News Focus

ક્યાંક દુકાળ તો ક્યાંક અતિવૃષ્ટી : દેશનું હવામાન બદલાઈ રહ્યું છે!

By GS Team
29 Sep 20268 mins read
TukuTouch Logo
ક્લાઈમેટ ચેન્જને પગલે ભારતમાં હવામાનનો વિચિત્ર ખેલ જોવા મળ્યો. ઉત્તર ભારતમાં અતિવૃષ્ટિથી પાક નિષ્ફળ ગયો, જ્યારે મહારાષ્ટ્રના 74% ભાગ દુકાળગ્રસ્ત બન્યા. બંગાળની ખાડીમાં અસામાન્ય ડીપ ડિપ્રેશન અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ઉત્તરમાં અચાનક ઠંડી અને ભીનાશનો અનુભવ થયો. મહારાષ્ટ્રના વિદર્ભ-મરાઠવાડામાં હજુ પણ ગરમી અને સૂકા પવનોથી લોકો અકળાયા છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ક્યાંક દુકાળ તો ક્યાંક અતિવૃષ્ટી : દેશનું હવામાન બદલાઈ રહ્યું છે!
  • ક્લાઈમેટ ચેન્જને પગલે ઉત્તરી મેદાનોમાં અતિવૃષ્ટીથી પાક નિષ્ફળ જ્યારે મહારાષ્ટ્રમાં ૭૪ ટકા ભાગ દુકાળગ્રસ્ત
  • સામાન્ય રીતે જે ઋતુમાં ગરમી પછી ધીમે ધીમે વાતાવરણ સમશીતોષ્ણ બનવું જોઈએ, ત્યાં ઉત્તર ભારતના શહેરોમાં લોકોને અચાનક ધ્રૂજાવી દે તેવી ઠંડી અને ભીનાશનો અનુભવ થઈ રહ્યો છે, જ્યારે મહારાષ્ટ્રના વિદર્ભ અને મરાઠવાડાના ગામડાઓમાં હજુ પણ અંગારા વરસાવતો તાપ અને સૂકાભઠ્ઠ પવનો લોકોને અકળાવી રહ્યા છે : ભારતીય હવામાન વિભાગના સત્તાવાર અહેવાલો મુજબ, આ વખતે બંગાળની ખાડીમાં અસામાન્ય રીતે એક અત્યંત શક્તિશાળી ડીપ ડિપ્રેશન સર્જાયું હતું. આ પ્રકારના દબાણ ચોમાસાની મધ્યમાં બનવા સામાન્ય છે, પરંતુ ચોમાસાની વિદાય વેળાએ આવું તીવ્ર ડિપ્રેશન બનવું ખૂબ જ દુર્લભ ગણાય છે : સામાન્ય સંજોગોમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ શિયાળા દરમિયાન ઉત્તર ભારતમાં હિમવર્ષા અને માવઠું લાવતા હોય છે. આ વખતે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ વહેલું આવી ગયું છે અને તેની તિવ્રતા પણ વધારે છે. આ પશ્ચિમી વિક્ષોભના કારણે ઉત્તર અને ઉત્તર-પશ્ચિમ દિશામાંથી અત્યંત ઠંડા, શુષ્ક અને તોફાની પવનો ભારતના મેદાની વિસ્તારો તરફ નીચે ઊતરવા લાગ્યા

સપ્ટેમ્બર મહિનો વિદાયના આરે ઊભો હોય અને ઓક્ટોબરની શરૂઆત થવાની તૈયારી હોય ત્યારે સામાન્ય રીતે દક્ષિણ-પશ્ચિમ ચોમાસું સમગ્ર દેશમાંથી ધીમે ધીમે પોતાના પગલાં પાછા ખેંચી લે છે. વાતાવરણમાં ભેજનું પ્રમાણ ઘટવા લાગે છે, આકાશ સ્વચ્છ વાદળી રંગ ધારણ કરે છે, ખેતરોમાં પાક લહેરાતો હોય છે અને સાંજ ઢળતાં જ હવામાં એક આછી ગુલાબી ઠંડકનો પગરવ સંભળાવા લાગે છે. પરંતુ આ વર્ષે કુદરતે પોતાની તમામ પરંપરા બદલી નાખી છે. સમગ્ર દેશમાં હવામાનનો એવો વિચિત્ર ખેલ જોવા મળી રહ્યો છે જેણે સામાન્ય માનવીથી માંડીને અનુભવી હવામાનશાસ્ત્રીઓને પણ આશ્ચર્યમાં મૂકી દીધા છે. એક તરફ ઉત્તર ભારતના વિશાળ મેદાનો અને પહાડી રાજ્યોમાં અચાનક જાણે શ્રાવણ મહિનો ફરી જીવંત થયો હોય તેમ મુશળધાર વરસાદ વરસી રહ્યો છે, તો બીજી તરફ પશ્ચિમ અને મધ્ય ભારતના ઘણા રાજ્યોમાં દુકાળની સ્થિતિ છે. તેમાંય મહારાષ્ટ્રની ધરતી પાણીના એક-એક ટીપાં માટે તરફડી રહી છે અને ભયંકર દુષ્કાળના મુખમાં ધકેલાઈ ચૂકી છે.
