News Focus

બેન્કોએ મિનિમમ બેલેન્સના નામે ગરીબોના ખિસ્સામાંથી 26,170 કરોડ સેરવી લીધા

By GS Team
2 Aug 20268 mins read
TukuTouch Logo
ભારતીય બેન્કિંગ સિસ્ટમનો કડવો ચહેરો સામે આવ્યો છે. નાણાકીય વર્ષ 2025-26માં બેન્કોએ મિનિમમ બેલેન્સના નામે ગ્રાહકો પાસેથી રૂ. 7,086.63 કરોડનો દંડ વસૂલ્યો. ખાનગી બેન્કોમાં HDFC બેન્ક (રૂ. 1,798.14 કરોડ) અને સરકારી બેન્કોમાં SBI (રૂ. 477.27 કરોડ) મોખરે રહી. ગરીબ અને મધ્યમવર્ગને દંડાય છે, જ્યારે મોટા ઉદ્યોગપતિઓની કરોડોની લોન માફ કરાય છે. આ ભેદભાવ પર સવાલો ઉઠ્યા છે.

Summarized by AI; it may make mistakes. Check important info

બેન્કોએ મિનિમમ બેલેન્સના નામે ગરીબોના ખિસ્સામાંથી 26,170 કરોડ સેરવી લીધા

Minimum Balance Panelty : નાણાકીય વર્ષ 2025-26ના આંકડા જ જોઈ તો માત્ર એક જ વર્ષમાં ગ્રાહકો પાસેથી રૂ. 7,086.63 કરોડનો દંડ વસૂલવામાં આવ્યો છે. તેમાં ખાનગી બેન્કોનો હિસ્સો જ રૂ. 4,948.71 કરોડ જેટલો મોટો હતો. ખાનગી ક્ષેત્રની HDFC બેન્ક રૂ. 1,798.14 કરોડના દંડ સાથે મોખરે રહી, તો બીજી તરફ સરકારી બેન્કોમાં સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા (SBI)એ પણ ગ્રાહકો પાસેથી રૂ. 477.27 કરોડનો દંડ વસૂલ્યો. ગરીબના ખાતામાં કે મધ્યમવર્ગ નોકરિયાત કે મજૂરના ખાતામાં મિનિમમ બેલેન્સ ઓછું થવાની સાથે જ બેન્કની સિસ્ટમ એક્ટિવ થઈ જાય છે અને દંડ વસુલી લે છે. ગ્રાહક પોતાના ખાતામાં બેલેન્સ ઓછું રાખે કે તરત જ સિસ્ટમ કોઈ પણ દયા વગર તેના ખાતામાંથી રૂ. 200 થી રૂ. 600 સુધીનો દંડ કાપી લે છે : બેન્કોના વિરોધાભાસની પરાકાષ્ઠા ત્યારે આવે છે જ્યારે દેશમાં રૂ. 2,000 નું બેલેન્સ ન રાખવા બદલ ગરીબ નાગરિકનો એક-એક રૂપિયો કાપી લેવાય છે, તે જ દેશમાં કરોડો રૂપિયાનું ફુલેકું ફેરવનારા ઉદ્યોગપતિઓને બેન્કિંગ સિસ્ટમ વ્યાજમાફી અને નવી લોનના વિકલ્પો આપે છે!

