સત્તા અને સંપત્તિ માટે યુદ્ધ કરતી અમેરિકા, રશિયા અને ચીન જેવી મહાસત્તાઓ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

- વર્ચસ્વનો સંઘર્ષ : દુનિયા ફરી એક વખત સામ્રાજ્યવાદના ઉંબરે પહોંચી!
- અમેરિકા, રશિયા અને ચીન જેવી મહાસત્તાઓ એક તરફ એકબીજાનો વિરોધ કરી રહ્યા છે પણ પડદા પાછળ તેમની મિલિભગત છે. તેઓ એકબીજાના વિસ્તારવાદને, સામ્રાજ્યવાદને પ્રોત્સાહન આપે છે. સત્તાના કેન્દ્રને ત્રણ ભાગમાં વહેંચીને તેઓ પોતાનું વર્ચસ્વ ટકાવવાનો કારસો કરી રહ્યા છે : હાલમાં વૈશ્વિક કક્ષાઓ જે રાજકીય પરિસ્થિતિ છે, દેશો વચ્ચે સંઘર્ષ, યુદ્ધ અને અણબનાવો ચાલી રહ્યા છે તે સ્પષ્ટ સંકેત આપે છે કે, દુનિયાના રાજકીય ધ્રુવ બદલાઈ રહ્યા છે. વૈશ્વિક મધ્યકાલિન યુગમાં જે રીતે રાજાઓ વિસ્તારવાદ, પ્રાદેશિક પ્રભુત્વ અને શક્તિ પ્રદર્શનમાં માનતા હતા તે જ પરિસ્થિતિ હાલના સમયે જોવા મળી રહી છે : આજના ચૂંટાયેલા કે સામ્યવાદી નેતાઓ, ભલે તેઓ ગમે એટલા આધુનિક દેખાતા હોય, લોકસમર્થન કે પછી બંધારણની અને વિકાસની વાતો કરતા હોય પણ તેઓ આવા જ માળખાકીય દબાણ હેઠળ છે. પ્રજાનું સમર્થન મેળવવા કે પછી સત્તા ટકાવી રાખવા માટે તેમણે બાહ્ય આક્રમકતા અને જિયોપોલિટિકલ પ્રદર્શન કરવું પડે છે
વિશ્વભરમાં હાલમાં ક્યાંકને ક્યાંક નાના-મોટા સંઘર્ષો ચાલી જ રહ્યા છે. ક્યાંક દેશો પોતાની સરહદો માટે લડી રહ્યા છે તો ક્યાંક એકબીજાની સાથે સ્પર્ધામાં ઉતર્યા બાદ એકબીજાને હંફાવવામાં યુદ્ધના રસ્તે ચડી ગયા છે. આ સિવાય કેટલાક મોટા દેશો એવા છે જે બધું પોતાના બાથમાં લેવા માટે પણ યુદ્ધના માર્ગે છે. વર્તમાન સમયમાં દુનિયાભરના લોકોને એવું લાગી રહ્યું છે કે, ચારેતરફ લોકશાહી અને સુઘડ સમાજ વ્યવસ્થા છે. દુનિયાના ઘણા મોટા દેશોમાં લોકશાહી અને બંધારણની વાતો થાય છે, પ્રજાને તેમના સુશાસન અંગે અભિમાન થાય છે પણ વાસ્તવિકતા તેનાથી જોજનો દૂર છે. આ દેશોમાં હવે સત્તાધારીઓ માત્ર પોતાના દેશમાં જ નહીં પણ વિશ્વભરમાં સત્તા ફેલાવવા માટે સત્તાભુખ્યા થયા છે.
