News Focus

ભારતમાં વિદેશી યુનિવર્સિટીઓ : મર્યાદિત વિકલ્પ છતાં અધધ ફી !

By GS Team
9 Aug 20267 mins read
TukuTouch Logo
બ્રિટન, ઓસ્ટ્રેલિયા, અને અમેરિકાની 13 યુનિવર્સિટીઓએ ભારતમાં 91 પ્રોગ્રામ્સ શરૂ કર્યા છે. RBIના ડેટા મુજબ, 2025માં ભારતીયોએ આંતરરાષ્ટ્રીય શિક્ષણ પાછળ $3.71 બિલિયન ખર્ચ્યા. ભારતમાં અંડરગ્રેજ્યુએટ ફી સરેરાશ 13.3 લાખ રૂપિયા અને પોસ્ટગ્રેજ્યુએટ ફી 17.2 લાખ રૂપિયા છે. જોકે, ઊંચી ફી અને રોજગારની અનિશ્ચિતતાને કારણે ધાર્યું પરિણામ મળતું નથી.

Summarized by AI; it may make mistakes. Check important info

ભારતમાં વિદેશી યુનિવર્સિટીઓ : મર્યાદિત વિકલ્પ છતાં અધધ ફી !
  • બ્રિટન, ઓસ્ટ્રેલિયા અને અમેરિકાની યુનિવર્સિટીઓ ભારતમાં આવી પણ ધાર્યું પરિણામ મળતું નથી
  • આરબીઆઈના આ ડેટાના વિશ્લેષણ થકી સામે આવ્યું છે કે, ભારતીય પરિવારો અને વિદ્યાર્થીઓએ ૨૦૨૫માં આંતરરાટ્રીય શિક્ષણ પાછળ અંદાજે ૩.૭૧ અબજ ડૉલર ખર્ચ્યા હતા, જે ૨૦૧૮માં થયેલા ૨.૮૩ અબજ ડોલરના ખર્ચની સરખામણીએ ૩૧ ટકાનો વધારો દર્શાવે છે : ૧૩ યુનિવર્સિટીઓ દ્વારા ઓફર કરવામાં આવતા ૯૧ પ્રોગ્રામ્સના ડેટા વિશ્લેષણ દર્શાવે છે કે અંડરગ્રેજ્યુએટ પ્રોગ્રામ્સ માટે સરેરાશ ટયુશન ફી લગભગ ૧૩.૩ લાખ રૂપિયા છે, જેની રેન્જ ૭.૫ લાખ રૂપિયાથી ૧૭.૯ લાખ રૂપિયા વચ્ચે છે. તેવી જ રીતે આ યુનિવર્સિટીઓમાં પોસ્ટગ્રેજ્યુએટ પ્રોગ્રામ્સ માટે, સરેરાશ ફી ૧૭.૨ લાખ રૂપિયા જેવી છે જે સરેરાશ ૧૨.૫ લાખ રૂપિયાથી ૨૩.૧ લાખ રૂપિયાની રેન્જમાં આવે છે

ભારતીયોમાં વિદેશ જઈને નોકરી કરવાની જે મહેચ્છા હતી તે તો આજેય અકબંધ છે પણ છેલ્લાં દોઢેક દાયકાથી વિદેશમાં જઈને ભણવાનો અને ત્યાં સ્થાયી થવાનો ટ્રેન્ડ પણ એટલો જ ડિમાન્ડમાં ચાલી રહ્યો છે. તેમાંય છેલ્લાં એક દાયકામાં મધ્યમ વર્ગે આંતરરાષ્ટ્રીય શિક્ષણ પાછળ લાખો રૂપિયા ખર્ચવાનું શરૂ કરી દીધું છે. દર વર્ષે લાખો યુવાનો દુનિયાભરના દેશોમાં અભ્યાસ માટે જાય છે. બીજી તરફ છેલ્લાં બે-ત્રણ વર્ષમાં જિયોપોલિટિકલ ડેવલપમેન્ટ થયા છે તેના કારણે ઘણા દેશોમાં રહેવું, ભણવું અને સ્થાયી થવું અત્યંત મુશ્કેલ બની ગયું છે. ખાસ કરીને અમેરિકા, કેનેડા, ઓસ્ટ્રેલિયા અને બ્રિટને પોતાના નિયમો કડક કર્યા બાદ ભારતીયો ત્યાં જવામાં ખચકાય છે અને અભ્યાસ પછી પણ નોકરી માટે મુશ્કેલીઓ વધી છે.
