ગ્રીન એનર્જીના મોટા દાવાઓ અને પ્રજાને વીજકાપનો કરંટ!
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

- સોલાર બેટરીની મોંઘી આયાત ડયૂટી અને અવિચારી-અણઘડ નીતિઓને પગલે પ્રજા મોંઘી વીજળી ખરીદવા લાચાર
- કોલસા આધારિત થર્મલ પાવર પ્લાન્ટ્સમાં કાચા માલની અછત, ટ્રાન્સમિશન નેટવર્કની ખામીઓ અને વધતી જતી માંગને કારણે દેશના ગ્રામીણ અને અર્ધ-શહેરી વિસ્તારોમાં કલાકો સુધી અઘોષિત વીજકાપ સામાન્ય બાબત બની ગઈ છે. પીક અવર્સમાં જ્યારે વીજળીની સૌથી વધુ જરૂર હોય છે, ત્યારે પરંપરાગત પાવર ગ્રીડ નિષ્ફળ નીવડે છે. તેનો વિકલ્પ ગ્રીન એનર્જી છે પણ તેમાં ઘાટ કરતા ઘડામણ મોંઘા જેવી સ્થિતિ થઈ છે ઃ કેન્દ્ર સરકારે સ્થાનિક ઉદ્યોગોને પ્રોત્સાહન આપવા અને આયાત ઘટાડવા માટે બેઝિક કસ્ટમ્સ ડયૂટી અને અન્ય કરવેરા વધારવાનો માર્ગ પસંદ કર્યો છે. આયાતી બેટરી અને સેલ્સ પર ૧૫થી ૨૦ ટકા કે તેથી વધુ કસ્ટમ્સ ડયૂટી, તેના પર લાગતો સેસ અને જીએસટી ઉમેરાતાં મૂળ કિંમત કરતાં બેટરીનો અંતિમ ભાવ સામાન્ય ગ્રાહક માટે લગભગ ૩૦થી ૪૦ ટકા વધી જાય છે
ભારતમાં રિન્યુએબલ એનર્જી અને ખાસ કરીને સૌર ઊર્જાને પ્રોત્સાહન આપવા માટે સરકારી સ્તરે મોટા પાયે જાહેરાતો, સબસિડી યોજનાઓ અને આકર્ષક લક્ષ્યાંકો રજૂ કરવામાં આવે છે. છત પર સોલાર પેનલ લગાવીને વીજળી ગ્રાહકમાંથી વીજળી ઉત્પાદક બનવાના પ્રલોભનો નાગરિકો સમક્ષ મૂકાયા છે. જોકે, આ આકર્ષક કાગળ ઉપરના આંકડાઓ અને ગ્રાઉન્ડ રિયાલિટી વચ્ચે એક મોટો તફાવત છે, જે સામાન્ય લોકોને મોટો આર્થિક ફટકો પહોંચાડી રહ્યો છે. એક તરફ ગ્રીન એનર્જી અપનાવવા માટે સબસિડીનો પ્રચાર ચાલે છે, તો બીજી તરફ સોલાર સ્ટોરેજ માટે અનિવાર્ય ગણાતી બેટરીઓ, ખાસ કરીને લિથિયમ-આયન બેટરી પેક અને સેલ્સ ઉપર અધધ કસ્ટમ્સ ડયૂટી, જીએસટી અને સંરક્ષણાત્મક ટેરિફ અને સોશિયલ વેલફેર ટેક્સ લાદી દેવામાં આવ્યા છે. સૂર્યપ્રકાશ દિવસ દરમિયાન પુષ્કળ મળે, પણ સાંજ પછી અથવા પાવર કટ દરમિયાન ઘર ચલાવવા માટે જે બેટરી સ્ટોરેજ જોઈએ, તેના ભાવ સામાન્ય નાગરિકની પહોંચ બહાર ધકેલાઈ ગયા છે.