હાલમાં વૈશ્વિક કક્ષાઓ જે રાજકીય પરિસ્થિતિ છે, દેશો વચ્ચે સંઘર્ષ, યુદ્ધ અને અણબનાવો ચાલી રહ્યા છે તે સ્પષ્ટ સંકેત આપે છે કે, દુનિયાના રાજકીય ધ્રુવ બદલાઈ રહ્યા છે. વૈશ્વિક મધ્યકાલિન યુગમાં જે રીતે રાજાઓ વિસ્તારવાદ, પ્રાદેશિક પ્રભુત્વ અને શક્તિ પ્રદર્શનમાં માનતા હતા તે જ પરિસ્થિતિ હાલના સમયે જોવા મળી રહી છે. આજની ત્રણ મહાસત્તાઓ દ્વારા આવી જ નીતિઓ અમલમાં મુકવામાં આવી છે. છેલ્લાં ઘણા સમયથી ચીન, રશિયા અને અમેરિકા વિસ્તારવાદ, પ્રાદેશિક પ્રભુત્વ અને શક્તિ પ્રદર્શનને કેન્દ્રમાં રાખીને આગળ વધી રહ્યા છે. જાણકારો માને છે કે, આજની મહાસત્તાઓની વૈચારિકતા ગમે તે હોય પણ તેમના વર્તન જુદા થવા લાગ્યા છે. ઉલ્લેખનીય છે કે, તેઓ એક તરફ સમાજના અને પ્રજાના મૂલ્યોના રક્ષક તરીકે પોતાની છબી ઊભી કરવા ધમપછાડા કરે છે અને બીજી તરફ આધુનિક સંસ્થાકીય આવરણમાં છુપાયેલા સામ્રાજ્યવાદી શાસકોની જેમ વધુ વર્તણૂક કરે છે. વર્તમાન સ્થિતિ જોતા એટલું તો સમજાય છે કે, મતદાનની પ્રક્રિયાએ સત્તાના મુગટનો અંત નથી આણ્યો, પરંતુ તેને માત્ર છુપાવી દીધો છે. રાજાઓના એ મનસ્વીપણાને કેટલાક વૈશ્વિક નેતાએ આત્મસાત કરી લીધું છે.
જાણકારોના મતે, આધુનિક દેશો પ્રાચીન સામ્રાજ્યો જેવા કેમ દેખાય છે તે સમજવા માટે, આપણે જોવું પડશે કે તેઓ યુદ્ધો કેવી રીતે લડે છે અને શક્તિનું પ્રદર્શન કેવી રીતે કરે છે. અમેરિકાની જ વાત કરીએ તો, વેનેઝુએલા પ્રત્યેનું તેનું આક્રમક વલણ, ક્યુબા પર દાયકાઓ લાંબો પ્રતિબંધ અને મધ્ય-પૂર્વમાં તેની સૈન્ય તથા ગુપ્તચર પ્રવૃત્તિઓ માત્ર વ્યુહાત્મક જરૂરિયાતો નથી. આ બધી જ કામગીરી અમેરિકાના વૈશ્વિક પ્રભુત્વનું ભવ્ય પ્રદર્શન છે, જે આંતરરાષ્ટ્રીય સહયોગીઓને અમેરિકાની શક્તિ બતાવવા માટેનું એક માધ્યમ છે. અમેરિકા જગતજમાદારી દ્વારા પોતાના પ્રભુત્વ અને શક્તિને ટકાવી રાખવા તથા દુનિયાને ડરાવવા અને પોતાને જે ગમે છે તે કરવાની અથવા તો જે જોઈએ છે તે મેળવવાની વૃત્તિને સંતોષી રહ્યું છે.
બીજી તરફ રશિયાનું યુક્રેન પરનું આક્રમણ, જેને ક્રેમલિને પોતાના ઐતિહાસિક 'પ્રભાવ ક્ષેત્ર'ની રક્ષા ગણાવી હતી તેને હકીકતે ઈતિહાસકારો અને જાણકારો ઈરાનની પ્રાદેશિક ચાલ, પ્રતિશોધ (બદલો લેવાની) ચક્રની સાથે સરખાવે છે. વૈશ્વિક મંચ પરના આ સંઘર્ષો ઘણીવાર પ્રાથમિક શાળાના રમતના મેદાનની લડાઈ જેવા લાગે છે 'તેં મારા સાથીને માર્યો, તો હું તને મારીશ. જાણકારો માને છે કે, રશિયા પહેલાના માર્ગે આગળ વધી રહ્યું છે. એક સમયે જેમ સોવિયેત સંઘનું અસ્તિત્વ હતું અને તે દુનિયાના એક ભાગ ઉપર જે રીતે તેનું શાસન હતું તેવી જ સ્થિતિનું ફરીથી નિર્માણ કરવા માગે છે. તે નાના દેશોનો પોતાનામાં સમાવી લેવા અને અન્ય દેશો સાથે યુતિ કરીને અમેરિકા સામે પોતાનું એક નેટવર્ક ઊભું કરવા માગે છે.
દુનિયાના રાજકીય ધ્રુવનું ત્રીજું પરિબળ જોઈએ તો ચીન પણ આવી જ પરિસ્થિતનું નિર્માણ કરી રહ્યો છે. સાઉથ એશિયામાં તેનું પ્રભુત્વ વધારવા માટે તે મથામણ કરી રહ્યો છે. તેણે ઘણા દેશોને પોતાની સત્તાના જોરે દબાવી દીધા છે તો બીજી તરફ ઘણા દેશોનો લોન અને આર્થિક મદદ હેઠળ દબાવી દીધા છે. ભારત સાથેની સરહદો તેણે પહેલેથી જ ઘણી પચાવી પાડી છે અને હજી પણ ધીમે ધીમે સરહદોની આસપાસના વિસ્તારો કબજે કરી રહ્યો છે. તાઈવાન, ભુતાન જેવા દેશોને તેણે પોતાને આધિન કરી લીધા છે અને ભય હેઠળ રાખીને પોતાનું ધાર્યું કરાવે છે.
