટણીમાં તેમનું દાન આશરે ૩૬.૬ કરોડ ડોલરથી ૪૪.૬ કરોડ ડોલર વચ્ચે રહ્યું છે.
  • ચૂંટણીની વચ્ચે જ નિયમો બદલાયા : જૂનમાં સુપ્રીમ કોર્ટના એક નિર્ણયે રાજકીય પક્ષો પોતાના ઉમેદવારો સાથે સંકલન સાધીને કેટલી રકમ ખર્ચી શકે છે તેની મર્યાદા હટાવી દીધી હતી.
  • આખરી આંકડા હજુ બાકી છે : ચૂંટણી પહેલાંના છેલ્લા અહેવાલો માત્ર ૧૪ ઓક્ટોબર સુધીની પ્રવૃત્તિઓને આવરી લે છે, તેથી સંપૂર્ણ આંકડા ડિસેમ્બરમાં ચૂંટણી પછીના ફાઇલિંગ બાદ જ જાણી શકાશે.