ભારતના મધ્યમવર્ગે હવે વિદેશમાં જઈને વિદેશી ડિગ્રી લેવાનું ઓછું કરવાની શરૂઆત કરી ત્યાં જ વિદેશી યુનિવર્સિટીઓએ છેલ્લાં બે-ચાર વર્ષમાં ભારતમાં પ્રવેશ કરવાની શરૂઆત કરી લીધી છે. ખાસ કરીને ભારતના વિસ્તરતા મધ્યમ વર્ગે આંતરરાષ્ટ્રીય શિક્ષણની માંગને વેગ આપ્યો છે, જેને ઉત્તમ જીવનશૈલી અને કારકિર્દીના માર્ગ તરીકે જોવામાં આવે છે. તાજેતરમાં રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાનો એક અભ્યાસ બહાર આવ્યો હતો જેણે લોકોની વિચારધારા અને વિદેશી ડિગરી પાછળ થતા ખર્ચની તસવીર રજૂ કરી હતી. આરબીઆઈના આ ડેટાના વિશ્લેષણ થકી સામે આવ્યું છે કે, ભારતીય પરિવારો અને વિદ્યાર્થીઓએ ૨૦૨૫માં આંતરરાષ્ટ્રીય શિક્ષણ પાછળ અંદાજે ૩.૭૧ અબજ ડૉલર ્રખર્ચ્યા હતા, જે ૨૦૧૮માં થયેલા ૨.૮૩ અબજ ડૉલરના ખર્ચની સરખામણીએ ૩૧ ટકાનો વધારો દર્શાવે છે.
જો કે, કડક થતા વીઝા, રોજગાર અને ઇમિગ્રેશન નિયમોની સાથે ભારતીય રૂપિયાના મૂલ્યમાં સતત ઘટાડા એટલે કે, રૂપિયાના અવમૂલ્યનને કારણે વિદેશમાં અભ્યાસના વધતા ખર્ચને લીધે ઘણા ભારતીય વિદ્યાર્થીઓ પરંપરાગત ચાર મુખ્ય દેશો યુ.એસ., યુ.કે., ઓસ્ટ્રેલિયા અને કેનેડા સિવાયના વિકલ્પો પર વિચાર કરવા મજબૂર બન્યા છે. બીજી તરફ આ દેશોમાં ભારતીયોએ જવાનું ઘટાડયું હોવાથી ત્યાંની યુનિવર્સિટીઓએ ભારતમાં આવીને કામગીરી શરૂ કરી છે. હવે ભારતીય વિદ્યાર્થીઓ ભારતમાં જ રહીને વિદેશી યુનિવર્સિટીઓમાં શિક્ષણ મેળવી શકે છે. જ્યારે વિદ્યાર્થીઓ માટે વિદેશ જવાના વિકલ્પો મર્યાદિત થઈ રહ્યા છે અને શિક્ષણમાં કરેલા રોકાણનું વળતર મેળવવાની અનિશ્ચિતતા વધી રહી છે, ત્યારે વિદ્યાર્થીઓ અને વાલીઓને વૈકલ્પિક રસ્તાઓની જરૂર વધારે ઊભી થઈ છે. જાણકારોના મતે નવી નિયામક ફ્રેમવર્ક હેઠળ ભારતમાં જ વિદેશી યુનિવર્સિટીઓનું આગમન થવા લાગ્યું છે. ઉલ્લેખનીય છે કે, રાષ્ટ્રીય શિક્ષણ નીતિ ૨૦૨૦ને અનુસરીને, ય્ૈંખ્ સિટી માટે ૈંખજીભછ દ્વારા (ઓક્ટોબર ૨૦૨૨) અને ેંય્ભ દ્વારા (નવેમ્બર ૨૦૨૩) નિયમો બહાર પાડવામાં આવ્યા હતા, જે વૈશ્વિક સ્તરે ટોચના ૫૦૦માં રેન્કિંગ સ્થાન ધરાવતી વિદેશી યુનિવર્સિટીઓને ભારતમાં પોતાના કેમ્પસ સ્થાપવાની મંજૂરી આપે છે. આ નિયમો વિદેશી યુનિવર્સિટીઓને ભારતમાં કેમ્પસ સ્થાપવા, પોતાના અભ્યાસક્રમો ડિઝાઇન કરવા, પોતાની ફી નક્કી કરવા અને પોતાની ડિગ્રી એનાયત કરવાની છૂટ આપે છે. ખાસ વાત એ છે કે, અત્યાર સુધીમાં વિશ્વની ટોચની ૫૦૦ યુનિવર્સિટીઓમાં સ્થાન ધરાવતી ઓછામાં ઓછી ૨૦ યુનિવર્સિટીઓએ ભારતમાં કેમ્પસ સ્થાપવામાં રસ દર્શાવ્યો છે, જેમાંથી ૧૩ યુનિવર્સિટીઓ ૨૦૨૬-૨૭ના શૈક્ષણિક સત્ર માટે સક્રિયપણે વિદ્યાર્થીઓને