નેપાળ પછી હવે સિક્કિમના ગ્લેશિયર સરોવરો જોખમી બની શકે છે!
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

- જાણકારોના મતે સંવેદનશીલ સરોવારોમાંથી ૧૩ ઉત્તર સિક્કિમમાં અને ત્રણ પશ્ચિમ સિક્કિમમાં આવેલાં છે. આ પૂર્વોત્તર રાજ્ય અત્યારે હાઈએલર્ટ પર છે. આ સરોવરોમાં તમામ પ્રકારની હિલચાલ પર નજર રાખવા માટે સ્ટેટ સેન્સર્સ, ઓટોમેટેડ વેધર સ્ટેશન્સ અને અર્લી-વૉર્નિંગ સિસ્ટમ્સનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે : ઓક્ટોબર ૨૦૨૩માં સિક્કિમનું દક્ષિણ લ્હોનક સરોવર ફાટયું હતું, જેના કારણે તિસ્તા નદીના પટમાં ભયાનક પૂર આવ્યું હતું. આ હોનારતમાં ડઝનબંધ લોકો માર્યા ગયા હતા અને મોટા પાયે ઈન્ફ્રાસ્ટ્રક્ચરને નુકસાન થયું હતું. ગ્લેશિયરનો એક ભાગ સરોવરમાં તૂટી પડયો હતો, જેના કારણે મોટા પ્રમાણમાં પાણી બહાર ધકેલાઈ ગયું હતું અને ભીષણ પૂર આવ્યું હતું : સિક્કિમના પોતાના માથે જોખમ છે ત્યારે તેણે પૂરતી તૈયારીઓ કરવી પડશે.
નેપાળમાં ૨૬ ઓગસ્ટે આવેલા વિનાશક પૂર બાદ ૧,૦૦૦ થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે અને હજારો લોકો હજી પણ ગુમ છે, તેમની કોઈ ભાળ મળી નથી. આ દુર્ઘટનાએ હિમાલય ક્ષેત્ર સહિત સિક્કિમમાં પણ ચિંતા વધારી દીધી છે, જ્યાં ઊંચા પર્વતીય વિસ્તારોમાં અનેક ગ્લેશિયર સરોવરો અથવા તો એમ કહીએ કે હિમનદી સરોવરો આવેલાં છે. સિક્કિમમાં નાના-મોટા થઈને ૪૦૦ જેટલાં ગ્લેશિયર સરોવરો છે. તેમાંથી ૧૬ સરોવરોને અતિ સંવેદનશીલ જાહેર કરવામાં આવ્યા હોવાના અહેવાલ છે. જાણકારોના મતે સંવેદનશીલ સરોવરોમાંથી ૧૩ ઉત્તર સિક્કિમમાં અને ત્રણ પશ્ચિમ સિક્કિમમાં આવેલાં છે. આ પૂર્વોત્તર રાજ્ય અત્યારે હાઈએલર્ટ પર છે. આ સરોવરોમાં તમામ પ્રકારની હિલચાલ પર નજર રાખવા માટે સ્ટેટ સેન્સર્સ, ઓટોમેટેડ વેધર સ્ટેશન્સ અને અર્લી-વોર્નિંગ સિસ્ટમ્સનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.
જાણકારોના મતે પીગળતા ગ્લેશિયર્સ દ્વારા રચાયેલા ખાડાઓમાં જ્યારે પાણી જમા થાય છે ત્યારે ગ્લેશિયર સરોવરો બને છે. આ પાણી બરફ, પથ્થરો અથવા કાંપથી બનેલા કુદરતી બંધ એટલે કે મોરેઇન દ્વારા અટકેલા હોય છે. આ કુદરતી પાળાઓ સંપૂર્ણપણે મજબૂત કે સ્થિર હોતા નથી. હિમપ્રપાત, ભૂસ્ખલન, ભૂકંપ અથવા બરફ અને ખડકોની અચાનક હિલચાલ આ સરોવરને અસ્થિર કરી શકે છે. જો આ કુદરતી દીવાલ તૂટી જાય, તો વિશાળ માત્રામાં પાણી તળેટી તરફ ધસી આવે છે, જેને 'ગ્લેશિયલ લેક આઉટબર્સ્ટ ફ્લડ' એટલે કે જીએલઓએફ કહેવામાં આવે છે. આવા પૂરમાં કાદવ, પથ્થરો, ઝાડ અને અન્ય કાટમાળ વહી આવે છે, જે નીચાણવાળા વિસ્તારોની વસાહતો અને માળખાગત સુવિધાઓ માટે ભારે વિનાશક સાબિત થાય છે. નેપાળની તાજેતરની આપત્તિ દર્શાવે છે કે કેવી રીતે ગ્લેશિયર સંબંધિત ઘટના ઝડપથી વિનાશક પૂરમાં ફેરવાઈ શકે છે.
ઉલ્લેખનીય છે કે, સિક્કિમ રાજ્યના કેટલાક ઈમર્જન્સી સેવાના અધિકારીઓ અને અન્ય હવામાનના જાણકારોનું માનવું છે કે, તાજેતરની નેપાળની ઘટનાઓ ૨૦૨૩માં સિક્કિમમાં બનેલી ઘટના સાથે ઘણી સામ્યતા ધરાવે છે. તેમના મતે નેપાળમાં એક વિશાળ ગ્લેશિયર તૂટી પડયું, નદીનો પ્રવાહ રોકાયો અને બાદમાં પૂર આવ્યું. તેણે સમગ્ર વિસ્તારને ઘમરોળી કાઢયો. જાણકારોના મતે ત્રણ વર્ષ પહેલાં આવું જ કંઈક સિક્કિમમાં પણ બન્યું હતું. સિક્કિમ અગાઉ જીવલેણ જીએલઓએફનો સામનો કરી ચૂક્યું છે
ઓક્ટોબર ૨૦૨૩માં સિક્કિમનું દક્ષિણ લ્હોનક સરોવર ફાટયું હતું, જેના કારણે તિસ્તા નદીના પટમાં ભયાનક પૂર આવ્યું હતું. આ હોનારતમાં ડઝનબંધ લોકો માર્યા ગયા હતા અને મોટા પાયે ઈન્ફ્રાસ્ટ્રક્ચરને નુકસાન થયું હતું. ગ્લેશિયરનો એક ભાગ સરોવરમાં તૂટી પડયો હતો, જેના કારણે મોટા પ્રમાણમાં પાણી બહાર ધકેલાઈ ગયું હતું. દક્ષિણ લ્હોનક ખાતે, ગ્લેશિયરનો એક ભાગ સરોવરમાં પડયો અને વિશાળ પાળ તૂટી ગઈ જેણે પાણીના મોટા જથ્થાને જવાનો રસ્તો આપી દીધો. આ વિશાળ જળજથ્થાને કારણે પૂર આવ્યું હતું. આ હોનારત સિક્કિમની આપત્તિ સજ્જતા માટે એક ટર્નિંગ પોઈન્ટ સાબિત થઈ. દક્ષિણ લ્હોનકની ઘટના પછી આવેલા ઓક્ટોબરના પૂર બાદ, સ્થાનિક તંત્રને આ વિષયનો વિગતવાર અભ્યાસ કરવાની તક મળી. આવી પરિસ્થિતિનો સામનો કેવી રીતે કરવો તે અંગે સ્થાનિક તંત્રએ તેની ક્ષમતા વિકસાવી છે. તે અનુભવ હવે સંવેદનશીલ સરોવરો અંગે રાજ્યના અભિગમને માર્ગદર્શન આપી રહ્યો છે.
ખાસ વાત એ છે કે, નેપાળની ઘટના બાદ ફરી એક વખત સિક્કિમના વિવિધ ગ્લેશિયર્સનો અભ્યાસ કરવામાં આવ્યો હતો. તેના દ્વારા સિક્કિમના સંભવિત જોખમોનું ચિત્ર વધુ સ્પષ્ટ થયું હતું. નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીએ સિક્કિમમાં ૪૦ ઉચ્ચ-જોખમ ધરાવતાં ગ્લેશિયર સરોવરોની ઓળખ કરી છે. તેમાંથી ૧૬નું વર્ગીકરણ કરવામાં આવ્યું છે, જ્યારે ૧૩ હજુ અવર્ગીકૃત છે.
વર્ગીકૃત કરાયેલા સરોવરોમાંથી સાતને 'અતિ ઉચ્ચ જોખમ' ધરાવતાં ગણવામાં આવ્યા છે. પ્રાથમિકતા ધરાવતાં ૧૬ સંવેદનશીલ સરોવરોમાંથી ૧૩નું વિગતવાર વૈજ્ઞાાનિક મૂલ્યાંકન કરવામાં આવ્યું છે, જેમાંથી મોટાભાગના આશરે ૧૭,૦૦૦ ફૂટની ઊંચાઈ પર આવેલાં છે. હાલમાં પણ આ સરોવરની ઊંડાઈ, પાણીનું કદ, પાણી રોકી રાખતા મોરેઇનની સ્થિરતા, તેમજ હિમપ્રપાત અને ભૂસ્ખલનથી થતા જોખમો સહિતના અનેક પરિબળોની તપાસ કરવામાં આવી રહી છે.
