સંઘમાં હેડગેવારના મૂલ્યો મરી પરવાર્યા છે! સંઘને સુધારવા જેન-ઝી જરૂરી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

- સેવા, સદભાવ અને સમરસતા માટે શરૂ થયેલા સંઘને હવે સત્તા, સંપત્તી અને સુરક્ષામાં વધારે રસ પડી રહ્યો છે
- યુવાનો ઉપર જ્યારે મોદી-શાહના મોઘમ ઈશારે બર્બરતા થઈ રહી હતી તે વખતે ભાગવત અને સંઘના અન્ય નેતાઓ મૌન કેમ હતા? જ્યારે દેશની સૌથી મોટી યુનિવર્સિટીઓમાં, શેરીઓમાં અને પરીક્ષા કેન્દ્રો બહાર નિર્દોષ વિદ્યાર્થીઓ પર પોલીસ રાક્ષસી બળપ્રયોગ કરતી હતી, જ્યારે તેમના માથા ફોડવામાં આવતા હતા, ત્યારે ભાગવત કઈ ગુફામાં ભરાઈ ગયા હતા? : નાગપુરથી દરરોજ એક કેસેટ વાગ્યા કરે છે જેમાં જણાવાય છે કે, અમારે ભાજપ કે તેની સરકારોની રાજનીતિ સાથે કોઈ લેવાદેવા નથી. વર્તમાન સમયમાં દેશમાં ચારેકોર નજર કરીએ તો દેશના વડા પ્રધાન, ગૃહમંત્રીથી માંડીને ભાજપ સરકારમાં રહેલા ૮૦ ટકાથી વધુ મંત્રીઓ, મુખ્યમંત્રીઓ અને સત્તાધારીઓ સંઘના જ સ્વયંસેવકો છે. તેઓ સંઘની શાખાઓથી જ સત્તાના સિંહાસન સુધી પહોંચ્યા છે : મોહન ભાગવતના મતે સિસ્ટમમાં સુધારા માટે જેનઝી આંદોલન થયું હતું પણ હકિકતે સંઘના સુધારા માટે, મોહન ભાગવતની વિચારધારાના સુધારા માટે વધુ એક જેન ઝી આંદોલનની જરૂરિયાત છે.
આ દેશનો યુવા વર્ગ જ્યારે પોતાના હક, પોતાના શિક્ષણ અને રોજગાર માટે રસ્તા પર ઉતરે છે અને તેના પર પોલીસની બર્બર લાઠીઓ વરસે છે, ત્યારે સત્તાના નશામાં ચૂર શાસકો અને તેમની પાછળ દોરીસંચાર કરતા આકાઓ મૌન ધારણ કરીને બેસી રહે છે. પરંતુ જ્યારે તે જ યુવાનોનો આક્રોશ વંટોળ બનીને આખી સત્તાને હચમચાવી મૂકે, ત્યારે અચાનક નાગપુરના મુખ્યાલયમાંથી યુવા ક્ષમતા અને લોકશાહીની જીતના બુલંદ નગારા વાગવા લાગે છે! આ નારા જ્યારે સાંભળીયે ત્યારે અનુભવાય છે કે, સંઘમાં હવે હેડગેવારના મૂલ્યો મરી પરવાર્યા છે.
ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘચાલક મોહન ભાગવતે અચાનક જેન-ઝી અને યુવા પેઢીની તાકાતની પ્રશંસા કરવાના દોર શરૂ કર્યા છે. ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું લઈ લેવાથી જાણે દેશની લોકશાહી બચી ગઈ હોય અને યુવાનોની તમામ સમસ્યાઓનો અંત આવી ગયો હોય તેવો પોકળ માહોલ ઊભો કરવામાં આવી રહ્યો છે. દેશની પ્રજાને એ ખબર પડી નથી કે, ધર્મેન્દ્ર પ્રધાનને ખસેડીને તેમના સ્થાને જેમને શિક્ષણ સોંપવામાં આવ્યું છે તે સંઘના જ કદાવર નેતા છે. વાસ્તવિકતા એ છે કે આ નિવેદનબાજી અને દેખાડા માત્ર ને માત્ર દેશના રાજકીય મંચ પર ખેલાઈ રહેલી એક કપટી અને ડબલ ગેમ છે.
