News Focus

જેલના સળિયા પાછળથી ચાલે છે લોરેન્સની બિશ્નોઈ કંપની !

By GS Team
22 Oct 20268 mins read
TukuTouch Logo
લોરેન્સ બિશ્નોઈ ગેંગનું નેટવર્ક જેલમાંથી ચાલે છે. તાજેતરમાં મુંબઈમાં ટાઈગર શ્રોફ પર થયેલા હુમલાની જવાબદારી બિશ્નોઈ ગેંગે લીધી છે. લોરેન્સ ભલે જેલમાં હોય, પરંતુ તેના ગોલ્ડી બ્રાર અને અનમોલ બિશ્નોઈ જેવા માણસો પંજાબ, દિલ્હી, રાજસ્થાન સહિત 5 રાજ્યોમાં ડિજિટલ માધ્યમોથી ખંડણી અને હથિયારોની દાણચોરી દ્વારા ગુનાઓ આચરી રહ્યા છે. પોલીસે 3 લોકોની અટકાયત કરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

જેલના સળિયા પાછળથી ચાલે છે લોરેન્સની બિશ્નોઈ કંપની !
  • સિદ્ધુ મુસેવાલા હોય કે બાબા સિદ્દિકીની હત્યા હોય, કે પછી કપિલના કેફે અને ટાઈગર પરનો હુમલો બધું જ જેલમાંથી મેનેજ થાય છે
  • જેલમાં રહેવા દરમિયાન લોરેન્સની અલગ-અલગ રાજ્યોમાંથી આવેલા ગુનેગારો સાથે ઓળખાણ થઈ. આ જ ઓળખાણ દ્વારા તેણે પંજાબ, હરિયાણા, દિલ્હી, રાજસ્થાન અને પશ્ચિમી ઉત્તર પ્રદેશમાં એન્ટ્રી કરી. અહીંથી જ તેનું નેટવર્ક રાજ્યોની સરહદો વટાવી શહેર-શહેર ફેલાતું ગયું : લોરેન્સ બિશ્નોઈ ગેંગની સૌથી ખાસ વાત તેની મોડયુલ સિસ્ટમ છે. એટલે કે સમગ્ર નેટવર્ક કોઈ એક જગ્યાએથી ચાલતું નથી, પરંતુ અલગ-અલગ રાજ્યોમાં નાના-નાના ગ્રૂપ બનાવવામાં આવ્યા છે. તપાસ એજન્સીઓનું કહેવું છે કે આ મોડયુલમાં સામેલ ગુનેગારો એકબીજાને ઓળખતા પણ નથી. આ કારણે જો કોઈ એક મોડયુલ પર કાર્યવાહી થાય તો બાકીના નેટવર્ક પર તેની કોઈ અસર થતી નથી : આ ગેંગની કામ કરવાની રીત પણ પરંપરાગત નથી. પહેલાં ગુનેગારો સામાન્ય રીતે ફોન કોલ કે રૂબરૂ આવીને ધમકી આપતા હતા. પરંતુ આ ગેંગ શરૂઆતથી જ એન્ક્રિપ્ટેડ મેસેજિંગ એપ્સ, ઇન્ટરનેટ કોલિંગ સહિતના અન્ય ડિજિટલ માધ્યમોનો ઉપયોગ કરતી આવી છે. બીજી તરફ, સોશિયલ મીડિયાએ આ ગેંગને સૌથી વધુ વિસ્તરવાની તક આપી છે

ગત અઠવાડિયે એક્ટર ટાઇગર શ્રોફ ઉપર થયેલા જીવલેણ હુમલામાં બિશ્નોઈ ગેંગની સંડોવણી હોવાનું બહાર આવ્યું છે. બિશ્નોઈ ગેંગ દ્વારા જ આ હુમલાની જવાબદારી સ્વીકારવામાં આવી છે. તે ઉપરાંત સલમાન સાથે કામ કરશે તેની આવી જ હાલત થશે તેવી ધમકી પણ ઉચ્ચારવામાં આવી હતી. આ કેસમાં પોલીસે ત્રણ લોકોની અટકાયત કરી છે અને આગળની તપાસ હાથ ધરી છે. મહત્ત્વની વાત એ છે કે, લોરેન્સ બિશ્નોઈ પોતે જેલમાં છે છતાં તેની ગેંગ આટલી પાવરફુલ રીતે ઓપરેટ થઈ રહી છે. તે જેલમાં જ રહીને આવા કામ પાર પાડી રહ્યો છે. તેના પાછળનો તર્ક અને આયોજન સમજવા જેવા છે. સૌથી પહેલાં તો તાજેતરના કેસ વિશે સમજ લેવી પડે.
