ઈટાલીમાં સગીર સંતાનોના ગુનાની કિંમત હવે મા-બાપ ચૂકવશે!
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

- સળગતું યુરોપ અને સત્તાનો દંડૂકો : રાયોટિંગ રોકવા માટે ઈટાલીએ કાયદા કડક કર્યા, ફ્રાન્સ પણ ઈટાલીના રસ્તે
- ઈટાલીમાં જો કોઈ સગીર વિરોધ પ્રદર્શન દરમિયાન તોડફડો કરે, આગચંપી કરે કે લૂંટફાટ કરે, તો તેનું સંપૂર્ણ આર્થિક વળતર તેના માતા-પિતા પાસેથી વસૂલવામાં આવશે. જરૂર પડયે માતા-પિતાની વ્યક્તિગત સંપત્તિ જપ્ત કરવામાં આવશે, તેમના પગારમાંથી સીધી રકમ કાપી લેવાશે અને કુટુંબને મળતી સરકારી કલ્યાણકારી આર્થિક સહાય પર પણ બુલડોઝર ફેરવી દેવામાં આવશે : ઈટાલીના આ આક્રમક પગલાં બાદ હવે ફ્રાન્સ પણ પાછળ રહેવા માંગતું નથી. ફ્રાન્સમાં આજે એટલે કે, ૨૭ ઓક્ટોબર ૨૦૨૬ના રોજ ચર્ચા હેઠળ આવનાર 'રાયટર્સ પે' ખરડો તો એનાથી પણ વધુ ક્રૂર અને આક્રમક સાબિત થાય તેવું જણાય છે. ફ્રાન્સની સરકાર તોફાનીઓ પાસેથી ૧૦,૦૦૦ યુરો સુધીનો દંડ વસૂલવાની પેરવી કરી રહી છે : પ્રશ્ન એ નથી કે નુકસાનની ભરપાઈ કોણ કરશેત મોટો સવાલ એ છે કે સત્તાના મદમાં અંધ બનેલા રાજકારણીઓ એ ક્યારે સમજશે કે જનતાનો અસંતોષ દંડ વસૂલવાથી નહીં, પરંતુ તેમની વાસ્તવિક સમસ્યાઓનો ઉકેલ લાવવાથી જ શમી શકે છે. યુરોપના આ આકરા પગલાં આગ પર પાણી છાંટવાને બદલે ઘી હોમવાનું કામ કરી રહ્યા છે
યુરોપની સડકો પર આજે ભભૂકી રહેલી અગનજ્વાળાઓ માત્ર ટાયરો કે વાહનો નથી સળગાવી રહી, પરંતુ દાયકાઓથી ચાલી આવતી કલ્યાણકારી લોકશાહીની ખોખલી નીતિઓને પણ ભસ્મીભૂત કરી રહી છે. ફ્રાન્સથી શરૂ થયેલો વિરોધનો આ ભડકો હવે સરહદો વટાવીને ઈટાલી, બેલ્જિયમ અને અલ્બેનિયા સુધી વિકરાળ બનીને ફેલાઈ ચૂક્યો છે. આ કોઈ સામાન્ય દેખાવો નથી, પરંતુ યુરોપની નવી પેઢીનું, કહેવાતા જેનઝીનું શાસનતંત્ર અને વ્યવસ્થા સામે ખુલ્લું યુદ્ધ છે. વર્તમાન શિક્ષણ વ્યવસ્થાની કંગાળ સ્થિતિ, આસમાને પહોંચેલી મોંઘવારી, કમરતોડ ભાડાં અને યુવાનોના હાથમાંથી સરકી રહેલી રોજગારી સામે ભભૂકેલો આ જનઆક્રોશ હવે હિંસક સ્વરૂપ ધારણ કરી ચૂક્યો છે. રસ્તાઓ પર ઉતરેલા કિશોરો અને યુવાનો જ્યારે પથ્થરો હાથમાં લઈને સરકારી તંત્ર અને જાહેર સંપત્તિને નિશાન બનાવી રહ્યા છે, ત્યારે સત્તાધીશોએ પોતાની નિષ્ફળતાઓ છુપાવવા માટે એક એવો ખતરનાક અને આકરો માર્ગ પકડયો છે જેણે સમગ્ર વિશ્વને ચોંકાવી દીધું છે. ઈટાલીએ બનાવેલો અને હવે ફ્રાન્સ જેની નકલ કરવા જઈ રહ્યું છે જેમાં હવે સગીર સંતાનોના ક્રોધ અને તોડફોડની સજા તેમના નિર્દોષ મા-બાપે ભોગવવી પડશે.