પ્રવેશ આપી રહી છે. હાલમાં જ બહાર પડેલો સંશોધન અહેવાલ, 'ધ લેન્ડસ્કેપ ઓફ ઇન્ટરનેશનલ યુનિવર્સિટી કેમ્પસિસ ઇન ઇન્ડિયા ૨૦૨૬'માં ભારતમાં શરૂ થયેલી ૧૩ વિદેશી યુનિવર્સિટીઓ દ્વારા વર્તમાન શૈક્ષણિક વર્ષ માટે ઓફર કરવામાં આવતા ૯૧ પ્રાગ્રામ્સનું વિશ્લેષણ રજૂ કરવામાં આવ્યું છે. તેમાં પ્રોગ્રામની ઓફર્સ, એકેડેમિક રેન્કિંગ અને ટયુશન ફીનું ઊંડાણપૂર્વક અધ્યયન કરવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે, આ અહેવાલમાં યુનાઇટેડ કિંગડમની સાત યુનિવર્સિટીઓ, જેવી કે, યુનિવર્સિટી ઓફ એબરડીન, બર્કબેક (યુનિવર્સિટી ઓફ લંડન), યુનિવર્સિટી ઓફ બ્રિસ્ટલ, યુનિવર્સિટી ઓફ લિવરપૂલ, ક્વીન્સ યુનિવર્સિટી બેલફાસ્ટ, યુનિવર્સિટી ઓફ સાઉધમ્પ્ટન અને યુનિવર્સિટી ઓફ યોર્કનો સમાવેશ કરાયો છે. તે ઉપરાંત ઓસ્ટ્રેલિયાની ડીકિન યુનિવર્સિટી, યુનિવર્સિટી ઓફ ન્યૂ સાઉથ વેલ્સ, વિક્ટોરિયા યુનિવર્સિટી, ધ યુનિવર્સિટી ઓફ વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયા અને યુનિવર્સિટી ઓફ વુલોંગોંગ જેવી પાંચ યુનિવર્સિટીઓ અને અમેરિકાની ઇલિનોઇસ ઇન્સ્ટિટયૂટ ઓફ ટેકનોલોજીનો સમાવેશ થાય છે. રેગ્યુલેટરી જાહેરાતોના ટૂંકા સમયગાળામાં ભારતીય ઉચ્ચ શિક્ષણનો હિસ્સો બનવા માટે આંતરરાષ્ટ્રીય કેમ્પસોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો છે, પરંતુ આ તમામ ૧૩ યુનિવર્સિટીઓની કુલ ૨૦૨૬-૨૭માં ૯૧ પ્રોગ્રામ્સ માટે પ્રવેશ ક્ષમતા ૩૦૦૦ થી પણ ઓછી છે. આ મર્યાદિત ક્ષમતા હોવા છતાં, આ વર્ષે કદાચ અડધી બેઠકો જ ભરાઈ શકશે, કારણ કે તેમાંથી ઘણી યુનિવિર્સિટીઓને પ્રવેશ પ્રક્રિયાના અંતિમ તબક્કામાં મંજૂરી મળી હતી.
આ કેમ્પસોના વિકાસના પ્રારંભિક તબક્કે એક મુખ્ય પડકાર એ છે કે વિદ્યાર્થીઓ અને વાલીઓએ મર્યાદિત, અસંગત અને સતત બદલાતી માહિતી વચ્ચે મહત્વપૂર્ણ નિર્ણયો લેવા પડે છે. ઉપરાંત, આ યુનિવર્સિટીઓએ તેમના મુખ્ય કેમ્પસ જેવા જ પ્રોગ્રામ્સ ઓફર કરવાના હોય છે, જેથી તેઓ ભારતમાં વિવિધ નામો, સમયગાળા અને ખર્ચ સાથેના પ્રોગ્રામ્સ રજૂ કરી રહી છે. આ ઉપરાંત, વિવિધ યુનિવર્સિટીઓ દ્વારા જાહેર કરવામાં આવેલી સ્કોલરશિપના સમય અને માપદંડો અલગ-અલગ છે, જેના કારણે ચોખ્ખી ટયુશન ફીનો સ્પષ્ટ અંદાજ મેળવવો મુશ્કેલ બને છે. અહીંયા ચાલુ થયેલી વિદેશી યુનિવર્સિટીઓની ટયુશન-ફીની તુલનાત્મક સ્થિતિ જાણવાનો પ્રયાસ પણ કરાયો હતો. આ સંશોધનમાં અંડરગ્રેજ્યુએટ પ્રોગ્રામ્સ ઓફર કરતી ૧૧ વિદેશી યુનિવર્સિટીઓની સરેરાશ પ્રથમ વર્ષની ફીની સરખામણી તે જ યુનિવર્સિટીઓના હોમ કેમ્પસ (જે-તે દેશમાં આવેલા મુખ્ય કેમ્પસ)માં અભ્યાસ કરવાના ખર્ચ સાથે કરવામાં આવી હતી.