મધ્યકાલિન રાજાઓની પણ આવી જ માનસિકતા હતી. તત્કાલિન સમયમાં ઘણા સુલતાન, ચીની સમ્રાટો અને યુરોપિયન રાજાઓ માત્ર જમીન કે સંસાધનો માટે યુદ્ધ નહોતા કરતા. તેઓ યુદ્ધમાં ઉતરતા હતા જેથી પોતાની સામરિક અને રાજકીય તાકાત સાબિત કરી શકે. જે રાજા પોતાની સરહદોનો વિસ્તાર કરવામાં કે દુશ્મનોને સજા કરવામાં નિષ્ફળ રહેતા, કે પછી નબળા દેખાતા ત્યારે તેની સામે વિદ્રોહ થતો હતો. તત્કાલિન પ્રજા પણ આવી જ વિદ્રોહી અને યુદ્ધખોર હતી.
આજના ચૂંટાયેલા કે સામ્યવાદી નેતાઓ, ભલે તેઓ ગમે એટલા આધુનિક દેખાતા હોય, લોકસમર્થન કે પછી બંધારણની અને વિકાસની વાતો કરતા હોય પણ તેઓ આવા જ માળખાકીય દબાણ હેઠળ છે. પ્રજાનું સમર્થન મેળવવા કે પછી સત્તા ટકાવી રાખવા માટે તેમણે બાહ્ય આક્રમકતા અને જિયોપોલિટિકલ પ્રદર્શન કરવું પડે છે. આ વલણ કોઈ એક રાજકીય વ્યવસ્થા પૂરતું સીમિત નથી. આ લોકશાહી, સરમુખત્યારશાહી અને મિશ્ર શાસન બધામાં સમાન રીતે કામ કરે છે.
વર્તમાન સમયમાં ઘણા દેશોમાં અને ખાસ કરીને મહાસત્તાઓમાં હવે લોકશાહીને માત્ર એક યાંત્રિક પ્રક્રિયા અને મતગણતરીની પ્રક્રિયા બનાવી દેવાઈ છે. લોકશાહીનો સાચો આત્મા મતદાનની પદ્ધતિમાં રહ્યો જ નથી. આવા દેશોમાં શાસકો ચૂંટણી જનાદેશ, બ્યુરોક્રસી કે કોર્પોરેટ સંપત્તિનો ઉપયોગ કરીને સત્તાનું કેન્દ્રીકરણ કરે છે, અસંમતિને કચડી નાખે છે અથવા વૈશ્વિક સામ્રાજ્યોને અધીન થઈ જાય છે, ત્યારે લોકશાહી બોદી થઈ જાય છે. જે બચે છે, તે માત્ર પ્રદર્શન છે, એટલે કે આધુનિક શબ્દાવલીમાં છુપાયેલું રાજતંત્ર.
આજની ઘટનાઓ આ વલણને વધુ સ્પષ્ટ કરે છે. પશ્ચિમ એશિયામાં ઈઝરાયેલ અને લેબનોન વચ્ચેના તાજેતરના સંઘર્ષેદર્શાવ્યું કે કેવી રીતે ચૂંટણીની કાયદેસરતા અને સામ્રાજ્યવાદી તાકાત એકબીજામાં ભળી જાય છે. ઈઝરાયેલે દક્ષિણ લેબનોનમાં ભારે સૈન્ય કાર્યવાહી કરી, જે પછી એક અસ્થાયી યુદ્ધવિરામની જાહેરાત થઈ. પરંતુ હિઝબુલ્લાએ તેને નકારી કાઢી અને સંપૂર્ણ પીછેહઠની માંગ કરી.
આ દરમિયાન અમેરિકાએ ઈરાન પર દબાણ વધાર્યું, જ્યારે તેહરાને ખાડીમાં અમેરિકી ઠેકાણાઓ પરના હુમલાને 'આત્મરક્ષા' ગણાવ્યો. લેબનોનના સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર માર્ચ ૨૦૨૬થી અત્યાર સુધીમાં ૩,૫૦૦ થી વધુ લોકો માર્યા ગયા છે અને ૧૦,૭૦૦ લોકો ઘાયલ થયા છે, જ્યારે ૧૨ લાખથી વધુ નાગરિકો વિસ્થાપિત થઈ ચૂક્યા છે. આ માનવીય સંકટ કોઈપણ લોકશાહી આદર્શથી પર જઈને સમ્રાજ્યવાદી શક્તિ પ્રદર્શનનો ભાગ બની ગયું છે.
