News Focus

ભારતથી ફ્રાન્સ, સ્પેનથી પાકિસ્તાન : દુનિયાભરમાં ચાલી રહ્યા છે વિરોધ પ્રદર્શનો

By GS Team
11 Oct 20267 mins read
TukuTouch Logo
ફ્રાન્સમાં શિક્ષણ અને વધતી નાણાકીય ખાધ સામે દેશવ્યાપી હડતાળ ચાલી રહી છે. સ્પેનમાં 87 વર્ષીય વૃદ્ધાને ઘર ખાલી કરાવાતા જનઆક્રોશ ફાટી નીકળ્યો. જાપાનમાં ઓકિનાવામાં અમેરિકન સૈનિક દ્વારા મહિલાની હત્યા બાદ લોકો રસ્તા પર ઉતરી આવ્યા. દુનિયાના ઘણા દેશોમાં હાલ રાજકીય, સામાજિક અને આર્થિક મુદ્દે વિરોધ પ્રદર્શનો દેખાઈ રહ્યા છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ભારતથી ફ્રાન્સ, સ્પેનથી પાકિસ્તાન : દુનિયાભરમાં ચાલી રહ્યા છે વિરોધ પ્રદર્શનો
  • ફ્રાન્સમાં શિક્ષણ માટે તો સ્પેનમાં વૃદ્ધાને ન્યાય માટે તો જાપાનમાં અમેરિકન સૈનિકોના અત્યાચાર સામે આંદોલન ચાલે છે
  • ફ્રાન્સમાં રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોંની સરકાર વધતી જતી રાષ્ટ્રીય નાણાકીય ખાધને અંકુશમાં લેવા ૫૪ અબજ યુરોનો કાપ મૂકતો બજેટ પ્રસ્તાવ લાવી છે. સરકારી કર્મચારીઓના વેતન સ્થગિત (ફ્રીઝ) કરવાની યોજના સામે ટ્રેડ યુનિયનો અને જાહેર ક્ષેત્રના કર્મચારીઓએ દેશવ્યાપી હડતાળ શરૂ કરી દીધી. આ ઉપરાંત શિક્ષણની સ્થિતિ પણ કફોડી હોવાથી વિદ્યાર્થીઓ આકરાપાણીએ છે : મેડ્રિડમાં છેલ્લાં ૭૦ વર્ષથી ભાડે રહેતા વૃદ્ધા મારિયા ડેલ કાર્મેન અબાસ્કલની ઈમારત એક આંતરરાષ્ટ્રીય ઇન્વેસ્ટમેન્ટ ફંડે ખરીદી લીધી અને તેમનું ભાડું ૨૦૦% કરતાં વધુ વધારી દીધું. વધેલું ભાડું ચૂકવવામાં અસમર્થ વ્હીલચેર પર રહેતાં આ વૃદ્ધાને સ્ટ્રેચર પર બહાર કાઢી મૂકવામાં આવ્યા. આ દ્રશ્યો ટીવી અને સોશિયલ મીડિયા પર વાયરલ થતાં સમગ્ર દેશમાં જનઆક્રોશ ફેલાયો : અમેરિકામાં ઓક્ટોબર ૨૦૨૪માં કાર્નેલ યુનિવર્સિટીના ફ્રેટર્નિટી હાઉસમાં એક વિદ્યાર્થિની સાથે કથિત સામુહિક દુષ્કર્મ અને નશીલો પદાર્થ આપવાનો કેસ સામે આવ્યો હતો. પીડિતા દ્વારા દાખલ કરાયેલી સિવિલ પિટિશન અને યુનિવર્સિટીનો આંતરિક શિસ્ત તપાસ અહેવાલ જાહેર થયા બાદ ગત અઠવાડિયાથી હજારો વિદ્યાર્થીઓ અને અધ્યાપકો રસ્તા પર ઉતરી આવ્યા

ભારતમાં ચૂંટણી પંચ દ્વારા વિવિધ રાજ્યોમાં હાથ ધરાયેલી મતદાર યાદીઓની વિશેષ સઘન પુનરીક્ષણ (જીૈંઇ) પ્રક્રિયા અંગે તાજેતરના દિવસોમાં વિવાદ સર્જાયો છે. મતદાર યાદીઓમાંથી કરોડોની સંખ્યામાં નામ કપાવા અને તેને ઉમેરવા માટે ફોર્મ-૬માં કરવામાં આવેલા ફેરફારોને લઈને છેલ્લા આશરે બે અઠવાડિયાથી વિરોધ પ્રદર્શનો ચાલી રહ્યા છે. હવે આ વિરોધ દેશની આર્થિક રાજધાની મુંબઈથી લઈને દેશની રાજધાની દિલ્હી સુધી પહોંચી ચૂક્યો છે. અહીંયા રાજકીય વંટોળ ફેલાયેલું છે અને લોકો પણ ઉશ્કેરાયેલા છે. આ માત્ર ભારતની સ્થિતિ નથી. દુનિયાના ઘણા દેશોમાં હાલમાં રાજકીય, સામાજિક અને આર્થિક મુદ્દે વિરોધ પ્રદર્શનો અને જનઆક્રોશ દેખાઈ રહ્યો છે.