ઉલ્લેખનીય છે કે, સિક્કિમ માત્ર સમયાંતરે થતા નિરીક્ષણો પર નિર્ભર રહેવાને બદલે આ સરોવરોનું સતત મોનિટરિંગ કરવાનો પ્રયાસ કરી રહ્યું છે. સરોવરો પર સતત નજર રાખવામાં આવી રહી છે અને ગ્લેશિયલ સરોવરમાં પાણીનું પ્રમાણ વધી રહ્યું છે કે નહીં તે જાણવા માટે મોટાભાગના સરોવરોમાં સેન્સર્સ લગાવાયા છે. તે ઉપરાંત ભૂકંપ અથવા હિમપ્રપાતની શક્યતાઓને પણ સતત ચકાસવામાં આવી રહી છે. ખાસ કરીને ઉત્તર સિક્કિમમાં ઓટોમેટિક વેધર સેન્સિંગ સિસ્ટમ અને અલ એલર્ટ સિસ્ટમ સાથે મોનિટરિંગ નેટવર્કને મજબૂત બનાવવામાં આવ્યું છે. ઉત્તર સિક્કિમના ઘણા વિસ્તારોમાં, જ્યાં મોટાભાગના સરોવરો આવેલાં છે, ત્યાં પાણીના સ્તરમાં કોઈપણ વધારાની માહિતી મેળવવા માટે સતત પ્રયાસ કરવામાં આવી રહ્યા છે.
જૂન મહિનામાં સિક્કિમને સી-ડેક (ભ-ઘછભ) દ્વારા વિકસિત સ્વદેશી ગ્લેશિયલ-લેક મોનિટરિંગ ટેક્નોલોજી સ્યુટ મળ્યો હતો. આ સિસ્ટમમાં ગ્લેશિયર સરોવર પ્રોફાઇલિંગ અને જોખમ-મૂલ્યાંકનની ક્ષમતાઓ સામેલ છે. સેન્સર્સ પાણીના સ્તરમાં થતા ફેરફારોને સતત રેકોર્ડ કરી શકે છે અને મોનિટરિંગ સેન્ટર્સને માહિતી મોકલી શકે છે. આ સિસ્ટમ ઉપગ્રહ સંચાર અને પૂરના સિમ્યુલેશનનો ઉપયોગ કરીને પૂરની સંભવિત સ્થિતિ અને પૂરનું પાણી નીચાણવાળા વિસ્તારોમાં કેટલી ઝડપે પહોંચી શકે છે તેનો અંદાજ લગાવી શકે છે. આ બધું એવું સૂચવતું નથી કે જીએલઓએફને અટકાવી શકાય છે. તેનો હેતુ જોખમોને સમયસર પારખી લેવાનો છે જેથી તંત્ર લોકોને સમયસર ચેતવણી આપી શકે અને મોટી હોનારત ટાળી શકાય.
અહેવાલો પ્રમાણે શાકો ચુ ખાતે, સ્થાનિક તંત્ર સોલાર પંપનો ઉપયોગ કરીને સરોવરનું જળસ્તર ૨૦ થી ૪૦ મીટર સુધી ઘટાડવાનું વિચારી રહ્યા છે. હાલમાં ત્યાં એક નબળા ટર્મિનલ મોરેઇનની ઓળખ કરવામાં આવી છે. તેની પાછળ આશરે ૨.૭ કરોડ ક્યુબિક મીટર પાણી સંગ્રહાયેલું છે. અહીંયા પમ્પિંગ કામગીરી દ્વારા આશરે ૮૦ લાખ ક્યુબિક મીટર પાણી બહાર કાઢી શકાય તેવી શક્યતાઓ છે. જાણકારો માને છે કે, આટલું પાણી ઓછું કરવામાં આવે અને કદાચ જો આગામી સમયમાં આ કુદરતી પાળો તૂટે તો નીચાણવાળા વિસ્તારોમાં ધસી જતાં પાણીના જથ્થાને ઘટાડી શકાય તેમ છે. તેનાથી જાનમાલને નુકસાન ઘટશે.
