ભારત ભાગ્યના ભરોસે : કટોકટીના અકથ્ય કુંડાળામાં અટવાયેલું ભવિષ્ય
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

- કુદરતી આફતો, આર્થિક સંકટ, સામાજિક અસંતોષ અને સરકારી નિષ્ફળતાઓએ દેશના ભવિષ્ય સામે પ્રશ્નાર્થ ઊભો કર્યો છે
- તાજેતરમાં જ આપણે અલ નીનોની અસર જોઈ અને અનુભવી રહ્યા છીએ. ચોમાસું બેઠું ત્યારથી આજદિન સુધી તેનો અનિયમિત વિકાસ થઈ રહ્યો છે. ક્યાંક અધધ વરસાદ પડે છે તો ક્યાંક સાવ બુંદાબાંદી પણ થતી નથી. દેશના અમુક ભાગોમાં જૂનમાં ૪૦% થી વધુ વરસાદની ઘટ પડી છે : ભારતની સામાન્ય પ્રજા અર્થતંત્રના ચક્રવ્યૂહમાં ફસાઈ ગઈ છે. મોંઘવારી, ફુગાવો અને રૂપિયાનું ધોવાણ વગેરેના કારણે સામાન્ય પ્રજાના ખિસ્સા ઉપર ભાર વધી ગયો છે. સામાન્ય માણસનું રસોડું આજે સૌથી મોટા સંકટમાંથી પસાર થઈ રહ્યું છે : યુવાનો દ્વારા ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામુ માગવામાં આવ્યું હતું. સરકારે અહંકારમાં રહીને યુવાનોની અવગણના કરી અને આ સંઘર્ષ વધતો ગયો. છેલ્લાં એક દાયકાથી મેળવેલો પ્રેમ અને સમર્થન મોદીએ ગુમાવવાની શરૂઆત થઈ ગઈ છે. અહંકાર, પ્રજાથી અંતર અને સરમુખત્યારશાહી વલણને કારણે લોકચાહના ગુમાવવાનું શરૂ કર્યું છે
ભારત હાલમાં ચારે તરફથી મુશ્કેલીઓનો સામનો કરી રહ્યું છે. હાલમાં ભારત એક એવા વળાંક પર ઊભું છે જ્યાં કુદરતી આફતો, આર્થિક સંકટ, સામાજિક અસંતોષ અને શાસન પ્રણાલીની નિષ્ફળતાઓએ એકસાથે મળીને દેશના ભવિષ્ય સામે મોટો પ્રશ્નાર્થ ઊભો કરી દીધો છે. સામાન્ય નાગરિક, જે પોતાના પરસેવાની કમાણીથી દેશની આર્થિક ગાડીને ધકેલી રહ્યો છે, તે આજે પોતાને અસહાય અને 'ભાગ્યના ભરોસે' હોવાનું અનુભવી રહ્યો છે. એક તરફ ક્લાઈમેટ ચેન્જના કારણે કુદરત કોપાયમાન થઈ છે, તો બીજી તરફ નીતિગત નિષ્ફળતાઓ, ભ્રષ્ટાચાર અને રાજકીય અહંકારના કારણે પ્રજાનું જીવન વધુ દુષ્કર બન્યું છે. દેશમાં ચારે તરફ 'વિકાસ'ના ગૂંજતા નારાઓ વચ્ચે સામાન્ય માણસ રોજી-રોટી, શિક્ષણ અને સુરક્ષા માટે ઝઝૂમી રહ્યો છે.
ઉલ્લેખનીય છે કે, ભારત આજે ગ્લોબલ વોર્મિંગ અને ક્લાઈમેટ ચેન્જના સૌથી ભયાનક પરિણામો ભોગવી રહ્યું છે. એક સમયે જે ચોમાસું દેશની સમૃદ્ધિનો આધાર ગણાતું હતું, તે જ ચોમાસું હવે અનિશ્ચિતતા અને વિનાશનું કારણ બની ગયું છે. તાજેતરમાં જ આપણે અલ નીનોની અસર જોઈ અને અનુભવી રહ્યા છીએ. ચોમાસું બેઠું ત્યારથી આજદિન સુધી તેનો અનિયમિત વિકાસ થઈ રહ્યો છે. ક્યાંક અધધ વરસાદ પડે છે તો ક્યાંક સાવ બુંદાબાંદી પણ થતી નથી. દેશના અમુક ભાગોમાં જૂનમાં ૪૦% થી વધુ વરસાદની ઘટ પડી છે અને અસહ્ય તાપના કારણે ખેતરો સૂકાઈ ગયા છે. જુલાઈમાં આવી ઘટનાઓ ચાલુ છે ત્યાં જ બીજી તરફ કેરળ, મહારાષ્ટ્ર, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં વાદળ ફાટવા અને ભયાનક પૂરની ઘટનાઓ બને છે. ગુજરાતમાં એકાએક ચોમાસું સક્રિય થઈ ગયું અને દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાતને ઘમરોળી કાઢયું.