સામાન્ય રીતે જે ઋતુમાં ગરમી પછી ધીમે ધીમે વાતાવરણ સમશીતોષ્ણ બનવું જોઈએ, ત્યાં ઉત્તર ભારતના શહેરોમાં લોકોને અચાનક ધ્રૂજાવી દે તેવી ઠંડી અને ભીનાશનો અનુભવ થઈ રહ્યો છે, જ્યારે મહારાષ્ટ્રના વિદર્ભ અને મરાઠવાડાના ગામડાઓમાં હજુ પણ અંગારા વરસાવતો તાપ અને સૂકાભઠ્ઠ પવનો લોકોને અકળાવી રહ્યા છે. કુદરતનો આ મિજાજ માત્ર સામાન્ય મોસમી વધઘટ નથી, પણ ભારતની સમગ્ર આબોહવા પ્રણાલીમાં સર્જાયેલી કોઈ ઊંડી અને કાયમી ખલેલનો સ્પષ્ટ સંકેત આપી રહ્યો છે.
ઉત્તર ભારતમાં સપ્ટેમ્બરના અંતિમ સપ્તાહમાં સર્જાયેલી આ અતિવૃષ્ટિની પાછળ રહેલા વિજ્ઞાનને સમજવા માટે વાતાવરણમાં એકસાથે સક્રિય થયેલી બે વિરાટ હવામાન પ્રણાલીઓને સમજવી અનિવાર્ય છે. ભારતીય હવામાન વિભાગના સત્તાવાર અહેવાલો મુજબ, આ વખતે બંગાળની ખાડીમાં અસામાન્ય રીતે એક અત્યંત શક્તિશાળી ડીપ ડિપ્રેશન સર્જાયું હતું. આ પ્રકારના દબાણ ચોમાસાની મધ્યમાં બનવા સામાન્ય છે, પરંતુ ચોમાસાની વિદાય વેળાએ આવું તીવ્ર ડિપ્રેશન બનવું ખૂબ જ દુર્લભ ગણાય છે. આ ઊંડું દબાણ બંગાળની ખાડીમાંથી દરિયાઈ ભેજ શોષીને ઓડિશા અને છત્તીસગઢના ભૂભાગ પરથી પસાર થતાં ઉત્તર-પૂર્વ મધ્યપ્રદેશ અને ઉત્તર પ્રદેશ તરફ આગળ ધપ્યું હતું. આ ડિપ્રેશન વાદળોને સતત પાણી પૂરું પાડતું રહ્યું અને જમીન પર આગળ વધવા છતાં તેની તાકાત ઘટવાને બદલે સતત જળવાઈ રહી હતી.