તાજેતરમાં જ સમસ્યા સામે આવી છે કે, સેન્ટ્રલ બોર્ડ ઓફ ઈનડાયરેક્ટ ટેક્સિસ અને કસ્ટમ દ્વારા ગ્રીડ સ્કેલ અને સ્ટેશનરી બેટરી એનર્જી સ્ટોરેજ સિસ્ટમ ઉપર ૧૦ ટકા બેસિક કસ્ટમ ડયૂટી, ૧૮ ટકા જીએસટી અને ૧૦ ટકા સામાજિક કલ્યાણ સરચાર્જ જેવા ટેક્સ લાગુ કર્યા છે. આ સિવાય પણ કેન્દ્રીય એજન્સીઓ દ્વારા લિથિયમ બેટરીની આયાત દરમિયાન તેની ગુણવત્તા અંગે પણ વિવિધ નિયમો લાગુ કરવામાં આવ્યા છે. તેના પગલે સ્થિતિ એવી થઈ છે કે, આયાતકારો પૂરતા પ્રમાણમાં બેટરી આયાત કરી શકતા નથી. બેટરીની અછતને પગલે સોલાર પેનલ કામ કરતી અને વીજળીનો સંગ્રહ કરતી અટકી ગઈ છે. તેના કારણે લોકોને સોલાર પેનલ હોવા છતાં ગ્રીડની વીજળીનો ઉપયોગ કરવો પડે છે અને વીજળીનું બિલ વધારે ચુકવવું પડે છે.
જાણકારોના મતે આ વિરોધાભાસ ત્યારે વધુ ગંભીર બને છે જ્યારે દેશની ગ્રીડ વ્યવસ્થા ગરમીની ઋતુમાં હાંફી જાય છે. કોલસા આધારિત થર્મલ પાવર પ્લાન્ટ્સમાં કાચા માલની અછત, ટ્રાન્સમિશન નેટવર્કની ખામીઓ અને વધતી જતી માંગને કારણે દેશના ગ્રામીણ અને અર્ધ-શહેરી વિસ્તારોમાં કલાકો સુધી અઘોષિત વીજકાપ સામાન્ય બાબત બની ગઈ છે. પીક અવર્સમાં જ્યારે વીજળીની સૌથી વધુ જરૂર હોય છે, ત્યારે પરંપરાગત પાવર ગ્રીડ નિષ્ફળ નીવડે છે. આવા સંજોગોમાં ડિસેન્ટ્રલાઈઝ્ડ સોલાર અને બેટરી એનર્જી સ્ટોરેજ સિસ્ટમ્સ (મ્ઈજીજી) શ્રેષ્ઠ વિકલ્પ સાબિત થઈ શકે છે. પરંતુ નીતિ નિર્માતાઓએ સ્થાનિક સ્તરે પૂરતું ઉત્પાદન શરૂ થાય તે પહેલાં જ આયાતી સાધનો પર આકરા કરવેરા ઝીંકી દીધા છે. પરિણામે, જેને સાચો સ્વચ્છ ઉર્જા વિકલ્પ બનાવવો જોઈતો હતો, તે સામાન્ય અને મધ્યમ વર્ગ માટે મોંઘવારીનું નવું સાધન બની ગયો છે.
