News Focus

ભારતે આતિથ્યના ઉન્માદ વચ્ચે ભૌગોલિક વાસ્તવિકતા સમજવી પડશે

By GS Team
12 Sep 20267 mins read
TukuTouch Logo
ભારતમાં BRICS બેઠક યોજાઈ, જ્યાં સભ્ય દેશોના વડાઓ અને અધિકારીઓ ચર્ચા માટે એકઠા થયા. આંતરરાષ્ટ્રીય સંબંધો રાષ્ટ્રીય હિત, સૈન્ય તાકાત અને આર્થિક ગણતરીઓ પર આધારિત છે. ભારત 'અતિથિ દેવો ભવ:' અને 'વિશ્વગુરુ'ના નારાઓમાં વ્યસ્ત છે, ત્યારે મોંઘવારી, બેકારી અને વિદેશી રોકાણ ઘટવા જેવા મુદ્દાઓ અવગણવામાં આવી રહ્યા છે. BRICS પાસે હજુ ડોલરનો કોઈ વિકલ્પ નથી.

Summarized by AI; it may make mistakes. Check important info

ભારતે આતિથ્યના ઉન્માદ વચ્ચે ભૌગોલિક વાસ્તવિકતા સમજવી પડશે
  • બ્રિક્સ દરમિયાન ભારતે યાદ રાખવું પડશે કે, બહુરાષ્ટ્રીય બેઠકો અને જોડાણો રાષ્ટ્રીય હિત, સૈન્ય તાકાત અને આર્થિક ગણતરીઓ પર ટકેલા હોય છે
  • ભારત વ્યૂહાત્મક રીતે અસમંજસમાં ઘેરાયેલું જણાય છે. તેને માત્ર જયજયકાર કરાવીને વિશ્વગુરુ થવું છે, દેશમાં મોંઘવારી છે, બેકારી છે, વિદેશી રોકાણ ઘટી રહ્યું છે, ગ્લોબલ પોલરાઈઝેશન થઈ રહ્યું છે તેમાં તેને રસ પડતો નથી અથવા તો રસ પડવા દેવાતો નથી. માત્ર ઉજવણીઓ, તાયફા, પોસ્ટરો, દેખાડા અને આત્મશ્લાઘામાં જ સરકાર રાચી રહી છે : બ્રિક્સના મંચ પરથી સતત પશ્ચિમી ઈજારાશાહી, અમેરિકાની જોહુકમી અને ડૉલરના આધિપત્ય સામે આક્રોશ ઠાલવવામાં આવે છે. બીજી તરફ હકીકત એ છે કે આજે દોઢ દાયકા પછી પણ બ્રિક્સ જૂથ પાસે ડૉલરને ટક્કર આપી શકે તેવું કોઈ એક સર્વસામાન્ય ચલણ નથી.

ભારતમાં બ્રિક્સની બેઠકનું આયોજન કરાયું છે. બ્રિક્સ સભ્ય દેશોના વિદેશમંત્રીઓ, અધિકારીઓ અને દેશના વડાઓનો કાફલો ભારતના આંગણે ચર્ચા વિચારણા કરવા આવ્યો છે. ભારત તેમને આવકારવા માટે સજ્જ છે.
ભારતના આંગણે મોટો પ્રસંગ હોય તેવી તૈયારીઓ ચાલી રહી છે અને બધા આયોજનો કરાઈ રહ્યા છે. વાસ્તવિકતા એ છે કે, આંતરરાષ્ટ્રીય મુત્સદ્દીગીરી ક્યારેય ભાવનાઓ, આતિથ્ય કે સાંસ્કૃતિક ઉન્માદથી ચાલતી નથી; તે માત્ર અને માત્ર રાષ્ટ્રીય હિત, સૈન્ય તાકાત અને આર્થિક ગણતરીઓ પર ટકેલી હોય છે. ભારતમાં બ્રિક્સ જેવી બહુપક્ષીય પરિષદો યોજાય છે, ત્યારે દેશની અંદર 'અતિથિ દેવો ભવ:' અને 'વિશ્વગુરુ'ના નારાઓનો ભારે ઉન્માદ ફેલાય છે. લાલ જાજમો પથરાય છે, પારંપરિક નૃત્યો સાથે નેતાઓનું સ્વાગત થાય છે, પ્રદેશોના વિવિધ ખાનપાન, વસ્તુઓની ભેટસોગાદો અને ટૂરિઝમનો લાભ પણ આપવામાં આવે છે.