યુવાનોના આંદોલન અને તેમની તાકાતનો જશ ખાટવા આજે મોહન ભાગવત સૌથી આગળ આવીને ઊભા રહી ગયા છે. પરંતુ દેશના યુવાનોએ મોહન ભાગવત અને સંઘના નેતાઓને કેટલાક સીધા અને આકરા સવાલો પૂછવાની જરૂર છે. યુવાનો ઉપર જ્યારે મોદી-શાહના મોઘમ ઈશારે બર્બરતા થઈ રહી હતી તે વખતે ભાગવત અને સંઘના અન્ય નેતાઓ મૌન કેમ હતા? જ્યારે દેશની સૌથી મોટી યુનિવર્સિટીઓમાં, શેરીઓમાં અને પરીક્ષા કેન્દ્રો બહાર નિર્દોષ વિદ્યાર્થીઓ પર પોલીસ રાક્ષસી બળપ્રયોગ કરતી હતી, જ્યારે તેમના માથા ફોડવામાં આવતા હતા, ત્યારે ભાગવત કઈ ગુફામાં ભરાઈ ગયા હતા? ભાગવતને દેશના યુવાનોની આટલી જ ચિંતા હતી તો, સરકારી દમન પર એક શબ્દ પણ કેમ બોલાયો નહીં? દેશના યુવાનોના ભવિષ્યને ધૂળધાણી કરતા પેપર લીક કૌભાંડો અને બેરોજગારીના રાક્ષસ સામે જ્યારે આખી યુવા પેઢી તરફડિયા મારતી હતી, ત્યારે સંઘના આ નૈતિક માર્ગદર્શકો એ ભાજપ સરકારના કાન કેમ ન આમળ્યા?
જાણકારો માને છે કે, હવે અચાનક ભાગવતજીને યુવાનોની ક્ષમતા યાદ આવી ગઈ! આ પ્રેમ નથી, આ યુવાનોના લોહી-પરસેવાથી ઊભા થયેલા આંદોલનના પરિણામનો ખજાનો છે જેને આ સેવાના નામે મેવા ખાનારા લૂંટવા આવ્યા છે. આમ જોવા જઈએ તો આવું કરવું એ દાયકાઓથી સંઘની જૂની આદત જ છે. જ્યારે દેશમાં કોઈપણ આંદોલન ચાલતું હોય ત્યારે સત્તાના છત્ર છાયામાં છુપાઈ જવું, અને જ્યારે આંદોલન સફળ થાય ત્યારે તેનો જશ ખાટવા માટે પોતાના ઝંડા લઈને મેદાનમાં કૂદી પડવું.
જાણકારોના મતે સંઘ ભાજપ સરકારની વહીવટી નિષ્ફળતાઓની જવાબદારી પોતાના શિરે લેવા માંગતો નથી. ભાગવતના નિવેદને સંઘને સરકારના રક્ષક તરીકે નહીં પરંતુ સમાજના અવાજ તરીકે રજૂ કરવાનો પ્રયાસ કર્યો. હકિકતે સંઘને યુવા મતબેન્ક અને ભવિષ્યની ચિંતા છે. સંઘે અનુભવ્યું કે જો તે યુવાનોના આક્રોશથી અંતર જાળવી રાખશે, તો નવી પેઢી સંપૂર્ણપણે તેનાથી વિમુખ થઈ જશે. સંઘ માટે નવી પેઢીને જોડવી અતિ મહત્વપૂર્ણ છે. તેના કારણે જ સંઘ આવા ગતકડા કરીને સરકાર ઉપર દબાણના નામે યુવાનોને સાધી રહ્યો છે જેથી ભવિષ્યની ચૂંટણીમાં પણ સંઘ ઉપરના વિશ્વાસના નામે અને ભાજપ ઉપર દબાણ લાવવાના નામે યુવા મત અંકે કરી શકાય અને મોટી વોટબેંક ઊભી કરી શકાય.
આ ઉપરાંત દાયકાઓથી સંઘ અને તેના વડાઓ દ્વારા વધુ એક તીકડમ કરવામાં આવે છે. નાગપુરથી દરરોજ એક કેસેટ વાગ્યા કરે છે જેમાં જણાવાય છે કે, અમે તો માત્ર સાંસ્કૃતિક અને સામાજિક સંગઠન છીએ. અમારે ભાજપ કે તેની સરકારોની રાજનીતિ સાથે કોઈ લેવાદેવા નથી. આનાથી મોટું, અસત્ય વિધાન આ દેશમાં બીજું કોઈ હોઈ શકે જ નહીં. જો સંઘને ભાજપ સાથે લેવાદેવા નથી, તો પછી દેશના તમામ બંધારણીય અને સરકારી માળખા પર સંઘીય વિચારધારાના લોકોને કેમ ગોઠવવામાં આવ્યા છે?
