ભારતનો અવિચારી આવકાર, ચીનનો દંભ અને ભડકે બળતી સરહદો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

- ચીને પોતાની સાથે જોડાયેલા ૧૪માંથી ૧૨ દેશો સાથે સરહદ વિવાદ ઉકેલ્યો પણ ભારતને કાયમ દબાવે છે
- 2017ના ડાકલામ વિવાદ પછીનો ઘટનાક્રમ યાદ કરીએ, તો તે સમયે પણ બ્રિક્સ સમિટ પહેલાં સેનાઓ પાછળ હટી હતી. વુહાન અને મામલ્લાપુરમમાં અનૌપચારિક બેઠકો યોજાઈ હતી, મોદી અને શી જિનપિંગે સાથે ઝૂલા ઝૂલ્યા હતા અને સંબંધોમાં નવો અધ્યાય શરૂ થયાની વાતો થઈ હતી. પરિણામ શું આવ્યું? ૨૦૨૦નું ગલવાન! : લદ્દાખ સંઘર્ષ પછી ભારતમાં ચીની એપ્સ પર પ્રતિબંધ મુકાયો અને બહિષ્કારના નારા લાગ્યા, છતાં વાસ્તવિકતા એ છે કે ભારતની ફાર્માસ્યુટિકલ ઇન્ડસ્ટ્રી API માટે તથા ઇલેક્ટ્રોનિક્સ, ટેલિકોમ અને સોલાર સેક્ટર હજુ પણ ચીની આયાત પર નિર્ભર છે. ભારત-ચીન વચ્ચેનો દ્વિપક્ષીય વેપાર ૧૦૦ અબજ ડૉલરને વટાવી ચૂક્યો છે અને વેપાર ખાધ ભારત વિરુદ્ધ છે : ભારત માટે આત્મસંતોષ માનવાનો સમય નથી, પરંતુ આંખમાં આંખ પરોવીને પોતાના ક્ષેત્રીય અખંડિતતાની રક્ષા માટે દરેક મોરચે સજ્જ રહેવાનો સમય છે. નબળાઈ શાંતિ લાવી શકતી નથી; સામર્થ્ય જ અંતિમ ઉકેલ છે
આંતરરાષ્ટ્રીય મંચ કે બ્રિક્સ જેવી બહુપક્ષીય પરિષદ યોજાય છે, ત્યારે વિશ્વના કેમેરા બે એશિયાઈ મહાસત્તાઓ-ભારત અને ચીનના નેતાઓની મુલાકાત તરફ મંડાઈ જાય છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ચીની રાષ્ટ્રપતિ શી જિનપિંગ વચ્ચે હસ્તધૂનન થાય છે, વિવાદો ઝડપથી અને વાટાઘાટો દ્વારા ઉકેલ લાવવાની સુફિયાણી વાતો થાય છે અને સરહદે શાંતિ સ્થાપવાના નામે વેપાર-વાણિજ્ય વધારવાના સૂર વહેતા મુકાય છે. તાજેતરમાં ભારતમાં યોજાયેલી બ્રિક્સની બેઠકમાં પણ કંઈક આવું જ થયું હતું.
ભારત આવેલા ચીની પ્રમુખ શિ જિનપિંગ બેઠક દરમિયાન આયોજનપૂર્વક બિમાર પડી ગયા, તેમને જેટ લેગ થવા લાગ્યો અને ભારતીય વડા પ્રધાનની ડિનર ડિપ્લોમસીનો ભાગ બન્યા વગર હોટેલમાં જતા રહ્યા અને ત્યારબાદ બનાવટનું મહોરું પહેરીને ફોટા પડાવ્યા, સુફિયાણી વાતો કરી અને ભારતમાં રહીને અમેરિકાને ધમકીઓ આપીને વતન વાપસી કરી લીધી.
ભારત અને ચીન વચ્ચે અંદાજે ૩૪૮૮ કિ.મી. લાંબી સરહદનો વિવાદ વર્ષોથી ચાલ્યા કરે છે. ભારતની આઝાદીથી માંડીને આજદિન સુધી અનેક વખત ચીની શાસકો અને ભારતીય નેતાઓ વચ્ચે વાતો થઈ પણ તે ફોટો ઈવેન્ટથી વિશેષ કંઈ જ સાબિત કરી શકી નથી.