બીજી તરફ સંયુક્ત ઘોષણાપત્રોમાં મલ્ટિપોલર વર્લ્ડ તથા ગ્લોબલ સાઉથના કલ્યાણના મોટા દાવાઓ કરવામાં આવે છે.
કરૂણતા એ છે કે, ભારતના ઉત્સવપ્રિય વ્યવહાર અને આતિથ્યની પાછળ બંધ બારણે ચાલતી વાટાઘાટો અને જિયો-પોલિટિક્સના ઠોસ આંકડાઓ એક તદ્દન જુદી તસવીર રજૂ કરે છે. બ્રિક્સના મંચ પરથી સતત પશ્ચિમી ઈજારાશાહી, અમેરિકાની જોહુકમી અને ડૉલરના આધિપત્ય સામે આક્રોશ ઠાલવવામાં આવે છે. બીજી તરફ હકીકત એ છે કે આજે દોઢ દાયકા પછી પણ બ્રિક્સ જૂથ પાસે ડૉલરને ટક્કર આપી શકે તેવું કોઈ એક સર્વસામાન્ય ચલણ નથી. જૂથના આંતરિક વિરોધાભાસો એટલા તીવ્ર છે કે તેઓ એક સર્વસંમત આર્થિક માળખું પણ રચી શક્યા નથી.
આ સમગ્ર વૈશ્વિક પ્લેટફોર્મ પર રશિયા અને ચીન પોતાના સ્વાર્થના ચોકઠાં ગોઠવી રહ્યા છે, જ્યારે ભારત વ્યૂહાત્મક રીતે અસમંજસમાં ઘેરાયેલું જણાય છે. તેને માત્ર જયજયકાર કરાવીને વિશ્વગુરુ થવું છે, દેશમાં મોંઘવારી છે, બેકારી છે, વિદેશી રોકાણ ઘટી રહ્યું છે, ગ્લોબલ પોલરાઈઝેશન થઈ રહ્યું છે તેમાં તેને રસ પડતો નથી અથવા તો રસ પડવા દેવાતો નથી. માત્ર ઉજવણીઓ, તાયફા, પોસ્ટરો, દેખાડા અને આત્મશ્લાઘામાં જ સરકાર રાચી રહી છે.
ઉલ્લેખનીય છે કે, વૈશ્વિક ધોરણે જે સ્થિતિ સર્જાયેલી છે, પોલરાઈઝેશન ચાલી રહ્યું છે, સત્તાના સમીકરણો, જોડાણો બદલાઈ રહ્યા છે તેની ભારતે તાકીદે સમજવાની અને અમલમાં લાવવાની જરૂરી છે. રશિયાની જ વાત કરીએ તો તે ચોક્કસપણે ભારતનું સૌથી જૂનું મિત્ર અને મજબૂત મિત્ર છે. તે જ્યારે બ્રિક્સમાં આવે છે ત્યારે તેની ભુમિકા બદલાઈ જાય છે. તેમાંય વર્તમાન પરિપ્રેક્ષ્યમાં તો રશિયા માટે બ્રિક્સ ડૂબતા માટે તણખલા સમાન છે. મોસ્કો માટે બ્રિક્સ એ કોઈ વૈશ્વિક કલ્યાણનું સાધન નથી, પરંતુ યુક્રેન યુદ્ધ બાદ પશ્ચિમના દેશોએ લાદેલા આકરા આર્થિક પ્રતિબંધો સામે બચવાનું હથિયાર છે. રશિયાના અર્થતંત્રનું એકમાત્ર લક્ષ્ય હાલમાં પોતાના તેલ, ગેસ અને શસ્ત્રો માટે વૈકલ્પિક બજારો શોધવાનું છે.