બીજી તરફ, આ જ સમયગાળા દરમિયાન ભૂમધ્ય સમુદ્ર તરફથી ઉદ્ભવીને હિમાલય ક્ષેત્રમાં પ્રવેશતું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અત્યંત સક્રિય બન્યું હતું. સામાન્ય સંજોગોમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ શિયાળા દરમિયાન ઉત્તર ભારતમાં હિમવર્ષા અને માવઠું લાવતા હોય છે. આ વખતે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ વહેલું આવી ગયું છે અને તેની તિવ્રતા પણ વધારે છે. આ પશ્ચિમી વિક્ષોભના કારણે ઉત્તર અને ઉત્તર-પશ્ચિમ દિશામાંથી અત્યંત ઠંડા, શુષ્ક અને તોફાની પવનો ભારતના મેદાની વિસ્તારો તરફ નીચે ઊતરવા લાગ્યા. આમ, એક તરફથી બંગાળની ખાડીમાંથી આવેલી ગરમ અને અત્યંત ભેજવાળી હવા અને બીજી તરફથી પહાડો પરથી ઉતરેલી બરફીલી ઠંડી હવા-આ બંને પ્રચંડ વિરોધાભાસી વાતાવરણીય પરિબળો ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, ઉત્તરાખંડ, હરિયાણા, દિલ્હી અને રાજસ્થાનના આકાશમાં એકબીજા સાથે સામસામે ટકરાયા. ઉત્તરાખંડના પર્વતોમાં વાદળ ફાટવાની ઘટનાઓ બની, નદીઓમાં પ્રચંડ પૂર આવ્યા અને દિલ્હી, નોઈડા, ગુરુગ્રામ, જયપુર જેવા શહેરોમાં માત્ર ગણતરીના કલાકોમાં આખી ઋતુ જેટલું પાણી વરસી ગયું. આ અણધારી આકાશી આફતના કારણે તાપમાનમાં આઠથી દસ ડિગ્રી સેલ્સિયસનો તીવ્ર ઘટાડો નોંધાયો અને લોકોને સપ્ટેમ્બરના અંતમાં ડિસેમ્બર જેવી ઠંડીનો અનુભવ થવા લાગ્યો.
ઉલ્લેખનીય છે કે, દેશના એક છેડે વરસી રહેલા આ ભારે વરસાદથી તદ્દન વિપરીત, દેશના પશ્ચિમ કિનારે આવેલા મહારાષ્ટ્રમાં આ જ ચોમાસાએ સર્જેલી વિનાશક ખામીનું વરવું દ્રશ્ય સામે આવ્યું છે. જ્યારે ઉત્તર ભારત પાણીમાં ડૂબી રહ્યું હતું, ત્યારે મહારાષ્ટ્ર સરકારે રાજ્યમાં સત્તાવાર રીતે દુષ્કાળની ભયાનક સ્થિતિની જાહેરાત કરવી પડી. રાજ્યના કુલ ૩૫૮ તાલુકાઓ પૈકીના ૨૬૫ જેટલા તાલુકાઓને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવામાં આવ્યા, જે દર્શાવે છે કે રાજ્યનો લગભગ ૭૪ ટકા ભૌગોલિક વિસ્તાર પાણીની તીવ્ર કટોકટીમાં સપડાઈ ચૂક્યો છે. આ આંકડો મહારાષ્ટ્રના કરોડો નાગરિકો, ખાસ કરીને ગ્રામીણ પરિવારો અને ખેડૂતોના જીવન-મરણ સાથે જોડાયેલો ગંભીર મુદ્દો છે.
વિદર્ભ અને મરાઠવાડાની આ ધરતી ઐતિહાસિક રીતે જળસંકટ અને ખેડૂતોની વેદના માટે કુખ્યાત રહી છે. આ વિસ્તારો ડેક્કન પ્લેટો એટલે કે દક્ષિણના ઉચ્ચપ્રદેશના એવા ભાગમાં આવેલા છે જેને ભૂગોળશાસ્ત્રીઓ પશ્ચિમ ઘાટનો 'વરસાદછાયાનો વિસ્તાર' (રેઈન શેડો ઝોન) કહે છે. અરબી સમુદ્રમાંથી ઊઠતા ચોમાસુ વાદળો સહ્યાદ્રિ પર્વતમાળા સાથે ટકરાઈને કોંકણના દરિયાકાંઠે તો પારાવાર પાણી વરસાવી દે છે, પરંતુ જે ક્ષણે તેઓ પર્વતો ઓળંગીને પૂર્વ તરફ આગળ વધે છે, તે જ ક્ષણે તેમની અંદરનો ભેજ સાવ ઘટી જાય છે અને પવનો ગરમ બનવા લાગે છે. આ કુદરતી રચનાને કારણે આ પ્રદેશો પહેલેથી જ સંવેદનશીલ છે. સામાન્ય વર્ષોમાં બંગાળની ખાડી તરફથી આવતી સિસ્ટમો આ વિસ્તારોને થોડું પાણી આપીને જીવાડતી હોય છે, પરંતુ આ વખતે બંગાળની ખાડીનું ડિપ્રેશન સીધું ઉત્તર અને ઉત્તર-પશ્ચિમ તરફ ફંટાઈ ગયું અને મધ્ય મહારાષ્ટ્ર તદ્દન કોરુંધાકોર રહી ગયું.