ઉલ્લેખનીય છે કે, ભારતમાં સોલાર સ્ટોરેજ સેક્ટરમાં વપરાતી અદ્યતન બેટરીઓ માટેની નિર્ભરતા મુખ્યત્વે ચીન પર રહેલી છે. હાલના આંકડાકીય અંદાજો મુજબ, ભારતમાં આયાત થતા કુલ લિથિયમ-આયન સેલ્સ અને બેટરી મોડયુલ્સમાંથી ૭૦થી ૮૦ ટકાથી વધુ હિસ્સો એકલા ચીનમાંથી આવે છે. ભારત દર વર્ષે અબજો ડોલરના મૂલ્યની લિથિયમ-આયન બેટરીઓની આયાત કરે છે. વૈશ્વિક સપ્લાય ચેઈન પર નજર કરીએ તો લિથિયમ પ્રોસેસિંગ, કેથોડ-એનોડ નિર્માણ અને વિશાળ ગીગાફેક્ટરી સ્કેલિંગ પર ચીનનું વર્ચસ્વ છે. ચીનની સરકાર દ્વારા વર્ષો સુધી અપાયેલા પ્રોત્સાહનો, વિશાળ લોજિસ્ટિક્સ અને કાચા માલના સંશોધન પરના નિયંત્રણને કારણે ચીની ઉત્પાદકો જે સ્કેલ અને ખર્ચે બેટરીનું ઉત્પાદન કરે છે, તેની સરખામણી વૈશ્વિક સ્તરે કોઈ દેશ તાત્કાલિક કરી શકે તેમ નથી.
આ ઉપરાંત ખર્ચના સંદર્ભમાં ચીનની બેટરીઓ ભારતીય કે પશ્ચિમી ઉત્પાદકો કરતાં ૩૦થી ૪૫ ટકા સુધી સસ્તી પડે છે. ભારત જ્યારે ચીનમાંથી સેલ કે પેક મંગાવે છે ત્યારે પ્રતિ કિલોવોટ-કલાક (ંઉર) ખર્ચ વૈશ્વિક બજારભાવ કરતાં પણ નીચો રહે છે. ચીની ઉત્પાદકો મોટા ઓર્ડર પર માર્જિન ઘટાડીને પણ સપ્લાય કરી શકે છે. જ્યારે બીજી તરફ ભારતમાં હજુ લિથિયમ સેલ ઉત્પાદનની પ્રાથમિક ફેક્ટરીઓ આકાર લઈ રહી છે. ભારતમાં હાલ મોટાભાગે બેટરી પેક એસેમ્બલ થાય છે, પરંતુ તેના માટે મહત્ત્વનો પાર્ટ ગણાતા જે સેલ છે તેનું ઉત્પાદન નહિવત છે. પરિણામે, ભારતીય એસેમ્બલર્સ પણ ચીની સેલ મંગાવીને પેક બનાવે છે. સ્થાનિક સ્તરે તૈયાર થતા પેક્સ પર સ્કેલ ઓફ ઈકોનોમીના અભાવે ઉત્પાદન ખર્ચ પહેલેથી ઊંચો હોય છે, જેના કારણે ચીનની આયાતી બેટરીઓ સીધી રીતે જ બજારમાં વધુ સસ્તી અને સ્પર્ધાત્મક બની રહે છે.
ચીનથી આયાત થતી સસ્તી બેટરીના તાત્કાલિક લાભો સ્પષ્ટ છે. પ્રથમ તો, તે ભારતના સામાન્ય પરિવારો અને નાના વેપારીઓ માટે ઓફ-ગ્રીડ અથવા હાઇબ્રિડ સોલાર સિસ્ટમને આર્થિક રીતે પોસાય તેવી બનાવે છે. ખેતરોમાં સોલાર પંપ સેટ્સ હોય કે નાની દુકાનોમાં ડીઝલ જનરેટરનો વિકલ્પ, સસ્તી બેટરીઓ લોકોનો ઇંધણ ખર્ચ બચાવે છે અને પ્રદૂષણ ઘટાડે છે. વધુમાં, ટેલિકોમ ટાવર્સ, હોસ્પિટલો અને શિક્ષણ સંસ્થાઓ જેવી સેવાઓ જ્યાં અવિરત વીજળી જોઈએ, ત્યાં સસ્તી ચીની બેટરીઓ વીજકાપની સ્થિતિમાં રાહત પૂરી પાડે છે. ગ્રીન એનર્જીનું રોકાણ ઝડપથી વસૂલ થાય તો જ સામાન્ય ગ્રાહક પરંપરાગત પાવર કનેક્શન પરથી સોલાર તરફ વળવા પ્રેરાય છે, અને આ ઝડપી વળતર માટે સસ્તા સ્ટોરેજ સાધનો અનિવાર્ય પરિબળ છે.
