News Focus

ટ્રમ્પની અણઘડ નીતિઓથી વૈશ્વિક અર્થતંત્ર ભડકે બળવાનો ભય

By GS Team
7 Aug 20267 mins read
TukuTouch Logo
ટ્રમ્પની અણધારી નીતિઓથી ખાડી દેશો સંકટમાં મુકાયા છે. અમેરિકાના હવાઈ હુમલાના જવાબમાં ઈરાન ખાડી દેશોમાં US સૈન્ય મથકો પર મિસાઈલ અને ડ્રોનથી હુમલા કરી રહ્યું છે. સાઉદીના જેબેલ બંદર પર હુમલાથી દુનિયામાં ભય વ્યાપ્યો છે. હોર્મુઝની ખાડીમાં તણાવ વધતા વૈશ્વિક તેલ પુરવઠો અને અર્થતંત્ર જોખમમાં મુકાયા છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ટ્રમ્પની અણઘડ નીતિઓથી વૈશ્વિક અર્થતંત્ર ભડકે બળવાનો ભય
  • ઈરાન ઉપર ક્યારેક હુમલા કરીને નાશ કરવાની તો ક્યારેક શાંતિ કરાર નક્કી થઈ ગયાની અવિચારી વાતો કરનાર ટ્રમ્પે ખાડી દેશોને સંકટમાં મુકી દીધા છે
  • અમેરિકાના આવા હવાઈ હુમલા અને તેના જવાબમાં ઈરાન દ્વારા ખાડી દેશોમાં અમેરિકી સૈન્ય મથકો પર મિસાઈલ અને ડ્રોન દ્વારા હુમલા કરી રહ્યું છે. આ ઉપરાંત તે ખાડી દેશોના અન્ય મહત્ત્વની જગ્યાઓને પણ ટાર્ગેટ કરી રહ્યું છે. તાજેતરમાં જે રીતે તેમણે સાઉદીના જેબેલ બંદર ઉપર હુમલો કર્યો તેના પગલે દુનિયાભરના દેશોમાં ભયનું મોજું ફરી વળ્યું હતું : અમેરિકા જ્યારે ઈરાનની અંદરના સૈન્ય અને પરમાણુ મથકો પર બોમ્બમારો કરે છે, ત્યારે ઈરાન તેનો સીધો જવાબ ખાડી દેશોમાં સ્થિત અમેરિકી સૈન્ય ઠેકાણાઓ પર હુમલા કરીને આપે છે. સાઉદી અરેબિયા, યુએઈ, કતાર, કુવૈત અને બહરીનમાં આવેલા યુએસ લશ્કરી થાણાઓ પર ઈરાન-સંબંધિત જૂથો દ્વારા મિસાઈલ અને ડ્રોન વડે હુમલા કરવામાં આવ્યા છે : અમેરિકાએ કાયમ ખાડી દેશોને છેતરવા સિવાય બીજું કોઈ કામ કર્યું નથી.

ગલ્ફ ક્ષેત્ર દાયકાઓથી વૈશ્વિક રાજકારણ, ઊર્જા સુરક્ષા અને આંતરરાષ્ટ્રીય વેપારનું હૃદય રહ્યું છે. પરંતુ તાજેતરના સમયમાં અમેરિકા અને ઈરાન વચ્ચે વધી રહેલા સીધા લશ્કરી સંઘર્ષે આ વિસ્તારને એક વિશાળ યુદ્ધક્ષેત્રમાં ફેરવી દીધો છે. ઈરાનના ન્યૂક્લિયર કાર્યક્રમો રદ કરાવવાની જીદ સાથે શરૂ થયેલો આ વિવાદ હવે હોર્મુઝની ખાડી પર વર્ચસ્વ મેળવવાની સુધી પહોંચ્યો છે. બીજી તરફ આ વિવાદ એટલો વકરી ગયો છે કે તે હવે ગલ્ફ દેશોમાં આવેલા અમેરિકી લશ્કરી મથકો, તેલ રિફાઇનરીઓ અને મહત્વપૂર્ણ બંદરો સુધી પહોંચી ગયો છે.
અમેરિકા દ્વારા સમયાંતરે ઈરાનના વિવિધ સ્થાન ઉપર હવાઈ હુમલા કરવામાં આવે છે. તેમાંય ચિંતાજનક બાબત એવી છે કે, ટ્રમ્પનું કદાચ માનસિક સંતુલન હાલી ગયેલું હોય તેવા નિર્ણયો કરે છે. ટ્રમ્પ એક વખત આદેશ આપે છે કે, ઈરાનને નકશામાંથી જ નામશેષ કરી દો અને બે દિવસ પછી અચાનક હુમલા રોકીને કહે છે કે, ઈરાન સાથે વાટાઘાટો અંતિમ ચરણમાં છે ગમે ત્યારે શાંતિ કરાર પાર પડી જશે. ફરી એકાદ-બે દિવસ જાય અને ઈરાન ઉપર હુમલા કરાવી દે છે.
અમેરિકાના આવા હવાઈ હુમલા અને તેના જવાબમાં ઈરાન દ્વારા ખાડી દેશોમાં અમેરિકી સૈન્ય મથકો પર મિસાઈલ અને ડ્રોન દ્વારા હુમલા કરી રહ્યું છે. આ ઉપરાંત તે ખાડી દેશોના અન્ય મહત્ત્વની જગ્યાઓને પણ ટાર્ગેટ કરી રહ્યું છે. તાજેતરમાં જે રીતે તેમણે સાઉદીના જેબેલ બંદર ઉપર હુમલો કર્યો તેના પગલે દુનિયાભરના દેશોમાં ભયનું મોજું ફરી વળ્યું હતું. ઈરાનના મિસાઈલ અને ડ્રોન હુમલાઓએ વૈશ્વિક સમુદાયમાં ભારે ભય ફેલાવી દીધો છે. આ તણાવ વચ્ચે સઉદી અરેબિયા અને અન્ય ખાડી દેશોના વ્યૂહાત્મક બંદરો પર તાજેતરમાં થયેલા હુમલાઓએ સમગ્ર વિશ્વના અર્થતંત્ર અને સપ્લાય ચેઈનને હચમચાવી દીધી છે. આ સમગ્ર ઘટનાક્રમ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની અસ્થિર, અણધારી અને ઉતાવળી નીતિઓનું પરિણામ માનવામાં આવી રહ્યું છે, જેમણે વૈશ્વિક સ્તરે અરાજકતા અને અનિશ્ચિતતાનું વાતાવરણ ઊભું કર્યું છે.
ઉલ્લેખનીય છે કે, ભૌગોલિક દ્રષ્ટિએ હોર્મુઝની ખાડી એ ઓમાન અને ઈરાન વચ્ચે આવેલો એક અત્યંત સાંકડો દરિયાઈ માર્ગ છે. વિશ્વના કુલ દરિયાઈ ક્રૂડ ઓઈલ વેપારનો લગભગ ૨૦%થી ૨૫% હિસ્સો આ એક જ માર્ગ પરથી પસાર થાય છે. અમેરિકા અને ઈઝરાયેલના દબાણ સામે ઈરાન હોર્મુઝની ખાડીને પોતાના સૌથી મોટા હથિયાર તરીકે વાપરે છે. આ માર્ગને બ્લોક કરવાની અથવા વ્યાપારી જહાજો પર હુમલા કરવાની ધમકી આપીને ઈરાન વૈશ્વિક તેલના ભાવમાં ઉછાળો લાવવાની તાકાત ધરાવે છે. હાલમાં તેણે આ માર્ગ રોકીને સમગ્ર વિશ્વના શ્વાસ અદ્ધર કરેલા જ છે. બીજી તરફ અમેરિકા દ્વારા ઈરાની બંદરોની નાકાબંધી કરવાના પ્રયાસો થઈ રહ્યા છે અને તેના જવાબમાં ઈરાની રિવોલ્યુશનરી ગાર્ડ્સ દ્વારા દરિયાઈ માર્ગો પર વાઇન અને મિસાઇલો ગોઠવવાથી વેપારી વાહનોની અવરજવર લગભગ ઠપ થઈ ગઈ છે. અમેરિકા જ્યારે ઈરાનની અંદરના સૈન્ય અને પરમાણુ મથકો પર બોમ્બમારો કરે છે, ત્યારે ઈરાન તેનો સીધો જવાબ ખાડી દેશોમાં સ્થિત અમેરિકી સૈન્ય ઠેકાણાઓ પર હુમલા કરીને આપે છે. સાઉદી અરેબિયા, યુએઈ, કતાર, કુવૈત અને બહરીનમાં આવેલા યુએસ લશ્કરી થાણાઓ પર ઈરાન-સંબંધિત જૂથો દ્વારા મિસાઈલ અને ડ્રોન વડે હુમલા કરવામાં આવ્યા છે. તાજેતરમાં સાઉદી અરેબિયાના રાતા સમુદ્ર સ્થિત યાનબુ બંદર અને ગલ્ફના અન્ય મહત્વપૂર્ણ લોજિસ્ટિક્સ હબ નજીક થયેલા હુમલાઓએ અરાજકતા મચાવી દીધી છે. સાઉદી અરેબિયાએ હોર્મુઝના બંધ થવાના કારણે પોતાના તેલ નિકાસનો મોટો હિસ્સો રાતા સમુદ્રના બંદરો તરફ વાળ્યો હતો, પરંતુ ત્યાં પણ હુમલા થતાં વૈશ્વિક તેલ પુરવઠો સંપૂર્ણપણે જોખમમાં મુકાઈ ગયો છે. આ હુમલાઓ માત્ર લશ્કરી મથકો પૂરતા સીમિત નથી રહ્યા, પરંતુ કુવૈત, ઇજિપ્ત અને સાઉદી અરેબિયામાં વિદેશી કંપનીઓની માલિકી ધરાવતી તેલ ટાંકીઓ અને વેરહાઉસ પણ તેની ચપેટમાં આવ્યા છે.
વાત વિચારવા જેવી એ છે કે, સંઘર્ષના આ તબક્કામાં અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ભૂમિકા સૌથી વધુ વિવાદાસ્પદ રહી છે. તેમની 'અમેરિકા ફર્સ્ટ' અને અત્યંત અણધારી વિદેશ નીતિએ મિત્ર અને શત્રુ બંને દેશોને ગુંચવણમાં મૂકી દીધા છે. તુંડમિજાજી ટ્રમ્પનું વલણ સતત બદલાતું રહે છે. એક દિવસ તેઓ ઈરાનને 'સંપૂર્ણ વિનાશ' અને ધપથ્થર યુગમાં ધકેલી દેવાનીધ ધમકી આપે છે, અને બીજા જ દિવસે અચાનક દાવો કરે છે કે ઈરાન સાથે ખૂબ સારી વાતચીત ચાલી રહી છે અને કરાર થવાનો છે. અમેરિકી લશ્કરી કમાન્ડરો અને સાથી દેશોને પણ ઘણીવાર ખબર નથી હોતી કે ટ્રમ્પનો આગળનો સ્ટેપ શું હશે. આ અસ્પષ્ટતાના કારણે ગલ્ફ પ્રદેશમાં સુરક્ષા વ્યવસ્થા જાળવવી મુશ્કેલ બની ગઈ છે. હોર્મુઝની ખાડીના વિવાદનો ઉકેલ લાવવા માટે નાટો અને ચીન સાથે પણ તેણે સંબંધો બગાડી નાખ્યા છે. હવે નાટો આ મુદ્દે અમેરિકાને મદદ કરવા તૈયાર નથી અને ચીન તો કરે તેમ જ નથી. તેના કારણે ગિન્નાયેલા ટ્રમ્પ મનમાં આવે તેવા નિર્ણયો કરીને સમગ્ર વિશ્વનો સોથ વાળવા મથી રહ્યા હોય તેમ દેખાય છે.