આ દુષ્કાળની સીધી અને ઘાતક અસર મહારાષ્ટ્રના કૃષિ અર્થતંત્ર પર પડી છે. મરાઠવાડા અને વિદર્ભ મુખ્યત્વે સોયાબીન, કપાસ, તુવેર, અડદ અને મગ જેવા પાકો પર નિર્ભર છે. આ પાકો માટે ઓગસ્ટ અને સપ્ટેમ્બર મહિના અત્યંત નાજુક હોય છે, કારણ કે આ સમયે પાકમાં દાણા બેસવાની અને કપાસમાં ઝીંડવાં ખીલવાની પ્રક્રિયા ચાલતી હોય છે. બરાબર આ જ મહત્વના સમયગાળા દરમિયાન જ્યારે વરસાદે સતત એક મહિના સુધી હાથ તાળી આપી, ત્યારે લાખો હેક્ટર જમીનમાં ઊભેલો પાક સુકાઈ ગયો છે. ખરીફ પાક તો સંપૂર્ણપણે નાશ પામ્યો જ છે, પરંતુ તેનાથી પણ વધુ ભયાનક બાબત એ છે કે જમીનમાં ભેજનું પ્રમાણ નહિવત હોવાથી અને જળાશયો ખાલી હોવાથી આગામી રવી સીઝનમાં ઘઉં, ચણા કે જુવારની વાવણી કરવી પણ ખેડૂતો માટે અસંભવ બની ગઈ છે.
જ્યારે દેશના એક ભાગમાં ખેડૂતો સૂકા ખેતરો જોઈને આંસુ સારી રહ્યા છે, ત્યારે ઉત્તર ભારતમાં પણ ચિત્ર સુખદ નથી; ત્યાં માત્ર દુ:ખનું સ્વરૂપ બદલાયું છે. ઉત્તર પ્રદેશ, હરિયાણા અને પંજાબના ખેતરોમાં ડાંગરનો પાક લણણી માટે તૈયાર ઊભો હતો. ખેડૂતો પોતાના પાકની કાપણી કરવાની તૈયારી કરી રહ્યા હતા, ત્યાં જ અણધાર્યા ધોધમાર વરસાદ અને વાવાઝોડા જેવા પવનોએ સમગ્ર પાકને જમીનદોસ્ત કરી દીધો. ડાંગરના ખેતરો પાણીથી ભરાઈ ગયા, જેના લીધે તૈયાર થયેલા અનાજના દાણા કાદવમાં સડી ગયા અથવા તેમાં ફણગા ફૂટી નીકળ્યા. બાજરી અને મકાઈ જેવા પાકો પણ પલળી જવાથી કાળા પડી ગયા. આમ, પ્રકૃતિના આ વિચિત્ર ખેલમાં ખેડૂત પછી ભલે તે મહારાષ્ટ્રનો હોય કે ઉત્તર પ્રદેશનો, બંને તરફથી પિસાઈ રહ્યો છે-એક પાણી ન મળવાથી બરબાદ થયો છે, તો બીજો અતિશય પાણીના મારાથી બરબાદ થયો છે.