ભારતની વાત કરીએ તો ૨૦૨૨ પછી તેણે રશિયા પાસેથી ક્રૂડ ઓઇલની આયાતમાં જંગી વધારો કર્યો.
ભારતની કુલ ક્રૂડ આયાતમાં રશિયાનો હિસ્સો ૧% કરતાં ઓછો હતો તે વધીને ૪૦% સુધી પહોંચી ગયો. ભારતે રશિયાને સ્થાનિક ચલણ એટલે કે રૂપિયામાં પેમેન્ટ કર્યું. રશિયા પાસે હાલમાં અંદાજે ૫૦ અબજ રૂપિયાનું બેલેન્સ ભારતીય બેન્કોમાં છે.
થોડા સમય પહેલાં જ રશિયાના વિદેશમંત્રીએ કહ્યું હતું કે, અમારા માટે આ પૈસા કોઈ કામના નથી કારણ કે અમારે ભારત પાસેથી ખાસ કંઈ લેવાનું આવતું જ નથી.
જાણકારોના મતે હવે રશિયાએ ભારતીય ક્રૂડ કંપનીઓને દબાણ કર્યું છે કે, પેમેન્ટ દિરહામ અથવા તો યુઆનમાં કરવામાં આવે. અહીંયા જ મિત્રતાની લાચારી છતી થઈ જાય છે. ભારતે મજબૂરીમાં ચીનના ચલણમાં પેમેન્ટ કરવું પડે છે. રશિયાએ પોતાના અસ્તિત્વના સંઘર્ષમાં મિત્રનો વપરાશ કરી લીધો છે પણ અહીંયા તો સરકાર તંગડી ઉંચી જ રાખશે.
બીજી તરફ સૌથી મોટું જોખમ તો ચીનનું છે. ચીનનો છૂપો એજન્ડા એશિયા અને ગ્લોબલ સાઉથ પર પ્રભુત્વ મેળવવાનો છે. ચીન માટે બ્રિક્સ એ અમેરિકા વિરોધી મોરચો બનાવવાનું અને વિકાસશીલ દેશોને પોતાના દેવાની જાળમાં ફસાવવાનું ઉત્તમ મંચ છે.
ચીનનો જીડીપી આશરે ૧૮ ટ્રિલિયન ડોલર છે, જ્યારે બ્રિક્સના બાકીના તમામ દેશોનો સંયુક્ત જીડીપી પણ ચીન કરતાં ઓછો થાય છે. પરિણામે આ સંગઠનમાં જે થાય છે તે બેઇજિંગની મરજી મુજબ થાય છે. બ્રિક્સમાં આર્થિક અસંતુલન પ્રચંડ છે.
ઉલ્લેખનીય છે કે, ચીને પોતાની આ તાકાતનો ઉપયોગ કરવાનું શરૂ કરી દીધું છે. ચીને વિસ્તરણની જીદ પકડી છે. ચીને પોતાના સાથી અને ઋણગ્રસ્ત દેશોને બ્રિક્સમાં ઘુસાડવા માટે દબાણ કર્યું ઈરાન, ઇજિપ્ત, ઇથોપિયા અને યુએઈ જેવા દેશોના પ્રવેશ પાછળ ચીનની ગણતરી બ્રિક્સને પશ્ચિમ વિરોધી એક્સિસ બનાવવાની છે.
ચીને પોતાના દેવામાં સપડાયેલા દેશોને બ્રિક્સમાં લાવવા ઉપરાંત તેમની સાથે રોડ અને ઈન્ફ્રાના પ્રોજેક્ટનું જોડાણ કરીને તેમના બજારો પોતાના માટે ખોલી નાખ્યા.
