News Focus

ફ્રીડમ ફ્યૂઅલ : ભારતને દબાવવા અમેરિકાની નૈતિકતાનો નફ્ફટ નાચ

By GS Team
18 Oct 20267 mins read
TukuTouch Logo
અમેરિકામાં ડીઝલના ભાવ 6.52 ડોલર પહોંચતા, ટ્રમ્પે ચૂંટણી જીતવા જૂનો કાયદો નેવે મૂકી રશિયા પાસેથી ક્રૂડ ખરીદ્યું. સપ્ટેમ્બર 2026માં 'લિન્ડસે ઓ. ગ્રેહામ સેન્ક્શનિંગ રશિયા એન્ડ ઈરાન એક્ટ' દ્વારા રશિયા પાસેથી ક્રૂડ ખરીદનારા દેશો પર 100% ટેરિફની ધમકી અપાઈ હતી. જોકે, હવે અમેરિકા ખુદ રશિયન ડીઝલ આયાત કરશે.

Summarized by AI; it may make mistakes. Check important info

ફ્રીડમ ફ્યૂઅલ : ભારતને દબાવવા અમેરિકાની નૈતિકતાનો નફ્ફટ નાચ
  • રશિયન ક્રૂડ મુદ્દે દુનિયાને ડરાવતા ટ્રમ્પે ચૂંટણીનો રેલો આવતા પડદા પાછળ રશિયન શુદ્ધ ક્રૂડ ખરીદવા દરવાજા ખોલી કાઢયા
  • નૈતિક નાટક પોતાની ચરમસીમાએ પહોંચ્યું સપ્ટેમ્બર ૨૦૨૬માં. યુએસ કોંગ્રેસમાં ભારે દેશભક્તિના સૂત્રોચ્ચાર અને બંને મુખ્ય પક્ષોના અભૂતપૂર્વ સમર્થન સાથે 'લિન્ડસે ઓ. ગ્રેહામ સેન્ક્શનિંગ રશિયા એન્ડ ઈરાન એક્ટ' પસાર કરવામાં આવ્યો. તેના હેઠળ રશિયા પાસેથી ક્રૂડ લેનારા ભારત, ચીન જેવા દેશો ઉપર ૧૦૦ ટકા ટેરિફ નાખવાની ધમકીઓ અપાઈ : બરાબર ચૂંટણીના ઉંબરે અમેરિકામાં ડીઝલના ભાવ પ્રતિ ગેલન ૬.૫૨ ડૉલરની સર્વકાલીન ઊંચાઈએ પહોંચી ગયા. દેશના પાયા સમાન ખેડૂતો, ઔદ્યોગિક પરિવહન ક્ષેત્ર અને ટ્રક ચાલકો રસ્તા પર આવી ગયા. જનતામાં વિરોધનો વંટોળ ઊભો થયો. સત્તાધારી પક્ષને સંસદમાં પોતાની બહુમતી ગુમાવવાનો સ્પષ્ટ ડર દેખાવા લાગ્યો અને ટ્રમ્પે નફ્ફટાઈની પરાકાષ્ઠાએ પહોંચીને રશિયન ક્રૂડની આયાત માટે કાયદો નેવે મૂકી દીધો : અમેરિકી તિજોરી ભલે ક્રેમલિનના ડીઝલ જહાજોને લાલ જાજમ પાથરીને આવકારે, ભારત પોતાના ૧૪૦ કરોડ લોકોની ઊર્જા સુરક્ષા અને આર્થિક સ્વાતંત્ર્યને સૌથી ઉપર રાખશે. જ્યારે કોઈ મહાસત્તાનું વર્તન આટલં સ્પષ્ટપણે દંભી, અસંગત અને સ્વાર્થી સાબિત થઈ ચૂક્યું હોય, ત્યારે તેની સાથે કાયદાના નિયમો પર દલીલ કરવામાં સમય બગાડવો નિરર્થક છે

છેલ્લા કેટલાક વર્ષોથી આંતરરાષ્ટ્રીય કૂટનીતિના રંગમંચ પર એક અત્યંત રોચક અને નાટકીય ખેલ ભજવાઈ રહ્યો છે. આ ખેલનું નામ છે: વોશિંગ્ટનનો વૈશ્વિક નૈતિકતાનો નફ્ફટ ઉપદેશ. જ્યારે ૧.