મીડટર્મ કર્સ : 21માંથી 19 ચૂંટણીમાં સત્તાધારી પ્રમુખ હાર્યા છે
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

- અમેરિકી લોકશાહી વ્યવસ્થાને લાગેલો શ્રાપ કહેવાય છે આ ચૂંટણી, ઓબામાને સૌથી વધુ નુકસાન ગયું હતું
- ૧૯૪૨ માં ફ્રેન્કલિન રૂઝવેલ્ટ સત્તા ઉપર હતા ત્યારે મિડટર્મમાં તેમની પાર્ટીને ૪૫ બેઠકો ગુમાવવાનો વારો આવ્યો હતો. છેલ્લાં ૮૪ વર્ષના અમેરિકી ઈતિહાસમાં દરેક મિડટર્મ ચૂંટણીઓ સત્તાધારી પક્ષ અને પ્રમુખને નડી જ છે ઃ ૨૦૧૦માં બરાક ઓબામાના પહેલા કાર્યકાળમાં મિડટર્મ ચૂંટણીમાં ડેમોક્રેટ્સે ૬૩ બેઠકો ગુમાવી હતી. ૨૦૦૬માં જ્યોર્જ ડબ્લ્યૂ બુશના બીજા કાર્યકાળમાં મિડટર્મમાં રિપબ્લિકનને ૩૦ બેઠકો ગુમાવવાની આવી હતી. તેવી જ રીતે ડોનાલ્ડ ટ્રમ્પના જ પોતાના પહેલા કાર્યકાળમાં ૨૦૧૮માં રિપબ્લિકને ૪૧ બેઠકો ગુમાવી હતી. બિલ ક્લિન્ટનની બીજા અને જ્યોર્જ ડબ્લ્યૂ બુશના પહેલા કાર્યકાળમાં મિડટર્મ ઈલેક્શનમાં સત્તાધારી પક્ષને નજીવો ફાયદો થયો હતો ઃ અમેરિકામાં રાષ્ટ્રપતિની સત્તાઓ બંધારણમાંથી આવે છે, માત્ર કોંગ્રેસમાં બહુમતીથી નહીં. આવી સ્થિતિમાં ટ્રમ્પની કેટલીક સત્તાઓ ચોક્કસપણે ઓછી થશે, પરંતુ ઘણી સત્તાઓ યથાવત રહેશે. જેમ કે- એક્ઝિક્યુટિવ ઓર્ડર જાહેર કરવા, કોંગ્રેસના કોઈપણ બિલ પર વીટો કરવા, વિદેશ નીતિ અને સૈન્ય કાર્યવાહી અંગે નિર્ણયો લેવા.
અમેરિકાની મિડટર્મ ચૂંટણીમાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની રિપબ્લિકન પાર્ટીને હારનો સામનો કરવો પડયો છે. ડેમોક્રેટિક પાર્ટીએ હાઉસ ઑફ રિપ્રેઝન્ટેટિવ્સમાં અને સેનેટમાં બહુમતી મેળવી લીધી છે. અહીંયા ટ્રમ્પને પરાજય થયો તે વર્તમાન પરિસ્થિતિમાં સૌથી મોટી ઘટના છે પણ જ્યારે અમેરિકી લોકશાહીનો ઈતિહાસ ફંફોસીયે ત્યારે આ બાબત ખાસ મોટી જણાતી નથી. અમેરિકી લોકશાહીમાં મીડટર્મ ઈલેક્શનને મિડટર્મ કર્સ એટલે કે રાષ્ટ્રપતિઓ માટે શ્રાપ કહેવામાં આવે છે. અમેરિકામાં તેનો લાંબો અને દાયકાઓ જૂનો કાળો ઈતિહાસ છે. જાણકારોના મતે અમેરિકાની લોકશાહીમાં છેલ્લી ૨૧ મિડટર્મ ચૂંટણીઓમાંથી ૧૯ વખત, એટલે કે અંદાજે ૯૦% મિડટર્મ ચૂંટણીમાં વર્તમાન રાષ્ટ્રપતિની પાર્ટી હારી છે. ડોનાલ્ડ ટ્રમ્પ પણ તેનાથી બચી શક્યા નથી. અમેરિકામાં તાજેતરમાં પણ જે પરિણામ આવ્યું તે શ્રાપના કારણે જ આવ્યું તેવું ચારેકોર ચર્ચાઈ રહ્યું છે. ખાસ વાત એ છે કે, અમેરિકી ચૂંટણીઓના ઈતિહાસમાં ૧૯૪૨થી આવું થતું આવ્યું છે.