ગુરુગ્રામ, મુંબઈ કે બેંગલુરુ જેવા તથાકથિત 'આધુનિક' શહેરો માત્ર બે કલાકના વરસાદમાં વિનિશ થઈ જાય છે. ડ્રેનેજ સિસ્ટમનો અભાવ, બેફામ સિમેન્ટ-કોંક્રિટનું બાંધકામ અને તળાવો-નદીઓ પરના દબાણોએ શહેરોને આપત્તિના કેન્દ્રો બનાવી દીધા છે. તેને સુધારવામાં કોઈને રસ નથી અને પ્રજાની સમસ્યાઓ જાણવાની તંત્રન ઈચ્છા પણ નથી.
બીજી તરફ હવામાનના બદલાતા મિજાજ અને એલ નીનોની અસરને કારણે ખરીફ પાકની વાવણી વિલંબિત થાય છે. ખેડૂતો દેવાના બોજ તળે દબાઈ રહ્યા છે. ખેતીમાં અનિશ્ચિતતા વધતા ગ્રામીણ અર્થતંત્ર ભાંગી પડયું છે અને કુદરતી પ્રતિકૂળતાઓ સામે રક્ષણ આપવા માટેની સરકારી નીતિઓ માત્ર કાગળ પર સીમિત રહી ગઈ છે.
જાણકારોના મતે હાલમાં ભારતની સામાન્ય પ્રજા અર્થતંત્રના ચક્રવ્યૂહમાં ફસાઈ ગઈ છે. મોંઘવારી, ફુગાવો અને રૂપિયાનું ધોવાણ વગેરેના કારણે સામાન્ય પ્રજાના ખિસ્સા ઉપર ભાર વધી ગયો છે.
સામાન્ય માણસનું રસોડું આજે સૌથી મોટા સંકટમાંથી પસાર થઈ રહ્યું છે. ફુગાવાનો દર અને વધતી મોંઘવારીએ મધ્યમ અને ગરીબ વર્ગની કમર ભાંગી નાખી છે. યુએસ ડોલર સામે ભારતીય રૂપિયો સતત ઐતિહાસિક નીચલી સપાટીએ સ્પર્શી રહ્યો છે. વૈશ્વિક બજારમાં ક્રૂડ ઓઈલ અને અન્ય જરૂરી વસ્તુઓની આયાત મોંઘી થવાને કારણે દેશમાં મોંઘવારીનો ગ્રાફ ઊંચો જઈ રહ્યો છે. આ ઉપરાંત આયાત-નિકાસનું અસંતુલન સર્જાયું છે. વૈશ્વિક સ્તરે ચાલતા યુદ્ધો (રશિયા-યુક્રેન, મધ્ય પૂર્વના તણાવ) અને અમેરિકાની આર્થિક નીતિઓ તથા ટેરિફ વોરના કારણે ભારતની નિકાસ પ્રભાવિત થઈ છે. વેપાર ખાધ વધવાથી દેશના વિદેશી મુદ્રા ભંડાર પર દબાણ આવી રહ્યું છે. ચિંતાજનક બાબત એ છે કે, સરકારની નિંભરતા અને નિરસતાને કાણે સામાન્ય નાગરિકનું બજેટ ખોરવાયું છે. શાકભાજી, દૂધ, બળતણ, દવાઓ અને રાંધણગેસના ભાવ આસમાને પહોંચ્યા છે.
લોકોની ખરીદશક્તિ ઘટી રહી છે. લોકો પાસે બચત બચી નથી, અને જે કમાણી થાય છે તે દૈનિક જીવનજરૂરી વસ્તુઓમાં જ પૂરી થઈ જાય છે.
ઉલ્લેખનીય છે કે, આર્થિક સંકટનો સામનો કરતી પ્રજા ઉપર બેરોજગારી અને લાચારીનું પણ ગ્રહણ લાગેલું છે. દેશનું ભવિષ્ય જેના હાથમાં છે તે યુવાધન આજે ભારે નિરાશા અને આક્રોશના મોજાં હેઠળ છે. ભારત પાસે વિશ્વમાં સૌથી વધુ યુવા વસતિ છે, પરંતુ યોગ્ય નીતિઓના અભાવે આ યુવાશક્તિ વેડફાઈ રહી છે. શઈઈ્, ેંય્ભ-શઈ્ અને વિવિધ રાજ્ય સરકારોની ભરતી પરીક્ષાઓના પેપર્સ સતત લીક થવાની ઘટનાઓએ દેશના કરોડો વિદ્યાર્થીઓનું ભવિષ્ય અંધકારમય બનાવી દીધું છે. વર્ષો સુધી મહેનત કરનાર પ્રામાણિક વિદ્યાર્થીઓ નિરાશ થઈ રહ્યા છે. ઘણા વિદ્યાર્થીઓએ આત્મહત્યા કરી લીધી છે.
