News Focus

ચેતજો : ડોક્ટરો નાંખે તે મેડિકલ ડિવાઈસ ડુપ્લીકેટ હોઇ શકે !

By GS Team
10 Nov 20268 mins read
TukuTouch Logo
દેશમાં 5 વર્ષમાં મેડિકલ ડિવાઇસને કારણે 9,373 લોકોને ગંભીર નુકસાન થયું છે. 2020 થી 2025 દરમિયાન થયેલા આ બનાવોમાં મૃત્યુ કે અપંગતાનો ભોગ બન્યા છે. ઇન્ડિયન ફાર્માકોપિયા કમિશન દ્વારા ખામીયુક્ત ડિવાઇસ બનાવતી કંપનીઓના નામ જાહેર ન કરવાના બચાવ સામે પ્રજાનો જીવ જોખમમાં છે. 14,584 બનાવોમાંથી માત્ર 22 કેસમાં કાર્યવાહી કરાઈ.

Summarized by AI; it may make mistakes. Check important info

ચેતજો : ડોક્ટરો નાંખે તે મેડિકલ ડિવાઈસ ડુપ્લીકેટ હોઇ શકે !
  • પાંચ વર્ષમાં મેડિકલ ડિવાઈસથી ૯ હજાર લોકોને નુકસાન થયું છે, બજારમાં મળતાં એક્સપાયર્ડ સાધનો જીવ બચાવે તે જરૂરી નથી
  • ૨૦૨૦થી ૨૦૨૫ સુધીના ગાળામાં નોંધાયેલા ૯,૩૭૩ ગંભીર અકસ્માતો અને વિકૃતિઓની આ વણઝાર ચીસો પાડીને સવાલ કરી રહી છે કે આ દેશમાં માનવ જીવનનું કોઈ મૂલ્ય છે કે પછી ફાર્માસ્યુટિકલ તથા મેડિકલ ઉપકરણો બનાવતી મલ્ટિનેશનલ કંપનીઓની બેફામ કમાણી સામે પ્રજાનો જીવ સાવ તુચ્છ અને સામાન્ય બની ગયો છે : ઇન્ડિયન ફાર્માકોપિયા કમિશનનો એ બચાવ છે, જેમાં તેમણે કેન્દ્રીય માહિતી પંચ સમક્ષ એવી દલીલ કરી હતી કે ખામીયુક્ત મેડિકલ ડિવાઇસ બનાવતી કંપનીઓ કે ઉત્પાદકોના નામ જાહેર કરી શકાય નહીં, કારણ કે તેનાથી કંપનીઓની 'કોમર્શિયલ કોન્ફિડેન્સ' એટલે કે વ્યાપારી વિશ્વસનીયતા અને સ્પર્ધાત્મક સ્થિતિને જોખમ પહોંચશે. કેવો અધમ અને વિકૃત તર્ક છે : વર્ષ ૨૦૨૪-૨૫ દરમિયાન સમગ્ર દેશમાંથી ૧૪,૫૮૪ જેટલી મેડિકલ ડિવાઇસની પ્રતિકૂળ ઘટનાઓ નોંધાઈ હતી. પરંતુ આ આશ્ચર્યજનક વિશાળ જથ્થામાંથી યોગ્ય કાર્યવાહી માટે ડ્રગ કંટ્રોલર સમક્ષ કેટલા કેસ મોકલવામાં આવ્યા? માત્ર ૨૨ કેસ! એટલે કે ૧૪ હજારથી વધુ બનાવોને કાગળ પર દબાવી દેવામાં આવ્યા અને માત્ર ૨૨ સામાન્ય બાબતોને કાર્યવાહીના નામે આગળ ધરી દેવામાં આવી