૧૯૪૨ માં ફ્રેન્કલિન રૂઝવેલ્ટ સત્તા ઉપર હતા ત્યારે મિડટર્મમાં તેમની પાર્ટીને ૪૫ બેઠકો ગુમાવવાનો વારો આવ્યો હતો. ત્યારથી શરૂ થયેલો આ શ્રાપ માત્ર બે અમેરિકી પ્રમુખોને જ અસર કરી શક્યો નથી. બાકી છેલ્લાં ૮૪ વર્ષના અમેરિકી ઈતિહાસમાં દરેક મિડટર્મ ચૂંટણીઓ સત્તાધારી પક્ષ અને પ્રમુખને નડી જ છે. તેમાંય સૌથી વધારે અસર અમેરિકાના ૨૦૧૦માં ચૂંટાયેલા સૌથી લોકપ્રિય રાષ્ટ્ર પ્રમુખ બરાક ઓબામાને થઈ હતી. તે વખતે થયેલી મિડટર્મ ચૂંટણીમાં ડેમોક્રેટ્સે ૬૩ બેઠકો ગુમાવી હતી. ૨૦૦૬માં જ્યોર્જ ડબ્લ્યૂ બુશના બીજા કાર્યકાળમાં મિડટર્મમાં રિપબ્લિકનને ૩૦ બેઠકો ગુમાવવાની આવી હતી. તેવી જ રીતે ડોનાલ્ડ ટ્રમ્પના જ પોતાના પહેલા કાર્યકાળમાં ૨૦૧૮માં રિપબ્લિકને ૪૧ બેઠકો ગુમાવી હતી. બિલ ક્લિન્ટનની બીજા અને જ્યોર્જ ડબ્લ્યૂ બુશના પહેલા કાર્યકાળમાં મિડટર્મ ઈલેક્શનમાં સત્તાધારી પક્ષને નજીવો ફાયદો થયો હતો.
સમજવા જેવી બાબત એ છે કે, અમેરિકાના રાષ્ટ્રપતિનો કાર્યકાળ ૪ વર્ષનો હોય છે. આ કાર્યકાળના બરાબર મધ્યમાં યોજાતી સંસદીય ચૂંટણીને મિડટર્મ ઇલેક્શન કહેવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે, અમેરિકી કોંગ્રેસ એટલે કે સંસદનું કામ માત્ર કાયદા બનાવવા પૂરતું જ નથી, પરંતુ સરકારની દેખરેખ રાખવાનું પણ છે. તેને કોંગ્રેશનલ ઓવરસાઈટ પણ કહેવામાં આવે છે. ચૂંટણી પહેલાં રિપબ્લિકન્સ પાસે હાઉસ અને સેનેટમાં બહુમતી હતી. આ જ ટ્રમ્પની સૌથી મોટી તાકાત હતી. તેઓ પોતાની મરજી મુજબ કાયદા પસાર કરાવતા, યોજનાઓ અને નિર્ણયો માટે બજેટ મંજૂર કરાવતા અને કડક સવાલો વિના સરકાર ચલાવી રહ્યા હતા. હવે હાઉસ અને સેનેટ બંને વિપક્ષી ડેમોક્રેટ્સના હાથમાં જતા દેખાઈ રહ્યા છે.