તેમાં માત્ર પોસ્ટગ્રેજ્યુએટ પ્રોગ્રામ્સ ઓફર કરતી બે યુનિવર્સિટીઓને બાકાત રાખવામાં આવી હતી.
આ અભ્યાસનું વિશ્લેષણ દર્શાવે છે કે, જરૂરી રોકાણની દ્રષ્ટિએ, આંતરરાષ્ટ્રીય કેમ્પસનો ખર્ચ હોમ કેમ્પસમાં વિદેશ જઈને ભણવાના ખર્ચના લગભગ ત્રીજા ભાગ (૩૬ ટકા) જેટલો જ થાય છે. આ સરખામણીમાં રહેવા અને પ્રવાસના ખર્ચનો સમાવેશ કરવામાં આવ્યો નથી, જે વિદેશમાં અભ્યાસને વધુ મોંઘો બનાવે છે. આ ઉપરાંત ૧૩ યુનિવર્સિટીઓ દ્વારા ઓફર કરવામાં આવતા ૯૧ પ્રોગ્રામ્સ ( ૩૮ પોસ્ટગ્રેજ્યુએટ અને ૫૩ અંડરગ્રેજ્યુએટ)ના ડેટા વિશ્લેષણ દર્શાવે છે કે અંડરગ્રેજ્યુએટ પ્રોગ્રામ્સ માટે સરેરાશ ટયુશન ફી લગભગ ૧૩.૩ લાખ રૂપિયા છે, જેની રેન્જ ૭.૫ લાખ રૂપિયાથી ૧૭.૯ લાખ રૂપિયા વચ્ચે છે. તેવી જ રીતે આ યુનિવર્સિટીઓમાં પોસ્ટગ્રેજ્યુએટ પ્રોગ્રામ્સ માટે, સરેરાશ ફી ૧૭.૨ લાખ રૂપિયા જેવી છે જે સરેરાશ ૧૨.૫ લાખ રૂપિયાથી ૨૩.૧ લાખ રૂપિયાની રેન્જમાં આવે છે.

અભ્યાસના સમયગાળામાં મોટો ફેરફાર હોવાથી ફી વધી જાય છે
સૌથી મહત્ત્વની વાત એ છે કે, આ યુનિવર્સિટીઓમાં અભ્યાસક્રમના સમયગાળામાં રહેલો મોટો તફાવત ડિગ્રી માટે જરૂરી કુલ રોકાણને એટલે કે ફીની રકમને મોટી અસર કરે છે. આ યુનિવર્સિટીઓમાં પોસ્ટગ્રેજ્યુએટ પ્રોગ્રામ્સ માટે એક વર્ષ, દોઢ વર્ષ અને બે વર્ષના વિકલ્પો ઉપલબ્ધ છે. તેવી જ રીતે, અંડરગ્રેજ્યુએટ સ્તરે, મોટાભાગના પ્રોગ્રામ્સ ત્રણ વર્ષના છે, જ્યારે કેટલાક ચાર વર્ષના છે.
