News Focus

હરિવંશ રાય બચ્ચન અને તેજી આન્ટી માતા-પિતા જેવા હતા!

By GS Team
14 Nov 20267 mins read
TukuTouch Logo
સોનિયા ગાંધીએ પોતાના સંસ્મરણોમાં ખુલાસો કર્યો છે કે, 1968માં રાજીવ ગાંધી સાથે લગ્ન પહેલાં તેઓ જ્યારે પહેલીવાર ભારત આવ્યા, ત્યારે દિલ્હીમાં બચ્ચન દંપતી હરિવંશરાય અને તેજી બચ્ચને તેમને નિઃસ્વાર્થપણે અપનાવ્યા હતા. અજાણ્યા દેશમાં એકલતા અનુભવતી સોનિયાને બચ્ચન પરિવારે માતા-પિતાની જેમ પ્રેમ અને હિંમત આપી, જે તેમના માટે એક મોટો સહારો બન્યો.

Summarized by AI; it may make mistakes. Check important info

હરિવંશ રાય બચ્ચન અને તેજી આન્ટી માતા-પિતા જેવા હતા!
  • સોનિયા ગાંધીનો સ્વીકાર : ભારતમાં સૌથી પહેલાં બચ્ચન દંપતીએ તેમને નિ:સ્વાર્થ રીતે સ્વીકારીને મનોબળ પૂરું પાડયું હતું
  • રાજીવ ગાંધી સાથે લગ્ન પહેલા જ્યારે તેઓ પહેલીવાર ભારત આવ્યાં, ત્યારે તેમની સામે સાવ અજાણી દુનિયા હતી. તેઓ ૧૩ જાન્યુઆરી ૧૯૬૮ની વહેલી સવારે તેઓ દિલ્હીના જૂના એરપોર્ટ પર ઊતર્યાં હતાં. ત્યાંથી સીધા તેમને ૧૩, વિલિંગડન ક્રેસન્ટ લઈ જવામાં આવ્યાં હતાં. આ જગ્યા દેશના પ્રખ્યાત હિન્દી ભાષાના કવિ હરિવંશ રાય બચ્ચન અને તેમનાં પત્ની તેજી બચ્ચનનું નિવાસસ્થાન હતું : બચ્ચન પરિવાર અને નેહરુ-ગાંધી પરિવારના સંબંધો ઘણા જૂના હતા. બચ્ચન પરિવાર અલ્હાબાદના દિવસોથી જ ઇન્દિરા ગાંધીનો પારિવારિક મિત્ર રહ્યો હતો : દિવસભરની મુલાકાતો પછી રાજીવ તેમને પાછા બચ્ચન પરિવારના ઘરે મૂકીને ચાલ્યા જતા હતા, ત્યારે સોનિયા રૂમમાં સાવ એકલાં પડી જતાં હતાં. તે એકલતામાં તેઓ અવારનવાર ચૂપચાપ પોતાના આંસુ વહાવતાં હતાં. તેમને ઇટાલીમાં છૂટેલું પોતાનું ઘર અને પોતાના પરિવારના લોકો ખૂબ યાદ આવતા હતા. ત્યારે તેજી બચ્ચન અને હરિવંશરાય એક માતા-પિતાની જેમ તેમની કાળજી લેતા