જાણકારોના મતે કોંગ્રેસ, સેનેટ બંને ગૃહોમાં રિપબ્લિકન્સ પાસેથી બેઠકો ઘટી ગઈ અને ડેમોક્રેટ્સ પાસે વધી ગઈ. તેના કારણે ટ્રમ્પના પ્રમુખપદને અસર નહીં થાય પણ તેમની પાસે રહેલી કેટલીક મહત્ત્વની તાકાત તેમની પાસેથી છીનવાઈ જશે અથવા તો તેના ઉપર લગામ આવશે. સૌથી પહેલાં તો તેમની સમન્સ અને તપાસ કરવાની તાકાત ઘટશે. ટ્રમ્પના કામકાજ પર દેખરેખ વધશે. કારણ કે હાઉસની ઓવરસાઇટ, જ્યુડિશિયરી, ઇન્ટેલિજન્સ અને ફાઇનાન્શિયલ સર્વિસિસ જેવી સમિતિઓના અધ્યક્ષ ડેમોક્રેટ્સ બનશે. તેઓ ટ્રમ્પના નજીકના લોકો અને સરકારી અધિકારીઓ સાથે સંબંધિત તપાસ શરૂ કરી શકે છે. કોઈને પણ કાનૂની સમન્સ મોકલીને હાજર થવા અને પુરાવા રજૂ કરવા માટે ફરજ પાડી શકે છે.
આ ઉપરાંત સરકારી ખજાના પર નિયંત્રણ આવશે. અમેરિકામાં બજેટ અથવા કર સંબંધિત પ્રસ્તાવો પસાર કરવાનો અધિકાર હાઉસ પાસે છે. આવી સ્થિતિમાં ટ્રમ્પ અને ડેમોક્રેટ્સ વચ્ચે સરકારી ખર્ચને લઈને ખેંચતાણ વધી શકે છે. સરકારી કામકાજ ઠપ્પ પડી શકે છે. હવે જો ટ્રમ્પ વધારે આડોડાઈ કરશે તો અમેરિકન અર્થતંત્રમાં મોટી ક્રાઈસિસ પણ સર્જાઈ શકે તેમ છે.
ત્રીજી અને અત્યંત મહત્ત્વની બાબત છે કે, ટ્રમ્પની મનપસંદ નિમણૂંકો કરવાની સત્તા ઉપર લગામ આવી જશે. સેનેટ જ નવા ન્યાયાધીશો, કેબિનેટ મંત્રીઓ અને અન્ય અધિકારીઓની નિમણૂંકોને મંજૂરી આપે છે.
હવે સેનેટમાં ડેમોક્રેટ્સની બહુમતી જણાઈ રહી છે. તેના કારણે ટ્રમ્પની મનપસંદ નિમણૂંકો પર બ્રેક લાગી શકે છે. જોકે અમેરિકામાં રાષ્ટ્રપતિની સત્તાઓ બંધારણમાંથી આવે છે, માત્ર કોંગ્રેસમાં બહુમતીથી નહીં. આવી સ્થિતિમાં ટ્રમ્પની કેટલીક સત્તાઓ ચોક્કસપણે ઓછી થશે, પરંતુ ઘણી સત્તાઓ યથાવત રહેશે. જેમ કે- એક્ઝિક્યુટિવ ઓર્ડર જાહેર કરવા, કોંગ્રેસના કોઈપણ બિલ પર વીટો કરવા, વિદેશ નીતિ અને સૈન્ય કાર્યવાહી અંગે નિર્ણયો લેવા. ટ્રમ્પના વીટોને રદ કરવા માટે બંને ગૃહોમાં બે તૃતીયાંશ મત જરૂરી છે, જે હાલની પરિસ્થિતિમાં મુશ્કેલ છે.
