ઈ-કોમર્સના હિડન ચાર્જ પ્રજાના ખિસ્સા કાતરી રહ્યા છે!
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

- ભારતમાં ઓનલાઈન સામાન વેચનારી આશરે ૯૫ ટકા લિસ્ટેડ કંપનીઓ ઓછામાં ઓછા એક ડાર્ક પેટર્નનો ઉપયોગ કરે છે
- સરકારે રાજ્યસભામાં એક લેખિત જવાબમાં જણાવ્યું કે સેન્ટ્રલ કન્ઝયુમર પ્રોટેક્શન ઓથોરિટીએ નિયમોનું ઉલ્લંઘન કરનારા ૯ મોટા ડિજિટલ પ્લેટફોર્મ્સને ૨૦ લાખનો દંડ ફટકાર્યો છે. જેમાં ક્વિક કોમર્સ કંપનીથી લઈને એરલાઇન્સ અને એજ્યુકેશન પ્લેટફોર્મ્સ સામેલ છે : એપ્સ અને વેબસાઇટ્સમાં જાણી જોઈને બનાવવામાં આવેલી એવી ડિઝાઇન કે ફીચર્સ હોય છે, જે ગ્રાહકોને ચાલાકીથી એવા નિર્ણયો લેવા માટે મજબૂર કરે છે. આમાં યુઝરને જણાવ્યા વગર પૈસા ઉમેરવા, કોઈ અણગમતી સર્વિસ સબ્સ્ક્રાઇબ કરાવવી, પર્સનલ ડેટા પડાવી લેવો અથવા જે વસ્તુ તમે હટાવવા માંગો છો, તેને ભૂલથી ચાલુ રાખવી જેવી ઘણી બાબતોનો સમાવેશ થાય છે : ૬૫% જગ્યાએ ડ્રિપ પ્રાઇસિંગ એટલે કે છુપાયેલા ચાર્જીસની રમત ચાલે છે. તે ઉપરાંત ૫૨% એપ્સમાં ખોટું ઇન્ટરફેસ કે 'બેટ એન્ડ સ્વિચ' ટેકનિક મળે છે.
ભારતમાં તહેવારોની સિઝન શરૂ થવાની છે. તેના પગલે વિવિધ ઈકોમર્સ પ્લેટફોર્મ ઉપર વિવિધ સેલિબ્રેશન અને ડિક્સાઉન્ટ સેલ ચાલી રહ્યા છે. બીજી બાજું એક એવો અહેવાલ આવ્યો છે જેણે લોકોની સાથે થઈ રહેલી છેતરપિંડી અને હિડન ચાર્જિસના નામે ખિસ્સાં કાતરવાની એક્ટિવિટી ઝડપાઈ છે. ઉલ્લેખનીય છે કે, દુનિયામાં ડિજિટલ ક્રાંતિ આવી ત્યારબાદ સતત વિવિધ ક્ષેત્રોમાં તેનો મોટાપાયે ઉપયોગ થવા લાગ્યો છે. હવે દૂધ ખરીદવું હોય કે, ભોજન કે પછી કોઈ વસ્તુ જોઈતી હોય કે કરિયાણું કે પછી રેલવે, ફ્લાઈટ કે ફિલ્મની ટિકિટ લેવી હોય અથવા તો અભ્યાસ કરવો હોય હવે બધું જ ડિજિટલ માધ્યમો દ્વારા શક્ય બન્યું છે. તેને પગલે જ ઈ-કોમર્સનું એક વિશાળ સેક્ટર અને નેટવર્ક ઊભું થયું છે. તેમાંય ઘણી વિદેશી અને ભારતીય કંપનીઓ અને સેવાઓએ પોતાનું નેટવર્ક ચારેકોર ફેલાવ્યું છે. આ ઈ-કોમર્સના વ્યાપમાં કેટલીક બાબતો એવી છે જેના વિશે લોકો જાણતા નથી અને છેલ્લે વધુ પડતા ચાર્જ ચુકવી દે છે.
જાણકારોના મતે ઈ-કોમર્સ પ્લેટફોર્મ ઉપર એવા ગુંચવાડા ઊભા કરવામાં આવે છે કે, વ્યક્તિ જ્યારે પોતાનો ફાઈનલ ઓર્ડર પ્લેસ કરવા માગે ત્યારે તેને જે રકમ ભરવાની આવે છે તે વસ્તુ સિલેક્ટ કરી હોય તેના કરતા ઘણી વધારે હોય છે. તેમાં હેન્ડલિંગ ચાર્જ, ડિલિવરી ચાર્જ, ટેક્સ અને ટીપનો સમાવેશ થતો નથી. આ બધું તો હોય જ છે પણ તે સિવાય કેટલાક હિડન ચાર્જ લેવાય છે જેના વિશે લોકોને માહિતી હોતી જ નથી.