૪ અબજ નાગરિકોના વિશાળ દેશ ભારતે પોતાના સામાન્ય જનજીવનને ઊર્જા સંકટના અંધકારમાંથી ઉગારવા માટે રશિયા પાસેથી રાહતદરે ક્રૂડ ઓઇલ આયાત કરવાનું શરૂ કર્યું, ત્યારે પશ્ચિમી મીડિયા અને વોશિંગ્ટનના થિંક-ટેન્કોમાં આક્રોશ ફાટી નીકળ્યો હતો. આપણને આંતરરાષ્ટ્રીય મંચો પર ઊભા રાખીને અપરાધી સાબિત કરવાનો પૂરજોશ પ્રયાસ થયો. ભાષણો આપવામાં આવ્યા કે ભારત દ્વારા ખરીદાયેલા રશિયન તેલનું એક-એક ટીપું વ્લાદિમીર પુતિનના યુદ્ધતંત્રને લોહી પૂરું પાડી રહ્યું છે. પશ્ચિમે ભારતને આર્થિક બહિષ્કારની ધમકીઓ આપી, રાજદ્વારી દબાણ ઊભું કર્યું અને 'રૂલ્સ-બેઝ્ડ ઇન્ટરનેશનલ ઓર્ડર' એટલે કે નિયમ-આધારિત આંતરરાષ્ટ્રીય વ્યવસ્થાના નામે નીતિશાસ્ત્રના બોધપાઠ આપ્યા.
રાજદ્વારી ઇતિહાસ સાક્ષી છે કે પશ્ચિમી દેશો જ્યારે પોતાના સિદ્ધાંતોનું માર્કેટિંગ કરે છે, ત્યારે તેમાં સૌથી મોટો સ્વાર્થ છુપાયેલો હોય છે. વર્ષ ૨૦૨૫માં જ્યારે ડોનાલ્ડ ટ્રમ્પે ભારતીય નિકાસો પર ૨૫ ટકા દંડાત્મક ટેરિફ લાદવાની જાહેરાત કરી, ત્યારે તેને વિશ્વ સમક્ષ આંતરરાષ્ટ્રીય સદાચારના પાઠ તરીકે રજૂ કરવામાં આવ્યો હતો. વોશિંગ્ટનથી સ્પષ્ટ ફરમાન સંભળાવાયું હતું કે રશિયન હાઇડ્રોકાર્બન્સના અણુ-અણુમાં અનૈતિકતા સમાયેલી છે, જ્યારે અમેરિકાનું નૈતિક ચારિત્ર્ય સંપૂર્ણપણે પવિત્ર અને અડગ છે. આખી દુનિયાએ અમેરિકી નેતૃત્વની આ આચારસંહિતાનું મૂકપણે પાલન કરવું પડશે, નહીંતર આર્થિક બહિષ્કાર માટે તૈયાર રહેવું પડશે.
આ નૈતિક નાટક પોતાની ચરમસીમાએ પહોંચ્યું સપ્ટેમ્બર ૨૦૨૬માં. યુએસ કોંગ્રેસમાં ભારે દેશભક્તિના સૂત્રોચ્ચાર અને બંને મુખ્ય પક્ષોના અભૂતપૂર્વ સમર્થન સાથે 'લિન્ડસે ઓ.ગ્રેહામ સેન્ક્શનિંગ રશિયા એન્ડ ઈરાન એક્ટ' પસાર કરવામાં આવ્યો. રાષ્ટ્રપતિ ટ્રમ્પે અત્યંત ગર્વ સાથે ટીવી કેમેરા સામે આ કાયદા પર હસ્તાક્ષર કર્યા. આ કાયદા દ્વારા અમેરિકન વહીવટીતંત્રને એવી અસિમિત સત્તા મળી ગઈ કે તે રશિયા પાસેથી ઊર્જા ખરીદવાની હિમાકત કરનારા ભારત અને ચીન જેવા દેશો પર ૧૦૦ ટકા જેટલો આકરો ટેરિફ લાદી શકે. કપિટલ હિલના ગલિયારાઓમાંથી ગૂંજતી નૈતિક સ્પષ્ટતા એટલી પ્રચંડ હતી કે સામાન્ય માણસ પણ માની બેસે કે અમેરિકા વિશ્વમાંથી પાપનો નાશ કરવા નીકળ્યું છે. અમેરિકી સેનેટરોએ ભારતને સંબોધીને જાહેરમાં ઘમંડભર્યા પ્રવચનો આપ્યા કે ભારતે હવે 'પોતાનું વર્તન સુધારવું પડશે' અને પોતાનું ક્રૂડ ઓઇલ 'ક્યાંક બીજેથી' ખરીદવું પડશે. ભારતના કરોડો પરિવારોના રસોડાના બજેટ કે ગરીબોની ભૂખમરા સામેની લડાઈ કરતાં અમેરિકી સેનેટરોની કાલ્પનિક નૈતિકતા વધુ મહત્વની ગણવામાં આવી.