વર્તમાન સમયમાં દેશમાં ચારેકોર નજર કરીએ તો દેશના વડા પ્રધાન, ગૃહમંત્રીથી માંડીને ભાજપ સરકારમાં રહેલા ૮૦ ટકાથી વધુ મંત્રીઓ, મુખ્યમંત્રીઓ અને સત્તાધારીઓ સંઘના જ સ્વયંસેવકો છે. તેઓ સંઘની શાખાઓથી જ સત્તાના સિંહાસન સુધી પહોંચ્યા છે. આ ઉપરાંત દેશની ઘણી યુનિવર્સિટીઓમાં કુલપતિ બનનારા પાસે શૈક્ષણિક લાયકાતની સાથે સાથે સંઘનું સર્ટિફિકેટ પણ છે. તેવી જ રીતે વિવિધ રાજ્યોના રાજભવનોને સંઘના નિવૃત્ત અને પરાણે સાચવવા પડે તેવા નેતાઓના જાણે કે આરામગૃહ બનાવી દેવાયા છે. દેશના મોટાભાગના બંધારણીય પદો ઉપર સંઘના જ કાર્યકર્તાઓ રહેલા નેતાઓ છે. તે ઉપરાંત નફો કરનારા સરકારી સાહસો, બોર્ડ-નિગમોના વડા તરીકે પણ સંઘના વફાદારોની જ નિમણુક કરવામાં આવી છે.
આ બધું જ હોવા છતાં, જ્યારે ભાજપ સરકારના ભ્રષ્ટાચાર, નિષ્ફળતાઓ અને અત્યાચારો સામે પ્રજાનો આક્રોશ ફાટી નીકળે છે, ત્યારે સંઘીય નેતાઓ મોં છુપાવીને કહી દે છે કે 'અમારે સરકાર સાથે કોઈ લેવાદેવા નથી.'
લોકોમાં હવે ચર્ચા ચાલી છે કે, આટલો મોટો દંભ અને આટલી હલકી કક્ષાની રાજનીતિ માત્ર સંઘ જ કરી શકે!
પ્રજામાં ચર્ચા છે કે, જે સંઘ એક સમયે 'ત્યાગ, સમર્પણ અને સાદગી'ના ધોતી-કુર્તા પહેરીવાની વાતો કરતો હતો, હેડગેવાર અને ગુરુજીના મૂલ્યોનું અનુસરણ કરતો હતો તે સંઘ આજે સત્તાના અતિ-વૈભવ અને અપરંપરાગત સંપત્તિના નશામાં છાકટો બન્યો છે. ખાસ કરીને 'મોદીકાળ'માં સંઘનો જે ભૌતિક વિકાસ થયો છે, તે જોઈને ઈતિહાસ પણ શરમાઈ જાય છે! દિલ્હીના ઝંડેવાલાન ખાતે અંદાજે ૧૫૦ કરોડના ખર્ચે કેશવકુંજ બનાવાયું છે. તેવી જ રીતે નાગપુરનું મુખ્યાલય પાછળ પણ કરોડો રૂપિયાનો ખર્ચ કરાયો છે. સૌથી મોટો સવાલ જ એ છે કે, આ હજારો કરોડ રૂપિયા સંઘ પાસે ક્યાંથી આવ્યા? સંઘ કોઈ રજિસ્ટર્ડ રાજકીય પક્ષ નથી કે જેના ઓડિટ રિપોર્ટ જાહેર થાય. તે કઈ રીતે ફંડ એકઠું કરે છે? આ દેશના કયા અબજોપતિઓ સંઘના ચરણોમાં આ પૈસા ધરે છે? આ દેશમાં સંઘને સવાલ પૂછવાની હિંમત કોઈની નથી અને તેનો જવાબ આપવાની નૈતિકતા સંઘ પાસે નથી. વાતો એવી કરાય છે કે, સ્વયંસેવકોએ ઘરે ઘરે જઈને ફાળો ઉઘરાવ્યો પણ તેની વાસ્તવિકતા ક્યારેય સામે આવે તેમ નથી. તેનાથી પણ આગળ વાત કરીએ તો દેશના કરદાતાઓના કરોડો રૂપિયા મોહન ભાગવતની ઢ+ સુરક્ષા પાછળ વેડફાઈ રહ્યા છે. મોહન ભાગવત કોઈ બંધારણીય પદ પર નથી, કોઈ ચૂંટાયેલા જનપ્રતિનિધિ નથી. છતાં અમિત શાહે આપેલી કેન્દ્રીય સુરક્ષા વ્યવસ્થા હેઠળ તેઓ લાખો-કરોડોની બુલેટપ્રૂફ ગાડીઓના કાફલામાં ફરે છે. જો ભાગવતજી ખરેખર નિસ્વાર્થ દેશસેવા જ કરી રહ્યા હોય, તો તેમણે આ દેશમાં કોનાથી ડરવું પડે છે? સંઘના વડાને પોતાના જ દેશના લોકોથી આટલો બધો ડર કેમ લાગે છે? ગરીબ અને મધ્યમ વર્ગના ટેક્સના પૈસા પર મોહન ભાગવત આ સત્તાકીય સુરક્ષા અને સુવિધાઓનો ભરપૂર આનંદ માણી રહ્યા છે.