જોકે, સિક્કાની બીજી બાજુ ચીન પરની આ આંધળી નિર્ભરતાના ગંભીર વ્યૂહાત્મક અને આર્થિક નુકસાન પણ છે. ચીન કોઈપણ ક્ષણે ભૂરાજકીય તણાવ વખતે સપ્લાય ચેઈન અટકાવીને ભારતની ઉર્જા સુરક્ષા જોખમમાં મૂકી શકે છે. ભૂતકાળમાં દવાઓના એપીઆઈ (છઁૈં) અને સોલાર સેલના કિસ્સામાં આપણે આ જોયું છે. બીજું મોટું નુકસાન ડમ્પિંગ અને ગુણવત્તાનું છે. સસ્તા માલના નામે ઘણીવાર ભારતીય બજારમાં બી-ગ્રેડ સેલ્સ કે જૂની ટેકનોલોજીવાળી બેટરીઓ ઠાલવવામાં આવે છે, જે ભારતની ઊંચી ગરમી સહન ન કરી શકતા આગ લાગવાના કે ઝડપથી ખરાબ થવાના બનાવો બને છે. ઉપરાંત, સસ્તી આયાતને લીધે ભારતમાં સ્થાનિક બેટરી ઉત્પાદકો ક્યારેય સ્પર્ધામાં ટકી શકતા નથી. પરિણામે દેશનું રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ (ઇઃઘ) કુંઠિત રહે છે અને સ્થાનિક સ્તરે હજારો મેન્યુફેક્ચરિંગ રોજગારીઓનું સર્જન અટકી જાય છે.
જ્યારે દેશમાં પાવર ગ્રીડ આઠ-આઠ કલાક વીજળી કાપી લેતી હોય, ત્યારે નાગરિક પોતાની જાતે બેટરી સ્ટોરેજ સિસ્ટમ વસાવીને આત્મનિર્ભર બનવા માંગે છે. પરંતુ સરકારની નીતિઓ આ પ્રક્રિયાને પ્રોત્સાહિત કરવાને બદલે દંડિત કરતી હોય તેવું વાતાવરણ ઊભું થયું છે. આયાત શુલ્ક વધારવાથી મોંઘવારી વધી છે, ઇન્વર્ટર અને સોલાર બેટરીના સેટ્સ મોંઘા થયા છે અને ગ્રામીણ વિસ્તારોમાં જે ખેડૂતો કે નાના કારીગરો સૂર્યશક્તિના સહારે આગળ વધવા માંગતા હતા, તેઓ ફરીથી પરંપરાગત ડીઝલ કે ગ્રીડની અનિશ્ચિતતા તરફ ધકેલાયા છે.
આ સ્થિતિમાંથી બહાર નીકળવા માટે સરકારે તેની કર નીતિ અને ઊર્જા વ્યૂહરચના વચ્ચે સંતુલન સાધવું પડશે.
જ્યાં સુધી દેશની ગીગાફેક્ટરીઓ બજારની ૭૦-૮૦ ટકા માંગ પૂરી કરવા સક્ષમ ન બને, ત્યાં સુધી આયાતી સોલાર સ્ટોરેજ બેટરી અને સેલ્સ પરનો કરવેરો તાકક બનાવવો જોઈએ અથવા તબક્કાવાર વધારવો જોઈએ. આ ઉપરાંત, સ્થાનિક સ્તરે માત્ર ટેરિફ પ્રોટેક્શન આપવાના બદલે કાચા માલની સપ્લાય ચેઈન સુરક્ષિત કરવી, સોડિયમ-આયન જેવી વૈકલ્પિક બેટરી ટેકનોલોજીમાં રોકાણ વધારવું અને ગ્રાહક સ્તરે બેટરી સ્ટોરેજ પર પણ સીધી સબસિડી આપવી જરૂરી છે. જો આ પગલાં નહીં લેવાય, તો સોલાર એનર્જીની જાહેરાતો માત્ર કાગળ પર ચમકશે અને સામાન્ય જનતા અંધારા અને કરવેરાના ડબલ કરંટ વચ્ચે પીસાતી રહેશે.