જો કે, કેલેન્ડરના પાનાં પલટાયા અને તાજેતરમાં ઓક્ટોબર મહિનો આવ્યો. અમેરિકામાં મિડટર્મ ચૂંટણીઓનો માહોલ ગરમાયો હતો. સામાન્ય અમેરિકન મતદાર રોજિંદા ખર્ચ અને મોંઘવારીથી ત્રસ્ત હતો. બરાબર ચૂંટણીના ઉંબરે અમેરિકામાં ડીઝલના ભાવ પ્રતિ ગેલન ૬.૫૨ ડૉલરની સર્વકાલીન ઊંચાઈએ પહોંચી ગયા. દેશના પાયા સમાન ખેડૂતો, ઔદ્યોગિક પરિવહન ક્ષેત્ર અને ટ્રક ચાલકો રસ્તા પર આવી ગયા. ગ્રોસરી સ્ટોર્સમાં ચીજવસ્તુઓના ભાવ આસમાને પહોંચતાં જનતામાં વિરોધનો વંટોળ ઊભો થયો. સત્તાધારી પક્ષને સંસદમાં પોતાની બહુમતી ગુમાવવાનો સ્પષ્ટ ડર દેખાવા લાગ્યો. પછી જે બન્યું, તે અકલ્પનીય હતું. વોશિંગ્ટનની અતૂટ ગણાતી નૈતિકતાનું મહોરું ખુલી ગયું. આખી દુનિયાએ જોયું કે અમેરિકી ઉચ્ચ સિદ્ધાંતોની એક અત્યંત મર્યાદિત 'એક્સપાયરી ડેટ' હોય છે, જે ઘરેલું ચૂંટણીની તારીખો સાથે સીધી જોડાયેલી છે.
ત્યારબાદ વ્હાઇટ હાઉસે જે પગલું ભર્યું, તેની નફ્ફટાઈની પરાકાષ્ટા હતી. જે કાયદો હજુ માંડ ત્રણ અઠવાડિયાં પહેલાં જ રાષ્ટ્રપતિના હસ્તાક્ષરથી અમલમાં આવ્યો હતો, તે જ કાયદાને ખુદ રાષ્ટ્રપતિ ટ્રમ્પે કચરાની ટોપલીમાં પધરાવી દીધો. તેમણે પડદા પાછળ વ્લાદિમીર પુતિન સાથે એક અતિવિશાળ ઊર્જા ડીલ ફાઇનલ કરી નાખી. આ કરાર હેઠળ ૪.૮ મિલિયન ટન રશિયન શુદ્ધ ડીઝલ સીધું અમેરિકન બંદરો પર આયાત કરવાની મંજૂરી આપવામાં આવી. જે વહીવટીતંત્ર સામાન્ય દિવસોમાં નાના કાયદાકીય કાગળિયાં ખસેડવામાં મહિનાઓ વીતાવી દે છે, તે જ યુએસ ટ્રેઝરી ડિપાર્ટમેન્ટે અકલ્પનીય કાર્યક્ષમતા બતાવી. તેમણે રાતોરાત એક હંગામી જનરલ લાયસન્સ જારી કરી દીધું, જેનાથી ઊર્જા પ્રતિબંધો હળવા થઈ ગયા અને રશિયન ડીઝલ ટેન્કરો માટે એપ્રિલ ૨૦૨૭ સુધી અમેરિકાના દરવાજા પહોળા થઈને ખુલી ગયા.