ફ્રાન્સમાં છેલ્લાં પંદર દિવસથી હિંસક આંદોલન ચાલી રહ્યું છે. અહીંયા પ્રદર્શનોની શરૂઆત ૨૧ સપ્ટેમ્બરે પેરિસના વંચિત વિસ્તારોમાં વિદ્યાર્થીઓ દ્વારા શાળાઓના બહિષ્કારથી થઈ હતી. ઓક્ટોબરના પ્રથમ સપ્તાહ સુધીમાં આ આંદોલન ત્રીજા સપ્તાહમાં પ્રવેશી ચૂક્યું છે અને જનઆંદોલનમાં ફેરવાઈ ગયું છે. માર્સેલી, લ્યોન, સ્ટ્રાસબર્ગ અને બોર્દો જેવાં મોટા શહેરોમાં પણ વિરોધ પ્રદર્શનો ચાલુ છે. ફ્રાન્સની હાઈસ્કૂલોમાં શિક્ષકોની ભારે અછત છે અને ખાલી પડેલી જગ્યાઓ પર નવી ભરતી કાં તો અટકી પડી છે અથવા અત્યંત ધીમી ચાલી રહી છે. ઉનાળાની આકરી ગરમી દરમિયાન વર્ગખંડોમાં એસીનો અભાવ, ક્ષમતા કરતાં વધુ બાળકો અને ભણતરના લાંબા કલાકોએ વિદ્યાર્થીઓના અસંતોષને વધારી દીધો. રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોંની સરકાર વધતી જતી રાષ્ટ્રીય નાણાકીય ખાધને અંકુશમાં લેવા ૫૪ અબજ યુરોનો કાપ મૂકતો બજેટ પ્રસ્તાવ લાવી છે. સરકારી કર્મચારીઓના વેતન સ્થગિત (ફ્રીઝ) કરવાની યોજના સામે ટ્રેડ યુનિયનો અને જાહેર ક્ષેત્રના કર્મચારીઓએ દેશવ્યાપી હડતાળ શરૂ કરી દીધી. આ ઉપરાંત ઇંધણ અને દૈનિક જીવનજરૂરી ચીજવસ્તુઓના વધતા ભાવ અને સરકારી સેવાઓ પર ખર્ચ ઘટાડવાની નીતિ સામે પણ જનતામાં ઉગ્ર રોષ છે.
આ ઉપરાંત સ્પેનમાં પણ એક મહિલાને ઘર ખાલી કરાવવા મુદ્દે વ્યાપક આંદોલન ચાલી રહ્યું છે. મેડ્રિડમાં ૮૭ વર્ષીય વૃદ્ધા મારિયા ડેલ કાર્મેન અબાસ્કલ (મારીકાર્મેન)ને ૨૩ સપ્ટેમ્બરે ઘર ખાલી કરાવી બહાર ફેંકી દેવાયા બાદ આંદોલનની શરૂઆત થઈ. ત્યારબાદ આશરે ૧,૦૦૦ દેખાવકારોએ મેડ્રિડના પુએર્તા ડેલ સોલ અને બાસલોનાના પ્લાઝા કેટાલોનિયા ખાતે તંબૂ લગાવીને અચોક્કસ મુદતના ધરણાં શરૂ કર્યા. ૩-૪ ઓક્ટોબરે સ્પેનની સંસદમાં હાઉસિંગ રાહત સંબંધિત વિધેયકો ફગાવી દેવાતાં મેડ્રિડ, બાર્સિલોના અને વેલેન્સિયામાં હજારો લોકો માર્ગો પર ઉતરી આવ્યા.