સોનિયા ગાંધીએ પોતાના સંસ્મરણ 'બિલોંગિંગ : અ જર્ની ઓફ લવ'માં જીવનની સૌથી ભાવુક ક્ષણોનો ખુલાસો કર્યો છે. રાજીવ ગાંધી સાથે લગ્ન પહેલા જ્યારે તેઓ પહેલીવાર ભારત આવ્યાં, ત્યારે તેમની સામે સાવ અજાણી દુનિયા હતી. તેઓ ૧૩ જાન્યુઆરી ૧૯૬૮ની વહેલી સવારે તેઓ દિલ્હીના જૂના એરપોર્ટ પર ઊતર્યાં હતાં. ત્યાંથી સીધા તેમને ૧૩, વિલિંગડન ક્રેસન્ટ લઈ જવામાં આવ્યાં હતાં. આ જગ્યા દેશના પ્રખ્યાત હિન્દી ભાષાના કવિ હરિવંશ રાય બચ્ચન અને તેમનાં પત્ની તેજી બચ્ચનનું નિવાસસ્થાન હતું. બચ્ચન પરિવારે સોનિયાને પોતાના ઘરમાં રાખીને એક સાચા વાલીની જેમ સહારો આપ્યો હતો. સોનિયા ગાંધી મુક્તમને સ્વીકારે છે કે, અમિતાભ બચ્ચન અને રાજીવ ગાંધીની મિત્રતા જાણીતી પણ તેના કરતા વધારે ગાઢ મિત્રતા તેજી બચ્ચન અને ઈન્દિરા ગાંધીની હતી. તેના પગલે જ કદાચ તેમણે એક માતા-પિતાની જેમ સોનિયાને શરૂઆતના વર્ષોમાં આવકાર્યા અને સાચવ્યા હતા.
સોનિયા ગાંધી ટાંકે છે કે, ૧૩ જાન્યુઆરી ૧૯૬૮ અને સમય સવારના લગભગ પાંચ વાગીને ૧૫ મિનિટનો તેમનું વિમાન નવી દિલ્હીના એરપોર્ટ પર ઊતર્યું હતું. તેઓ એક ખૂબ જ લાંબી મુસાફરી પછી પહોંચ્યાં હતાં. તેઓ ઘણાં થાકેલાં હતાં અને તેમના મનમાં એક અજાણ્યો ડર હતો. પરંતુ જેવી તેમની નજર રાજીવ ગાંધી પર પડી, તેમનો બધો ડર અને થાક એક ઝાટકે ગાયબ થઈ ગયો. તેઓ ખુશીના માર્યા કંઈ બોલી પણ શકતાં ન હતાં. તે સમયે એરપોર્ટ પર તેમને લેવા માટે ફક્ત રાજીવ જ નહોતા આવ્યા. તેમની સાથે તેમના ભાઈ સંજય ગાંધી અને તેમના નજીકના મિત્ર અમિતાભ બચ્ચન પણ હાજર હતા. અમિતાભ બચ્ચન આગળ જતાં હિન્દી સિનેમાના મહાનાયક બન્યા.
સોનિયા ગાંધીએ પોતાના પુસ્તકમાં સ્પષ્ટ કર્યું છે કે બચ્ચન પરિવાર અને નેહરુ-ગાંધી પરિવારના સંબંધો ઘણા જૂના હતા. બચ્ચન પરિવાર અલ્હાબાદના દિવસોથી જ ઇન્દિરા ગાંધીનો પારિવારિક મિત્ર રહ્યો હતો. જ્યારે સોનિયા ૧૩, વિલિંગડન ક્રેસન્ટ પહોંચ્યાં, ત્યારે તેજી બચ્ચને તેમનું ખૂબ જ આત્મીયતાથી સ્વાગત કર્યું. સોનિયા ગાંધીએ આ પહેલી મુલાકાતને ખૂબ ઝીણવટથી યાદ રજૂ કરી છે. તેઓ આ વિશે લખે છે કે, ઠીંગણા કદના તેજી બચ્ચન તે સમયે જેકેટ અને પાટલૂન પહેરેલાં હતાં. તેમના માથા પર ફ્રેન્ચ શૈલીનો સ્કાર્ફ ખૂબ વ્યવસ્થિત રીતે બાંધેલો હતો.