આ ઘટનાનું થોડું ગંભીર અને તટસ્થ પૃથક્કરણ કરીએ તો આંતરરાષ્ટ્રીય રાજકારણનો દંભ પૂરેપૂરો ઉઘાડો પડી જાય છે. જ્યારે ભારત જેવો વિકાસશીલ દેશ પોતાની ૧૪૦ કરોડની પ્રજાને આર્થિક પીડા અને મોંઘવારીથી બચાવવા માટે રશિયન ક્રૂડ ખરીદે છે, ત્યારે તેને પશ્ચિમની નજરમાં 'નૈતિક પતન' અને 'માનવતા વિરુદ્ધનો અપરાધ' ગણાવીને ૧૦૦ ટકા ટેરિફની ધમકી આપવામાં આવે છે. પરંતુ જ્યારે ટ્રમ્પ પોતાની રાજકીય ખુરશી બચાવવા અને ચૂંટણીમાં હારના ડરથી શુદ્ધ રશિયન ડીઝલ ખરીદે છે, ત્યારે તે એકાએક 'મુત્સદ્દીગીરીનું ઉચ્ચ સ્તરનું વ્યવહારુ પગલું' બની જાય છે. આ તર્ક સાંભળીને આખી દુનિયા સ્તબ્ધ છે. એવું લાગે છે કે રશિયન ઊર્જા માત્ર ત્યારે જ ક્રેમલિનના યુદ્ધતંત્રને પોષે છે જ્યારે તેનું પેમેન્ટ ભારતીય રૂપિયામાં થાય; પરંતુ જ્યારે એ જ ઊર્જા માટે વોશિંગ્ટનમાંથી લીલા રંગના અમેરિકન ડાલરો વહે છે, ત્યારે તે નાણાં પવિત્ર બની જાય છે અને તેમાંથી કોઈ યુદ્ધ ભંડોળ ઊભું થતું નથી.
પૃથ્વીના ઉત્તર અને દક્ષિણ ગોળાર્ધ વચ્ચે આર્થિક સિદ્ધાંતો આટલી હદે કેમ બદલાઈ જાય છે? નવી દિલ્હી જ્યારે પોતાના નાગરિકો માટે મોંઘવારીનો ઉકેલ શોધે છે ત્યારે તે આંતરરાષ્ટ્રીય વ્યવસ્થા માટે ખતરો ગણાય. પરંતુ જ્યારે ટ્રમ્પ ચૂંટણી જીતવા માટે તેલના ભાવ કાબૂમાં રાખવા માગે, ત્યારે રશિયન ડીઝલનું શુદ્ધિકરણ થઈને તે 'ફ્રીડમ ફ્યુઅલ' બની જાય છે. આપણે ટ્રમ્પ વહીવટીતંત્રની નૈતિક કસરતની પ્રશંસા કરવી પડેત તેમણે સાબિત કરી દીધું કે તેમના માટે 'અમેરિકા ફર્સ્ટ'નો વાસ્તવિક અર્થ 'દંભ સર્વોપરી' છે.
આટલા પ્રચંડ વિરોધાભાસને ઢાંકવા માટે પ્રમુખ તરફથી એક નવો જ હાસ્યાસ્પદ દાવો રજૂ કરવામાં આવ્યો. તેમણે જાહેર કર્યું કે રશિયા અને યુક્રેન વચ્ચે 'ઊર્જા યુદ્ધવિરામ' પર સહમતિ સધાઈ ગઈ છે. જોકે આ દાવાનું આયુષ્ય ચોવીસ કલાક પણ ન ટકી શક્યું. બીજા જ દિવસે સવારે રશિયન ગ્લાઇડ બોમ્બ યુક્રેનના રહેણાંક વિસ્તારો અને પાવર ગ્રીડ પર ત્રાટક્યા અને યુક્રેનિયન પ્રમુખ ઝેલેન્સ્કીએ ખુલ્લેઆમ કહ્યું કે આવો કોઈ યુદ્ધવિરામ થયો જ નથી. જ્યારે અમેરિકી મીડિયાએ ટ્રમ્પને આ વિસંગતતા વિશે સવાલ પૂછયા, ત્યારે તેમણે અત્યંત બેદરકારીથી કહી દીધું કે 'હવે કદાચ યુક્રેને નવો પ્રમુખ શોધવાનો સમય આવી ગયો છે.' બસ, સમસ્યાનું સમાધાન થઈ ગયું. પોતાના સ્વાર્થ ખાતર પોતાના જ સાથી રાષ્ટ્રોને રઝળતા મૂકી દેવાની પશ્ચિમની આ જૂની આદત ફરી એકવાર ચરિતાર્થ થઈ. અમેરિકાની સંસદ પણ પોતાના શાસકોના આ યુ-ટર્નથી ચકરાવે ચડી ગઈ છે. બંને પક્ષોના તટસ્થ ધારાશાસ્ત્રીઓ આંગળી ચીંધી રહ્યા છે કે રશિયન તેલની આ સીધી આયાત વર્ષ ૨૦૨૨ના એ સંઘીય કાયદાનું સીધું ઉલ્લંઘન છે, જેમાં રશિયન ઊર્જા પર પૂર્ણ પ્રતિબંધ મુકાયો હતો.