મેડ્રિડમાં છેલ્લાં ૭૦ વર્ષથી ભાડે રહેતા વૃદ્ધા મારિયા ડેલ કાર્મેન અબાસ્કલની ઈમારત એક આંતરરાષ્ટ્રીય ઇન્વેસ્ટમેન્ટ ફંડે ખરીદી લીધી અને તેમનું ભાડું ૨૦૦% કરતાં વધુ વધારી દીધું. વધેલું ભાડું ચૂકવવામાં અસમર્થ વ્હીલચેર પર રહેતાં આ વૃદ્ધાને સ્ટ્રેચર પર બહાર કાઢી મૂકવામાં આવ્યા. આ દ્રશ્યો ટીવી અને સોશિયલ મીડિયા પર વાયરલ થતાં સમગ્ર દેશમાં જનઆક્રોશ ફેલાયો. સ્પેનમાં છેલ્લાં ૧૦ વર્ષમાં સરેરાશ મકાન ભાડું બમણું થઈ ચૂક્યું છે, જેના કારણે ગંભીર આવાસ કટોકટી સર્જાઈ છે. દેશમાં ભાડે રહેતા ૨૬% લોકો પોતાની કુલ આવકનો ૪૦%થી વધુ હિસ્સો માત્ર ઘરભાડું અને વીજળી-પાણીના બિલ પાછળ ખર્ચવા મજબૂર છે, જેનાથી બચત અશક્ય બની ગઈ છે. દેશમાં સરકારી સોશિયલ હાઉસિંગ કુલ ઉપલબ્ધ આવાસના ૨%થી પણ ઓછું છે. સાથે એરબીએનબી જેવા પ્રવાસી એપાર્ટમેન્ટ પ્લેટફોર્મ્સ અને રિયલ એસ્ટેટ સટ્ટાખોરીએ ભાડાં આસમાને પહોંચાડી દીધાં છે.
ભારતના પાડોશી દેશ પાકિસ્તાનમાં પણ વિરોધ અને વિદ્રોહની સ્થિતિ સર્જાયેલી છે. પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનની પાર્ટી 'પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ' (PTI)ના સમર્થકોએ ૪ ઓક્ટોબરે 'લોંગ માર્ચ'ની શરૂઆત કરી. આ કૂચ ઉત્તર-પશ્ચિમ પાકિસ્તાનના ખૈબર પખ્તૂનખ્વા પ્રાંતના લક્કી મરવત શહેરથી શરૂ થઈ છે અને ઇસ્લામાબાદથી આશરે ૮૦ કિમી દૂર ખૈરાબાદ તરફ આગળ વધી રહી છે. પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાન ઓગસ્ટ ૨૦૨૩થી જેલમાં બંધ છે. તેમની પાર્ટીનો આરોપ છે કે તેમના પર નોંધાયેલા ૧૦૦થી વધુ કેસ રાજકીય કિન્નાખોરીથી પ્રેરિત છે. ૭૩ વર્ષીય ઈમરાન ખાનની જેલમાં કથળતી તબિયત અને સારવારના અભાવે ચિંતા વધી છે. પરિવારનો દાવો છે કે નિષ્ણાત સારવાર ન મળવાને કારણે તેમની જમણી આંખની દ્રષ્ટિ નોંધપાત્ર ઘટી ગઈ છે.
પાર્ર્ટી નેતાઓને ઈમરાન ખાનને મળવા દેવાની અને સ્વતંત્ર તબીબી તપાસ કરાવવાની પીટીઆઈની માંગણી સરકારે ફગાવી દીધી. ખૈબર પખ્તૂનખ્વાના મુખ્યમંત્રી સોહેલ આફ્રિદીના નેતૃત્વ હેઠળ ૫,૦૦૦થી વધુ પીટીઆઈ કાર્યકરો અને સમર્થકો લાલ-લીલા ઝંડાઓ સાથે માર્ગો પર આગળ વધી રહ્યા છે. નેતૃત્વ મુજબ, ખૈરાબાદ પહોંચ્યા પછી આંદોલનના આગળના તબક્કાની યોજના જાહેર કરાશે. ઇસ્લામાબાદ તરફની કૂચ રોકવા વહીવટીતંત્રે કડક સુરક્ષા બંદોબસ્ત ગોઠવ્યો છે. પાકિસ્તાનના ગૃહમંત્રી મોહસિન નકવીએ ચેતવણી આપી છે કે હાઈવે કે માર્ગો રોકનારા તમામ પીટીઆઈ નેતાઓ અને કાર્યકરો સામે કડક કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે.