સરકારના પાપે ગ્રીન એનર્જી લોકો માટે સફેદ હાથી બની ગઈ છે
કેન્દ્ર સરકારે સ્થાનિક ઉદ્યોગોને પ્રોત્સાહન આપવા અને આયાત ઘટાડવા માટે બેઝિક કસ્ટમ્સ ડયૂટી અને અન્ય કરવેરા વધારવાનો માર્ગ પસંદ કર્યો છે. આયાતી બેટરી અને સેલ્સ પર ૧૫ થી ૨૦ ટકા કે તેથી વધુ કસ્ટમ્સ ડયૂટી, તેના પર લાગતો સેસ અને જીએસટી ઉમેરાતાં મૂળ કિંમત કરતાં બેટરીનો અંતિમ ભાવ સામાન્ય ગ્રાહક માટે લગભગ ૩૦થી ૪૦ ટકા વધી જાય છે.
સરકારનો તર્ક એવો છે કે ઊંચા ટેરિફ લાદવાથી વિદેશી માલ મોંઘો થશે અને તેથી સ્થાનિક ઉત્પાદન વધશે, જેને મેક ઇન ઇન્ડિયા અને પ્રોડક્શન લિંક્ડ ઇન્સેન્ટિવ યોજનાઓ દ્વારા બળ મળશે. પરંતુ સરકારી નીતિ નિર્માતાઓ એ મૂળભૂત ગણતરી ભૂલી ગયા કે જ્યાં સુધી દેશમાં માંગ જેટલું ઉત્પાદન શરૂ ન થાય, ત્યાં સુધી આયાત પર ટેક્સ નાખવાનો અર્થ માત્ર ગ્રાહકના ખિસ્સા પર બોજ વધારવો છે. વાસ્તવિકતા એ છે કે ભારતમાં લિથિયમ-આયન બેટરી સેલનું વિશાળ પાયે ઉત્પાદન થતાં હજુ વર્ષો લાગશે. દેશ પાસે લિથિયમ, નિકલ કે કોબાલ્ટ જેવા કાચા માલના વ્યવસાયિક સ્તરે કાર્યરત પ્રોસેસિંગ પ્લાન્ટ્સ નથી. પીએલઆઈ સ્કીમ હેઠળ મંજૂર થયેલી ગીગાફેક્ટરીઓ હજુ નિર્માણ કે ટેસ્ટિંગના તબક્કામાં છે. આમ, સપ્લાય અને ડિમાન્ડ વચ્ચે વિશાળ ગેપ છે. ગ્રાહક પાસે ભારતીય બેટરી ખરીદવાનો વિકલ્પ જ નથી, અને આયાતી બેટરી પર સરકાર અધધ કરવેરા વસૂલે છે.
પરિણામે, સરકારે આપેલી સોલાર પેનલની સબસિડી બેટરીના કરવેરા ભરવામાં જ ખર્ચાઈ જાય છે. એક હાથે સબસિડી આપવી અને બીજા હાથે બેટરીના કરવેરા રૂપે નાણાં પાછા ખેંચી લેવા જેવો આ વિરોધાભાસ છે, જેનાથી ગ્રીન એનર્જી ક્રાંતિ મધ્યમ વર્ગ માટે માત્ર એક મોંઘો શોખ બનીને રહી ગઈ છે. લોકો માટે સફેદ હાથી સાબિત થઈ રહી છે.