અમેરિકા પોતે કરે તે વ્યવહારુ અને બીજા દેશો કરે તે માનવતા સામેનો ગુનો

ઉલ્લેખનીય છે કે, નવી દિલ્હીના રાયસિના હિલ પર બેસીને ભારત આ સમગ્ર પરિદ્રશ્યને ખૂબ જ ગંભીરતાથી અને સ્મિત સાથે મૂલવી રહ્યું છે.
આ ઘટનાક્રમે ભારત અને સમગ્ર ગ્લોબલ સાઉથને એક મોટો પાઠ ભણાવ્યો છે, પશ્ચિમી પ્રતિબંધો કોઈ ન્યાય, સમાનતા કે વૈશ્વિક શાંતિના અડગ સ્તંભ નથી. તેઓ વાસ્તવમાં એક અત્યંત દંભી અને સગવડિયો વ્યવહાર છે. જ્યારે વોશિંગ્ટનમાં સત્તાની ઠંડી હવા ફૂંકાય અને ઘરેલું ચૂંટણી હારવાનો ભય પેદા થાય, ત્યારે એ પડદો હટાવીને રશિયન ડીઝલની હૂંફ લઈ લેવામાં આવે છે; અને જ્યારે બીજા કોઈ દેશ પર દબદબો જમાવવો હોય, ત્યારે એ જ બાબતને હથિયાર તરીકે આગળ ધરીને માનવતા અને કાયદાના પ્રવચનો શરૂ કરી દેવાય છે. આવા સંજોગોમાં ભારત જેવા સ્વતંત્ર રાષ્ટ્ર માટે સ્પષ્ટ સંદેશ છે કે આપણે કોઈના ખોટા નૈતિક દબાણ હેઠળ આવવાની જરૂર નથી. અમેરિકી તિજોરી ભલે ક્રેમલિનના ડીઝલ જહાજોને લાલ જાજમ પાથરીને આવકારે, ભારત પોતાના ૧૪૦ કરોડ લોકોની ઊર્જા સુરક્ષા અને આર્થિક સ્વાતંત્ર્યને સૌથી ઉપર રાખશે.
જ્યારે કોઈ મહાસત્તાનું વર્તન આટલું સ્પષ્ટપણે દંભી, અસંગત અને સ્વાર્થી સાબિત થઈ ચૂક્યું હોય, ત્યારે તેની સાથે કાયદાના નિયમો પર દલીલ કરવામાં સમય બગાડવો નિરર્થક છે. વોશિંગ્ટનના આપણા મિત્રો માટે હવે ભારતીય જનતા તરફથી એક જ સંદેશ છે, તમારા નવા આયાત કરેલા, પ્રીમિયમ રશિયન ડીઝલ પર કોઈપણ અપરાધભાવ વિના વૈભવી સવારીની મજા માણો.
લિન્ડસે ગ્રેહામ એક્ટની ચિંતા કરવાનું છોડી દો, કારણ કે હવે આખું વિશ્વ જાણી ચૂક્યું છે કે એ કાયદાની શાહી માત્ર અન્ય દેશોને ડરાવવા માટે જ વપરાય છે, પોતાના પર લાગુ કરવા માટે નહીં.
અમેરિકા અને તેના પ્રમુખોએ સમયાંતરે દુનિયાને આવા જ ગતકડાં અને અવનવા નિયમો અને પ્રતિબંધો દ્વારા દબાણમાં રાખી છે અને મુર્ખ બનાવવાનો પ્રયાસ કર્યો છે. ભારતે હવે આ સ્થિતિનો પાઠ ભણીને અમેરિકાને વળતો જવાબ આપવા સજ્જ થવું જોઈએ અથવા તો બિનજૂરી દબાણમાં આવવું જોઈએ નહીં.