ભારતની જર્જરિત અને વ્યાપારીકરણના સકંજામાં ફસાયેલી આરોગ્ય વ્યવસ્થાના ઉંબરે સામાન્ય નાગરિક જ્યારે પોતાનો જીવ બચાવવા માટે પગ મૂકે છે, ત્યારે તેને લેશમાત્ર કલ્પના નથી હોતી કે હોસ્પિટલના એરકન્ડિશન્ડ રૂમો અને મોર્ડન ઓપરેશન થિયેટરોમાં તેને જીવનદાન નહીં, પરંતુ ઘણી જગ્યાએ તેમને અકાળ મોતની સામગ્રી પીરસાઈ રહી છે. દર્દી અને તેના ચિંતિત પરિવારજનો જે ઉપકરણોને, સ્ટેન્ટ્સને, વેન્ટિલેટર્સને કે ઈન્જેક્શનની સિરિંજને ભગવાનના આશીર્વાદ સમાન માને છે, તે જ ઉપકરણો જીવલેણ સાબિત થઈ રહ્યા છે. તાજેતરમાં આ વિશે એક અહેવાલ બહાર આવ્યો છે. સેન્ટ્રલ ઇન્ફોર્મેશન કમિશનના કડક હુકમ બાદ ઇન્ડિયન ફાર્માકોપિયા કમિશન દ્વારા સાર્વજનિક કરવામાં આવેલી વિગતો દેશના સમગ્ર આરોગ્યતંત્રના સભ્ય ચહેરા પરથી દંભના મહોરાને ઉતારી ફેંકે છે. છેલ્લા છ વર્ષમાં મેડિકલ ડિવાઇસના કારણે દર્દીઓને થયેલા ગંભીર નુકસાન અને જીવલેણ આડઅસરોના બનાવોમાં થયેલો લગભગ ત્રણ ગણો તોતિંગ વધારો કોઈ સામાન્ય વહીવટી ક્ષતિ નથી, પરંતુ દેશના લાખો નિર્દોષ નાગરિકોના સ્વાસ્થ્ય સાથે ખુલ્લેઆમ ખેલાઈ રહેલી લોહિયાળ રમત છે. ૨૦૨૦થી ૨૦૨૫ સુધીના ગાળામાં નોંધાયેલા ૯,૩૭૩ ગંભીર અકસ્માતો અને વિકૃતિઓની આ વણઝાર ચીસો પાડીને સવાલ કરી રહી છે કે આ દેશમાં માનવ જીવનનું કોઈ મૂલ્ય છે કે પછી ફાર્માસ્યુટિકલ તથા મેડિકલ ઉપકરણો બનાવતી મલ્ટિનેશનલ કંપનીઓની બેફામ કમાણી સામે પ્રજાનો જીવ સાવ તુચ્છ અને સામાન્ય બની ગયો છે.
ઉલ્લેખનીય છે કે, વર્ષ ૨૦૨૦માં જ્યાં ગંભીર નુકસાનના ૮૦૮ બનાવો સામે આવ્યા હતા, તે આંકડો વર્ષ ૨૦૨૫ સુધીમાં કૂદકો મારીને સીધો ૨,૧૭૬ પર પહોંચી ગયો છે. આ માત્ર આંકડાકીય સરખામણી નથી, પરંતુ હોસ્પિટલોના બિછાને જીવન-મરણ વચ્ચે ઝોલા ખાતા, અપંગતાનો ભોગ બનેલા કે કાયમ માટે મોતના મુખમાં ધકેલાઈ ગયેલા પરિવારોની હૈયાફાટ વેદના છે. ગંભીર નુકસાન એટલે કે સીરિયસ એડવર્સ ઇવેન્ટ્સ એવી ભયાનક તબીબી પરિસ્થિતિઓ છે, જેના પરિણામે દર્દીનું મૃત્યુ થઈ શકે છે, તેને અસાધ્ય શારીરિક ખોડખાંપણ આવી શકે છે અથવા તો તેને લાંબા સમય સુધી આઈસીયુના અંધકારમય બિછાને મોંઘીદાટ સારવાર હેઠળ સબડવું પડે છે.