તેજી બચ્ચને ઘરના વરંડામાં આવીને સોનિયાનું સ્વાગત કર્યું. તેમણે ખૂબ જ પ્રેમાળ સ્મિત વેર્યું અને સોનિયાને ખૂબ પ્રેમથી ભેટી પડયા. આ ઉષ્માભર્યા સ્વાગતે સોનિયાના મનમાં વિશ્વાસ જન્માવ્યો અને તેમની અંદરનો બધો સંકોચ અને ડર પળવારમાં દૂર થઈ ગયો. સોનિયા લખે છે કે આગળ જતાં તેજી બચ્ચન તેમના માટે માતા જેવાં બની ગયાં. તેઓ સોનિયાની દરેક જરૂરિયાતમાં મદદ કરવા તૈયાર રહેતાં હતાં. તેમણે સોનિયાને નવી વાતો શીખવી અને દરેક ડગલે એક માતાની જેમ સાચી સલાહ આપી.
તેઓ આગળ જણાવે છે કે, સ્વાગતની તરત જ પછી સોનિયાને ઘરની જમણી બાજુએ બનેલા એક ખાસ રૂમમાં લઈ જવામાં આવ્યાં. આ રૂમ તેજી બચ્ચનના અંગત રૂમની બરાબર બાજુમાં આવેલો હતો. લગભગ એક વર્ષના લાંબા વિરહ પછી સોનિયા અને રાજીવ આખરે એકસાથે એકલા હતાં. સોનિયાને તે રૂમમાં ઉતારો આપતા પહેલા રાજીવ ગાંધીએ તેને આરામદાયક બનાવવાનો પૂરો પ્રયાસ કર્યો હતો. તેમણે જાતે રૂમને ખાસ અંદાજમાં સજાવવા માટે ઘણા પ્રયત્નો કર્યા હતા. પલંગની પાછળની દીવાલ પર પાબ્લો પિકાસોની પ્રખ્યાત 'બ્લુ પીરિયડ' પેઇન્ટિંગની એક સુંદર પ્રતિકૃતિ લગાવવામાં આવી હતી. આ પેઇન્ટિંગને રાજીવ કેમ્બ્રિજથી પોતાની સાથે લઈને આવ્યા હતા. આ ઉપરાંત પલંગ પાસે રાખેલા ટેબલ પર તાજા અને સુગંધિત ગુલાબોથી ભરેલી એક ફૂલદાની પણ રાખવામાં આવી હતી. રાજીવના આ પ્રયાસોથી તે સાદો રૂમ સોનિયા માટે ખૂબ જ આરામદાયક બની ગયો હતો.
તે રૂમને સજાવતી વખતે રાજીવ ગાંધીનું ધ્યાન રૂમ સાથે જોડાયેલા જૂના અને સાધારણ બાથરૂમ પર ગયું. તેઓ બાથરૂમના ફ્લોરને વધુ સારો બનાવવા માગતા હતા. આ માટે રાજીવ પોતાની માતા ઇન્દિરા ગાંધીના ઘરે પહોંચ્યા. ત્યાં રાખેલી એક જૂની પેટીમાંથી તેમણે વાદળી-લીલા રંગનો જાડો ગાલીચો કાઢયો. તે ગાલીચાને લાવીને તેમણે બાથરૂમ પાસે વ્યવસ્થિત રીતે પાથરી દીધો. રાજીવનો આ પ્રયાસ સારો હતો, પરંતુ તેનું પરિણામ ખૂબ જ ખતરનાક આવ્યું.
સોનિયા જ્યારે ફ્રેશ થવા માટે બાથરૂમમાં ગયાં, ત્યારે પગ મૂકતા જ તેમની તબિયત બગડવા લાગી. તે જૂના ગાલીચાને સાચવવા માટે કોઈ જંતુનાશક દવાનો છંટકાવ કરવામાં આવ્યો હતો. તે ગંધની અસરથી સોનિયાના શ્વાસ ઝડપથી ફૂલવા લાગ્યા. હકીકતમાં અસ્થમાને કારણે તેમને શ્વાસ લેવામાં થતી ગંભીર તકલીફ હતી. સોનિયાની હાલત જોઈને રાજીવ ગાંધી અને તેજી બચ્ચન ખૂબ ગભરાઈ ગયાં. બંનેએ તરત દોડીને તેમની મદદ કરી અને જરૂરી દવા આપી.