ભારતીય આર્થિક વ્યવસ્થામાં બેન્કોને કરોડરજ્જુ સમાન માનવામાં આવે છે. દેશના સામાન્ય નાગરિકથી લઈને મોટા ઉદ્યોગપતિ સુધીના દરેક વ્યક્તિનો આર્થિક વ્યવહાર બેન્કિંગ સિસ્ટમ પર નિર્ભર છે. પરંતુ, છેલ્લા કેટલાક વર્ષોના આંકડા અને નજરે પડતી વાસ્તવિકતા એક અલગ જ અને ચિંતાજનક ચિત્ર ઉપસાવે છે. છેલ્લા 4 નાણાકીય વર્ષોમાં દેશની બેન્કોએ મિનિમમ એવરેજ બેલેન્સ (MAB) ન જાળવવા બદલ ખાતાધારકો પાસેથી રૂ. 26,170 કરોડથી વધુનો આકરો દંડ વસૂલ્યો છે. નાણાકીય વર્ષ 2025-26ના આંકડા જ જોઈ તો માત્ર એક જ વર્ષમાં ગ્રાહકો પાસેથી રૂ. 7,086.63 કરોડનો દંડ વસૂલવામાં આવ્યો છે. તેમાં ખાનગી બેન્કોનો હિસ્સો જ રૂ. 4,948.71 કરોડ જેટલો મોટો હતો. ખાનગી ક્ષેત્રની HDFC બેન્ક રૂ. 1,798.14 કરોડના દંડ સાથે મોખરે રહી, તો બીજી તરફ સરકારી બેન્કોમાં સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા (SBI)એ પણ ગ્રાહકો પાસેથી રૂ. 477.27 કરોડનો દંડ વસૂલ્યો.

આ આંકડા માત્ર આંકડા નથી, પરંતુ દેશના કરોડો ગરીબ, મધ્યમવર્ગીય અને છૂટક મજૂરી કરતા લોકોની આર્થિક પીડા અને મજબૂરીનો ચિતાર છે. આ વાસ્તવિકતા બેન્કિંગ વ્યવસ્થાના બેવડા ધોરણો અને તેના પર સરકારની મૌન સંમતિ સામે મોટા પ્રશ્નાર્થચિહ્નો ઊભા કરે છે. આજના ડિજિટલ યુગમાં સરકારે દરેક નાગરિક માટે બેન્ક ખાતું હોવું ફરજિયાત જેવું બનાવી દીધું છે. સરકારી યોજનાઓનો લાભ, સબસીડી, શિષ્યવૃત્તિ કે મજૂરીના નાણાં મેળવવા માટે બેન્ક એકાઉન્ટ અનિવાર્ય છે. પરંતુ આ જ બેન્કોમાં જ્યારે કોઈ ગરીબ કે રોજમદાર વ્યક્તિ કોઈ કારણોસર ખાતામાં નિયત મિનિમમ બેલેન્સ (દા.ત. રૂ. 2,000, રૂ. 5,000 કે રૂ. 10,000) જાળવી નથી શકતો, ત્યારે સિસ્ટમ ઓટોમેટિક મોડ પર કામ કરવાનું શરૂ કરી દે છે.

ચિંતાજનક બાબત એ છે કે, ગરીબના ખાતામાં કે મધ્યમવર્ગ નોકરિયાત કે મજૂરના ખાતામાં મિનિમમ બેલેન્સ ઓછું થવાની સાથે જ બેન્કની સિસ્ટમ એક્ટિવ થઈ જાય છે અને દંડ વસુલી લે છે. ગ્રાહક પોતાના ખાતામાં બેલેન્સ ઓછું રાખે કે તરત જ સિસ્ટમ કોઈ પણ દયા વગર તેના ખાતામાંથી રૂ. 200 થી રૂ. 600 સુધીનો દંડ કાપી લે છે. ઘણી વાર તો ખાતામાં પૈસા ન હોવા છતાં દંડ ઉમેરાતો જાય છે, જેના કારણે ગ્રાહકનું ખાતું 'માઇનસ'માં જતું રહે છે. જ્યારે તે વ્યક્તિ ફરીથી થોડીઘણી મજૂરીના પૈસા ખાતામાં જમા કરાવે છે, ત્યારે તે પૈસા બેન્ક પોતાના દંડ પેટે તરત જ કાપી લે છે. આ કાયદો કાગળ પર ભલે 'બેન્કિંગ શિસ્ત' જાળવવા માટે બનાવવામાં આવ્યો હોય, પરંતુ વ્યવહારમાં તે ગરીબો અને મધ્યમવર્ગનું આર્થિક શોષણ કરવાનું એક મોટું માધ્યમ બની ગયું છે.