મોદીએ તો જિનપિંગને ઘણી વખત આવકાર્યા અને ભારતમાં ફેરવ્યા, ગુજરાત લઈ આવ્યા હતા અને તાજેતરમાં દિલ્હીમાં પણ ઉષ્માસભર આવકાર આપ્યો પણ જિનપિંગ પોતે જે કરવાનું છે તે ઘરેથી નક્કી કરીને જ આવ્યા હતા. તેમણે પોતાનું પાત્ર ભજવી દીધું અને બીજી તરફ ચીની જવાનોએ બ્રિક્સની બેઠક વચ્ચે પણ અરુણાચલ અને તેની આસપાસના વિસ્તારોમાં આવેલી સરહદે અટકચાળો ચાલુ રાખ્યો. ઉલ્લેખનીય છે કે, ગલવાન ઘાટીના લોહિયાળ સંઘર્ષ પછી સ્થિતિ થાળે પાડવાના જે દાવા કરવામાં આવી રહ્યા છે, તે માત્ર એક કામચલાઉ મેનેજમેન્ટ હતું આ સમસ્યાનો કોઈ કાયમી ઉકેલ આવે તેવું લાગતું નથી. ચીનની સામ્રાજ્યવાદી વિચારસરણી અને સરહદી મુદ્દે ભારતની આંતરિક-બાહ્ય મર્યાદાઓ વચ્ચે આ વિવાદનો ક્યારેય ઉકેલ આવી શકશે જ નહીં.
ઉલ્લેખનીય છે કે, થોડા સમય પહેલાં ભારત અને ચીન વચ્ચે ઉચ્ચસ્તરીય મંત્રણાઓનો દોર ફરી શરૂ થયો છે. રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ અને ચીનના વિદેશ મંત્રી વાંગ યી વચ્ચે ૨૦૦૩ના સ્થાપિત સ્પેશિયલ રિપ્રેઝન્ટેટિવ મિકેનિઝમ હેઠળ બેઇજિંગમાં વિગતવાર બેઠકો યોજાઈ. સરહદના સીમાંકન, ટ્રાન્સ-બાઉન્ડ્રી સહયોગ અને એલએસી પર શાંતિ જાળવવા મુદ્દે ટેબલ પર ચર્ચાઓ થઈ. વાસ્તવિકત રીતે જોઈએ તો તેમાં પારસ્પરિક વિશ્વાસ વધારવા માટે લદ્દાખના અમુક સ્થળો પર બંને સેનાઓ વચ્ચે પેટ્રોલિંગ માટેની શરતી સંમતિ સધાઈ. તે સિવાય પાંચ વર્ષથી સ્થગિત પડેલી સીધી કોમર્શિયલ ફ્લાઇટ્સ પુન: શરૂ કરવાની દિશામાં વાતો થઈ. આ સિવાય ભારતીય ઉદ્યોગપતિઓ માટે ચીને વિઝા પ્રતિબંધો હળવા કર્યા અને વેપાર સામાન્ય બનાવવાની અપીલ કરી. જાણકારોના મતે આ કૂટનીતિના આયોજનોમાં ચીન માત્ર મતભેદોનું સંચાલન કરવા માંગે છે, તેનો શાશ્વત અંત આવે તેમાં ચીનને રસ નથી.
ચીન સાથેના ભારતના સરહદ વિવાદમાં આંતરરાષ્ટ્રીય સુરક્ષા જાણકારો સ્પષ્ટપણે ચેતવણી આપે છે કે હાલમાં જે કંઈ બદલાયું છે તે કાયમી નથી, માત્ર ઔપચારિક છે. વાસ્તવિક રીતે જોઈએ તો, ભારત અને ચીન વચ્ચે ૩,૪૮૮ કિલોમીટર લાંબી સરહદ હજુ પણ વણઉકેલાયેલી છે. બંને દેશોએ સરહદ પરથી પોતાનો મુખ્ય સૈન્ય જમાવડો પાછો ખેંચ્યો નથી. આજે પણ હજારો વધારાના સૈનિકો, ભારે તોપખાના, મિસાઈલ ડિફેન્સ સિસ્ટમ્સ અને વિશાળ એરસ્ટ્રીપ્સ સરહદના બંને તરફ મોજૂદ છે. ખાસ વાત એ છે કે, લદ્દાખમાં થયેલી આંશિક પીછેહઠથી સમગ્ર વિવાદ પતી જતો નથી. પૂર્વીય ક્ષેત્રમાં, ખાસ કરીને અરુણાચલ પ્રદેશમાં ચીનની સૈન્ય પ્રવૃત્તિઓ, આક્રમક બાંધકામો અને ગામડાઓ વસાવવાની નીતિ યથાવત્ છે. વૈશ્વિક મંચો પર આ ગંભીર મુદ્દાઓ પર કોઈ નક્કર પ્રગતિ જોવા મળતી નથી.