સોનિયા ગાંધી નોંધે છે કે, જ્યારે તેઓ ભારત આવ્યાં હતાં, ત્યારે રાજીવ પ્રત્યેનો તેમનો પ્રેમ જ તેમની સૌથી મોટી તાકાત હતો. પરંતુ એક નવા દેશ, નવી સંસ્કૃતિ અને ભાષાની અજાણી દુનિયામાં રહેવું સહેલું ન હતું. જ્યારે દિવસભરની મુલાકાતો પછી રાજીવ તેમને પાછા બચ્ચન પરિવારના ઘરે મૂકીને ચાલ્યા જતા હતા, ત્યારે સોનિયા રૂમમાં સાવ એકલાં પડી જતાં હતાં. તે એકલતામાં તેઓ અવારનવાર ચૂપચાપ પોતાના આંસુ વહાવતાં હતાં. તેમને ઇટાલીમાં છૂટેલું પોતાનું ઘર અને પોતાના પરિવારના લોકો ખૂબ યાદ આવતા હતા. રાજીવ જ્યારે પણ તેમને ઉદાસ જોતા, ત્યારે હંમેશા હિંમત આપતા અને સમજાવવાનો પ્રયાસ કરતા હતા.વર્ષો પછી જ્યારે સોનિયાએ જાહેર જીવનના થપાટા સહન કર્યા, ત્યારે તેમને હરિવંશ રાય બચ્ચનના શબ્દોની અસલી ઊંડાઈ સમજમાં આવી. સોનિયાએ લખ્યું કે બચ્ચનજી પોતાની તે વાતમાં કેટલા સાચા સાબિત થયા હતા. એક મહાન કવિ અને ખૂબ જ સંવેદનશીલ વ્યક્તિ હોવાના કારણે તેમણે પોતે પણ જનતાના બદલાતા મિજાજનો કડવો અનુભવ કર્યો હતો. સોનિયા ગાંધીએ પોતાના પુસ્તકમાં લખ્યું છે કે હરિવંશ રાય બચ્ચન અને તેજી બચ્ચન તેમના માટે માતા-પિતાની જેમ ઊભાં રહ્યાં. તે સમયગાળામાં જ્યારે સોનિયાને પોતાના ભવિષ્યનો કોઈ અણસાર ન હતો, ત્યારે બચ્ચન દંપતીએ તેમને નિ:સ્વાર્થ આધાર અને આશરો આપીને બળ પૂરું પાડયું હતું.

હરિવંશરાય બચ્ચનના પૂજાપાઠ સમયે શંખનાદથી સોનિયાની ઊંઘ ખૂલી જતી
તેજી બચ્ચન સાથે મુકાલાત બાદ થોડો સમય આરામ કર્યા પછી સોનિયાની મુલાકાત ઘરના મોભી હરિવંશ રાય બચ્ચન સાથે થઈ. તેઓ તે સમયે પોતાના નિત્યક્રમ પ્રમાણે લટાર મારવા જવાની તૈયારીમાં હતી. સોનિયા ગાંધી નોંધે છે કે, હરિવંશજીનું શરીર થોડું આગળની તરફ નમેલું હતું.
તેમણે પોતાના શરીર પર એક શાલ ઓઢી રાખી હતી. તેમની આંખો પર ચશ્મા ચડેલા હતા અને માથા પર ઘાટા લહેરાતા વાળ હતા. જાણે કોઈ સાહિત્યિક કૃતિના પાત્રને જોતા હોઈએ તેવું જ લાગતું હતું. હરિવંશરાય બચ્ચનજીએ સોનિયાને જોઈને આત્મીય સ્મિત આપ્યું.