વૈશ્વિક ઘટનાઓ પર નજર કરીએ તો, વોશિંગ્ટન અને મોસ્કો કે બેઈજિંગ બધા જ લોકશાહી કે સરમુખત્યારશાહીના પડદા પાછળ એ જ જૂનો મુગટ પહેરીને બેઠા છે. અમેરિકા પોતાના આંતરરાષ્ટ્રીય હસ્તક્ષેપોથી વૈશ્વિક પ્રભુત્વ દર્શાવે છે, જ્યારે રશિયા ચૂંટણીના આવરણમાં સરમુખત્યારશાહીને કાયદેસર ઠેરવે છે. ચીન જનલોકશાહીની ભાષામાં પોતાના સામ્રાજ્યવાદી કેન્દ્રીકરણને છુપાવે છે. પ્રાચીન અને આધુનિક વિશ્વ વચ્ચેની સમાનતા સ્પષ્ટ છે. મધ્યકાલીન રાજા દૈવી અધિકારનો દાવો કરતો હતો. આધુનિક નેતા બહુમતી કે ટેકનોલોજીકલ જનાદેશનો દાવો કરે છે. બંનેનો ઉદ્દેશ્ય એક જ છે -અસીમ સત્તા અને ટીકાકારોનું મૌન. સાચી લોકશાહી માત્ર મતગણતરી ન હોઈ શકે, પરંતુ તે સહ-અસ્તિત્વ, સમાન અધિકાર અને સાર્વભૌમત્વના સન્માન પ્રત્યેની જીવંત પ્રતિબદ્ધતા છે.
મહાસત્તાઓના રાજકીય ખેલ વચ્ચે ભારતને માત્ર હાથતાળી
વૈશ્વિક સ્તરે સત્તા, સંપત્તી, સામ્રાજ્યવાદનો જે ખેલ ચાલી રહ્યો છે તેમાં ભારતને માત્ર હાથતાળી આપવામાં આવી રહી છે. ભારતમાં એવો માહોલ ઊભો કરાયો છે કે, ભારતને દરેક મોટા દેશો, મહાસત્તાઓ દ્વારા સમર્થન આપવામાં આવે છે, મિત્ર ગણવામાં આવે છે પણ વૈશ્વિક ગઠબંધનોમાં ભારતની હાજરી માત્ર ફોટો પડાવવા પૂરતી જ સિમિત છે. મોટા વૈશ્વિક ગઠબંધનોમાં ભારતને સભ્યપદ આપવામાં આવે છે, યજમાની આપવામાં આવે છે પણ સત્તા આપવામાં આવતી નથી. દાયકાઓથી ભારત સાથે આવું જ કરવામાં આવી રહ્યું છે. ભારતની વિદેશનીતિએ જે રીતે દેવાળું ફુંકેલું છે તેના પગલે કોઈપણ દેશ તેને માત્ર વેપારના ભાગીદાર તરીકે ઓળખે છે. પહેલાં જેવી સંવેદના અને સશક્ત સંબંધો તેમની વચ્ચે રહ્યા નથી. ભારતનું જે માન હતું, ભારતનું વૈશ્વિક સ્તરે જે દબાણ હતું તેમાં મોટો ઘટાડો આવ્યો છે. એક તરફ મહાસત્તાઓ સામ્રાજ્યવાદને પ્રોત્સાહન આપી રહી છે. તેઓ મલ્ટિએલાયમેન્ટ પોલિસી દ્વારા પોતાની સત્તા, શક્તિ અને સૈન્યનો વિસ્તાર કરી રહ્યા છે ત્યાં ભારત આ જ નીતિ અપનાવીને સહાય માગવા સિવાય બીજું કશું જ કરી શકતો નથી. અમેરિકા હુમલા કરીને ઈરાનના ક્રૂડ ઉપર પોતાનો કબજો જમાવે છે, રશિયા પણ યૂક્રેન ઉપર હુમલો કરીને તેના માઈન્સ, મિનરલ્સ અને ગેસના પુરવઠા ઉપર કબજો કરવા માગે છે, ચીન પણ રેર અર્થ મિનરલ્સના પોતાના ભંડારોને સુરક્ષિત રાખીને આસપાસના દેશોમાં પોતાનું વર્ચસ્વ જમાવી રહ્યો છે. ભારતના નેતાઓ વિદેશ પ્રવાસો કરીને જાતભાતના કરાર કરીને સાધનો, સંસાધનો માગીને જરૂરિયાતો પૂરી કરી રહ્યા છે. તેનાથી વિશેષ હાલમાં ભારત કંઈ કરી શકે તેમ નથી.