અમેરિકી રાજકારણના જાણકારોમાં ચર્ચા છે કે, મિડટર્મ ઈલેક્શનના જે પરિણામો આવ્યા તેની અસર અમેરિકી સરકાર, અમેરિકી તંત્રની સાથે સાથે ટ્રમ્પના પરિવાર ઉપર પણ વધારે પડશે. લોકમુખે ચર્ચા છે કે, ડિપાર્ટમેન્ટ ઑફ જસ્ટિસ દ્વારા એપસ્ટીન ફાઇલો જાહેર કરવામાં થઈ રહેલા વિલંબ અને તેમાં કરવામાં આવી રહેલી લાલીયાવાડી અંગે એટર્ની જનરલ ટોડ બ્લાંશ પાસેથી જવાબ માગવામાં આવી શકે છે.
રાજધાની વૉશિંગ્ટન ડીસીના કાયાપલટને લઈને પણ તપાસ થઈ શકે છે. આ સિવાય ૯૦૦ મિલિયન ડૉલરથી વધુના વ્હાઇટ હાઉસ બ્યુટિફિકેશન પ્રોજેક્ટ માટે ફાળવવામાં આવેલા સરકારી બજેટ અને પ્રાઇવેટ ડાનેશનનું ઑડિટ માગવામાં આવી શકે છે. તેવી જ રીતે હવે ટ્રમ્પના કારોબાર અને પરિવાર પર સકંજો કસવાની વાત ચર્ચાય છે. ખાસ કરીને ૨૦૨૫માં તેમના વિવિધ બિઝનેસે અંદાજે ૨ અબજ ડૉલરથી વધુ કમાણી કરી છે. હજાર પાનાના નાણાકીય ખુલાસા દસ્તાવેજના આધારે ડેમોક્રેટ્સ અનેક તપાસોની તૈયારીમાં છે. આ સિવાય ટ્રમ્પ અને તેમના પરિવાર સાથે જોડાયેલા ક્રિપ્ટો ડીલ્સ પણ તપાસના શકંજામાં આવી શકે છે. તે સિવાય જમાઈ કુશનર સાથે જોડાયેલા સોદાઓની તપાસ પણ શરૂ થઈ શકે છે.
આ સિવાય મ્ૈહચહબીના સ્થાપકને માફ કરવાનો મામલો પણ ફરી તુલ પકડી શકે છે. તેની સાથે સાથે બેલ્જિયમના એન્ટવર્પ વર્લ્ડ ડાયમંડ સેન્ટરના પ્રમુખ ઇસિડોર મોર્સેલે ટ્રમ્પને 'ફ્રીડમ ૨૫૦' નામની હીરા અને રત્નોથી જડેલી સોનાની વીંટી ભેટમાં આપી હતી. તેની કિંમત ૨૫થી ૩૦ હજાર ડૉલર આંકવામાં આવી છે. તેના ૪ અઠવાડિયા બાદ અમેરિકાએ બેલ્જિયમની ડાયમંડ ઇન્ડસ્ટ્રીને ટેરિફમાંથી છૂટ આપી હતી. આ મામલે પણ હિતોના ટકરાવને લઈને તપાસ થઈ શકે છે.
ટ્રમ્પ માટે રાજકીય રીતે ૨ મોટા જોખમો સર્જાઈ શકે તેમ છે
જાણકારોના મતે ટ્રમ્પ ઉપર બે મોટા રાજકીય જોખમો છે. તેમાં સૌથી પહેલું લેમ-ડક રાષ્ટ્રપતિ બનવાનું જોખમ છે. ટ્રમ્પનો આ બીજો કાર્યકાળ છે. કાયદા મુજબ તેઓ ત્રીજી વખત રાષ્ટ્રપતિ બની શકતા નથી. તેમના પર તેથી જ લેમ-ડક રાષ્ટ્રપતિ બનવાનું અને પાર્ટી પરની પકડ નબળી પડવાનું જોખમ છે. લેમ-ડકનો અર્થ છે લંગડી બતક. આગામી રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ઉમેદવાર બનવા માટે કેટલાક રિપબ્લિકન નેતાઓ ટ્રમ્પની વાત માનવાનું અને તેમનો બચાવ કરવાનું બંધ કરી શકે છે. આ ઉપરાંત ટ્રમ્પ અગાઉ ૨૦૧૯ અને ૨૦૨૧માં બે વખત મહાભિયોગનો સામનો કરી ચૂક્યા છે. બંને વખત તેઓ સેનેટમાંથી બચી ગયા હતા. ડેમોક્રેટ્સ ત્રીજી વખત પણ મહાભિયોગ લાવી શકે છે. ટ્રમ્પ પણ કહી ચૂક્યા છે કે જો રિપબ્લિકન જીત્યા નહીં, તો ડેમોક્રેટ્સ મહાભિયોગમાં ફસાવવાનું કોઈ કારણ શોધી લેશે. જાણકારોના મતે થોડા સમય પહેલા થયેલા સર્વેમાં બહાર આવ્યું હતું કે, અડધાથી વધુ અમેરિકનો ટ્રમ્પ સામે મહાભિયોગના પક્ષમાં છે.
