News Focus

EOS-05 : ભારતના પૃથ્વી, જળ, વાયુ ઉપર ઈસરોની નજર

By GS Team
2 Sep 20267 mins read
TukuTouch Logo
ઈસરો 4 સપ્ટેમ્બરે શ્રીહરિકોટાથી EOS-05 (GISAT-1A) સેટેલાઇટ લોન્ચ કરશે. આ 2,367 કિગ્રા વજનનો અદ્યતન ઉપગ્રહ 36,000 કિમીની ઊંચાઈએથી કુદરતી આપત્તિઓ, સરહદી વિસ્તારો અને ઋતુચક્રનું 5 થી 30 મિનિટમાં મોનિટરિંગ કરશે. આ મિશનથી દેશની સુરક્ષા, કૃષિ અને આપત્તિ વ્યવસ્થાપનમાં ક્રાંતિ આવશે.

Summarized by AI; it may make mistakes. Check important info

EOS-05 : ભારતના પૃથ્વી, જળ, વાયુ ઉપર ઈસરોની નજર
  • સ્વદેશી જિયો ઈમેજિંગ સેટેલાઈટ દ્વારા કુદરતી આપત્તીઓ, સરહદી વિસ્તારો અને ઋતુચક્રનું મોનિટરિંગ સરળ થશે
  • સામાન્ય પૃથ્વી નિરીક્ષણ ઉપગ્રહોની સરખામણીએ EOS-૦૫ ની ક્ષમતા ઘણી અદ્યતન અને વિશિષ્ટ છે. તે અત્યંત ઊંચાઈ પર રહીને દેશના વિશાળ ભૂભાગની વારંવાર અને ઝડપી તસવીરો લેવામાં સક્ષમ છે. આ મિશનથી દેશની કુદરતી આપત્તિ વ્યવસ્થાપન, સુરક્ષા અને કૃષિ ક્ષેત્રે નવી ક્રાંતિ આવવાની પૂરી સંભાવના છે : કુદરતી આપત્તિઓ અચાનક આવે છે અને તેની સ્થિતિ કલાકોમાં બદલાઈ જાય છે. નીચલી ભ્રમણ કક્ષાના સેટેલાઇટ જ્યારે ફરીથી તે સ્થળ પર પહોંચે ત્યાં સુધીમાં મોડું થઈ જાય છે. તેની સામે આ નવો સેટેલાઈટ EOS-૦૫ દર ૫ થી ૩૦ મિનિટમાં તે વિસ્તારની નવી તસવીરો મોકલશે. જેના કારણે બચાવ અને રાહત ઝડપી અને સચોટ બનશે : ભારતની જમીની અને દરિયાઈ સરહદો અત્યંત લાંબી અને સંવેદનશીલ છે.

ઈસરો અવકાશ વિજ્ઞાન ક્ષેત્રે વધુ એક ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરવાની તૈયારીમાં છે. ઇસરો ૪ સપ્ટેમ્બરના રોજ શ્રીહરિકોટા સ્થિત સતીશ ધવન સ્પેસ સેન્ટર ખાતેથી એક અત્યંત મહત્વપૂર્ણ અર્થ ઓબ્ઝર્વેશન સેટેલાઇટ લોન્ચ કરવા જઈ રહ્યું છે. આ ઉપગ્રહનું મૂળ નામ GISAT-1A (જિયો ઇમેજિંગ સેટેલાઇટ-૧છ) છે, જેને ઇસરોના નવા નામકરણના નિયમ મુજબ EOS-05 (Earth Observation Satellite-05) તરીકે ઓળખવામાં આવશે. આ સેટેલાઇટનું મુખ્ય કાર્ય અવકાશમાંથી ભારતીય ઉપમહાદ્વીપ અને સરહદી વિસ્તારો પર દિવસ-રાત સતત બાજ નજર રાખવાનું છે. સામાન્ય પૃથ્વી નિરીક્ષણ ઉપગ્રહોની સરખામણીએ EOS-૦૫ ની ક્ષમતા ઘણી અદ્યતન અને વિશિષ્ટ છે. તે અત્યંત ઊંચાઈ પર રહીને દેશના વિશાળ ભૂભાગની વારંવાર અને ઝડપી તસવીરો લેવામાં સક્ષમ છે. આ મિશનથી દેશની કુદરતી આપત્તિ વ્યવસ્થાપન, સુરક્ષા અને કૃષિ ક્ષેત્રે નવી ક્રાંતિ આવવાની પૂરી સંભાવના છે.
