News Focus

સાંસદો ખરીદવાના ઉન્માદમાં ક્યાંક અખંડિત ભારતનું અસ્તિત્વ ભુંસાઈ ન જાય!

By GS Team
25 Jul 20268 mins read
TukuTouch Logo
દિલ્હીના જંતરમંતર ખાતે છેલ્લા 4 દિવસથી NEET પેપરલીક મુદ્દે જેનઝી આંદોલન ઉગ્ર બન્યું છે. સોનમ વાંગચુકને હોસ્પિટલ ભેગા કરાતા યુવાધન વિરોધમાં ઉમટ્યું છે. ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગ સાથે દેશભરમાં આ આંદોલનને વેગ મળ્યો છે. આંતરિક ભાગલાનું સંકટ અને નવા સીમાંકન સામે દક્ષિણ ભારતમાં પણ વિરોધ વકરી રહ્યો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

સાંસદો ખરીદવાના ઉન્માદમાં ક્યાંક અખંડિત ભારતનું અસ્તિત્વ ભુંસાઈ ન જાય!
  • સરદાર સાહેબે મહામહેનતે ભારતની અખંડિતતાને સ્થાપિત કરી હતી, તેમાં ફરી ભાગલા પડવાના ભયસ્થાનોને અવગણવાની ભુલ ન થવી જોઈએ
  • દાયકાઓથી દક્ષિણ ભારતનું રાજકારણ કેન્દ્રીય રાજકારણથી અલગ રહ્યું છે અને તેનું કેન્દ્ર સાથેનું જોડાણ પણ કંઈક અલગ જ રહ્યું છે. કર્ણાટકના કેટલાક વિસ્તારોને બાદ કરતા ભાજપને ક્યારેય દક્ષિણ ભારતમાં વૈચારિક કે રાજકીય સ્વીકૃતિ મળી જ નથી : તમિલનાડુમાં જો વિજય આર્થિક અને સામાજિક મોડેલને વધુ ઝડપી અને પારદર્શી બનાવવામાં સફળ થાય છે, તો તેઓ કેન્દ્ર અને રાજ્ય બંને માટે એક મોટો રાજકીય પડકાર બની શકે છે. નરેન્દ્ર મોદીએ પોતે પ્રજાને આપેલા વચનો ૧૨ વર્ષમાં પૂરા કર્યા નથી, જુઠ્ઠાણા સાબિત થયા છે ત્યારે વિજયે આપેલા વચનો માત્ર બે માસમાં સાચા કરી બતાવ્યા છે. ભવિષ્યમાં તે મોટો પડકાર ઊભો કરી શકે તેને નકારી શકાય નહીં : મોદીએ સલાહકારોને સાઈડલાઈન કરી ફરી જમીન સાથે જોડાઈને પોતાની આંતરિક નિર્ણયક્ષમતાને અમલમાં લાવીને કામગીરી કરવાની જરૂર છે. તેમણે ધાર્મિક કે ભાષાકીય વિભાજન અટકાવીને 'એક ભારત, શ્રેષ્ઠ ભારત'ના સૂત્રને સાચા અર્થમાં અમલમાં મૂકવું પડશે

દિલ્હીના જંતરમંતર ખાતે છેલ્લાં ચાર દિવસથી જેનઝી આંદોલન વિકરાળ સ્વરૂપ લઈ રહ્યું છે. નીટ પેપરલીક મુદ્દે સોનમ વાંગચુક દ્વારા શરૂ કરાયેલા ઉપવાસ અને આંદોલન ખાસ અસરકારક રહ્યા નહોતા પણ કોર્ટની ટકોર બાદ વાંગચુકને એકાએક હોસ્પિટલ ભેગા કરી દેવાયા અને તેના કારણે દેશનું યુવાધન વિરોધના રસ્તે ઉમટી પડયું તેણે લોકશાહીના નવા ચહેરાને છતો કર્યો છે. ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માગણીએ દેશભરમાં જેનઝી આંદોલનને વેગ આપ્યો છે. વડા પ્રધાને પોતાના અધિકારીઓ અને સલાહકારોનું માનીને જેનઝીની ધરાર અવગણના કરી અને પ્રધાનનું રાજીનામું લીધું નહીં.