આ ડાર્ક ચાર્જિસ અને ડાર્ક પેટર્નને કારણે દરરોજ લાખો લોકોના ખિસ્સા ડિજિટલી કપાય છે. તાજેતરમાં ઘણી કંપનીઓ અને ઈ-કોમર્સ પ્લેટફોર્મને કેન્દ્ર સરકાર દ્વારા આવી કામગીરી બદલ દંડ કરવામાં આવ્યો છે. તાજેતરમાં સરકારે રાજ્યસભામાં એક લેખિત જવાબમાં જણાવ્યું કે સેન્ટ્રલ કન્ઝયુમર પ્રોટેક્શન ઓથોરિટી (ભભઁછ)એ નિયમોનું ઉલ્લંઘન કરનારા ૯ મોટા ડિજિટલ પ્લેટફોર્મ્સને મોટો દંડ ફટકાર્યો છે. જેમાં ક્વિક કોમર્સ કંપનીથી લઈને એરલાઇન્સ અને એજ્યુકેશન પ્લેટફોર્મ્સ સામેલ છે. તપાસ બાદ આમાંથી ૭ કેસોમાં કુલ મળીને આશરે ૨૦ લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે.
જાણકારોના મતે ઝેપ્ટો પર સૌથી વધુ રૂપિયા ૭ લાખનો દંડ લગાવાયો છે. કંપની પર 'ડ્રિપ પ્રાઇસિંગ' અને 'બાસ્કેટ સ્નિકિંગ'નો આરોપ છે, એટલે કે પેમેન્ટ કરતી વખતે અચાનક હેન્ડલિંગ ચાર્જ ઉમેરવો અને પૂછયા વગર મેમ્બરશિપ પધરાવી દેવી. તેવી જ રીતે ફિઝિક્સવાલાને પણ પાંચ લાખ રૂપિયાનો દંડ કરાયો છે. ફાઉન્ડેશનના નામે ૧૦ રૂપિયાનું ડોનેશન પહેલાંથી સિલેક્ટ હોવું અને ફ્રી કોર્સના નામે બળજબરીપૂર્વક પર્સનલ માહિતી માગવી વગેરે નિયમોનો ભંગ હોવાનું જણાવાયું હતું. તેવી જ રીતે ફર્સ્ટ ક્રાયને બે લાખ રૂપિયાનો, અનુજ જિંદાલ કોચિંગ પ્લેટફોર્મને ત્રણ લાખનો દંડ કરાયો છે. આ ઉપરાંત ફાર્મઈઝી, મેકએફી અને સ્પાઈસ જેટને ૧-૧ લાખનો દંડ કરવામાં આવ્યો છે. તે ઉપરાંત ઈન્ડીગો એરલાઈન્સ અને બુક માય શોએ રેગ્યુલેટરની નોટિસ બાદ સુધારા કરી લીધા હોવાનું સામે આવ્યુ છે. ઉલ્લેખનીય છે કે, બુક માય શોમાં ટિકિટ બુક કરવા દરમિયાન ૧ રૂપિયો વધારોના ચાર્જ વસુલાતો હતો જેની કોઈ સ્પષ્ટતા નહોતી. તે સિવાય ઈન્ડિયાગો દ્વારા વિમો લેવા માટે લોકોને ડરાવતી વિગતો મુકવામાં આવી હતી. બધું જ તાત્કાલિક બંધ કરવું અને બદલવું પડયું છે.
આ સિવાય સૌથી મોટી સમસ્યા એ પણ સામે આવી છે કે, લોકોની પાસે કોઈપણ બાબત હોય તો તેમની અંગત વિગતો માગી લેવામાં આવે છે. નાનકડી વસ્તુ ખરીદવા માટે પણ લોકો સરળતાથી પોતાનું નામ, એડ્રેસ, લોકેશન, આઈડી બધું જ આપી દેતા હોય છે. તેના પગલે જાહેરાતો અને અન્ય લોભામણી બાબતોનો સતત મારો તેમના ફોન અને સોશિયલ મીડિયા એકાઉન્ટમાં થયા કરે છે. ઈ-કોમર્સ દ્વારા સતત વસ્તુઓ, સેવાઓની જાહેરાતો મોકલવામાં આવે છે. સેલ અને ડિસ્કાઉન્ટના નામે ખરીદી કરવા માટે પ્રેરિત કરવામાં આવે છે અને ત્યારબાદ ડેટા મેળવી લેવાય છે અને હિડન ચાર્જિસ પણ કાપી લેવાય છે. આમ લોકો સાથે અનેક રીતે છેતરપિંડી કરવામાં આવે છે.