અમેરિકાએ કાયમ ખાડી દેશોનો છેતરવા સિવાય બીજું કોઈ કામ કર્યું નથી. એક તરફ ખાડી દેશોની આવક ડોલરમાં શરૂ કરાવી દીધી અને તેમની પાસે રોકાણ પણ ડોલરમાં જ કરાવી દીધું. આ ઉપરાંત ખાડી દેશોને અમેરિકી સૈન્ય બેઝ બનાવવા માટે પણ મનાવી લીધા અને તેના બદલે તેમને સુરક્ષા આપવાના ખોટા વાયદા પણ કરી લીધા. એવા ઘણા પ્રસંગ આવ્યા છે કે, અમેરિકાએ આપેલા વચનો પાળ્યા નથી અને ખાડી દેશોને સંકટમાં મુક્યા છે. ખાસ કરીને ડોનાલ્ડ ટ્રમ્પની તો કોઈ નક્કર વિદેશનીતિ જ નથી. તેણે ખાડી દેશોનો જીવ તાળવે ચોંટાડી દીધો છે. ટ્રમ્પની અણઘડ નીતિઓને પગલે ખાડી દેશો ઘણી વખત મુશ્કેલીમાં મુકાયા છે.
ઉલ્લેખનીય છે કે, ૨૦૧૫માં થયેલી ઐતિહાસિક ઈરાન પરમાણુ ડીલમાંથી ટ્રમ્પે પોતાના પ્રથમ કાર્યકાળ દરમિયાન અમેરિકાને બહાર ખેંચી લીધું હતું. આ નિર્ણયે આજના તમામ લશ્કરી તણાવનો પાયો નાખ્યો. ઈરાન પર લાદવામાં આવેલા કડક આથક પ્રતિબંધોએ ઈરાનને વધુ આક્રમક બનવા મજબૂર કર્યું. આ ઉપરાંત જાન્યુઆરી ૨૦૨૦માં બગદાદ એરપોર્ટ પર ઈરાનના ટોચના કમાન્ડર જનરલ કાસિમ સુલેમાનીની ડ્રોન હુમલામાં હત્યા કરવાનો ટ્રમ્પનો આદેશ ગલ્ફ પ્રદેશ માટે એક ટર્નિંગ પોઈન્ટ હતો. આ ઘટના પછી ઈરાને તેના પ્રોક્સી સંગઠનો (હૌથી, હિઝબુલ્લાહ, ઈરાકી મિલિશિયા)ને વધુ સક્રિય કર્યા, જેના પરિણામે આજે આખા ક્ષેત્રમાં પ્રોક્સી યુદ્ધ ફાટી નીકળ્યું છે. સૌથી મોટી છેતરપિંડી તો સુરક્ષાના વાયદા કરીને મરવાના વાંકે છોડી દેવાની છે.
અમેરિકાએ સાઉદી સહિત ખાડી દેશો સાથે ઘણી વખત આવું કર્યું છે. થોડા સમય પહેલાની જ વાત કરીએ તો ૨૦૧૯માં સાઉદી અરેબિયાની અરામકોની રિફાઇનરીઓ પર મોટા ડ્રોન હુમલા થયા ત્યારે ટ્રમ્પે સાઉદી અરેબિયાને લશ્કરી રક્ષણ આપવાનો ઇનકાર કરી દીધો હતો અને કહ્યું હતું કે 'આ સાઉદી પર હુમલો છે, અમેરિકા પર નહીં.' પરંતુ આજે જ્યારે પોતાના લશ્કરી મથકો પર હુમલા થાય છે, ત્યારે ટ્રમ્પ સાઉદી અને અન્ય ખાડી દેશોની ધરતીનો ઉપયોગ કરીને યુદ્ધને પ્રોત્સાહન આપી રહ્યા છે, જેનાથી આ દેશો ઈરાનના સીધા નિશાના પર આવી ગયા છે. હવે ઈરાન પણ અમેરિકાના વાંકે ખાડી દેશોનો સોથ વાળી રહ્યું છે. ખાડી દેશો ફસાઈ ગયા છે, તેઓ ઈરાનને સમજાવી શકે તેમ નથી અને અમેરિકાની વાત સમજાય એવી રહી નથી.