સૂત્રોના મતે ભાજપનું આલાકમાન છેલ્લાં છ મહિના કરતા વધુ સમયથી નવા સીમાંકન પાછળ વ્યસ્ત છે. ભાજપના નેતાઓ રાજકીય ખરીદવેચાણમાં માહેર કેટલાક લોકો અને સાથીઓ દ્વારા હવે સીમાંકનથી સંસદમાં પોતાનું સંખ્યાબળ વધારવાના ઉન્માદમાં પડયા છે. વારંવાર સાંસદો ખરીદવાના આરોપ ધરાવતો ભાજપ હવે રાજકીય રીતે આ માટે પંકાયેલો છે અને હવે નવા સીમાંકનથી તે પોતાનું રાજકીય કદ મોટું કરવાની વેતરણમાં પડયો છે કે, સરકારને દેશની વાસ્તવિક સ્થિતિ અને લોકોના જીવન કે મુશ્કેલીઓ સામે જોવાનો સમય કે ઈચ્છા શક્તિ વધ્યા જ નથી. જેનઝી આંદોલન અને નવા સીમાંકનના કારણે દેશ ઉપર આંતરિક ભાગલા પડવાનું મોટું સંકટ ઊભું થયેલું છે અને જો તેનો ઉકેલ નહીં આવે તો સરદાર સાહેબે આઝાદી બાદ કરેલી મહેનત ઉપર પાણી ફરી વળશે.
આ બધા વચ્ચે હવે જ્યારે ડીલિમિટેશનનો બોમ્બ ફેંકવામાં આવ્યો છે તે ક્યાંક લોકશાહી અને સંઘવાદના ફુચરા ન ઉડાડી દે તે પણ જોવાની ખાસ જરૂર છે. ભારતીય બંધારણ મુજબ દર વસ્તી ગણતરી પછી લોકસભાની બેઠકોની પુન:રચના થવી જોઈએ. ૧૯૭૬માં વસ્તી નિયંત્રણને પ્રોત્સાહન આપવા માટે બેઠકોની સંખ્યા સ્થગિત કરવામાં આવી હતી. આ મર્યાદા દૂર થયા બાદ વસ્તીના આધારે નવી સીમાંકન પ્રક્રિયા હાથ ધરવાનો વિવાદ ચરમસીમા પર છે.
ઉલ્લેખનીય છે કે, ભારતના જીડીપી અને વિકાસમાં ઉત્તર અને દક્ષિણ રાજ્યોની ભૂમિકા અત્યંત વિરોધાભાસી છે. દક્ષિણ ભારતના રાજ્યો, તમિલનાડુ, કર્ણાટક, કેરળ, તેલંગાણા અને આંધ્ર પ્રદેશ, દેશની કુલ વસ્તીના આશરે ૨૦% હિસ્સો ધરાવે છે, પરંતુ ભારતની જીડીપીમાં તેમનો ફાળો ૩૦%થી વધુ છે. તેની સામે ઉત્તર ભારતની સ્થિતિ સાવ અલગ છે. આ ઉપરાંત દક્ષિણના રાજ્યોની મુખ્ય ફરિયાદ એ છે કે તેઓ કેન્દ્ર સરકારને રૂ. ૧૦૦ નો ટેક્સ આપે છે ત્યારે તેમને બદલામાં માત્ર રૂ. ૨૫થી રૂ. ૪૦ પાછા મળે છે, જ્યારે ઉત્તર પ્રદેશ કે બિહાર જેવા રાજ્યોને પ્રતિ ૧૦૦ રૂપિયાના ટેક્સ સામે રૂ. ૨૦૦થી રૂ. ૩૦૦ મળે છે. આને કારણે દક્ષિણના રાજ્યોને લાગે છે કે વસ્તી નિયંત્રણ અને સારા શાસનની તેમને સજા મળી રહી છે.