હકિકત એવી છે કે, મોદી અને ભાગવત એકબીજાની દુ:ખતી નસ જાણે છે. તેઓ એકબીજાનો વિરોધ પણ કરે છે અને સાચવે છે પણ ખરા. મોદી જાણે છે કે, સંઘના વડાને અને કાર્યકર્તાઓને સુખ-વૈભવ આપો, સુવિધાઓ આપો,ગાડીઓના કાફલા આપો અને લક્ઝુરિયસ ટ્રીટમેન્ટની લોલિપોપ આપ્યા કર્યો તો તેઓ મુંગામોઢે મમળાવ્યા કરશે.
આ વખતે જેનઝી આંદોલનના કારણે ભાજપના પગતળેથી જમીન ખસવા લાગી એટલે ભાગવતે મોઢામાંથી સુખની સાકર બહાર કાઢીને સુધારાની કડવી વાતો કરી. લોકોને હજી એ નથી સમજાતું કે, સંઘના વડા દ્વારા કરવામાં આવેલી વાતો ખરેખર દેશના સુધારા અને ફાયદા માટે હતી કે, પછી મોદી સાથે બેસીને રચાયેલી સ્ક્રીપ્ટેડ ભાગવત કથા હતી.
સંઘવડાની સ્ક્રીપ્ટેડ 'ભાગવત' કથા અને ભાજપની પોલિટ્રિક્સ
જાણકારોના મતે ભારતીય ધર્મગ્રંથોમાં જેમ બનાવટી વાસુદેવ અને ભગવાન શ્રી કૃષ્ણનું કથાનક આવે છે અને અંતે બનાવટી વાસુદેવ અને ભગવાન થઈને ફરતા એ વ્યક્તિનો અંત આવે છે તેવો જ એક સ્ક્રીપ્ટેડ મેલોડ્રામ સંઘવડા મોહનની પોતાની ભાગવત કથામાં ભજવવામાં આવે છે. ભાજપના નેતાઓ પણ તેના આધારે ધતિંગો કરીને લોકોની આંખોમાં ધૂળ નાખે છે. ઉલ્લેખનીય છે કે, મોહન ભાગવત વારંવાર જાહેરમાં આવીને એવું નાટક કરે છે કે તેઓ નરેન્દ્ર મોદી કે અમીત શાહની સરકારથી ખુશ નથી. તેઓ ક્યારેક 'અહંકાર' પર ભાષણ આપે છે, તો ક્યારેક ભાજપને 'સુધરવાની' સલાહ આપે છે. પરંતુ આ બધું એક સ્ક્રીપ્ટેડ ડ્રામા સિવાય કશું જ નથી. વાસ્તવિકતા એ છે કે, જો મોહન ભાગવત અને સંઘ ખરેખર ભાજપની નીતિઓથી નારાજ હોય, તો તેઓ માત્ર ૨૪થી ૪૮ કલાકની અંદર ભાજપ સરકારના સમીકરણો બદલી નાખવાની તાકાત ધરાવે છે. તેઓ ધારે તો નરેન્દ્ર મોદી કે અમિત શાહની સત્તાના પાયા એક ઝાટકે હલાવી શકે છે. પરંતુ તેઓ એવું ક્યારેય નહીં કરે! કારણ કે નરેન્દ્ર મોદી - મોહન ભાગવત દ્વારા રચાયેલી એક નવી સ્ક્રીપ્ટેડ 'ભાગવત કથા' છે. જ્યારે ભાજપ સરકાર સામે દેશમાં વિરોધનો માહોલ બને છે, ત્યારે ભાગવતજી એકાદું એવું નિવેદન આપી દે છે જેથી લોકોને લાગે કે 'સંઘ તો ભાજપથી અલગ છે અને તે સરકારને ઠપકો આપી રહ્યો છે.' આવા નિવેદન આપ્યા પછી ભાગવતજી પાછા પોતાના સુખ, સુવિધા અને સુરક્ષા ધરાવતા ખૂણામાં જઈને મહિનાઓ સુધી સૂઈ જાય છે. ભારતીય જનતા પાર્ટી અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ હવે જનતાને ગેરમાર્ગે દોરતી પાર્ટી અને રાષ્ટ્રીય સત્તાસુખ સંઘ થઈ ગયો છે.
મોહન ભાગવતના મતે સિસ્ટમમાં સુધારા માટે જેનઝી આંદોલન થયું હતું પણ હકિકતે સંઘના સુધારા માટે, મોહન ભાગવતની વિચારધારાના સુધારા માટે વધુ એક જેન ઝી આંદોલનની જરૂરિયાત છે