આશ્ચર્યની વાત એ છે કે, ભારત સરકાર દેશમાં જે વાઘ થઈને ફરે છે તે ચીની સરહદે પહોંચીને નહોર વગરની થઈ જાય છે. ચીને ગલવાન વિવાદ બાદ જે રીતે સમજૂતી કરી અને ભારતે પરાણે કરવી પડી તેની વાસ્તવિકતા કંઈક જુદી જ છે. બંને દેશો વચ્ચે બફર ઝોન રચાયો તેની વાસ્તવિકતા લોકોને ખબર જ નથી. લદાખમાં ઘર્ષણના સ્થળોએ પેટ્રોલિંગ સ્થગિત કરીને અથવા 'નો-પેટ્રોલિંગ બફર ઝોન' બનાવીને જે શાંતિ ઊભી કરાઈ છે, તેમાં નુકસાન કોનું ગયું? ભારતીય સેના જે વિસ્તારોમાં અગાઉ મુક્તપણે પેટ્રોલિંગ કરતી હતી, ત્યાં આજે મર્યાદાઓ લાદી દેવામાં આવી છે. આ પીછેહઠને વિજય ગણાવવો એ સૈન્ય વિશ્લેષણની દ્રષ્ટિએ આત્મઘાતી છે.
મહત્ત્વની વાત એ છે કે, ચીન સાથેના કોઈ પણ કરાર પર વિશ્વાસ મૂકતાં પહેલાં તેના ઇતિહાસને સમજવો અનિવાર્ય છે. ચીન પોતાની કુખ્યાત નીતિ સલામી સ્લાઈસિંગ માટે જાણીતું છે. ચીની આ ખંધી નીતિનો અર્થ છે કે, ધીમે ધીમે, થોડા થોડા અંતરે બીજાની જમીન હડપ કરવી, પછી વિવાદિત ક્ષેત્રમાં સ્થિતિ પૂર્વવત કરવાના નામે વાટાઘાટો કરવી અને અંતે વાસ્તવિક નિયંત્રણ રેખાને પોતાના પક્ષમાં આગળ ખસેડી લેવી. આ દિશામાં વિચારીએ તો ચીન દુનિયાનો એવો મોટો દેશ છે જેની જમીની સરહદો ૧૪ દેશો સાથે જોડાયેલી છે.
તેમાંથી તેણે ૧૨ દેશો સાથે જમીની વિવાદ અને સરહદ વિવાદનો ઉકેલ લાવી દીધો છે. તેણે માત્ર ભારત અને ભૂતાન સાથેના વિવાદને અકબંધ રાખ્યો છે. તેના ઉપરથી જ સમજી શકાય છે કે, ચીન ભારત સાથે સરહદી વિવાદ ઉકેલવા માંગતું જ નથી. ચીન માટે સરહદ એ માત્ર જમીનનો ટુકડો નથી, પરંતુ ભારતને સતત સુરક્ષા દબાણ હેઠળ રાખવાનું, તેને દક્ષિણ એશિયા પૂરતું જ સીમિત રાખવાનું અને વૈશ્વિક ક્ષિતિજ પર એક સ્વતંત્ર સુપરપાવર બનતા અટકાવવાનું સાધન છે. જ્યારે પણ ભારત આર્થિક કે ભૌગોલિક-રાજકીય રીતે આગળ વધવાનો પ્રયત્ન કરે છે, ત્યારે ચીન સરહદે કાંકરીચાળો કરીને ભારતની તાકાત અને સંસાધનોને ત્યાં કેન્દ્રિત કરવા મજબૂર કરે છે.
ચીનની ખંધાઈ સમજવી હોય તો જો ૨૦૧૭ના ડૉકલામ વિવાદ પછીનો ઘટનાક્રમ યાદ કરીએ, તો આ પેટર્ન નવી નથી. તે સમયે પણ બ્રિક્સ સમિટ પહેલાં સેનાઓ પાછળ હટી હતી, વુહાન અને મામલ્લાપુરમમાં અનૌપચારિક બેઠકો યોજાઈ હતી, મોદી અને શી જિનપિંગે સાથે ઝૂલા ઝૂલ્યા હતા અને સંબંધોમાં નવો અધ્યાય શરૂ થયાની વાતો થઈ હતી. પરિણામ શું આવ્યું? ૨૦૨૦નું ગલવાન! ઇતિહાસ સાબિત કરે છે કે ચીન આ બેઠકોનો ઉપયોગ માત્ર ટાઈમ પાસ અને ટાઈમ બાઈંગ માટે તથા પોતાના આર્થિક હિતો સાચવવા માટે કરે છે. જ્યારે તેનું હિત સચવાઈ જાય, ત્યારે તે ફરીથી પૂર્વવત આક્રમકતા પર ઉતરી આવે છે.