હવે જો માત્ર વસ્તીના આંકડાના આધારે લોકસભાની સીટો વધારવામાં આવે (દા.ત. બેઠકો ૫૪૩ થી વધીને ૮૫૦ કે તેથી વધુ થાય), તો ઉત્તર પ્રદેશ, બિહાર અને મધ્ય પ્રદેશ જેવા રાજ્યોની બેઠકોમાં જંગી વધારો થશે. બીજી તરફ, દક્ષિણના રાજ્યોની સંસદીય ભાગીદારી ટકાવારીની દ્રષ્ટિએ ઘટી જશે. જો દક્ષિણ ભારતીય રાજ્યો પાસે સંસદમાં પૂરતું રાજકીય પ્રતિનિધિત્વ જ નહીં રહે, તો શું કેન્દ્ર સરકારમાં તેમનો અવાજ દબાઈ જશે? આ એક એવો મુદ્દો છે જે ભવિષ્યમાં દેશના સંઘીય માળખા માટે ગંભીર આંતરિક કટોકટી ઊભી કરી શકે છે. તેના પગલે જ દક્ષિણ ભારતના રાજ્યોમાં વિવાદ વકરી રહ્યો છે. સીમાંકનનો ત્યાં વ્યાપક વિરોધ કરવામાં આવી રહ્યો છે.
મહત્ત્વની વાત એ છે કે, દાયકાઓથી દક્ષિણ ભારતનું રાજકારણ કેન્દ્રીય રાજકારણથી અલગ રહ્યું છે અને તેનું કેન્દ્ર સાથેનું જોડાણ પણ કંઈક અલગ જ રહ્યું છે. કર્ણાટકના કેટલાક વિસ્તારોને બાદ કરતા ભાજપને ક્યારેય દક્ષિણ ભારતમાં વૈચારિક કે રાજકીય સ્વીકૃતિ મળી જ નથી. તેના પગલે નવું સીમાંકન અહીંયા વધારે નુકસાન કરી શકે તેવો ભય દેખાઈ રહ્યો છે. દક્ષિણમાં ભાજપને સ્વીકૃતિ મળતી નથી તેના ઘણા કારણો છે. દક્ષિણના રાજ્યો, ખાસ કરીને તમિલનાડુ, પોતાની ભાષા (તમિલ) અને દ્રવિડિયન ઓળખ પ્રત્યે અત્યંત સંવેદનશીલ છે. કેન્દ્ર દ્વારા હિંદી કે સંસ્કૃતને પ્રોત્સાહન આપવાના પ્રયાસોને અહીં સાંસ્કૃતિક આક્રમણ તરીકે જોવામાં આવે છે. આ ઉપરાંત દક્ષિણમાં પેરિયાર, અન્નાદુરાઈ અને કામરાજ જેવા નેતાઓએ સામાજિક ન્યાય, જાતિહીન સમાજ અને તર્કવાદની મજબૂત પાયાબંધી કરી છે. તેથી ભાજપનું ધાર્મિક ધ્રુવીકરણનું રાજકારણ અહીં બહુ કામ કરતું નથી. આ ઉપરાંત દક્ષિણના રાજ્યો મોટાભાગે રાજ્યોના અધિકારો અને દ્રવિડિયન શાસન મોડેલના સમર્થક છે.
આ બધા વચ્ચે ભાજપ માટે અન્ય એક રાજકીય ભય તમિલનાડુમાં ઊભો થઈ રહ્યો છે. સાઉથ ઈન્ડિયન સુપર સ્ટાર વિજયની રાજકારણમાં જે રીતે ધમાકેદાર એન્ટ્રી થઈ છે અને તમિલનાડુની સત્તા તેના હાથમાં આવી છે તે નાની વાત નથી. યુવા વર્ગમાં વિજયનો ખૂબ જ ક્રેઝ છે. વિજય તમિલનાડુના યુવાનો અને પ્રથમ વખત વોટ આપનારાઓમાં અભૂતપૂર્વ લોકપ્રિયતા ધરાવે છે. આ ઉપરાંત વિજયે પોતાની પાર્ટીની વિચારધારાને ધર્મનિરપેક્ષ સામાજિક ન્યાય તરીકે વ્યાખ્યાયિત કરી છે. તેણે સ્પષ્ટપણે ભાજપને પોતાના વૈચારિક વિરોધી અને ઘસ્ણને રાજકીય હરીફ ગણાવ્યા છે. તેમાંય શઈઈ્ પરીક્ષા રદ્દ કરવાની માંગ, શિક્ષણને રાજ્યની યાદીમાં પરત લાવવું, અને સ્થાનિક આર્થિક પ્રવૃત્તિઓને ઝડપી બનાવવી એ વિજયના મુખ્ય એજન્ડા રહ્યા છે. જો વિજય તમિલનાડુના આર્થિક અને સામાજિક મોડેલને વધુ ઝડપી અને પારદર્શી બનાવવામાં સફળ થાય છે, તો તેઓ કેન્દ્ર અને રાજ્ય બંને માટે એક મોટો રાજકીય પડકાર બની શકે છે. ભાજપે જે લોકપ્રિયતા અને કામગીરી અને વચનોની ખરાઈ ૧૨ વર્ષમાં કરી શક્યું નથી પણ વિજયે આપેલા વચનો બે મહિનામાં સિદ્ધ કરી બતાવ્યા છે.