ઉલ્લેખનીય છે કે, વિવિધ ઈકોમર્સ પ્લેટફોર્મ અને સેવાઓ દ્વારા આવી ડાર્ક પેટર્ન થકી હિડન ચાર્જ લેવામાં આવે છે. ડાર્ક પેટર્ન અસલમાં એપ્સ અને વેબસાઇટ્સમાં જાણી જોઈને બનાવવામાં આવેલી એવી ડિઝાઇન કે ફીચર્સ હોય છે, જે ગ્રાહકોને ચાલાકીથી એવા નિર્ણયો લેવા માટે મજબૂર કરે છે જે માત્ર કંપનીઓને જ ફાયદો પહોંચાડે. આમાં યુઝરને જણાવ્યા વગર પૈસા ઉમેરવા, કોઈ અણગમતી સર્વિસ સબ્સ્ક્રાઇબ કરાવવી, પર્સનલ ડેટા પડાવી લેવો અથવા જે વસ્તુ તમે હટાવવા માંગો છો, તેને ભૂલથી ચાલુ રાખવી જેવી ઘણી બાબતોનો સમાવેશ થાય છે. સમસ્યા માત્ર એટલી નથી કે એપની ડિઝાઇન લોકોને પરેશાન કરે છે. તકલીફ એ છે કે આ ટેકનિકો લોકોની વિચારવાની-સમજવાની અને પોતાની મરજીથી નિર્ણય લેવાની આઝાદીને છીનવી લે છે. જેમ કે એપ વાળા 'હા' અથવા રૃીજ વાળા બટનને ખૂબ મોટું અને ચમકીલું બતાવશે, જ્યારે 'ના' અથવા ર્શ કે પછી 'ભચહબીન'નો ઓપ્શન એટલા નાના અને ઝાંખા અક્ષરોમાં લખશે કે નજરે જ ન પડે.
થોડા સમય પહેલાં જ દેશભરમાં ફેલાયેલા ડાર્ક પેટર્નનો એક અહેવાલ સામે આવ્યો હતો. તેમાં જણાવાયું હતું કે, ભારતમાં ઓનલાઈન સામાન વેચનારી આશરે ૯૫ ટકા લિસ્ટેડ કંપનીઓ ઓછામાં ઓછા એક ડાર્ક પેટર્નનો ઉપયોગ ચોક્કસ કરે છે. તેમાં જણાવાયું હતું કે, ૭૨% પ્લેટફોર્મ્સ પર લોકોને બળજબરીપૂર્વક કોઈ કામ કરવા માટે મજબૂર કરવામાં આવે છે. આને 'ફોર્સ્ડ અક્શન' કહેવામાં આવે છે. આ સિવાય ૬૫% જગ્યાએ ડ્રિપ પ્રાઇસિંગ એટલે કે છુપાયેલા ચાર્જીસની રમત ચાલે છે. તે ઉપરાંત ૫૨% એપ્સમાં ખોટું ઇન્ટરફેસ કે 'બેટ એન્ડ સ્વિચ' ટેકનિક મળે છે. આ સિવાય ૩૩% પ્લેટફોર્મ્સ સબ્સ્ક્રિપ્શન ટ્રેપ એટલે કે એવું જાળ બિછાવે છે જેમાંથી બહાર નીકળવું મુશ્કેલ બની જાય છે.
ખાસ વાત એ છે કે, મોટાભાગના લોકો ઓફર અને કિંમતોમાં ઘટાડાની યોજનાઓથી લલચાઈ જાય છે. તેના કારણે જ્યારે વસ્તુ અથવા તો સેવા લેવાની આવે ત્યારે શરૂઆતની રકમ અને અંતિમ ચુકવણીની રકમની સરખામણી કરતા નથી અને આવી છેતરપિંડીનો ભોગ બને છે.
ગ્રાહક તરીકે લોકોએ જાગવાની અને ડિજિટલ પ્લેટફોર્મ ચકાસવાની જરૂર છે. સામાન ખરીદતી વખતે સૌથી પહેલાં જોયેલી કિંમત અને પેમેન્ટ કરતી વખતે કપાતી ફાઇનલ રકમની સરખામણી ચોક્કસ કરવી જોઈએ. પેમેન્ટ કરતાં પહેલાં પોતાના કાર્ટને ધ્યાનથી ચેક કરો કે તેમાં કોઈ વધારાનું ડોનેશન, મેમ્બરશિપ કે વીમો પોતાની મેળે તો નથી ઉમેરાઈ ગયો ને. જો કોઈ એપ પર અવળા-સવળા કાઉન્ટડાઉન કે ભાવુક કરનારા મેસેજ દેખાય, તો સાવચેત થઈ જવું જોઈએ. આ બધી બાબતોનું ધ્યાન નહીં રાખવામાં આવે તો લોકોના ખિસ્સાં કપાવાના જ છે અને લોકોને તેનો અંદાજ પણ નહીં આવે.