બેન્કિંગ સેક્ટરની બીજી વ્હાઈટ કોલર માફિયાગીરી છે ઈએમઆઈ ચુકવા ઉપર લાગતો દંડ અને તેની વસુલાત. દેશનો મધ્યમવર્ગ બેન્કોનો સૌથી મોટો ગ્રાહક આધાર છે. હોમ લોન, ઓટો લોન, પર્સનલ લોન કે ક્રેડિટ કાર્ડ, આ બધું જ મધ્યમવર્ગની જરૂરિયાતો પૂરી કરવા માટે વપરાય છે. પરંતુ આ જ મધ્યમવર્ગ જ્યારે કોઈ આર્થિક કટોકટી, નોકરી જતી રહેવી કે બીમારીના કારણે લોનનો એક હપ્તો (EMI) ભરી શકતો નથી, ત્યારે બેન્કોનું વલણ અત્યંત આક્રમક બની જાય છે : જો એક હપ્તો બાઉન્સ થાય, તો બેન્ક ગ્રાહક પાસેથી બાઉન્સ ચાર્જ અને લેટ પેમેન્ટ પેનલ્ટી વસૂલે છે. તે ઉપરાંત જો બે કે ત્રણ હપતા ન ભરાય ત્યારે રિકવરીની દાદાગીરી શરૂ થાય છે. લોન રિકવરી માટે ગ્રાહકને દિવસ-રાત ફોન કરીને પરેશાન કરવામાં આવે છે. ઘણી વાર તો રિકવરી એજન્ટો દ્વારા ગ્રાહકના ઘરે કે ઓફિસે જઈને માનસિક ત્રાસ આપવાના અને ધમકાવવાના બનાવો પણ સામે આવે છે. બેન્કોના વ્હાઈટકોલર માફિયા ગ્રાહકોની જિંદગી હરામ કરી નાખે છે. સામાન્ય માણસ પોતાની પ્રામાણિકતા જાળવવા માટે પોતાના ઘરનું ઝવેરાત કે મિલકત વેચીને પણ લોન ભરવા મજબૂર બને છે, કારણ કે તેને પોતાની સામાજિક પ્રતિષ્ઠા અને સિબિલ સ્કોર ખરાબ થવાનો ડર હોય છે.

બેન્કોની બોદી અને બેવડી નીતિનું સૌથી મોટું ઉદાહરણ છે કરોડોની લોન ખોટકાઈ જવાના કેસમાં થતી સખાવતો. મોટા ઉદ્યોગપતિઓને કરોડોની લોન સામેથી આપવા માટે લાલ જાજમ પાથરવામાં આવે છે. આ જ ઉદ્યોગપતિઓ જ્યારે કરોડો રૂપિયાનું ફુલેકું ફેરવી કાઢે ત્યારે બેન્ક સખાવત કરી લેતી હોય છે. મોટા ઉદ્યોગપતિઓ બેન્કો પાસેથી હજારો કરોડ રૂપિયાની લોન લે છે. તેમાંથી ઘણા ઉદ્યોગો નાદાર જાહેર થાય છે અથવા તો ઈરાદાપૂર્વક લોન ભરપાઈ કરતા નથી. આવા ઉદ્યોગપતિઓને શોધવામાં, તેમની સંપત્તિ ટાંચમાં લેવામાં કે તેમને સજા કરવામાં દેશની કાનૂની સિસ્ટમ દાયકાઓ વિતાવી દે છે. વિજય માલ્યા, નીરવ મોદી કે મેહુલ ચોકસી જેવા કિસ્સાઓ આ વાતની સાક્ષી પૂરે છે.