ઉલ્લેખનીય છે કે, પૃથ્વીની ભ્રમણકક્ષાઓના પ્રકાર અને EOS-૦૫ નું સ્થાન અવકાશમાં કોઈ પણ ઉપગ્રહને મોકલ્યા પછી તેને પૂર્વ-નિર્ધારિત કક્ષામાં સ્થાપિત કરવામાં આવે છે. સેટેલાઇટ કયા હેતુ માટે કામ કરશે તેના આધારે તેની કક્ષા નક્કી થાય છે. પૃથ્વીનું નિરીક્ષણ કરવા માટે મુખ્યત્વે આ કક્ષાઓનો ઉપયોગ થાય છે. સૌથી પહેલાં તો લો અર્થ ઓર્બિટમાં ઉપગ્રહો છોડવામાં આવે છે. પૃથ્વીની સપાટીથી તેની ઉંચાઈ અંદાજે ૨૦૦થી ૧૨૦૦ કિલોમીટર જેટલી હોય છે. આ ભ્રમણકક્ષાની ખાસિયત એ છે કે, તે પૃથ્વીની અત્યંત નજીક હોવાથી અહીંથી કોઈ ચોક્કસ સ્થળની ખૂબ જ સ્પષ્ટ, વિસ્તૃત અને હાઇ-રિઝોલ્યુશન તસવીરો મેળવી શકાય છે. બીજી તરફ આ કક્ષામાં ઉપગ્રહ પૃથ્વીની આસપાસ ખૂબ ઝડપથી ભ્રમણ કરે છે (આશરે ૯૦ મિનિટમાં એક ચક્કર). આથી, તે કોઈ ચોક્કસ ભૂભાગ પર સતત નજર રાખી શકતો નથી. તે દિવસમાં માત્ર થોડીવાર માટે જ તે વિસ્તાર ઉપરથી પસાર થાય છે. તેથી ઘણા ઉપગ્રહો અહીંયા યોગ્ય પરિણામ આપી શકતા નથી.
બીજી તરફ જિઓસિંક્રોનસ અથવા તો જિઓસ્ટેશનરી ઓર્બિટ નામની ભ્રમણ કક્ષા આવે છે. તે પૃથ્વીની સપાટીથી આશરે ૩૫,૭૮૬ કિલોમીટરની ઉંચાઈએ આવેલી ભ્રમણકક્ષા છે. આ કક્ષાની વિશેષતા એવી છે કે, આ કક્ષામાં ઉપગ્રહ પૃથ્વીના પરિભ્રમણની ગતિ (૨૪ કલાક) સાથે તાલમેલ સાધીને ફરે છે. પરિણામે, પૃથ્વી પરથી જોતાં સેટેલાઇટ આકાશમાં એક જ જગ્યાએ સ્થિર હોય તેવો ભાસ થાય છે. હવામાનની આગાહી કરતા ઉપગ્રહો સામાન્ય રીતે આ જ કક્ષામાં મૂકવામાં આવે છે જેથી વાદળો અને વાવાઝોડાની હિલચાલ સતત નોંધી શકાય. દેશના ઋતુચક્ર અથવા તો હવામાનમાં થતા ફેરફારોનું નિરિક્ષણ કરવા અને તેના માટે એલર્ટ આપવા માટે આ કક્ષામાં રહેલા ઉપગ્રહોનો ઉપયોગ કરવામાં આવે છે.