આ આખા પ્રકરણમાં સૌથી વધુ શરમજનક અને ઉગ્ર રોષ ઉપજાવે તેવી બાબત ઇન્ડિયન ફાર્માકોપિયા કમિશનનો એ બચાવ છે, જેમાં તેમણે કેન્દ્રીય માહિતી પંચ સમક્ષ એવી દલીલ કરી હતી કે ખામીયુક્ત મેડિકલ ડિવાઇસ બનાવતી કંપનીઓ કે ઉત્પાદકોના નામ જાહેર કરી શકાય નહીં, કારણ કે તેનાથી કંપનીઓની 'કોમર્શિયલ કોન્ફિડેન્સ' એટલે કે વ્યાપારી વિશ્વસનીયતા અને સ્પર્ધાત્મક સ્થિતિને જોખમ પહોંચશે. કેવો અધમ અને વિકૃત તર્ક છે આ! જે કંપનીઓના ઉપકરણો દર્દીઓના હૃદયમાં, નસોમાં અને અંગોમાં જઈને ફેઈલ થઈ રહ્યા છે, જેમના સાધનો લોકોના મોતનું કારણ બની રહ્યા છે, તેમના નામ જાહેર ન કરવા પાછળ તંત્ર તેમની બજારની પ્રતિષ્ઠા અને વ્યાપારિક નફાની ચિંતા કરે છે! સામાન્ય નાગરિક કોઈ નાનો ગુનો કરે ત્યારે તેનું નામ અને સરનામું જાહેર કરવા માટે પડાપડી થતી હોય છે, પરંતુ જ્યારે આ અબજોપતિ ફાર્મા કંપનીઓના ખામીયુક્ત હૃદયના સ્ટેન્ટ્સ કે વેન્ટિલેટર્સ કોઈ નિર્દોષનો જીવ હરી લે છે, ત્યારે સરકારી બાબુઓ કાયદાની છટકબારીઓ શોધીને કંપનીઓના નામ છુપાવવા મેદાનમાં આવી જાય છે.
વળી, આ બાબુઓ એવી પોકળ દલીલ પણ આગળ ધરે છે કે દર્દીને થયેલું નુકસાન મેડિકલ ડિવાઇસની ખામીને લીધે થયું છે કે પછી ડોક્ટરો કે હોસ્પિટલની સર્જિકલ પ્રક્રિયાની ભૂલને કારણે, તે સ્પષ્ટ નથી. જો વર્ષોની તપાસ છતાં દેશની સર્વોચ્ચ સંસ્થાઓ આટલું સાબિત ન કરી શકતી હોય, તો પછી આવા રેગ્યુલેટરી તંત્રનો અસ્તિત્વમાં રહેવાનો અર્થ જ શું છે? વળી, લાખો માહિતીઓનું વર્ગીકરણ કરવામાં સમય અને સંસાધનો વેડફાઈ જશે તેવી આળસુ અને બિનજવાબદાર દલીલ આગળ ધરીને જનતાના જીવ સાથે ચેડાં કરવામાં આવી રહ્યા છે. દેશના નાગરિકોને એ જાણવાનો સંપૂર્ણ અને બંધારણીય અધિકાર છે કે જે સ્ટેન્ટ તેમના હૃદયની ધમનીમાં બેસાડવામાં આવી રહ્યા છે, અથવા જે ડાયાલિસિસ કિટ કે પેસમેકર તેમના વડીલોના શરીરમાં નંખાઈ રહ્યું છે, તે વિશ્વસનીય છે કે પછી કોઈ કાળી યાદીમાં પડેલી ભ્રષ્ટ કંપનીનું સસ્તું અને જીવલેણ ઉત્પાદન છે. દર્દી પાસેથી લાખો રૂપિયા વસૂલતી ખાનગી અને કોર્પોરેટ હોસ્પિટલો સામે આ દર્દીઓને અંધારામાં રાખીને ગમે તે કંપનીનું ગમે તેવું ખામીયુક્ત મટિરિયલ પધરાવી દેવાનો આ ગોરખધંધો હવે કોઈથી છાનો રહ્યો નથી.