હવે જો વિજય આગળ સફળ રહ્યો તો આંખના પલકારામાં તે કેન્દ્રીય રાજકારણનું પલડું પણ ફેરવી શકે છે.
મહત્ત્વની વાત એ છે કે, હાલમાં દેશ પરિવર્તનના મોટા તબક્કામાંથી પસાર થઈ રહ્યો છે. અહીંયા આંતરિક વિખવાદો, સમસ્યાઓ વગેરે ઊભા થયેલા છે. આ ઉપરાંત અમેરિકાનું સતત દબાણ, યુદ્ધની અસરો, ચીનની હેરાનગતી, પાક પ્રેરિત આતંકવાદ અને અન્ય મુદ્દા ઘણા સમયથી કનડી રહ્યા છે. તેમાંય હવે જો આંતરિક રીતે સ્થિતિ ડામાડોળ થશે તો દેશ માટે વધારે નુકસાનકારક છે. હાલમાં ભારત માટે સૌથી મોટો ભય સરહદ પરના દુશ્મનો નથી, પરંતુ આંતરિક વિભાજન છે. ચૂંટણી જીતવા માટે ટૂંકા ગાળાના ફાયદા ખાતર રાજકીય પક્ષો દ્વારા ધર્મ, જ્ઞાાતિ અને સંપ્રદાયનો ઉપયોગ વધી રહ્યો છે. તેના પગલે જે ધાર્મિક અને સામાજિક ધ્રુવીકરણ થયું છે તેણે રાષ્ટ્રીય એકતાને મોટો આઘાત આપ્યો છે.
આ સિવાય માત્ર ચુંટણી જીતવાના એજન્ડા સાથે જ કોઈપણ મુદ્દાને રાજકીય રંગ આપતા રાજકારણીઓ હવે દેશની મુખ્ય સમસ્યાઓ અને કામગીરીઓને ભુલી ગયા છે. મોંઘવારી, બેરોજગારી, ગુણવત્તાયુક્ત શિક્ષણ અને આરોગ્ય જેવા આર્થિક મુદ્દાઓ ક્યાંય હાંસિયામાં ધકેલાઈ જાય છે અને ધાર્મિક-જાતીય વિવાદો મુખ્ય ધારામાં આવી જાય છે. સામાન્ય માણસની સ્થિતિ તરફ કોઈ રાજકીય પક્ષની નજર જતી જ નથી. પ્રજાની આફતને રાજકીય પક્ષો ચૂંટણી જીતવાના અવસર જેવા માની રહ્યા છે. આ બધા વચ્ચે હાલમાં દિલ્હીમાં જે જેનઝી આંદોલન આકાર લઈ રહ્યું છે તે પણ લોકશાહીના નામે લોકશાહી સાથે થઈ રહેલો મોટો અત્યાચાર છે. ભાજપ રાજમાં કોઈ કશું જ સાંભળતું નથી, ભ્રષ્ટાચાર થાય છે, બેરોજગારી વધી છે, વારંવાર પેપર લીક થાય છે. યુવાનોના ભવિષ્ય સાથે ચેડાં થઈ રહ્યા છે. સામાન્ય માણસની જિંદગી ખરાબ થઈ ગઈ છે, મોંઘવારી, ફુગાવો વધી ગયા છે. આ તમામ મુદ્દા લઈને જેનઝી દિલ્હી આંદોલન કરવા પહોંચ્યા છે.