આજે ભારત સહિત બ્રિક્સના તમામ સભ્ચ દેશોમાં ચીનના સસ્તા માલનું ડમ્પિંગ થઈ રહ્યું છે. ભારત અને ચીન વચ્ચેની વાર્ષિક વેપાર ખાધ ૧૦૦ અબજ ડોલરને પાર થઈ ગઈ છે. બીજી તરફ ચીને પોતાનું ડિજિટલ અને પેમેન્ટ નેટવર્ક વિસ્તારી દીધું છે. ચીન પોતાની 'ભૈંઁજી' ક્રોસ બોર્ડર ઈન્ટરબેન્ક પેમેન્ટ સિસ્ટમ અને ડિજિટલ યુઆનને બ્રિક્સ પ્લેટફોર્મ પર થોપવા માગે છે, જેથી ભવિષ્યમાં સમગ્ર એશિયા-આફ્રિકાનું નાણાકીય નેટવર્ક બેઇજિંગથી ઓપરેટ થાય. ચીન કોઈપણ ભોગે પોતાના વિસ્તારવાદને પ્રોત્સાહન આપવા માગે છે અને તેમાં બ્રિક્સનો પણ હથિયાર તરીકે જ ઉપયોગ કરી રહ્યું છે.

ભારતના આતિથ્યના ઈવેન્ટ મેનેજમેન્ટમાં કૂટનીતિ ક્રિટિકલ કન્ડિશનમાં
જાણકારોના મતે ચિંતાજનક બાબત એ છે કે, આ ખેલમાં ભારત ક્યાં ઊભું છે તેની પોતાને જ જાણ નથી. ભારત જ્યારે સમિટનું આયોજન કરે છે ત્યારે સમગ્ર તંત્ર 'ઇવેન્ટ મેનેજમેન્ટ'માં પરોવાઈ જાય છે. આતિથ્ય સત્કાર ભારતીય સંસ્કૃતિનો ભાગ હોઈ શકે, પરંતુ તેનાથી કૂટનીતિમાં કોઈ ફાયદો થતો નથી. ભારત પાસે બ્રિક્સમાં સ્પષ્ટ રોડમેપનો અભાવ જોઈએ તો ઘણા મુદ્દા છે. ખાસ કરીને મલ્ટિ એલાઈન્મેન્ટ વિદેશ નીતિના કારણે ભારત અનેક મોરચે અટવાયેલું છે. ભારત એક તરફ અમેરિકા, જાપાન અને ઓસ્ટ્રેલિયા સાથે ક્વાડ જૂથમાં બેસીને ઇન્ડો-પેસિફિકમાં ચીનને રોકવાની વાતો કરે છે; બીજી તરફ તે જ ચીન અને અમેરિકા વિરોધી રશિયા સાથે એસસીઓના મંચ ઉપર જોડાણ કરે છે તો ચીન સાથે સંબંધ સુધારવા બ્રિક્સનો આધાર શોધે છે. ભારત જેને કૂટનીતિ માને છે તેને પશ્ચિમી વિશ્વ અને ચીન બંને શંકાની નજરે જુએ છે. ચીનની વાત કરીએ તો ૨૦૨૦માં ગલવાન ખીણમાં તેણે જે આડોડાઈ કરી હતી તે જગજાહેર છે. આ ઘટનામાં ભારતીય જવાનો શહીદ થયા, ડેપસાંગ અને ડેમચોકમાં ચીની સૈન્ય જમાવડો યથાવત્ રહ્યો હોવા છતાં, ભારત બ્રિક્સના મંચ પર શી જિનપિંગ સાથે આથક સહયોગની વાતો કરવા મજબૂર બને છે. સરકાર પચીસ પચાસ એપ અને દસ પંદર પ્રોડક્ટ ઉપર પ્રતિબંધ મુકે છે અને બીજી તરફ આર્થિક વેપાર ટોચની સપાટીએ રાખે છે. ચીને ભારતના આ વલણને નબળાઈ તરીકે સ્વીકારી લીધું છે. સૌથી મોટી બાબત તો ગ્લોબલ સાઉથનું નેતૃત્વ માત્ર ભાષણોમાં જ દેખાય છે. ભારત દાવો કરે છે કે તે ગ્લોબલ સાઉથનો અવાજ છે, પરંતુ જ્યારે આફ્રિકા કે દક્ષિણ એશિયાના દેશોને મોટા આર્થિક પેકેજ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર કે સસ્તી લોનની જરૂર પડે છે ત્યારે ભારત તે આપી શકતું નથી. તેથી બધા જ ચીન પાસે જ જાય છે અને આ મુદ્દે ચીની નાણાં સામે ભારતની મુત્સદ્દીગીરી વારંવાર લથડતી જોવા મળી છે. ભારતે સમજવું પડશે કે જો બ્રિક્સ સંપૂર્ણપણે ચીન-કેન્દ્રિત સંગઠન બની જશે, તો તે ભારતના હિતો માટે અત્યંત જોખમી સાબિત થશે. ફક્ત આયોજનો કરીને કે પશ્ચિમ વિરોધી ઘોષણાપત્રો પર સહીઓ કરીને ભારતનું કોઈ ભલું થવાનું નથી.

ભસ્માસુરનું સર્જન : અમેરિકાની ઐતિહાસિક ભૂલ અને ચીનનો વિરાટ ભરડો
વર્તમાન સમયમાં ચીન જે વિકરાળ સ્વરૂપ ધારણ કરીને વિશ્વ સામે ઊભું છે, તેની પાછળ પશ્ચિમી જગત અને ખાસ કરીને અમેરિકાની અતિશય અવિચારી અને સ્વાર્થી કૂટનીતિ જવાબદાર છે.
શીત યુદ્ધ દરમિયાન સોવિયેત યુનિયનને તોડવા માટે અમેરિકાએ ૧૯૭૧માં રિચાર્ડ નિક્સન અને હેનરી કિસિન્જરના માધ્યમથી પાછલા બારણે માઓ ઝેડોંગના સામ્યવાદી ચીન સાથે હાથ મિલાવ્યા.
રશિયાને નબળું પાડવા અમેરિકાએ ચીનને આથક, ટેક્નોલોજી અને રાજદ્વારી સ્તરે તમામ મદદ પૂરી પાડી. પરિણામે આજે એવો 'ભસ્માસુર' પેદા થયો છે જેણે અમેરિકા સહિત સમગ્ર વિશ્વની ઊંઘ હરામ કરી દીધી છે. અમેરિકન ભુલની વાત કરીએ તો અમેરિકાના સક્રિય સમર્થ નથી ૨૦૦૧માં ચીનને વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશનનું સભ્યપદ મળ્યું. આ સિવાય વર્ષ ૨૦૦૦થી ૨૦૨૦ સુધીના બે દાયકામાં પશ્ચિમી દેશો અને અમેરિકન કંપનીઓએ સસ્તા શ્રમના લોભમાં ચીનમાં અંદાજે ૧.૫ ટ્રિલિયન ડોલરથી વધુનું સીધું વિદેશી રોકાણ ઠાલવ્યું. હવે સ્થિતિ એવી છે કે, ચીન હવે તાઇવાન, સાઉથ ચાઇના સી અને પ્રશાંત મહાસાગરમાં અમેરિકી નૌકાદળને સીધો પડકાર ફેંકે છે. જે રશિયાને ડામવા અમેરિકાએ ચીનને મદદ કરી હતી, તે જ રશિયા આજે યુક્રેન યુદ્ધ પછી આર્થિક અને રાજદ્વારી રીતે ચીનનું 'જુનિયર પાર્ટનર' બનીને રહી ગયું છે. રશિયા ચીનના કહ્યા બહાર જઈ શકે તેમ નથી. હવે ચીન નવા વિશ્વની મહાસત્તા બનવાની એરણે પહોંચી ગયું છે.