આ વિષમતા માત્ર કોઈ એક વર્ષની આકસ્મિક ઘટના નથી, પરંતુ વૈશ્વિક સ્તરે થઈ રહેલા જળવાયુ પરિવર્તન અને ગ્લોબલ વોર્મિંગની ભારત પર પડી રહેલી સીધી અને પ્રત્યક્ષ અસર છે. વિજ્ઞાનનો પાયાનો નિયમ છે કે જેમ જેમ પૃથ્વીનું સરેરાશ તાપમાન વધે છે, તેમ તેમ વાતાવરણની ભૌતિક ક્ષમતામાં ફેરફાર થાય છે. વાતાવરણનું તાપમાન પ્રતિ એક ડિગ્રી સેલ્સિયસ વધવાની સાથે હવાની ભેજ સંગ્રહવાની ક્ષમતા લગભગ સાત ટકા જેટલી વધી જાય છે. આ વૈજ્ઞાનિક વાસ્તવિકતાના કારણે વાદળો હવે ધીમે ધીમે અને સમાન રીતે પાણી વરસાવવાને બદલે અતિશય ભેજ એકઠો કરી લે છે અને પછી કોઈ ચોક્કસ નાના ભૌગોલિક વિસ્તાર પર થોડા જ કલાકોમાં આખું વાદળ ખાલી કરી નાખે છે. આ ઘટનાને આબોહવા વિજ્ઞાનીઓ એક્સ્ટ્રીમ વેધર ઇવેન્ટ્સ તરીકે ઓળખાવે છે.
ભારતમાં ચોમાસાનું પરંપરાગત કેલેન્ડર હવે સંપૂર્ણપણે વેરવિખેર થઈ ગયું છે. દાયકાઓ પહેલાં ભારતમાં ચોમાસું જૂન મહિનામાં શરૂ થઈને સપ્ટેમ્બર સુધી શાંતિથી, સમાન અંતરે અને ધીમી ધારે વરસતું હતું. આજના બદલાયેલા યુગમાં વરસાદી દિવસોની સંખ્યા ઘટી ગઈ છે અને શુષ્ક દિવસોની સંખ્યા વધી ગઈ છે. હવે ત્રણ મહિનાનો વરસાદ માત્ર દસથી પંદર દિવસમાં પડી જાય છે. પરિણામે, જ્યારે વરસાદ પડે છે ત્યારે પૂર આવે છે કારણ કે જમીન એટલી ઝડપે પાણી શોષી શકતી નથી અને મોટાભાગનું અમૂલ્ય મીઠું પાણી નદીઓ વાટે દરિયામાં વહી જાય છે; અને જ્યારે વરસાદ અટકે છે ત્યારે લાંબા સૂકા ગાળાઓ સર્જાય છે જે દુષ્કાળ જેવી પરિસ્થિતિ પેદા કરે છે.
આ વિષમતા પાછળ પ્રશાંત મહાસાગરમાં સર્જાતી અલ નીનો અને લા નીના જેવી વૈશ્વિક સમુદ્રી પરિસ્થિતિઓ પણ મોટો ભાગ ભજવે છે. જ્યારે પ્રશાંત મહાસાગરની સપાટીનું પાણી અસામાન્ય રીતે ગરમ થાય છે ત્યારે અલ નીનો સર્જાય છે, જે ઐતિહાસિક રીતે ભારતીય ચોમાસાને નબળું પાડવા માટે અને વરસાદમાં મોટો ઘટાડો કરવા માટે જાણીતું છે. તેવી જ રીતે હિંદ મહાસાગરમાં સર્જાતો ઇન્ડિયન ઓશન ડિપોલ પણ ચોમાસાની દિશા અને ગતિ નક્કી કરવામાં ચાવીરૂપ ભૂમિકા ભજવે છે. જ્યારે આ વૈશ્વિક મહાસાગરીય પરિબળો અસંતુલિત બને છે, ત્યારે ભારતીય મોન્સૂન ટ્રફ પોતાની સામાન્ય સ્થિતિ પરથી ભટકી જાય છે. આ વખતે મોન્સુન ટ્રફ લાંબા સમય સુધી હિમાલયની તળેટી તરફ સરકેલી રહી, જેના કારણે ઉત્તરના રાજ્યોમાં વાદળોનો જમાવડો રહ્યો અને દક્ષિણ તથા મધ્ય ભારત વાદળોની રાહ જોતું રહી ગયું.