ઉલ્લેખનીય છે કે, ટાઉગર ઉપર રવિવારે સાંજે ૭ વાગ્યે મુંબઈમાં ફાયરિંગ થયું હતું. ઘટનામાં ટાઇગરના ડ્રાઇવર અને એક અન્ય વ્યક્તિને ગોળી વાગી હતી. ટાઇગર જ્યારે ફૂટબોલ રમીને પાછો ફરી રહ્યો હતો ત્યારે જ તેની કાર જુહૂના પુષ્પા પાર્ક પાસે રોકાઈ. અહીં તેને જોવા માટે ભીડ જમા હતી. આ દરમિયાન એક બાઈક ઉપર સવાર થઈને ત્રણ લોકો ત્યાં પહોંચ્યા અને ટાઈગરની કાર ઉપર પાંચ રાઉન્ડ ફાયરિંગ કર્યું. આ ફાયરિંગમાં ટાઈગરને ગોળી વાગી નહોતી પણ કાચના ટુકડા તેને વાગ્યા હતા. બીજી તરફ ટાઈગરના ડ્રાઈવર અને અન્ય એક વ્યક્તિને ઈજા થઈ હતી. આ ઘટના બાદ સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા લોરેન્સ ગેંગના અનિલ પંડિતે આ ફાયરિંગ અને હુમલાની જવાબદારી સ્વીકારી હતી.
જાણકારોના મતે પંજાબના એક નાનકડા ગામમાંથી નીકળેલો લોરેન્સ બિશ્નોઈ કોલેજ રાજકારણ દરમિયાન ગુનાખોરીની દુનિયામાં પહોંચ્યો. પરંતુ કોઈપણ વ્યક્તિ માટે એકલા હાથે આટલું મોટું નેટવર્ક ઊભું કરવું સરળ હોતું નથી. પોલીસ અને તપાસ એજન્સીઓના જણાવ્યા અનુસાર, લોરેન્સની અસલી તાકાત માત્ર તેનું નામ નથી, પરંતુ અલગ-અલગ રાજ્યોમાં ફેલાયેલા તેના માણસો અને નાના-નાના મોડયુલ છે. આ જ કારણ છે કે ઘણા વર્ષોથી જેલમાં હોવા છતાં તેનું નામ સતત મોટા કેસોમાં સામે આવતું રહ્યું છે. પોલીસના જણાવ્યા અનુસાર, લોરેન્સના નેટવર્કનો અસલ ફેલાવો તેના જેલમાં રહેવા દરમિયાન થયો. તમને એવું લાગતું હશે કે જેલમાં ગયા પછી કોઈ ગુનેગારની ગુનાહિત પ્રવૃત્તિઓ અટકી જતી હશે, પરંતુ ઘણી વખત જેલ ગુનેગારોના મળવાનો સૌથી મોટો અડ્ડો બની જાય છે.
જેલમાં રહેવા દરમિયાન લોરેન્સની અલગ-અલગ રાજ્યોમાંથી આવેલા ગુનેગારો સાથે ઓળખાણ થઈ. આ જ ઓળખાણ દ્વારા તેણે પંજાબ, હરિયાણા, દિલ્હી, રાજસ્થાન અને પશ્ચિમી ઉત્તર પ્રદેશમાં એન્ટ્રી કરી. અહીંથી જ તેનું નેટવર્ક રાજ્યોની સરહદો વટાવી શહેર-શહેર ફેલાતું ગયું. લોરેન્સ બિશ્નોઈ ગેંગની સૌથી ખાસ વાત તેની મોડયુલ સિસ્ટમ છે. એટલે કે સમગ્ર નેટવર્ક કોઈ એક જગ્યાએથી ચાલતું નથી, પરંતુ અલગ-અલગ રાજ્યોમાં નાના-નાના ગ્રૂપ બનાવવામાં આવ્યા છે. તપાસ એજન્સીઓનું કહેવું છે કે આ મોડયુલમાં સામેલ ગુનેગારો એકબીજાને ઓળખતા પણ નથી. આ કારણે જો કોઈ એક મોડયુલ પર કાર્યવાહી થાય તો બાકીના નેટવર્ક પર તેની કોઈ અસર થતી નથી.