આ પરિસ્થિતિમાં માત્ર વાટાઘાટોથી ચીનનું હૃદયપરિવર્તન થશે એવું માનવું રાજકીય અપરિપક્વતા છે. સરહદ વિવાદના ઉકેલ માટે સરહદનું વાસ્તવિક સીમાંકન થવું જરૂરી છે, જે કરવા માટે ચીન ક્યારેય સંમત થયું નથી અને નજીકના ભવિષ્યમાં થવાની કોઈ શક્યતા દેખાતી નથી. ભારતે સરહદે એવો મારચો માંડવો પડશે કે, જેથી ચીનને સંદેશ મળે કે કોઈ પણ સૈન્ય સાહસ તેના માટે અત્યંત ખર્ચાળ અને નુકસાનકારક સાબિત થશે. આ સિવાય જ્યાં સુધી ભારત મહત્ત્વના ઔદ્યોગિક કાચા માલ અને ટેકનોલોજી માટે ચીન પર નિર્ભર રહેશે, ત્યાં સુધી રાજદ્વારી ટેબલ પર ભારતનો હાથ નબળો રહેશે.
ચીનને વૈશ્વિક મંચો પર ઉઘાડું પાડવું પડશે કે તે પોતાના તમામ પડોશીઓ સાથે વિવાદો વકરાવીને પ્રાદેશિક શાંતિ માટે ખતરો બની રહ્યું છે.
ભારત માટે આત્મસંતોષ માનવાનો સમય નથી, પરંતુ આંખમાં આંખ પરોવીને પોતાના ક્ષેત્રીય અખંડિતતાની રક્ષા માટે દરેક મોરચે સજ્જ રહેવાનો સમય છે. નબળાઈ શાંતિ લાવી શકતી નથીત સામર્થ્ય જ અંતિમ ઉકેલ છે.
ભારતીય ભાષણો પ્રભાવશાળી છે પણ મજબૂરીઓ તેના કરતા વધુ જલદ છે
જાણકારોના મતે ચીનની માનસિકતા જેટલી ક્રૂર છે, તેટલી જ સામે ભારતની મજબૂરીઓ પણ વાસ્તવિક છે. રાજદ્વારી ભાષણો ગમે તેટલા પ્રભાવશાળી હોય, પણ આર્થિક અને લશ્કરી અસંતુલન એક નગ્ન સત્ય છે. ભારતની મજબૂરી પણ એટલી જ જલદ છે. લદ્દાખ સંઘર્ષ પછી ભારતમાં ચીની એપ્સ પર પ્રતિબંધ મુકાયો અને બહિષ્કારના નારા લાગ્યા, છતાં વાસ્તવિકતા એ છે કે ભારત-ચીન વચ્ચેનો દ્વિપક્ષીય વેપાર ૧૦૦ અબજ ડૉલરને વટાવી ચૂક્યો છે અને વેપાર ખાધ ભારત વિરુદ્ધ છે. ભારતની ફાર્માસ્યુટિકલ ઇન્ડસ્ટ્રી છઁૈં માટે તથા ઇલેક્ટ્રોનિક્સ, ટેલિકોમ અને સોલાર સેક્ટર હજુ પણ ચીની આયાત પર નિર્ભર છે. ભારત ચીન સામે આર્થિક યુદ્ધ લડવાની સ્થિતિમાં પૂર્ણપણે આત્મનિર્ભર બન્યું નથી. આ સિવાય ભારતને બે મોરચે યુદ્ધનો ભય ઊભો થાય તેમ છે. ભારતીય સેનાને પશ્ચિમમાં પાકિસ્તાન અને ઉત્તર-પૂર્વમાં ચીન એમ એક સાથે બે મોરચે પડકારનો સામનો કરવો પડે છે.
ચીન અને પાકિસ્તાન વચ્ચેની ગાઢ સંબંધો છે. પાકિસ્તાન તો ચીનનું રમકડું છે. ચીનના ઈશારે તે ગમે તે ગતકડાં કરે તેમ છે. તેથી ભારત માટે આવી સ્થિતિ વધારે જોખમી બની શકે છે. આ સિવાય ભારતે છેલ્લા એક દાયકામાં બોર્ડર રોડ્સ ઓર્ગેનાઈઝેશન દ્વારા સરહદી રસ્તાઓ અને ટનલોનું નિર્માણ તેજ કર્યું છે, છતાં તિબેટિયન પ્લેટો પર ચીને દાયકાઓથી જે રેલવે, ઓલ-વેધર હાઈવે અને અદ્યતન મિલિટરી બેઝ ઊભા કર્યા છે, તેની સરખામણીએ હજુ અંતર મોટું છે. આ આર્થિક અને વ્યૂહાત્મક લાચારીને કારણે ભારતે સરહદે તંગદિલી ઓછી કરવા માટે ચીનની અમુક શરતો અથવા આંશિક સમાધાનો સ્વીકારવા પડે છે.