એક તરફ અમેરિકા ચારે તરફ યુદ્ધ કરી રહ્યું છે, ટ્રમ્પ અવિચારી નિર્ણયોથી રમખાણ મચાવી રહ્યા છે ત્યાં તેમના દેશમાં જ વિરોધ પ્રદર્શનો ચાલી રહ્યા છે. અમેરિકામાં તાજેતરમાં ભડકેલા વિરોધનું મૂળ બે વર્ષ જૂના વિવાદમાં છે. ઓક્ટોબર ૨૦૨૪માં કાર્નેલ યુનિવર્સિટીના ફ્રેટર્નિટી હાઉસમાં એક વિદ્યાર્થિની સાથે કથિત સામુહિક દુષ્કર્મ અને નશીલો પદાર્થ આપવાનો મામલો સામે આવ્યો હતો. પીડિતા દ્વારા સપ્ટેમ્બર ૨૦૨૬માં દાખલ કરાયેલી સિવિલ પિટિશન અને યુનિવસટીનો આંતરિક શિસ્ત તપાસ અહેવાલ જાહેર થયા બાદ ઓક્ટોબર ૨૦૨૬ના પ્રથમ સપ્તાહમાં (૫ ઓક્ટોબરે) હજારો વિદ્યાર્થીઓ અને અધ્યાપકો રસ્તા પર ઉતરી આવ્યા. ઉલ્લેખનીય છે કે, ૨૦૨૪માં ફી ફાઈ (Chi Phi) ફ્રેટર્નિટી હાઉસમાં એક યુવતીને દારૂ અને કેટામાઈન આપીને કથિત રીતે શારીરિક શોષણ કરવામાં આવ્યું હતું. યુનિવર્સિટીની આંતરિક તપાસમાં ૭ આરોપી વિદ્યાર્થીઓમાંથી માત્ર ૨ને જ સસ્પેન્ડ કરાયા, જ્યારે બાકીના આરોપીઓને માત્ર નિબંધ લખવા, હળવા સસ્પેન્શન કે ડિસ્ક્લોઝર જેવી નામ માત્રની સજા આપવામાં આવી. સ્થાનિક ડિસ્ટ્રિક્ટ એટર્ની (DA) દ્વારા પૂરતા પુરાવાના અભાવે કોઈ ફોજદારી કેસ નોંધવામાં આવ્યો નહોતો. નવા ઘટસ્ફોટ બાદ હવે સમગ્ર મામલાની નવેસરથી તપાસ શરૂ થઈ છે. લોકોનો આક્ષેપ છે કે યુનિવર્સિટી તંત્ર મહિલાઓની સુરક્ષા કરવામાં નિષ્ફળ રહ્યું છે અને પીડિતાને ન્યાય અપાવવાને બદલે ફ્રેટર્નિટી ક્લબોનો બચાવ કરી રહ્યું છે.
પશ્ચિમના દેશોની વાત કરીએ તો અમેરિકાની જેમ બ્રિટનની સ્થિતિ પણ બગડેલી જ છે. બ્રિટનમાં હાલ ત્રણ પ્રકારના વિરોધ પ્રદર્શનો ચાલી રહ્યા છે. બ્રિટનમાં 'પુલ ધ પ્લગ' જેવા સક્રિય વિરોધ જૂથોની શરૂઆત જાન્યુઆરી ૨૦૨૬માં થઈ હતી. સપ્ટેમ્બર અને ઓક્ટોબર ૨૦૨૬ દરમિયાન આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) સલામતી સંબંધિત ગંભીર ચેતવણીઓ બાદ આ આંદોલન વેગવંતુ બન્યું છે.
OpenAIના ટ્રેનિંગ સેન્ડબોક્સમાંથી AI એજન્ટ્સ બહાર નીકળી વેબસાઈટ હેક કરવાની ઘટના અને એન્થ્રોપિકના સંશોધક જેકબ કોક્સને 'AI માનવ સંસ્કૃતિનો નાશ કરી શકે છે' તેવી ચેતવણી સાથે આપેલા રાજીનામાએ લોકોમાં ચિંતા અને ભય વધાર્યો.
દેખાવકારોનો આરોપ છે કે સામાન્ય જનતાની સંમતિ વિના એનવીડિયા અને પેલેન્ટિર જેવી ટેક જાયન્ટ્સ વિશાળ ડેટા સેન્ટર્સ સ્થાપી રહી છે. ૧ ઓક્ટોબરે લંડનમાં પેલેન્ટિર મુખ્યાલય બહાર સેંકડો લોકોએ વિરોધ કર્યો અને એનવીડિયાના એક ટેક ઈન્ડસ્ટ્રી ડિનરમાં ઘૂસીને કાર્યકરોએ ભારે હંગામો મચાવ્યો.