વર્ષ ૨૦૧૮માં જ્યારે આંતરરાષ્ટ્રીય સ્તરે ગાજેલી 'ઇમ્પ્લાન્ટ ફાઇલ્સ' તપાસ બહાર આવી હતી, ત્યારે એ ચોંકાવનારો ઘટસ્ફોટ થયો હતો કે દેશમાં નોંધાયેલા હૃદયના સ્ટેન્ટ્સ સંબંધિત અડધાથી વધુ પ્રતિકૂળ બનાવો માત્ર એક જ વૈશ્વિક ફાર્મા કંપની એબોટના કોરોનરી સ્ટેન્ટ્સ સાથે જોડાયેલા હતા. તે સમયે કુલ ૫૬૬ પ્રતિકૂળ બનાવોમાંથી ૨૯૦ કેસ આ એક જ મલ્ટિનેશનલ કંપનીના ખાતામાં બોલતા હતા. તે વખતે કંપનીએ ગોળગોળ જવાબો આપીને પોતાની ગુણવત્તાના ગુણગાન ગાયા હતા અને સરકારે મામલાને ઠંડો પાડી દીધો હતો. ૨૦૧૮ પછી આ વિગતોનું વાર્ષિક અપડેટ મેળવવા માટે સતત માહિતી અધિકાર હેઠળ અરજીઓ કરવામાં આવી, પરંતુ સરકારી તંત્રએ કાયદાનો દુરુપયોગ કરીને જનતા સામે સત્ય આવવા ન દીધું. ગંભીર આડઅસરોનો આંકડો ઘટી જવાને બદલે સતત વધીને ત્રણ ગણો થઈ ચૂક્યો છે, જે સાબિત કરે છે કે ૨૦૧૮ના એ ઘટસ્ફોટ પછી પણ નિયમનકારી તંત્રએ કોઈ કડક પગલાં લીધા નહોતા અને કંપનીઓને ખુલ્લો દોર આપી રાખ્યો હતો.
આનાથી પણ વધુ ગંભીર બાબત એ છે કે સેન્ટ્રલ ડ્રગ્સ સ્ટાન્ડર્ડ કંટ્રોલ ઓર્ગેનાઇઝેશન એટલે કે સીડીએસસીઓ જેવી દેશની સર્વોચ્ચ ઔષધ નિયમનકાર સંસ્થા પાસે આ ગંભીર બાબતોમાંથી માત્ર આંગળીના વેઢે ગણી શકાય તેટલા કેસો જ મોકલવામાં આવે છે. આંકડાકીય વિશ્લેષણ જોઈએ તો આખો ખેલ સમજાય તેમ છે. નાણાકીય વર્ષ ૨૦૨૪-૨૫ દરમિયાન સમગ્ર દેશમાંથી ૧૪,૫૮૪ જેટલી મેડિકલ ડિવાઇસની પ્રતિકૂળ ઘટનાઓ નોંધાઈ હતી. પરંતુ આ આશ્ચર્યજનક વિશાળ જથ્થામાંથી યોગ્ય કાર્યવાહી માટે ડ્રગ કંટ્રોલર સમક્ષ કેટલા કેસ મોકલવામાં આવ્યા? માત્ર ૨૨ કેસ! એટલે કે ૧૪ હજારથી વધુ બનાવોને કાગળ પર દબાવી દેવામાં આવ્યા અને માત્ર ૨૨ સામાન્ય બાબતોને કાર્યવાહીના નામે આગળ ધરી દેવામાં આવી. એ ૨૨ કેસોમાં પણ મોટાભાગે સર્જિકલ મોજા, સાદી સિરિંજ અને યુરીન બેગ જેવી તુચ્છ ચીજો હતી, જ્યારે માત્ર એકાદ વેન્ટિલેટરનો સમાવેશ કરાયો હતો. વર્ષ ૨૦૨૩-૨૪માં પણ આ જ તમાશો જોવા મળ્યો હતો, જ્યાં ૧૦,૨૬૯ પ્રતિકૂળ ઘટનાઓમાંથી માત્ર ૧૬ કેસ સીડીએસસીઓને મોકલાયા હતા. તેમાં નાના બે-ચાર મશીનોને અયોગ્ય ઠેરવીને મોટા અને અબજોના કૌભાંડો ધરાવતા ઇમ્પ્લાન્ટ્સ તથા ગંભીર સર્જિકલ ઉપકરણોને ક્લીન ચીટ આપી દેવામાં આવી હતી.