ત્યારબાદ આવે છે હાયર જિઓસિંક્રોનસ ઓર્બિટ. તે સૌથી ઉપરની કક્ષા છે. તે અંદાજ ૩૬,૦૦૦ કિ.મી કરતા વધુ ઉંચાઈ ધરાવતી ભ્રમણકક્ષા છે. નવા ઉપગ્રહ EOS-૦૫ને પણ આ જ ભ્રમણકક્ષામાં મુકવામાં આવશે. આ ઉપગ્રહને છોડવા માટેની આ ભ્રમણકક્ષાની વિશેષતા એવી છે કે, તે પૃથ્વીની વિશાળ ઈમેજ બનાવવામાં સરળતા આપે છે. તે ઉપરાંત EOS-૦૫ને પરંપરાગત નીચી કક્ષામાં મૂકવાને બદલે હાયર જિઓસિંક્રોનસ કક્ષામાં સ્થાપિત કરવામાં આવશે. આશરે ૩૬,૦૦૦ કિલોમીટરની ઊંચાઈએથી ઉપગ્રહનો દ્રષ્ટિકોણ ખૂબ વ્યાપક બને છે. ત્યાંથી તે એક વિશાળ વિસ્તારને એકસાથે સતત જોઈ શકે છે. કોઈ એક નાની જગ્યાની ઝીણવટભરી તસવીર લેવાને બદલે સમગ્ર ભારતીય પ્રદેશમાં ઝડપથી થતા ફેરફારો પર સતત નજર રાખવી એ આ કક્ષાનો સૌથી મોટો ફાયદો છે. આ EOS-૦૫ સેટેલાઇટનું વજન આશરે ૨,૩૬૭ કિલોગ્રામ છે. તેમાં અત્યાધુનિક ઓપ્ટિકલ અને ઇન્ફ્રારેડ સેન્સર્સ લગાવવામાં આવ્યા છે, જે વાદળ વગરના વાતાવરણમાં સતત ડેટા મોકલતા રહેશે.
આ સેટેલાઈટની મદદથી ઝડપી આપત્તિ વ્યવસ્થાપન થઈ શકે છે. પૂર, વાવાઝોડું, જંગલની આગ કે ભૂસ્ખલન જેવી કુદરતી આપત્તિઓ અચાનક આવે છે અને તેની સ્થિતિ કલાકોમાં બદલાઈ જાય છે. નીચલી ભ્રમણ કક્ષાના સેટેલાઇટ જ્યારે ફરીથી તે સ્થળ પર પહોંચે ત્યાં સુધીમાં મોડું થઈ જાય છે. તેની સામે આ નવો સેટેલાઈટ EOS-૦૫ દર ૫ થી ૩૦ મિનિટમાં તે વિસ્તારની નવી તસવીરો મોકલશે. જેના કારણે બચાવ અને રાહત દળો જાણી શકશે કે પાણી કઈ તરફ આગળ વધી રહ્યું છે અથવા આગ કેટલી ફેલાઈ છે, જેથી ત્વરિત પગલાં લઈ શકાય. કુદરતી અને માનવસર્જિત આપત્તીઓમાં આ સેટેલાઈટ દ્વારા ખૂબ જ સચોટતાપૂર્વક કામ થઈ શકે છે.
ભારત માટે સૌથી મહત્ત્વની વાત છે તેની રાષ્ટ્રીય સરહદોની રિયલ ટાઈમ સુરક્ષા કરવી. તેના માટે આ સેટેલાઈટ ખૂબ જ ઉપયોગી સાબિત થશે. ભારતની જમીની અને દરિયાઈ સરહદો અત્યંત લાંબી અને સંવેદનશીલ છે. હિમાલયના દુર્ગમ પહાડી વિસ્તારો કે અરબી સમુદ્ર અને હિંદ મહાસાગરમાં દરેક ક્ષણે ગ્રાઉન્ડ પેટ્રોલિંગ શક્ય બનતું નથી. અવકાશમાંથી મળતી રિયલ-ટાઇમ તસવીરો સરહદ પાર થતી કોઈપણ અસામાન્ય હિલચાલ, બાંધકામ કે ઘૂસણખોરીની માહિતી સુરક્ષા દળોને તાત્કાલિક પૂરી પાડશે. ખાસ કરીને ચીન, પાકિસ્તાન અને બાંગ્લાદેશ સરહદે સૌથી વધારે હિલચાલ થતી હોય છે. ચીન દ્વારા ભારતની સરહદો નજીક મોટા મોટા સેન્ટરો, સૈન્ય મથકો અને અન્ય બાંધકામો કરવામાં આવે છે. તેવી જ રીતે બાંગ્લાદેશમાંથી પણ મોટાપાયે ઘુસણખોરી થતી હોય છે. આ તમામ કામગીરી ઉપર હવે વધારે સચોટ રીતે નજર રાખવામાં આવશે અને તાકીદે પગલા લેવામાં પણ સરળતા રહેશે.
