'દિલ્હી પોલીસ ખોટું કરે છે...', ભાજપના પૂર્વ દિગ્ગજ નેતાનું CJPને ખુલ્લેઆમ સમર્થન
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Annamalai support cjp | તમિલનાડુ ભાજપના પૂર્વ પ્રમુખ કે. અન્નામલાઇએ 'કોકરોચ જનતા પાર્ટી' (CJP) ના નેતાઓ વિરુદ્ધ દિલ્હી પોલીસે કરેલી કડક કાર્યવાહી સામે ખુલ્લો વિરોધ નોંધાવ્યો છે. પત્રકારો સાથે વાતચીત કરતા અન્નામલાઇએ CJP ના નેતાઓ સૌરવ દાસ અને આશુતોષ રાંકાની ધરપકડ અને તેમને સતત ન્યાયિક કસ્ટડીમાં રાખવાને 'ખૂબ જ ખોટું' ગણાવ્યું હતું. તેમણે કહ્યું કે દિલ્હી પોલીસ કાયદો પોતાના હાથમાં લઈ રહી છે અને આ પ્રકારની કાર્યવાહીથી કાયદાના શાસન સામે સવાલો ઊભા થાય છે.
સીજેપીના વિરોધ પદ્ધતિ સાથે અસહમતિ છતાં સવાલોનું સમર્થન
અન્નામલાઇએ સ્પષ્ટ કર્યું કે ભલે તેઓ CJP ના વિરોધ પ્રદર્શન કરવાની પદ્ધતિ કે તેમની કેટલીક હરકતો સાથે સહમત ન હોય, પરંતુ તેઓ જે મુદ્દાઓ અને સવાલો ઉઠાવી રહ્યા છે તેનું તેઓ સંપૂર્ણ સમર્થન કરે છે. તેમણે જણાવ્યું કે સરકારની જવાબદારી છે કે તે આ સવાલોના યોગ્ય જવાબો આપે. CJP ના નેતાઓને જેલમાં પૂરીને અથવા તેમને હેરાન કરીને તેમની અવાજ દબાવી શકાશે નહીં, પરંતુ તેનાથી તેઓ વધુ મજબૂત બનશે.
જંતર-મંતર પર પ્રદર્શન અને કાનૂની પ્રક્રિયા
ઉલ્લેખનીય છે કે CJP ના નેતાઓએ જંતર-મંતર ખાતે રાષ્ટ્રીય ધ્વજ ફરકાવીને મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા, ત્યારબાદ દિલ્હી પોલીસે ડ્યુટીમાં અડચણ અને પ્રતિબંધિત વિસ્તારમાં પ્રવેશવા બદલ તેમની ધરપકડ કરી હતી. અદાલતે તેમની ન્યાયિક કસ્ટડી બે દિવસ માટે વધારી દીધી છે, જ્યારે દસ્તાવેજોમાં વિસંગતતાના કારણે તેમની જામીન શરતો સ્વીકારાઈ ન હોવાથી હવે તેમને બુધવારે ફરી કોર્ટમાં રજૂ કરવામાં આવશે.