ઉલ્લેખનીય છે કે, લોરેન્સ બિશ્નોઈના નેટવર્કમાં સૌથી મોટું નામ સતિંદરજીત સિંહનું છે, જેને દુનિયા હવે ગોલ્ડી બ્રાર તરીકે ઓળખે છે. પંજાબના ફરીદકોટ સાથે સંબંધ ધરાવતા ગોલ્ડી બ્રારને ભારતે ડેઝિગ્નેટેડ ટેરરિસ્ટ (આતંકવાદી) જાહેર કર્યો છે. એવું કહેવાય છે કે ૨૦૧૭માં તે સ્ટુડન્ટ વિઝા પર કેનેડા ગયો હતો અને હવે તે અમેરિકામાં રહી રહ્યો છે. ગોલ્ડી બ્રારે ૨૦૨૩માં કેનેડામાં થયેલી હરદીપ સિંહ નિજ્જરની હત્યા અને મે ૨૦૨૨માં થયેલી સિદ્ધુ મૂસેવાલાની હત્યાની સોશિયલ મીડિયા દ્વારા જવાબદારી લીધી હતી. તેના નામે દિલ્હીના એક રેસ્ટોરન્ટ માલિક પાસેથી ૫ કરોડ રૂપિયાની ખંડણી માંગવાનો અને ડ્રોન દ્વારા હથિયારોની દાણચોરી કરવાનો પણ આરોપ છે. એફબીઆઈએ તેના માથે ૫૦,૦૦૦ ડોલરનું ઇનામ જાહેર કર્યું છે. કહેવાય છે કે લાંબા સમય સુધી લોરેન્સ બિશ્નોઈ ગેંગમાં રહ્યા પછી ૨૦૨૫માં તેણે 'રોહિત ગોદારા અને કાલા જઠેડી' નામે અલગ ગેંગ બનાવી લીધી છે.
આ ઉપરાંત બિશ્નોઈ ગેંગમાં અન્ય એક વ્યક્તિ પણ મહત્ત્વની છે, જેનું નામ છે અનમોલ બિશ્નોઈ. લોરેન્સ બિશ્નોઈના નાના ભાઈ અનમોલ બિશ્નોઈને તાજેતરમાં જ અમેરિકાથી ડિપોર્ટ કરીને ભારત લાવવામાં આવ્યો છે. પહેલીવાર ૨૦૧૨માં તેનું નામ હત્યાના પ્રયાસ અને આર્મ્સ એક્ટના કેસમાં સામે આવ્યું હતું. તેની પ્રથમ ધરપકડ ૨૦૧૭માં જોધપુરના એક વેપારી પાસેથી વસૂલાત અને ફાયરિંગના કેસમાં થઈ હતી. ઉલ્લેખનીય છે કે, ૨૦૨૨માં સિદ્ધુ મૂસેવાલા હત્યાકાંડ પછી તે નકલી પાસપોર્ટ દ્વારા જયપુરથી દુબઈ ભાગી ગયો હતો. ત્યાંથી તે કેન્યાના રસ્તે અમેરિકા પહોંચ્યો હતો. સૂત્રોના જણાવ્યા અનુસાર, અનમોલ બિશ્નોઈ સામે ભારતમાં ૩૧થી વધુ ગુનાહિત કેસ નોંધાયેલા છે, જેમાં રાજસ્થાનના ૨૦થી વધુ કેસ સામેલ છે. ઓક્ટોબર ૨૦૨૪માં એનસીપી નેતા બાબા સિદ્દીકીની હત્યા કેસમાં તેનું નામ મુખ્ય ષડયંત્રકાર તરીકે સામે આવ્યું હતું. સલમાન ખાનના ઘરની બહાર થયેલા ફાયરિંગ અને સિદ્ધુ મૂસેવાલા હત્યાકાંડમાં હથિયારો અને લોજિસ્ટિક્સ પૂરા પાડવાનો આરોપ પણ અનમોલ પર છે.