ટ્રમ્પની આક્રમકતાનું પરિણામ હાલમાં સમગ્ર દુનિયા ભોગવી રહી છે
ગલ્ફ ક્ષેત્રમાં થઈ રહેલી આ અસ્થિરતાની અસર માત્ર મધ્ય પૂર્વ સુધી મર્યાદિત નથી, પરંતુ તેની અસર સમગ્ર વિશ્વ સાથે જોડાયેલી છે.
ટ્રમ્પની અકારણ આક્રમકતા અને અણઘડ નીતિઓના કારણે આજે ખાડી દેશો ભડકે બળે છે અને તેની ઝાળ દુનિયાભરના દેશોના અર્થતંત્ર સુધી પહોંચી ગઈ છે.
આજે ક્રૂડ ઓઈલ અને કુદરતી ગેસના ભાવ વધવાથી યુરોપ, એશિયા અને અમેરિકામાં પણ દૈનિક જરૂરિયાતની વસ્તુઓ મોંઘી થઈ ગઈ છે.
જહાજોને હોર્મુઝ અને લાલ સમુદ્ર ટાળવા માટે આફ્રિકાના 'કેપ ઓફ ગુડ હોપ' ફરીને જવું પડે છે, જેનાથી પરિવહન સમયમાં ૧૫થી ૨૦ દિવસનો વધારો થાય છે અને ભાડાં બેગણા થઈ ગયા છે. ખાસ કરીને ભારત, ચીન, જાપાન અને દક્ષિણ કોરિયા જેવા દેશો પોતાના ક્રૂડની આયાત માટે ગલ્ફ પર ભારે નિર્ભર છે. આ સંકટથી આ દેશોના આથક વિકાસ દરને મોટો ફટકો પડયો છે.
જાણકારો માને છે કે, ગલ્ફ ક્ષેત્રમાં આજે જે ભયાનક પરિસ્થિતિનું નિર્માણ થયું છે, તે માત્ર બે દેશો વચ્ચેની પરંપરાગત દુશ્મનાવટ નથી.
આ એક એવી વૈશ્વિક અરાજકતા છે જ્યાં કોઈ નિયમો કે કાયદા કામ કરી રહ્યા નથી. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની અણધારી વ્યૂહરચના, રાજદ્વારી પરિપક્વતાનો અભાવ અને એકતરફી નિર્ણયોએ સ્થિતિ સુધારવાને બદલે વધુ વણસી છે. સંયુક્ત રાષ્ટ્ર (ેંશ) કે સાથી દેશોની સલાહ લીધા વગર યુદ્ધ અને શાંતિના નિર્ણયો મિનિટોમાં બદલવાની તેમની આદતે વિશ્વને એક અત્યંત અસુરક્ષિત સ્થિતિમાં લાવીને મૂકી દીધું છે.
જો અમેરિકા અને ઈરાન તાત્કાલિક ધોરણે કાયમી યુદ્ધ વિરામ અને જવાબદાર રાજદ્વારી વાટાઘાટો તરફ નહીં વળે, તો હોર્મુઝ અને ગલ્ફ બંદરો પર સળગતી આ આગ સમગ્ર વિશ્વના અર્થતંત્રને ભડકે બાળશે.