વિદ્યાર્થીઓ પર બર્બરતા : જ્યારે પોતાના હક, પારદર્શિતા અને ન્યાય માટે વિદ્યાર્થીઓ અને યુવાનો રસ્તા ઉપર ઉતરે છે, ત્યારે સરકાર તેમની માંગણીઓ સાંભળવા કે વ્યવસ્થા સુધારવાને બદલે પોલીસ બળનો ઉપયોગ કરીને આંદોલન દબાવવાનો પ્રયાસ કરે છે. તાજેતરમાં દિલ્હીમાં શાંતિપૂર્ણ વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જ અને બર્બર વ્યવહાર એ સત્તાના અહંકારનું પ્રતિક છે.
બીજી ચિંતાજનક બાબત એ છે કે, આપણા દેશમાં યોગ્ય રોજગારીનો અભાવ છે. ડિગ્રીઓ હાથમાં લઈને ફરતા કરોડો યુવાનો માટે બજારમાં યોગ્ય નોકરીઓ નથી. સરકારી ક્ષેત્રોમાં લાખો જગ્યાઓ ખાલી પડી છે પરંતુ ભરતીઓ અટકેલી છે. એન્જિનિયરિંગ અને પોસ્ટ ગ્રેજ્યુએશન કરેલા યુવાનો આજે ડીલિવરી બોય કે કેબ ડ્ર્રાઈવર તરીકે કામ કરવા મજબૂર બન્યા છે, જેને 'રોજગારી'નું નામ આપીને સરકાર પોતાની નિષ્ફળતા છુપાવી રહી છે. લોકોની આર્થિક પરિસ્થિતિ ગીગ ઈકોનોમી ઉપર નિર્ભર થઈ ગઈ છે.
આ ઉપરાંત ચિંતાજનક સ્થિતિ એવી છે કે, દેશનું સરકારી તંત્ર અને વહીવટી માળખું આજે જડ અને ભ્રષ્ટ બની ચૂક્યું છે. તંત્રમાં પારદર્શિતાનો અભાવ છે અને ભ્રષ્ટાચાર નીચેના સ્તરથી લઈને ઉચ્ચ સત્તા સુધી વ્યાપી ગયો છે. સરકારી હોસ્પિટલોમાં યોગ્ય સારવાર કે દવાઓ નથી, સરકારી શાળાઓની હાલત ખરાબ છે, અને રસ્તાઓ પહેલા જ વરસાદમાં ધોવાઈ જાય છે. બ્રિજ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર તૂટી પડવાની ઘટનાઓ, હોસ્પિટલો, ટયૂશન ક્લાસિસ અને ગેમ ઝોન જેવા સ્થળોએ આગ લાગવાની ઘટનાઓએ દર્શાવે છે કે કમિશનખોરી અને ભ્રષ્ટાચાર કઈ હદે વધી ગયો છે.
ઉલ્લેખનીય છે કે, ભારત માત્ર આંતરિક રીતે જ નહીં, પરંતુ વૈશ્વિક સ્તરે પણ અનેક અસુરક્ષિતતાનો સામનો કરી રહ્યું છે. વિશ્વભરમાં ચાલી રહેલા યુદ્ધો અને આંતરરાષ્ટ્રીય સ્તરે બદલાતા રાજકીય સમીકરણોએ ભારતની વિદેશ નીતિ અને અર્થતંત્ર સામે મોટા પડકારો ઊભા કર્યા છે. અમેરિકા દ્વારા પોતાની આર્થિક સુરક્ષા માટે લેવાતા કડક નિર્ણયો અને આડોડાઈને કારણે ભારત જેવા વિકાસશીલ દેશોના વેપારને સહન કરવું પડે છે. દેશમાં ક્રૂડ અને ગેસની અછત છે. હાલમાં ૪૦ દેશો પાસેથી પરાણે પરાણે ક્રૂડ ખરીદવું પડે છે. આ ઉપરાંત વિદેશો દ્વારા ભારતીયોને હાંકી કાઢવાની અને હાંસિયામાં ધકેલવાની ઘટનાઓ વધી રહી છે.