ત્યારબાદ રોહિત ગોદારા લોરેન્સ બિશ્નોઈ ગેંગની મહત્વની કડી છે. ક્યારેક મોબાઈલ રિપેરિંગનું કામ કરતો રોહિત મૂળ રાજસ્થાનના બિકાનેરનો રહેવાસી છે. હાલમાં તે વિદેશથી પોતાનું નેટવર્ક ઓપરેટ કરે છે. પોલીસના જણાવ્યા મુજબ, રોહિત ગોદારાએ ૨૦૧૦માં ગુનાખોરીની દુનિયામાં પગ મૂક્યો હતો. અત્યાર સુધી તેના વિરુદ્ધ ૩૦થી વધુ ગુનાહિત કેસો નોંધાયેલા છે, જેમાં હત્યા, હત્યાનો પ્રયાસ, ખંડણી અને લૂંટ જેવા ગુનાઓ સામેલ છે. પંજાબી ગાયક સિદ્ધુ મૂસેવાલા અને કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ સુખદેવ સિંહ ગોગામડીની હત્યાની જવાબદારી રોહિત ગોદારાએ લીધી હતી. એપ્રિલ ૨૦૨૪માં સલમાન ખાનના ઘરની બહાર થયેલા ફાયરિંગમાં પણ તેનું નામ સામે આવ્યું હતું. સૂત્રોના જણાવ્યા અનુસાર, કોઈપણ ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈમ નેટવર્ક ચલાવવા માટે સતત પૈસાની જરૂર પડે છે. આ ગેંગની કમાણીનો સૌથી મોટો સ્ત્રોત ખંડણી છે, જે વેપારીઓને ડરાવી-ધમકાવીને વસૂલવામાં આવે છે. ઘણા કેસોમાં વિવાદિત પ્રોપર્ટીના ઉકેલના નામે પણ મોટી રકમ વસૂલવામાં આવી છે. આ ઉપરાંત, હથિયારોની દાણચોરી દ્વારા પણ આ ગેંગ પોતાની નાણાકીય જરૂરિયાતો પૂરી કરતી આવી છે. સૂત્રોનું માનીએ તો આ ગેંગની કામ કરવાની રીત પણ પરંપરાગત નથી. પહેલાં ગુનેગારો સામાન્ય રીતે ફોન કોલ કે રૂબરૂ આવીને ધમકી આપતા હતા. પરંતુ આ ગેંગ શરૂઆતથી જ એન્ક્રિપ્ટેડ મેસેજિંગ એપ્સ, ઇન્ટરનેટ કોલિંગ સહિતના અન્ય ડિજિટલ માધ્યમોનો ઉપયોગ કરતી આવી છે. બીજી તરફ, સોશિયલ મીડિયાએ આ ગેંગને સૌથી વધુ વિસ્તરવાની તક આપી છે. સોશિયલ મીડિયા દ્વારા આ ગેંગે શહેરે-શહેરે પોતાનું નામ પહોંચાડયું અને પોતાના નામનો ભય પેદા કર્યો.
વારંવાર એવો સવાલ ઊભો થાય છે કે જો લોરેન્સ બિશ્નોઈ ઘણા વર્ષોથી જેલમાં છે, તો તેનું નામ નવા ગુનાઓમાં કેવી રીતે સામે આવે છે? આ સવાલ પર તપાસ એજન્સીઓનો જવાબ છે કે કોઈપણ ઓર્ગેનાઈઝ્ડ નેટવર્કના ઓપરેશન માટે તેના મુખ્ય સૂત્રધારનું જમીન પર હાજર રહેવું જરૂરી નથી. ગેંગના અલગ-અલગ ગુનેગારો અને તેમના મદદગારો પોતપોતાના સ્તરે કામ કરે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, કોર્ટમાં હાજરી કે પેરોલ પર બહાર આવતા ગુનેગારો મારફતે આવી ગેંગ પોતાના સંદેશા જેલની બહાર પહોંચાડે છે અને તેમના દ્વારા જ આ મેસેજ પાછા જેલ સુધી પહોંચે છે. આવા સંજોગોમાં જેલમાં મુલાકાતીઓ પર ગમે તેટલી નજર રાખવામાં આવે તો પણ તેઓ પોતાનું કામ પાર પાડીને નીકળી જાય છે.