કૃષિ અને પાક સર્વેક્ષણ સેક્ટરમાં પણ આ સેટેલાઈટની મદદ મેળવી શકાશે. દેશના વિશાળ ખેતીલાયક વિસ્તારોમાં પાકની સ્થિતિ, દુષ્કાળની અસર, જમીનમાં ભેજનું પ્રમાણ અને સિંચાઈ વ્યવસ્થાની દેખરેખ માટે આ સેટેલાઇટનો ડેટા ઉપયોગી થશે. તેના હાઇપર-સ્પેક્ટ્રલ કેમેરા પાક પર આવતા રોગચાળાને વહેલી તકે ઓળખવામાં મદદ કરશે. તે ઉપરાંત જમીનોની સ્થિતિ, વરસાદ, વાતાવરણમાં પલટો અને ખેતી સાથે જોડાયેલી અન્ય બાબતોની અવકાશી માહિતી મળતી રહેશે જેના પગલે ખેડૂતોને લાભ થશે અને સરકાર પણ યોગ્ય રીતે મોનિટરિંગ કરી શકશે. આ સિવાય પર્યાવરણ અને જંગલોનું રક્ષણ કરવામાં સરળતા રહેશે. જંગલોની ગેરકાયદે કાપણી, જંગલમાં લાગતી દાવાનળની ઘટનાઓ, નદીઓના વહેણમાં થતા ફેરફારો અને જળાશયોના જળસ્તરની માહિતી મેળવવામાં આ સેટેલાઇટ મહત્વની ભૂમિકા ભજવશે.
જાણકારોના મતે ઈસરોને GISAT-1 (EOS-03) છોડવા દરમિયાન અને તેની સાથે કામ કરવા દરમિયાન જે અનુભવો થયા અને તે દરમિયાન જે પડકારો આવ્યા તેમાંથી ઘણું શિખવા મળ્યું હતું.
ઓગસ્ટ ૨૦૨૧ માં મોકલવામાં આવેલા GISAT-1 (EOS-03) મિશનનું હવે EOS-૦૫ અદ્યતન રિપ્લેસમેન્ટ બની શકે તેમ છે. ઉલ્લેખનીય છે કે, ૨૦૨૧ મિશનની ઘણી ટેકનિકલ ખામીઓ હતી. ત્યારે ૧૨ ઓગસ્ટ ૨૦૨૧ના રોજ GSLV-F10 રોકેટ દ્વારા GISAT-1 લોન્ચ કરવામાં આવ્યું હતું. પ્રથમ અને બીજા તબક્કાની કામગીરી સામાન્ય રહી હતી, પરંતુ ત્રીજા તબક્કામાં રહેલા ક્રાયોજેનિક અપર સ્ટેજ (Cryogenic Upper Stage - CUS)માં ટેકનિકલ ખામી સર્જાઈ હતી. ઇસરોની તપાસ સમિતિના રિપોર્ટ મુજબ, લિક્વિડ હાઇડ્રોજન ટેન્કના વેન્ટ એન્ડ રિલીફ વાલ્વ (VRV)માં લીકેજ થવાના કારણે જરૂરી દબાણ સર્જાઈ શક્યું ન હતું, જેના લીધે એન્જિન યોગ્ય રીતે કાર્ય કરી શક્યું નહીં અને મિશન નિષ્ફળ ગયું હતું. તેને ધ્યાનમાં રાખીને વ્યાપક રીતે નવા સુધારાઓ કરવામાં આવ્યા છે. લગભગ પાંચ વર્ષના ઊંડા સંશોધન અને સઘન ગ્રાઉન્ડ ટેસ્ટિંગ પછી ઇસરોના વૈજ્ઞાનિકોએ ક્રાયોજેનિક સ્ટેજના તમામ વાલ્વ, સીલિંગ મિકેનિઝમ અને પ્રેશરાઇઝેશન સિસ્ટમને વધુ મજબૂત બનાવી છે. તે જ ક્ષમતાઓને હવે EOS-૦૫ સ્વરૂપે સંપૂર્ણપણે સુરક્ષિત રીતે પુનર્જીવિત કરવામાં આવી રહી છે.