અમેરિકાએ તો ભારતીયોને આતંકવાદીઓની જેમ સાંકળોથી બાંધીને ભારત તગેડી મુક્યા હતા અને ટ્રમ્પ સાથે મિત્રતાના બાંગો પોકારતા મોદી મુકદર્શક બની રહ્યા હતા. હકિકતે સરકાર પાસે દેશને આ વૈશ્વિક અને આંતરિક સંકટોમાંથી બહાર લાવવા માટે કોઈ સ્પષ્ટ દીર્ઘકાલીન 'વિઝન' નથી. તેના બદલે માત્ર ટૂંકા ગાળાના હેડલાઈન મેનેજમેન્ટ અને ચૂંટણીલક્ષી યોજનાઓ પર ધ્યાન આપવામાં આવી રહ્યું છે. સૌથી દુ:ખદ બાબત એ છે કે આટલી બધી વાસ્તવિક સમસ્યાઓ હોવા છતાં, પ્રજાને એક આભાસી દુનિયામાં રાખવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. સતત ઉત્સવો, ઈવેન્ટ અને પીઆર પાછળ કરોડો રૂપિયાનો ધુમાડો કરવામાં આવે છે. મોટા મોટા ગ્લોબલ સમિટ, ઈવેન્ટ્સ અને રોડ-શો દ્વારા દેશમાં બધું જ બરાબર ચાલી રહ્યું છે તેવો આભાસ ઊભો કરવામાં આવે છે. પ્રજાને 'ફિલગુડ ફેક્ટર'માં તણાવવા માટે મજબૂર કરવામાં આવે છે, જેથી તેઓ પોતાના ખાલી ખિસ્સા અને ભવિષ્યની ચિંતાઓને ભૂલીને ભ્રમમાં જીવતા રહે.
જેન ઝી આંદોલન : સત્તાનો અહંકાર અને રાજકીય અસ્થિરતા
જ્યારે કોઈ રાજકીય પક્ષ કે સરકાર લાંબા સમય સુધી વિપક્ષ વગર કે ભારે બહુમતી સાથે સત્તામાં રહે છે, ત્યારે ઘણીવાર લોકશાહીના મૂલ્યો નેવે મુકાઈ જાય છે. હાલમાં પરિસ્થિતિ એવી જ ઊભી થયેલી છે. પ્રજાના અવાજ પ્રત્યે અનાદર દાખવવામાં આવે છે. આજે શાસક પક્ષ મદ અને મમતમાં રાચી રહ્યો છે. લોકશાહીમાં પ્રજાના પ્રશ્નો, વિપક્ષના સૂચનો અને નિષ્ણાતોની સલાહને ધરાર અવગણવામાં આવી રહી છે. પ્રજાના વાસ્તવિક પ્રશ્નો (મોંઘવારી, બેરોજગારી, શિક્ષણ, આરોગ્ય) પર ચર્ચા કરવાને બદલે ધાર્મિક અને ભાવાત્મક મુદ્દાઓ આગળ ધરીને મૂળ મુદ્દાઓ પરથી ધ્યાન ભટકાવવામાં આવે છે. જો કોઈ વિરોધ કરે અથવા તો ટિપ્પણી કરે એટલે તેને દેશદ્રોહી અને આતંકવાદી કરાર આપી દેવામાં આવે છે. સરકારને અરિસો બતાવનારની હાલત ખરાબ કરી દેવાય છે. સરકારી એજન્સીઓનો રાજકીય લાભ માટે ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. તાજેતરમાં ચાલી રહેલું જેનઝી આંદોલન પણ તેનું જ પરિણામ છે. નીટ પેપર લીક મુદ્દે સરકારે દાખવેલી ઉદાસિનતા અને યુવાપેઢીનો આક્રોશ સામસામે આવી ગયો. યુવાનો દ્વારા ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામુ માગવામાં આવ્યું હતું. સરકારે અહંકારમાં રહીને યુવાનોની અવગણના કરી અને આ સંઘર્ષ વધતો ગયો. છેલ્લાં એક દાયકાથી મેળવેલો પ્રેમ અને સમર્થન મોદીએ ગુમાવવાની શરૂઆત થઈ ગઈ છે. ભાજપે જે જનસમર્થન અને પ્રેમ મેળવ્યો હતો, તે હવે તેના અહંકાર, પ્રજાથી અંતર અને સરમુખત્યારશાહી વલણને કારણે ધીમે ધીમે ગુમાવવાનું શરૂ કર્યું છે. તાજેતરના રાજકીય પ્રવાહો અને સ્થાનિક ચૂંટણીઓના સંકેતો દર્શાવે છે કે પ્રજા હવે જાગૃત થઈ રહી છે અને કાગળ પરના દાવાઓ તથા વાસ્તવિકતા વચ્ચેનો તફાવત સમજી રહી છે. તેના કારણે જ આ વિરોધ વકરી રહ્યો છે.