તિહાર જેલમાં કેદીઓ પાસે અવારનવાર મોબાઈલ મળતા જ આવે છે

લોરેન્સ બિશ્નોઈ ગેંગનું ઓપરેશન જેલમાંથી મોબાઈલ દ્વારા થાય છે. પોલીસે આ મુદ્દે અને ખાસ કરીને કેન્દ્રીય તપાસ એજન્સીઓએ અવારનવાર આ મુદ્દે તપાસ કરી છે અને જેલમાંથી ફોન પકડયા છે. તેમ છતાં તિહાર એક એવી જેલ છે જ્યાં ભ્રષ્ટાચારનો ભોરિંગ ફુલ્યો ફાલ્યો છે.
અહીંયા જેલના કર્મચારીઓ દ્વારા કેદીઓને વિવિધ સુવિધાઓ આપવામાં આવતી હોવાના વારંવાર દાવા કરવામાં આવતા જ હોય છે. ગેંગસ્ટર જિતેન્દ્ર ગોગી અને સિંગર સિદ્ધુ મુસેવાલાની હત્યાનું કાવતરું જેલમાં જ ઘડવામાં આવ્યું હતું. જેલમાંથી જ મોબાઈલ દ્વારા સુચના આપવામાં આવતી હતી અને બંનેની હત્યા થયા બાદ જેલમાં જ ફોન દ્વારા સમાચાર પણ પહોંચાડવામાં આવ્યા હતા. જાણકારોના મતે માત્ર બિશ્નોઈ જ નહીં ઘણાં ગેંગસ્ટર અને હાઈપ્રોફાઈલ ગુનેગારો જેલમાં મોબાઈલનો ઉપયોગ કરે છે. સુકેશ ચંદ્રશેખર પણ જેલમાંથી જ ઠગાઈનું સમગ્ર નેટવર્ક ચલાવતો હોવાની બાબતો સામે આવી છે. ૨૦૨૨માં મુસેવાલાની હત્યા થઈ ત્યારે જેલમાં મોબાઈલ ઉપયોગમાં લેવાતા હોવાની ફરિયાદો આવી હતી.
તે સમયે મુજાહિદ્દીનની એક આતંકી પાસે મોબાઈલ હોવાની તપાસ થતી હતી. તે દરમિયાન લોરેન્સ બિશ્નોઈ પણ મોબાઈલ વાપરતો હોવાનું ચર્ચામાં આવ્યું હતું.
એક અહેવાલ પ્રમાણે તિહારની સેન્ટ્રલ જેલ નંબર ત્રણ ખૂબ જ સેન્સિટિવ ગણાય છે. તેમાં ૨૦૨૦થી ૨૦૨૫ સુધી વિવિધ સ્તરે કેદીઓ પાસે મોબાઈલ અને અન્ય ઉપકરણો તથા સાધનસામગ્રીઓની તપાસ કરવામાં આવી હતી.
તેમાં સામે આવ્યું કે, આ પાંચ વર્ષની તપાસમાં જેલમાંથી ૩૫૦ મોબાઈલ ફોન મળી આવ્યા હતા. તેણે સિદ્ધ કર્યું કે, મોબાઈલનો ઉપયોગ માત્ર કોઈ એક ગેંગસ્ટર કે ગેંગ પૂરતો નહીં પણ પહોંચેલા તમામ ગુનેગારો દ્વારા કરાય છે. તેમાં જેલનો જ સ્ટાફ સંકળાયેલો હોવાનું માનવામાં આવે છે.