બીજી તરફ આ વિરોધ પ્રદર્શનો ૪ ઓક્ટોબર ૨૦૨૬ (રવિવાર)થી શરૂ થયા. ઇંગ્લિશ ચેનલ (દરિયાઈ સરહદ)માંથી બચાવાયેલા ૧૪૯ શરણાર્થીઓને હેમ્પશાયરના ગોસ્પોર્ટ સ્થિત મરિના લાવવામાં આવતાં સ્થાનિક રહેવાસીઓમાં રોષ ફાટી નીકળ્યો. દેખાવકારોએ 'ઘૂસણખોરોને બહાર કાઢો' અને સરકાર વિરોધી સૂત્રોચ્ચાર કરીને પોલીસ વાહનો રોકવાનો પ્રયાસ કર્યો. અથડામણ અને પોલીસ પર હુમલાના આરોપસર ૧૨ લોકોની ધરપકડ કરવામાં આવી છે.

જાપાનમાં તો અમેરિકન સેના સામે જ વિરોધ અને વિદ્રોહ વધ્યો છે

એશિયામાં ભારત અને પાકિસ્તાનને બાદ કરતા જાપાનમાં પણ વિરોધનું વાવાઝોડું કેર વર્તાવી રહ્યું છે. જાપાનમાં ૩ ઓક્ટોબરના રોજ ઓકિનાવામાં એક મહિલાની હત્યા બાદ ૫ ઓક્ટોબર ૨૦૨૬ના રોજ ટોક્યોમાં વડાપ્રધાન કાર્યાલય બહાર અને ઓકિનાવાની રાજધાની નાહા ખાતે ઉગ્ર વિરોધ પ્રદર્શનો ફાટી નીકળ્યા. ઓકિનાવાના નાહા સ્થિત એક હોટલમાં ૩૯ વર્ષીય જાપાની મહિલા અન્ના યાગીનું કથિત રીતે ગળું દબાવીને હત્યા કરવામાં આવી અને તેમનું પર્સ-બેગ લૂંટી લેવામાં આવ્યા. આ ગુનામાં અમેરિકન મરીન કોર્પ્સના ૨૦ વર્ષીય સૈનિક ડેવિન જેકબ બેલાર્ડને મુખ્ય શંકાસ્પદ આરોપી તરીકે અટકાયતમાં લેવાયો છે. આ જઘન્ય હત્યા બાદ જાપાનના નાગરિકો 'જાતીય હિંસા બંધ કરો' લખેલાં પ્લેકાર્ડ સાથે અમેરિકન સૈન્ય વિરુદ્ધ રસ્તા પર ઉતરી આવ્યા. જાપાનમાં તહેનાત મોટાભાગનું યુએસ સૈન્ય (આશરે ૧૮,૦૦૦ મરીન જવાનો) ઓકિનાવામાં જ કેન્દ્રિત છે. ભૂતકાળમાં પણ યુએસ સૈનિકો દ્વારા આચરેલા ગુનાઓ (જેમ કે ૧૯૯૫માં ૧૨ વર્ષની બાળકી પર દુષ્કર્મ) અને અકસ્માતોને લીધે સ્થાનિકોમાં વિદેશી સૈન્ય હાજરી સામે લાંબા સમયથી ભારે આક્રોશ છે. જાપાનના વડાપ્રધાન સનાએ તાકાઈચીએ આ ઘટનાને 'અત્યંત ક્રૂર અને ઘૃણાસ્પદ' ગણાવી અમેરિકી વહીવટીતંત્ર સમક્ષ ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે અને ભવિષ્યમાં આવી ઘટનાઓ ન બને તે માટે કડક પગલાંની માંગ કરી છે. વધતા જનઆક્રોશ વચ્ચે યુએસ સૈન્ય કમાન્ડે ઓકિનાવામાં તહેનાત પોતાના તમામ સૈનિકો પર એક મહિનાનો નાઈટ કરફ્યુ અને દારૂ પીવા પર સંપૂર્ણ પ્રતિબંધ લાદી દીધો છે, સાથે જ ૪૮ કલાક માટે નિયમિત સૈન્ય અભ્યાસ અટકાવીને શિસ્ત તાલીમ શરૂ કરી છે.