ઉલ્લેખનીય છે કે, ઈટાલીની જ્યોર્જિયા મેલોની સરકારે ૨૦ ઓક્ટોબર ૨૦૨૬ના રોજ લીધેલો નિર્ણય સીધેસીધો પરિવાર સંસ્થાના અસ્તિત્વ પર જ પ્રહાર સમાન છે. નવા કડક નિયમો અનુસાર, જો કોઈ સગીર વયનું બાળક વિરોધ પ્રદર્શન દરમિયાન દુકાનોના કાચ તોડે, આગચંપી કરે કે લૂંટફાટ કરે, તો તેનું સંપૂર્ણ આર્થિક વળતર તેના માતા-પિતા પાસેથી વસૂલવામાં આવશે. સરકાર આટલેથી જ અટકતી નથી; જરૂર પડયે માતા-પિતાની વ્યક્તિગત સંપત્તિ જપ્ત કરવામાં આવશે, તેમના પગારમાંથી સીધી રકમ કાપી લેવાશે અને કુટુંબને મળતી સરકારી કલ્યાણકારી આર્થિક સહાય પર પણ બુલડોઝર ફેરવી દેવામાં આવશે.
ઈટાલીના આ આક્રમક પગલાં બાદ હવે ફ્રાન્સ પણ પાછળ રહેવા માંગતું નથી. ફ્રાન્સમાં આજે એટલે કે, ૨૭ ઓક્ટોબર ૨૦૨૬ના રોજ ચર્ચા હેઠળ આવનાર 'રાયટર્સ પે' ખરડો તો એનાથી પણ વધુ ક્રૂર અને આક્રમક સાબિત થાય તેવું જણાય છે. ફ્રાન્સની સરકાર તોફાનીઓ પાસેથી ૧૦,૦૦૦ યુરો સુધીનો દંડ વસૂલવાની પેરવી કરી રહી છે. આ પરિસ્થિતિ સ્પષ્ટ સંકેત આપે છે કે યુરોપની સરકારો હવે યુવાનોની સાચી સમસ્યાઓ સાંભળવાને બદલે તેમના આખા પરિવારને સજા ફટકારવાની રાજનીતિ પર ઉતરી આવી છે.