આ પેઢી રાજકીય અને સામાજિક રીતે અત્યંત સચેત છે. સોશિયલ મીડિયા, ડિજિટલ સ્પેસ અને વૈશ્વિક એક્સપોઝરને કારણે આ પેઢી જૂની પરંપરાગત રાજનીતિને આંખ બંધ કરીને સ્વીકારતી નથી. વિશ્વભરમાં જેન-ઝી બેરોજગારી, જળવાયુ પરિવર્તન, પરીક્ષાના પેપર લીક, પેપર સેટિંગમાં ગડબડ અને અભિવ્યક્તિની સ્વતંત્રતા જેવા મુદ્દાઓ પર રસ્તા પર ઉતરી રહી છે. અનેક દેશોના રાજકારણમાં તેના કારણે ઉથલપાથલ થઈ છે. જો સરકાર યુવાનોના વિરોધ પ્રદર્શનોને માત્ર કાયદો અને વ્યવસ્થાનો પ્રશ્ન ગણીને દબાવવાનો પ્રયાસ કરશે, તો આ રોષ વધુ ઉગ્ર બનશે. આ સમસ્યાનો એવી રીતે ઉકેલ લાવવો પડશે કે અત્યારે જ નહીં ભવિષ્યમાં પણ સત્તા ઉપર આવનાર લોકોને તેઓ નડે નહીં. અભિવ્યક્તિના નામે ઉદ્ધતાઈ, સ્વચ્છંદતા કે તોડફોડ ચલાવી લેવાય નહીં.

હવે પીએમ મોદી માટે આત્મનિરિક્ષણનો સમય પાકી ગયો છે
નરેન્દ્ર મોદીએ ૨૦૧૪થી વડા પ્રધાન તરીકે દેશનું નેતૃત્વ કર્યું છે. તેમની પાસે મજબૂત નિર્ણયશક્તિ અને વૈશ્વિક સ્તરે ભારતની છબી મજબૂત કરવાની ક્ષમતા છે. પરંતુ, ૧૨ વર્ષથી વધુ સમય સત્તામાં રહ્યા પછી, કોઈપણ નેતા માટે ગ્રાઉન્ડ રિયાલિટીથી દૂર થઈ જવાનું જોખમ રહેલું હોય છે.
ખાસ કરીને વડા પ્રધાન થયા બાદ તેમના સલાહકારો અને અધિકારીઓ કે અમલદારો તેમને માત્ર દેશનું સારું સારું ચિત્ર જ રજૂ કરે છે. સામાન્ય માણસની સાચી સ્થિતિથી તેમને દૂર રાખે છે અને તેના કારણે મોદી વાસ્તવિકતાથી દૂર થતા ગયા છે. ઉલ્લેખનીય છે કે, મોદી પોતાની શરૂઆતી કારકિર્દીમાં સામાન્ય કાર્યકર્તા અને જનતા સાથે સીધા જોડાયેલા હતા. પરંતુ સત્તાના ઉચ્ચ શિખર પર પહોંચ્યા પછી, પોતાના અંગત રાજકીય સલાહકારો પર વધુ પડતી નિર્ભરતા જનતાના વાસ્તવિક દર્દથી દૂર કરી દીધા છે. મોદીએ સલાહકારોને સાઈડલાઈન કરી ફરી જમીન સાથે જોડાઈને પોતાની આંતરિક નિર્ણયક્ષમતાને અમલમાં લાવીને કામગીરી કરવાની જરૂર છે.
તેમણે ધાર્મિક કે ભાષાકીય વિભાજન અટકાવીને 'એક ભારત, શ્રેષ્ઠ ભારત'ના સૂત્રને સાચા અર્થમાં અમલમાં મૂકવું પડશે. સરદારે ભારતને અખંડિત કર્યું અને મોદીએ ભારતને ખંડિત કર્યું તેવી નાલેશી તેમના માથે ન આવે. તેનું તેમણે ધ્યાન રાખવાની અત્યંત જરૂર છે. પોતાના રાજકીય હરીફોને નામશેષ કરવા ભ્રષ્ટાચારીઓને ઉત્તેજન આપવું તે લોકશાહી માટે કેન્સર સમાન છે.