આનો અર્થ એ થાય છે કે પ્રોગ્રામના કુલ સમયગાળાના આધારે ખર્ચની ગણતરી કરવામાં આવે ત્યારે વિદેશી યુનિવર્સિટીઓ વચ્ચે નોંધપાત્ર તફાવત જોવા મળે છે, જેમાં લાંબા સમયગાળાના પ્રોગ્રામ્સ વધુ મોંઘા પડે છે. ઉદાહરણ તરીકે, યુનિવર્સિટી ઓફ એબરડીન, મુંબઈ ખાતે ડેટા સાયન્સમાં ચાર વર્ષના બેચલર્સ પ્રોગ્રામની ટયુશન ફી ૪૮ લાખ રૂપિયા છે, જેની સરખામણીમાં ગુરુગ્રામમાં વિક્ટોરિયા યુનિવર્સિટીની ત્રણ વર્ષની ડિગ્રી માટે ૩૩ લાખ રૂપિયા થાય છે. તેવી જ રીતે, ઇલિનોઇસ ટેક મુંબઈ ખાતે બે વર્ષના સ્જીબ ઇન ડેટા સાયન્સની કુલ ટયુશન ફી ૩૦ લાખ રૂપિયા થાય છે, જ્યારે ગુરુગ્રામમાં યુનિવર્સિટી ઓફ સાઉધમ્પ્ટન ખાતે એક વર્ષના સ્જીબ ઇન ડેટા સાયન્સ માટે રૂપિયા ૧૭.૬ લાખનો ખર્ચ થાય છે.
ખર્ચમાં તફાવતનું બીજું પાસું દરેક યુનિવર્સિટીઓની હોમ કન્ટ્રી મુજબની સરેરાશ ફી છે. ભારતમાં કાર્યરત ૧૪ આંતરરાષ્ટ્રીય કેમ્પસોમાંથી (ેંઉછ ના બે કેમ્પસ છે), સાત કેમ્પસમાં ૫૦ પ્રોગ્રામ્સ સાથે યુકે મોખરે છે, ત્યારબાદ છ કેમ્પસમાં ૩૩ પ્રોગ્રામ્સ સાથે ઓસ્ટ્રેલિયા બીજા ક્રમે છે, અને અમેરિકાની માત્ર એક યુનિવર્સિટી દ્વારા ભારતમા આઠ જેટલા પ્રોગ્રામ્સ ઓફર કરવામાં આવે છે. આ ઉપરાંત અંડરગ્રેજ્યુએટ પ્રોગ્રામ્સ માટે, ઓસ્ટ્રેેલિયન કેમ્પસનો ખર્ચ યુકેના કેમ્પસ કરતાં લગભગ ૧૬ ટકા વધુ છે ( ૧૪.૨ લાખ રૂપિયાની સામે અંદાજે ૧૨.૨ લાખ). યુકેની અંડરગ્રેજ્યુએટ ફીમાં પણ વધુ તફાવત ( સરેરાશ ૭.૫ લાખથી ૧૫ લાખ રૂપિયા) જોવા મળે છે. આ ઉપરાંત ઓસ્ટ્રેેલિયાની ફીની રેન્જ વધુ મર્યાદિત છે (અંદાજે ૧૧ લાખથી ૧૮ લાખ રૂપિયા). પોસ્ટગ્રેજ્યુએટ પ્રોગ્રામ્સ માટે આ સ્થિતિ બદલાય છે જેમાં યુકે થોડું વધુ મોંઘું છે, પરંતુ તફાવત નાનો (૫ ટકા) છે. ઓસ્ટ્રેલિયાની પોસ્ટગ્રેજ્યુએટ ફી તમામ કેમ્પસમાં વધુ સુસંગત છે, જ્યારે યુકેની ફીમાં ખુબ મોટો તફાવત (સરેરાશ ૧૨.૫ લાખથી ૨૩.૧ લાખ રૂપિયા) જોવા મળે છે.
વિદેશી યુનિવર્સિટીઓનું આ નવું ચિત્ર દર્શાવે છે કે ભારતમાં વિવિધ નામો, સમયગાળા અને વાર્ષિક ટયુશન ફી સાથે વિદેશી યુનિવર્સિટીઓનો ઝડપી પ્રવેશ થઈ રહ્યો છે. આંતરરાષ્ટ્રીય કેમ્પસોએ વિદ્યાર્થીઓ માટે દેશમાં જ રહીને વૈશ્વિક ડિગ્રી મેળવવાના વિકલ્પો ચોક્કસપણે વધાર્યા છે, પરંતુ આ વિકલ્પોની પસંદગી કરવી બહુ સરળ નથી.
હાલમાં ભારતમાં ચાલી રહેલી યુનિવર્સિટીઓની સ્થિતિ એવી છે કે, તેની સુસંગતતા હજી સ્થાપિત થઈ નથી, તે ઉપરાંત તે યુનિવર્સિટી દ્વારા પોતાના હોમ સ્ટેટમાં પ્લેસમેન્ટ આપવામાં આવતા નથી. આ ઉપરાંત આ યુનિવર્સિટીઓની તોતિંગ ફી ખર્ચ્યા બાદ પણ રોજગારી મળવાની કોઈ ખાતરી નથી.