ખાસ વાત એ છે કે, આ સમગ્ર હિંસા અને અસંતોષનું કેન્દ્રબિંદુ પેરિસ નજીક આવેલા સીન-સેન્ટ-ડેનિસ વિસ્તારની શાળાઓમાંથી ફૂટયું હતું. સપ્ટેમ્બર ૨૦૨૬ના અંતમાં ફ્રાન્સના લાચાર વિદ્યાર્થીઓ જર્જરિત શાળાઓ, ક્લાસરૂમમાં છત પરથી ટપકતા પાણી, શિક્ષણ માટે પૂરતા શિક્ષકોના અભાવ અને સરકારી બજેટમાં કરવામાં આવી રહેલા ક્રૂર કાપ સામે સડકો પર ઉતરી આવ્યા હતા. પેઢીઓને અંધકારમાં ધકેલતી સરકાર સામે વિદ્યાર્થીઓનો શાંતિપૂર્ણ પોકાર જ્યારે સત્તાના બહેરા કાન સુધી ન પહોંચ્યો, ત્યારે તે લાવા બનીને ફાટયો. ધીમે ધીમે આ આંદોલનમાં મોંઘવારી અને અસહ્ય ટેક્સના બોજ તળે દબાયેલા સામાન્ય સરકારી કર્મચારીઓ અને શ્રમિકો પણ જોડાયા. બીજી તરફ, ઈટાલીના મિલાન સહિતના ઔદ્યોગિક શહેરોમાં પણ લોકો રોષે ભરાયા. જીવનજરૂરી ચીજવસ્તુઓના ભાવ, અસહ્ય ઈંધણ, છત મેળવવા માટેનું મોંઘુંદાટ ભાડું અને સામે તદ્દન મામૂલી વેતન જેવી યાતનાઓથી ત્રસ્ત જનતા જ્યારે રસ્તા પર આવી, ત્યારે સુરક્ષા દળો અને દેખાવકારો વચ્ચે લોહિયાળ અથડામણો થઈ. સવાલ એ છે કે શું આ આક્રોશ અચાનક પેદા થયો છે? બિલકુલ નહીં. આ વર્ષોથી સબડતી પ્રજાની વેદનાનો સ્ફોટક વિસ્ફોટ છે, જેને દબાવવા માટે હવે કાયદાની નવી નવી છટકબારીઓ શોધવામાં આવી રહી છે.
ઈટાલી અને ફ્રાન્સ બંને દેશોમાં અગાઉથી જ માતા-પિતાની જવાબદારી નક્કી કરતા સિવિલ કોડના કાયદા અમલમાં હતા. ઈટાલીના સિવિલ કોડની કલમ ૨૦૪૮ સ્પષ્ટ કહેતી હતી કે સાથે રહેતા સગીર સંતાનોના ગેરકાયદેસર કૃત્યો માટે વાલીઓ જવાબદાર ગણી શકાય. એ જ રીતે ફ્રાન્સમાં સિવિલ કોડની કલમ ૧૨૪૨ હેઠળ માતા-પિતાની સંયુક્ત આર્થિક જવાબદારી નક્કી હતી, જેમાં તાજેતરમાં સુધારો કરીને બાળક સાથે રહેતું ન હોય તો પણ વાલીને જવાબદાર ગણવાની જોગવાઈ કરી દેવાઈ હતી. જો અગાઉથી જ આવા નિયમો અસ્તિત્વમાં હતા, તો પછી આટલી ઉતાવળે કટોકટી જેવા નવા કાયદા થોપવાની જરૂર કેમ પડી? જવાબ સ્પષ્ટ છે, પહેલા આ કાયદાઓ કોર્ટની દીવાની પ્રક્રિયા, ન્યાયિક પુરાવા અને લાંબી તપાસ હેઠળ ચાલતા હતા, જેમાં વાલી પોતાની લાચારી સાબિત કરી શકતા હતા. પરંતુ હવે ઈટાલી અને ફ્રાન્સની સરકારોએ ન્યાયના પ્રાકૃતિક સિદ્ધાંતોને નેવે મૂકીને સીધા વહીવટી આદેશો દ્વારા તોફાનીઓ પાસેથી દંડ વસુલવાનો રસ્તો અપનાવ્યો છે. પોલીસ અને વહીવટી તંત્રને એવી બેફામ સત્તાઓ સોંપાઈ રહી છે કે તેઓ તપાસના નામે સીધા પરિવાર પર આર્થિક પગલાં લઈ શકે.