બેન્કો પોતાની બેલેન્સ શીટ ચોખ્ખી કરવા માટે હજારો કરોડ રૂપિયાની નોન-પરફોર્મિંગ એસેટ્સને 'રાઈટ-ઓફ' કરી દે છે. આવા કેસોમાં બેન્કિંગ ટ્રિબ્યુનલોમાં સેટલમેન્ટના નામે 70% થી 90% સુધીની છૂટ ઉદ્યોગપતિઓને આપી દેવામાં આવે છે. આ ઘટનાઓ બેન્કોના વિરોધાભાસની પરાકાષ્ઠા જેવી છે. જે દેશમાં રૂ. 2,000 નું બેલેન્સ ન રાખવા બદલ ગરીબ નાગરિકનો એક-એક રૂપિયો કાપી લેવાય છે, તે જ દેશમાં કરોડો રૂપિયાનું ફુલેકું ફેરવનારા ઉદ્યોગપતિઓને બેન્કિંગ સિસ્ટમ વ્યાજમાફી અને નવી લોનના વિકલ્પો આપે છે! આજે પણ સરકારી બેન્કોના લાખો, કરોડો રૂપિયા ઉદ્યોગપતિઓ પાસે લોન પેટે પડયા છે. તેમાંથી ઘણા ઉદ્યોગપતિઓએ બેન્કનું ફુલેકુ ફેરવી દીધું છે પણ બેન્કો અને સરકાર તેમને પકડી શકી નથી કે સજા કરી શકી નથી. તેમની સામે કેસ પણ ચાલતા નથી અને ચુકાદા પણ આવતા નથી. પરિણામે ગરીબો અને મધ્યમવર્ગના રૂપિયા જતા રહે છે અને આ ભેજાબાજો મજા કરતા હોય છે. બેન્ક આવા લેભાગુઓ સાથે સખાવત કરીને લોન માફી કરી આપતી હોય છે.

ઉલ્લેખનીય છે કે, હાલમાં કેટલીક સરકારી બેન્કોએ મિનિમમ બેલેન્સમાં દંડની રકમ ઘટાડી છે તો કેટલાકે નાબુદ કરી છે પણ બીજી તરફ ખાનગી બેન્કોએ તો તેમાં તોતિંગ વધારો કર્યો છે. સરકાર અને બેન્કોની આ મિલિભગતમાં ગરીબ અને સામાન્ય માણસ પિસાતો જાય છે. તેમાં ઝડપથી અને વ્યાપક સુધારા કરવામાં નહીં આવે તો લોકો બેન્કો પાસે જતા અટકી જશે અને અર્થતંત્રને વ્યાપક નુકસાન થશે. સૌથી પહેલાં તો મિનિમમ બેલેન્સ ન હોવા પર થતા દંડની નાબૂદી અથવા મર્યાદા વિશે વિચાર કરવો પડશે. ગરીબ અને નાના ખાતાધારકો માટે આ નિયમ નાબૂદ કરવો જોઈએ અથવા તો દંડની રકમ સાવ પ્રતીકાત્મક (જેમ કે રૂ. 5 કે રૂ. 10) હોવી જોઈએ. તે ઉપરાંત ઓટો-માઇનસ બેલેન્સ પર પ્રતિબંધ મુકવો પડશે.

ખાતામાં પૈસા ન હોય ત્યારે બેલેન્સ 'માઇનસ'માં જતું અટકાવવું જોઈએ. બેન્કોમાં જે રીતે ગરીબ ગ્રાહકના ખાતામાંથી 1 સેકન્ડમાં પૈસા કપાય છે, તે જ રીતે મોટા ડિફોલ્ટરોની મિલકતો પણ ઝડપથી ટાંચમાં લેવા માટે કડક કાયદાકીય અમલવારી થવી જોઈએ. સૌથી મહત્ત્વની વાત છે કે, રિકવરી એજન્ટોની ગુંડાગીરી ઉપર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવો જોઈએ અને ગ્રાહક સાથે માનવતાવાદી અભિગમ અપનાવવો જોઈએ. ગરીબ કે મધ્યમવર્ગનો માણસ હપતો નહીં ભરીને ભાગી જવાનો નથી પણ જે કરોડો લઈને વિદેશ ભાગી ગયા છે તેને પહેલા પકડવાની અને વસુલાત કરવાની જરૂર છે.