૨૦૧૦ માં બરાક ઓબામાને મળી હતી સૌથી મોટી હાર
વર્ષ | રાષ્ટ્રપતિ | પક્ષ | બેઠકોનો તફાવત( હાઉસ/સેનેટ) |
૧૯૪૨ | ફ્રેન્કલિન ડી. રૂઝવેલ્ટ | ડેમોક્રેટિક | -૪૫ /-૮ |
૧૯૪૬ | હેરી એસ. ટ્રુમેન | ડેમોક્રેટિક | -૫૪ /-૧૦ |
૧૯૫૦ | હેરી એસ. ટ્રુમેન | ડેમોક્રેટિક | -૨૮ /-૫ |
૧૯૫૪ | ડ્વાઇટ ડી. આઇઝનહાવર | રિપબ્લિકન | -૧૮ /-૨ |
૧૯૫૮ | ડ્વાઇટ ડી. આઇઝનહાવર | રિપબ્લિકન | -૪૮ /-૧૨ |
૧૯૬૨ | જ્હોન એફ. કેનેડી | ડેમોક્રેટિક | -૪ / +૪ |
૧૯૬૬ | લિંડન બી. જોનસન | ડેમોક્રેટિક | -૪૭ / -૩ |
૧૯૭૦ | રિચાર્ડ નિક્સન | રિપબ્લિકન | -૧૨ / +૨ |
૧૯૭૪ | જેરાલ્ડ ફોર્ડ | રિપબ્લિકન | -૪૮ / -૪ |
૧૯૭૮ | જિમી કાર્ટર | ડેમોક્રેટિક | -૧૫ / -૨ |
૧૯૮૨ | રોનાલ્ડ રીગન | રિપબ્લિકન | -૨૬ / ૦ |
૧૯૮૬ | રોનાલ્ડ રીગન | રિપબ્લિકન | -૫ / -૮ |
૧૯૯૦ | જ્યોર્જ એચ. ડબલ્યુ. બુશ | રિપબ્લિકન | -૮ / -૧ |
૧૯૯૪ | બિલ ક્લિન્ટન | ડેમોક્રેટિક | -૫૪ / -૯ |
૧૯૯૮ | બિલ ક્લિન્ટન | ડેમોક્રેટિક | +૪ / ૦ |
૨૦૦૨ | જ્યોર્જ ડબલ્યુ. બુશ | રિપબ્લિકન | +૮ / +૨ |
૨૦૦૬ | જ્યોર્જ ડબલ્યુ. બુશ | રિપબ્લિકન | -૩૨ / -૬ |
૨૦૧૦ | બરાક ઓબામા | ડેમોક્રેટિક | -૬૩ / -૬ |
૨૦૧૪ | બરાક ઓબામા | ડેમોક્રેટિક | -૧૩ / -૯ |
૨૦૧૮ | ડોનાલ્ડ ટ્રમ્પ | રિપબ્લિકન | -૪૧ / +૨ |
૨૦૨૨ | જો બાઇડન | ડેમોક્રેટિક | -૯ / +૧ |
૨૦૨૬ | ડોનાલ્ડ ટ્રમ્પ | રિપબ્લિકન | મત ગણતરી ચાલુ છે |