જાણકારોના મતે, ઈટાલીની સરકારે માત્ર માતા-પિતા પાસેથી વળતર વસૂલવું એટલું જ નહીં, પરંતુ જો પાંચ કે તેથી વધુ લોકો જાહેર સ્થળે એકઠા થઈને સુરક્ષા માટે જોખમ ઊભું કરે તો પાંચ વર્ષ સુધીની આકરી જેલ અને ૨૦,૦૦૦ યુરો સુધીના તોતિંગ દંડની જોગવાઈ કરી દીધી છે. આટલું ઓછું હોય તેમ, ૧૪ થી ૧૮ વર્ષના તરૂણોને જો પોલીસ માત્ર 'શંકાસ્પદ કે જોખમી' માને, તો પણ તેમને કોઈપણ ટ્રાયલ વગર વહીવટી અટકાયતમાં ધકેલી દેવાની સત્તા આપવામાં આવી છે. આ કાયદો નથી, પરંતુ ખુલ્લેઆમ લોકશાહીના મુખૌટા પાછળ લાદવામાં આવેલી સરમુખત્યારશાહી છે.
ફ્રાન્સનો પ્રસ્તાવિત 'રાયટર્સ પે' કાયદો તો ઈટાલી કરતાં પણ વધુ અનૈતિક અને વિવાદાસ્પદ છે. તેમાં 'સામૂહિક નાગરિક જવાબદારી'નો એક એવો ઘાતક ખ્યાલ દાખલ કરવામાં આવ્યો છે, જે ન્યાયશાસ્ત્રની તમામ વ્યાખ્યાઓને પગતળે કચડી નાખે છે. આ જોગવાઈ હેઠળ, જો કોઈ પ્રદર્શનકારીઓના જૂથમાં સામેલ હોય અને તે જૂથમાંથી કોઈ એક વ્યક્તિ દુકાન કે બસ સળગાવી દે, તો સમગ્ર જૂથમાં ઊભેલા દરેક વ્યક્તિ પાસેથી દંડ વસૂલ કરવામાં આવશે, પછી ભલે અન્ય કોઈ વ્યક્તિએ પોતે પથ્થર પણ ન ઉપાડયો હોય! આ કેવો ન્યાય છે જ્યાં ગુનો કોઈ એક કરે અને તેની કિંમત ભીડમાં શાંતિથી પોતાના અધિકાર માટે સૂત્રોચ્ચાર કરનાર સામાન્ય વિદ્યાર્થી કે નાગરિકે ચૂકવવી પડે? આ કાયદાનો સાચો હેતુ હિંસા રોકવાનો નથી, પરંતુ નાગરિકોના મનમાં એટલો ભય પેદા કરવાનો છે કે ભવિષ્યમાં કોઈ પણ વ્યક્તિ સરકાર સામે અવાજ ઉઠાવવા જંતરમંતર કે શેરીઓમાં નીકળવાની હિંમત જ ન કરે.
સરકારો અત્યંત ચતુરાઈથી એવી દલીલ કરી રહી છે કે તોડફોડ કરનારાઓએ જ નુકસાનની ભરપાઈ કરવી જોઈએ જેથી કરદાતાઓના પૈસા બચી શકે. ઉપરછલ્લી રીતે આ દલીલ કદાચ કોઈને આકર્ષક લાગે, પણ ઊંડાણપૂર્વક વિચારતા આ દલીલ અત્યંત બનાવટી અને છીછરી સાબિત થાય છે. કરદાતાઓના પૈસા ત્યારે ક્યાં જાય છે જ્યારે અબજો યુરો યુદ્ધો અને સરકારી બાબુઓની જાહોજલાલી પાછળ વેડફાઈ જાય છે? જ્યારે શાળાઓમાં છત નથી હોતી અને હોસ્પિટલોમાં દર્ર્દીઓ રઝળે છે ત્યારે આ કરદાતાઓના પૈસા કયા ખાડામાં જાય છે? વાસ્તવિકતા એ છે કે સરકારો પોતાની ઘોર આર્થિક નિષ્ફળતાઓ, આડેધડ કાપ અને બેરોજગારીના સંકટ પરથી ધ્યાન હટાવવા માટે સમગ્ર દોષનો ટોપલો યુવાનો અને તેમના પરિવારો પર ઢોળી રહી છે. જે મા-બાપ પોતે મોંઘવારીના અસહ્ય બોજ હેઠળ દિવસ-રાત વૈતરું કરીને બે ટંકનો રોટલો માંડ મેળવે છે, તેઓ પોતાના ૧૬ વર્ષના સંતાને આવેશમાં આવીને તોડેલી ગાડીના લાખો રૂપિયા ક્યાંથી લાવશે? શું સરકાર આવા પરિવારોને ઘરવિહોણા અને કંગાળ બનાવીને જેલમાં સબડાવવા માંગે છે?