નાણાકીય વર્ષ 2026માં વસૂલાયેલો રૂ. 7,086.63 કરોડનો દંડ એ માત્ર આંકડો નથી, પણ દેશના મધ્યમવર્ગ અને ગરીબ ગ્રાહકોના પરસેવાની કમાણી પર આકરા પ્રહાર સમાન છે. બેન્કિંગ સેક્ટરને જો ખરેખર મજબૂત અને લોકશાહીપૂર્ણ બનાવવું હોય તો તેણે પોતાની 'ગરીબો માટે કડક અને અમીરો માટે નરમ' નીતિ બદલવી પડશે. સરકારે અને રિઝર્વ બેન્કે તાત્કાલિક હસ્તક્ષેપ કરીને બેન્કોની આ મનમાની અને લૂંટખોરી બંધ કરાવવી જોઈએ.

એક કલ્યાણકારી રાજ્યમાં બેન્કિંગ સેવાઓ નાગરિકોની સુવિધા માટે હોવી જોઈએ, નહીં કે તેમનું શોષણ કરવા માટે.

સરકાર અને રિઝર્વ બેન્કની ચુપકીદી લોકોને વધારે ખુંચે છે

જ્યારે બેન્કો ગ્રાહકો પાસેથી આટલી મોટી રકમ દંડ રૂપે વસૂલે છે, ત્યારે દેશની મધ્યસ્થ બેન્ક (ઇમ્ૈં) અને નાણા મંત્રાલયનું મૌન અનેક સવાલો ઊભા કરે છે. સરકારની યોજનાઓનો દાવો અને વાસ્તવિકતા ખૂબ જ જુદા છે. એક તરફ સરકાર 'જન ધન યોજના' દ્વારા ગરીબોને બેન્કિંગ સિસ્ટમ સાથે જોડવાનો દાવો કરે છે, તો બીજી તરફ સામાન્ય ખાતાધારકો પર મિનિમમ બેલેન્સના નામે થતી આ લૂંટ પર કોઈ કડક નિયંત્રણો મૂકતી નથી. આ ઉપરાંત ખાનગી બેન્કોએ તો પેનલ્ટિને નફાખોરીનું કાયદેસરનું અર્નિંગ મોડલ બનાવી દીધું છે.

ખાનગી બેન્કો માટે સ્છમ્ દંડ અને પેનલ્ટી ચાર્જ એ કમાણીનું 'સોર્સ ઓફ ઈનકમ' બની ગયા છે. બેન્કિંગ સેવાઓ પૂરી પાડવાનો ખર્ચ ગ્રાહકો પાસેથી વસૂલવાના નામે આ એક પ્રકારની ટેક્સ જેવી વસૂલાત છે. રિઝર્વ બેન્ક ગ્રાહક સુરક્ષાની ઘણી વાતો કરે છે, પરંતુ દંડની રકમ પર કોઈ વાજબી કે મહત્તમ મર્યાદા નક્કી કરવામાં આવી નથી. ખાતામાં બેલેન્સ ઝીરો થયા પછી પણ દંડ આકારવાની પ્રથા પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં સરકાર કે ઇમ્ૈં શા માટે અચકાય છે? આ પરિસ્થિતિ દર્શાવે છે કે આપણું બેન્કિંગ ક્ષેત્ર મૂલ્યો અને ગ્રાહકહિતોની બાબતમાં કેટલું ખાડે ગયું છે. ગ્રાહકોનો બેન્કિંગ સિસ્ટમ પરથી વિશ્વાસ ઉઠી રહ્યો છે. જો આ પરંપરા આમ જ ચાલુ રહેશે તો સામાન્ય માણસ પોતાના નાણાં બેન્કમાં રાખવાને બદલે રોકડા રાખવાનું વધારે પસંદ કરશે, જે દેશની આર્થિક પ્રગતિ માટે નુકસાનકારક છે.