સફળ પ્રક્ષેપણ ભારતની અવકાશ ક્ષમતાને એક નવા યુગમાં લઈ જશે
ખાસ વાત એ છે કે, GSLV-F17/EOS-05 મિશન માત્ર એક નવો ઉપગ્રહ મોકલવા પૂરતું સીમિત નથી, પરંતુ ઇસરો માટે એક મહત્વપૂર્ણ વળાંક સમાન છે. ઈસરો દ્વારા સાત મહિનાના મોટા ગેપ બાદ મોટું લોન્ચ કરાઈ રહ્યું છે. આ વર્ષે જાન્યુઆરીમાં PSLV-C 62 મિશન દરમિયાન આવેલી તકનીકી અડચણ પછી ઇસરોનું આ પ્રથમ મોટું લોન્ચિંગ છે. તેમાંય GSLV રોકેટની વિશ્વસનીયતા તપાસવાની છે. ઈસરોના GSLV માર્ક-૨ રોકેટમાં સ્વદેશી ક્રાયોજેનિક એન્જિનનો ઉપયોગ થાય છે.
આ મિશનની સફળતા ભવિષ્યના મહત્વકાંક્ષી મિશનો જેમ કે NVS-03 (નેવિગેશન સેટેલાઇટ) અને ગગનયાન પ્રોજેક્ટના ટેસ્ટિંગ માટે નવો આત્મવિશ્વાસ પૂરો પાડશે. સૌથી મોટી બાબત છે સ્પેસ સેક્ટરમાં આત્મનિર્ભરતા.
ભારત સામાન્ય રીતે વિદેશી ઉપગ્રહો કે નીચી કક્ષાના ડેટા પર આધાર રાખતો હતો, પરંતુ જિઓ-ઇમેજિંગ ક્ષમતા હાંસલ થતાં ભારત વિશ્વના તે ગણ્યાગાંઠયા દેશોની યાદીમાં સામેલ થશે જેઓ પોતાની સરહદોનું અવકાશમાંથી સતત લાઈવ મોનિટરિંગ કરી શકે છે. હવે EOS-05 (GISAT-1A)નું સફળ પ્રક્ષેપણ ભારતની અવકાશ ક્ષમતાને એક નવા યુગમાં લઈ જશે, જે સુરક્ષા દળો અને સામાન્ય નાગરિકો બંને માટે સુરક્ષા કવચ સમાન સાબિત થશે.

ઈસરોના EOS-૦૫ સેટેલાઇટના મુખ્ય ઉપયોગો અને ફાયદા
ટેકનિકલ પાસું વિગત
સેટેલાઇટનું નામ EOS-05 (GISAT-1A)
લોન્ચ તારીખ અને સમય ૪ સપ્ટેમ્બર, વહેલી
સવારે ૦૨:૫૫ વાગ્યે (IST)
રોકેટ વ્હીકલ GSLV-F17 (Geosynchronous Satellite Launch Vehicle)
લોન્ચ સાઇટ સતીશ ધવન સ્પેસ સેન્ટર (SDSC-SHAR), શ્રીહરિકોટા
સેટેલાઇટ વજન આશરે ૨,૩૬૭ કિગ્રા
મિશન આયુષ્ય આશરે ૧૦ વર્ષ
કેમેરા સેન્સર્સ મલ્ટી-સ્પેક્ટ્રલ અને હાઇપર-સ્પેક્ટ્રલ ઇમેજિંગ સિસ્ટમ
ઇમેજિંગ ફ્રિકવન્સી પસંદગીના વિસ્તારની દર ૫ મિનિટે અને સમગ્ર દેશની દર ૩૦ મિનિટે તસવીર