- આ પ્રકારની પદ્ધતિઓથી છેતરપિંડી કરવામાં આવી રહી છે
ફોલ્સ અર્જન્સી : ખોટી ઉતાવળ બતાવવી. જેમ કે સ્ક્રીન પર ટાઈમર ચાલવું કે 'ઓફર બસ ૨ મિનિટમાં પૂરી થઈ રહી છે' અથવા 'માત્ર ૧ જ આઇટમ બાકી છે'.
બાસ્કેટ સ્નિકિંગ : તમારી સ્પષ્ટ મંજૂરી વગર કાર્ટમાં કોઈ ડોનેશન, મેમ્બરશિપ કે સામાન ચૂપચાપ ઉમેરી દેવો.
કન્ફર્મ શેમિંગ : યુઝરને ગિલ્ટ (અપરાધભાવ) કે ડર અનુભવાવીને પોતાની વાત મનાવવી. જેમ કે 'ના' લખવાને બદલે એવો વિકલ્પ આપવો જેથી લાગે કે તમે કંજૂસ છો કે જોખમ લઈ રહ્યા છો.
ફોર્સ્ડ ઍક્શન : કોઈ પણ સર્ર્વિસ આપતા પહેલાં યુઝર પાસે બળજબરીથી કોઈ બીજું કામ કરાવવું, જેમ કે એપ ડાઉનલોડ કરાવવી કે નકામી માહિતીઓ માગવી.
સબ્સ્ક્રિપ્શન ટ્રેપ : સબ્સ્ક્રિપ્શન લેવું તો ખૂબ જ સરળ હોય છે પરંતુ જ્યારે તમે તેને કેન્સલ કરવા જશો, તો તમને ચક્કર કાપતા કરી દેવામાં આવશે.
ઇન્ટરફેસ ઇન્ટરફિયરન્સ : એપની ડિઝાઇનમાં એવી રીતે ગોટાળા કરવા કે તમારી નજર ફક્ત એ જ બટન પર પડે જેનાથી કંપનીનો ફાયદો હોય અને સસ્તો કે સાચો વિકલ્પ છુપાઈ જાય.
બેઈટ એન્ડ સ્વિચ : તમે કોઈ સારા ઓફર પર ક્લિક કરો છો, પરંતુ પરિણામ કંઈક બીજું જ નીકળે છે અથવા તમને કોઈ બીજી જગ્યાએ રીડાયરેક્ટ કરી દેવામાં આવે છે.
ડ્રિપ પ્રાઇસિંગ : શરૂઆતમાં સામાનની કિંમત ખૂબ ઓછી બતાવવામાં આવે છે અને જ્યારે તમે પેમેન્ટના છેલ્લા તબક્કે પહોંચો છો, તો ધીમે-ધીમે ઘણા છુપાયેલા ચાર્જ ઉમેરી દેવામાં આવે છે.
ડિસ્ગાઇઝ્ડ એડવર્ટાઇઝમેન્ટ : આમાં જાહેરાતોને એવી રીતે બતાવવી કે તે કોઈ સામાન્ય સમાચાર, સર્ચ રિઝલ્ટ કે સ્વતંત્ર સલાહ લાગે, જેથી યુઝર છેતરાઈને તેના પર ક્લિક કરી દે.
નેગિંગ : કોઈ કામ માટે વારંવાર પોપઅપ મોકલીને પરેશાન કરવું, જ્યારે યુઝર તેને પહેલાંથી જ ના પાડી ચૂક્યો હોય. જેમ કે વારંવાર નોટિફિકેશન્સ ઓન કરવા માટે કહેવું.
ટ્રિક ક્વેશ્ચન : ગૂંચવણભરી ભાષા કે બેવડા નકારાત્મક શબ્દોનો ઉપયોગ કરવો. આવું એટલા માટે જેથી યુઝર ભૂલથી એ પસંદ કરી લે જે તે નહોતો ઇચ્છતો.
સાસ બિલિંગ : સોફ્ટવેર કંપનીઓ તરફથી ચૂપચાપ પૈસા કાપતા રહેવું, ફ્રી ટ્રાયલ પૂરી થવા પર જણાવ્યા વગર પૈસા કાપી લેવા કે રીન્યુઅલ પહેલાં સાચી સૂચના ન આપવી.
રો માલવેર : ફોન કે લેપટોપ પર ખોટા અને ડરામણા એલર્ટ બતાવવા કે ડિવાઇસમાં વાયરસ આવી ગયો છે, અને પછી નકામા સોફ્ટવેર કે એપ ખરીદવા માટે મજબૂર કરવા.