પ્રજાનો આક્રોશ દંડ વસુલવાથી નહીં, સમસ્યાનો ઉકેલ લાવવાથી થાળે પડશે
યુવાન લોહી હંમેશા અન્યાય સામે ઉકળતું હોય છે. યુવાનોની માંગણીઓ સ્પષ્ટ છે, તેમને સારું શિક્ષણ જોઈએ છે, યોગ્ય ભવિષ્યની ખાતરી જોઈએ છે અને જીવવા જેવી મૂળભૂત સુવિધાઓ જોઈએ છે. જ્યારે લોકશાહી ઢબે ચૂંટાયેલી સરકારો સંવાદના દરવાજા કાયમ માટે બંધ કરી દે છે, ત્યારે શેરીઓમાં આક્રોશનો દવ પ્રગટે છે. હિંસાનું સમર્થન ક્યારેય ન થઈ શકે, પરંતુ હિંસા પાછળના સામાજિક-આર્થિક કારણોને કચડી નાખીને માત્ર લાઠી અને આર્થિક દંડથી શાંતિ સ્થાપવાનો પ્રયાસ કરવો એ પણ ખુલ્લો ત્રાસવાદ છે. માતા-પિતા પોતાના બાળકોને સંસ્કાર આપી શકે, પરંતુ જ્યારે સરકારની જ અન્યાયી નીતિઓ યુવાનો પાસેથી તેમની આશાઓ છીનવી લે, ત્યારે ઘરમાં બેઠેલા લાચાર મા-બાપ પોતાના દીકરા-દીકરીના ભવિષ્યના ડરને કેવી રીતે નાથી શકે? ઈટાલી અને ફ્રાન્સનું આ નવું વલણ સમગ્ર વિશ્વ માટે એક અત્યંત જોખમી દાખલો બેસાડી રહ્યું છે. આ કાયદાઓ રાજ્યસત્તાને નાગરિકોના ઘરોમાં ઘૂસીને તેમની બચતો લૂંટી લેવાનો ખુલ્લો પરવાનો આપે છે. જો આજે યુરોપના આ કાયદાઓને વિશ્વ સ્વીકારી લેશે, તો કાલે વિશ્વભરની સરમુખત્યાર વૃત્તિ ધરાવતી સરકારો પોતાના દેશમાં વિરોધ પ્રદર્શનોને ડામવા માટે સામાન્ય જનતા અને તેમના પરિવારો પર આ જ પ્રકારના આર્થિકદંડનો કોરડો વીંઝશે. પ્રશ્ન એ નથી કે નુકસાનની ભરપાઈ કોણ કરશે; મોટો સવાલ એ છે કે સત્તાના મદમાં અંધ બનેલા રાજકારણીઓ એ ક્યારે સમજશે કે જનતાનો અસંતોષ દંડ વસૂલવાથી નહીં, પરંતુ તેમની વાસ્તવિક સમસ્યાઓનો ઉકેલ લાવવાથી જ શમી શકે છે.
યુરોપના આ આકરા પગલાં આગ પર પાણી છાંટવાને બદલે ઘી હોમવાનું કામ કરી રહ્યા છે, અને જો સમયસર શાસકો સંવાદનો માર્ગ નહીં અપનાવે, તો આ વિદ્રોહનો દાવાનળ સમગ્ર યુરોપની સામાજિક શાંતિને રાખમાં ફેરવી દેશે તે નિશ્ચિત છે.