આ આખી પ્રક્રિયા દર્શાવે છે કે ભારતનો મેટેરિયોવિજિલન્સ પ્રોગ્રામ કાગળ પરનો વાઘ બનીને રહી ગયો છે. વર્ષ ૨૦૧૫માં આ પ્રોગ્રામની શરૂઆત એટલા માટે કરવામાં આવી હતી કે ભારતીય બજારમાં વપરાતા તબીબી ઉપકરણોની ગુણવત્તા પર બાજ નજર રાખી શકાય અને વૈશ્વિક ધારાધોરણો મુજબ દર્દીઓની સુરક્ષા સુનિશ્ચિત કરી શકાય. એડવર્સ ડ્રગ મોનિટરિંગ સિસ્ટમ નામના પોર્ટલની રચના પણ કરવામાં આવી, જેમાં કોઈપણ ગંભીર ઘટના બને તો ૧૫ દિવસની અંદર તેની ફરજિયાત જાણ કરવાનો કાયદો છે. પરંતુ વિશ્વના અદ્યતન દેશો સામે નજર કરીએ તો ખ્યાલ આવે છે કે આપણે કેટલા પછાત અને નિર્દય તંત્રમાં જીવી રહ્યા છીએ.

કંપનીઓની કમિશનબાજી વચ્ચે દર્દી માત્ર એક બકરો બનીને રહી ગયો છે
જ્યારે એક ગરીબ કે મધ્યમવર્ગીય પરિવાર પોતાના સ્વજનની સારવાર માટે ઘરબાર વેચી દે છે, દાગીના ગીરવે મૂકી દે છે અને દેવાના ડુંગર નીચે દબાઈ જાય છે, ત્યારે તેને એમ હોય છે કે તે પોતાના સ્વજનને શ્રેષ્ઠ ઉપચાર આપી રહ્યો છે. પરંતુ તેને કલ્પના પણ નથી હોતી કે જે હૃદયનું સ્ટેન્ટ બેસાડવામાં આવ્યું છે તે થોડા મહિનામાં જ બ્લોક થઈ જશે, અથવા જે ઘૂંટણનું પ્રત્યારોપણ કરવામાં આવ્યું છે તેનો સાંધો નકલી કે ખામીયુક્ત નીકળશે અને આખી જિંદગી દર્દી પથારીવશ થઈ જશે. ભારતમાં તબીબી ક્ષેત્રનું આ માફિયાકરણ એટલી હદે વકરી ગયું છે કે અમુક ભ્રષ્ટ ડોક્ટરો, હોસ્પિટલો અને મલ્ટિનેશનલ કંપનીઓની કમિશનબાજી વચ્ચે દર્દી માત્ર એક બકરો બનીને રહી ગયો છે. આ સ્થિતિ હવે અસહ્ય બની ચૂકી છે અને તેને તાત્કાલિક અસરથી ડામી દેવાની જરૂર છે. સરકારે અને ન્યાયતંત્રએ હવે આંખ આડા કાન કરવાનું બંધ કરવું પડશે. ઇન્ડિયન ફાર્માકોપિયા કમિશન અને સીડીએસસીઓ જેવી નિયમનકારી સંસ્થાઓને આદેશ આપવો જોઈએ કે તેઓ ભારતમાં પણ અમેરિકાની જેમ પ્રત્યેક ખામીયુક્ત મેડિકલ ડિવાઇસનું નામ, તેનું મોડેલ અને તેના ઉત્પાદકનું નામ તાત્કાલિક અસરથી સાર્વજનિક પોર્ટલ પર જાહેર કરે. જે કંપનીઓના ઉપકરણો દર્દીઓના મોત કે કાયમી ખોડખાંપણ માટે જવાબદાર સાબિત થાય, તેમના લાયસન્સ રદ કરીને તેમના સંચાલકો સામે ગુનાહિત માનવવધના કાયદા હેઠળ કેસ ચલાવવામાં આવે. જ્યાં સુધી આ નિર્દય નફાખોરો જેલના સળિયા પાછળ નહીં જાય અને જ્યાં સુધી આ ભ્રષ્ટ સરકારી બાબુઓની જવાબદારી નક્કી નહીં થાય, ત્યાં સુધી ભારતીય આરોગ્ય વ્યવસ્થા સામાન્ય નાગરિકો માટે જીવલેણ છટકું જ બની રહેશે. દેશની પ્રજા હવે શાંત બેસી શકે નહીં; સ્વાસ્થ્ય એ કોઈ વેપાર નથી પરંતુ મૂળભૂત અધિકાર છે, અને કંપનીઓની નફાખોરી માટે સામાન્ય માણસના લોહીનું બલિદાન હવે કોઈપણ સંજોગોમાં ચલાવી લેવાશે નહીં.