તેમણે કેટલાક ખૂબ જ પ્રેમાળ શબ્દો કહ્યા અને પછી ધીમે-ધીમે લટાર મારવા નીકળી ગયા. સોનિયાએ બચ્ચન પરિવારના ઘરે વિતાવેલા દિવસોની એક ખૂબ જ રસપ્રદ દિનચર્યા પણ શેર કરી છે. વહેલી સવારે બારી પાસે પગલાંના હળવા અવાજથી અવારનવાર તેમની ઊંઘ ખૂલી જતી હતી.
શરૂઆતમાં સોનિયાને નવાઈ લાગતી હતી કે આટલી સવારે બારી પાસે કોણ ફરી રહ્યું છે. પાછળથી તેમને ખબર પડી કે આ હરિવંશ રાય બચ્ચન હતા, જે ઘરની ચારે તરફ સવારે ચક્કર મારતા હતા. જ્યારે તેઓ ફરીથી સૂવાનો પ્રયાસ કરતાં, ત્યારે ઘરમાં એક અવાજ ગુંજતો તેમને જગાડી દેતો હતો. આ અવાજ બચ્ચનજી દ્વારા પૂજાપાઠ દરમિયાન વગાડવામાં આવતા શંખનો હોતો હતો.
શંખનાદની તરત જ પછી પૂજાની ઘંટડી વાગવાનો અવાજ ગુંજવા લાગતો હતો.

સોનિયા બેટા, અહીં તું જેવી છે તેવી નહીં રહી શકે : બચ્ચન અંકલ
સોનિયા ગાંધીએ પોતાના આ પુસ્તકમાં તે સમયની એક મોટી વ્યવહારિક મુશ્કેલીનો પણ ઉલ્લેખ કર્યો છે. ઘણા વર્ષો સુધી અંગ્રેજીનો અભ્યાસ કરવા છતાં તેઓ તે સમયગાળામાં અંગ્રેજી ખૂબ કડકડાટ બોલી શકતાં ન હતાં. આ સાથે જ ભારતીય અંગ્રેજીના ખાસ લહેકાને સમજવામાં પણ તેમને ઘણી મહેનત કરવી પડતી હતી. હરિવંશ રાય બચ્ચન ક્યારેક-ક્યારેક સોનિયાને થોડી ઘણી હિન્દી શીખવવાનો પ્રયાસ કરતા હતા. જોકે સોનિયા એટલું શીખી શક્યા નહોતા કે, તેઓ પોતાની પૂરી વાત કોઈ બીજાને સમજાવી શકે. આ વાતચીત દરમિયાન હરિવંશજી અવારનવાર સોનિયાને એક ખાસ સલાહ આપતા હતા. તેમણે સોનિયાને ચેતવણી આપતા કહ્યું હતું, 'તારે એ જાણવું જોઈએ, સોનિયા બેટા, કે આ દેશમાં એ મહત્વનું નથી કે તું કોણ છે, પરંતુ એ મહત્વનું છે કે લોકો તને શું સમજે છે.' બચ્ચનજીની આ વાત સાંભળીને સોનિયા અવારનવાર ઊંડા વિચારમાં ડૂબી જતાં હતાં.
તેમને લાગતું હતું કે શું આનો અર્થ એ છે કે તેઓ ક્યારેય પોતાના અસલી રૂપમાં નહીં રહી શકે. તેઓ જેવાં હતાં તેવાં જ રહેવા માંગતાં હતાં અને તેમને એ સમજાતું ન હતું કે તેઓ પોતાની જાતને કોઈ બદલાયેલા રૂપમાં કેવી રીતે રજૂ કરે. તેમને આજે પણ એ સલાહ યાદ આવે છે કે, 'સોનિયા બેટા, અહીં તું જેવી છે તેવી નહીં રહી શકે'.