આ સિવાય બીજો પ્રસ્તાવ દક્ષિણ-ઉત્તર લ્હોનક ક્લસ્ટર માટેનો છે. અધિકારીઓ લગભગ ૨૪ કિમી નીચે ડોલ્મા સંપંગ ખાતે પથ્થરના ચણતરવાળા રીટેન્શન સ્ટ્રક્ચરનો અભ્યાસ કરી રહ્યા છે. સંભવિત પૂર વધુ સંવેદનશીલ વિસ્તારોમાં પહોંચે તે પહેલાં તેના પ્રવાહની ગતિ ઘટાડવામાં મદદ કરશે તેવું માનવામાં આવી રહ્યું છે.
- આગોતરી તૈયારીઓ અને અર્લી વૉર્નિંગ સિસ્ટમ સિક્કિમને મદદ કરી શકે
મહત્ત્વની વાત એ છે કે, સેન્સર્સ ગ્લેશિયરને તૂટી પડતાં કે કુદરતી બંધને તૂટતાં રોકી શકતા નથી. પરંતુ આ સેન્સર્સ અધિકારીઓને વાસ્તવિક સ્થિતિ સમજવામાં અને નીચાણવાળા વિસ્તારોમાંથી લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવા માટે નિર્ણાયક સમય આપવામાં ચોક્કસપણે મદદ કરી શકે છે.
હિમાલયના ઉંચાઈવાળા અને પર્વતોના દુર્ગમ પ્રદેશોમાં આ બાબત અત્યંત મહત્વપૂર્ણ સાબિત થાય તેમ છે, જ્યાં સંવેદનશીલ વસાહતો સુધી ઝડપથી પહોંચવું મુશ્કેલ હોય છે. સિક્કિમ પોતાના રાજ્યની સીમાઓથી આગળ પણ મદદનો હાથ લંબાવી રહ્યું છે. નેપાળની હોનારત પછી, રાજ્યે પૂરગ્રસ્ત દેશ સાથે જીએલઓએફ આપત્તિ વ્યવસ્થાપનનો પોતાનો અનુભવ વહેંચવાની તૈયારી દર્શાવી છે. સિક્કિમે નેપાળમાં રાહત ટીમ પણ મોકલી છે. મુખ્યમંત્રી પ્રેમસિંહ ગોલેએ તબીબો સહિત રાહત સામગ્રી લઈને જતાં સ્વયંસેવકોને રવાના કર્યા હતા, જ્યારે સિક્કિમ રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળના ત્રણ અધિકારીઓને પણ આ મિશનના ભાગરૂપે મોકલવામાં આવ્યા હતા. જાણકારોના મતે આ પહેલ પાછળની પ્રેરણા સિક્કિમને ૨૦૨૩ની આપત્તિ વખતે મળેલી સહાય પણ છે.
જ્યારે ૨૦૨૩માં સિક્કિમમાં આપત્તિ (દક્ષિણ લ્હોનક ગ્લેશિયલ લેક આઉટબર્સ્ટ ફ્લડ) આવી ત્યારે ભારે નુકસાન થયું હતું. તે સમયે, સિક્કિમને ભારત સરકાર તેમજ નેપાળ અને અન્ય સ્થળોએથી ઘણી મદદ મળી હતી. આ વાતને ધ્યાનમાં રાખીને અને એક માનવતાવાદી પહેલ તરીકે, સિક્કિમે નેપાળને મદદ કરવા અને સહકારનો હાથ લંબાવવાની કામગીરી કરી છે. આ બધા વચ્ચે સૌથી મહત્ત્વની અને વિચારવાલાયક બાબત એ છે કે, સિક્કિમ પોતે કેટલું સજ્જ છે. નેપાળને હાલમાં મદદ કરવાથી આપત્તીની સ્થિતિ સુધરવાની નથી પણ લોકોને રાહત ચોક્કસ મળશે. બીજી તરફ સિક્કિમના પોતાના માથે જોખમ છે ત્યારે તેણે પૂરતી તૈયારીઓ કરવી પડશે. કદાચ ત્રણ વર્ષ પહેલાં આવેલી આપત્તિ નેપાળ જેટલી મોટી નહોતી પણ ભવિષ્યમાં ફરીથી નેપાળ જેવી આપત્તિ ન આવે તેના માટે સિક્કિમે સજ્જ થવું પડશે. આગોતરી તૈયારીઓ અને અર્લી વૉર્નિંગ સિસ્ટમ દ્વારા જ સિક્કિમ જીએલઓએફ જેવી વિનાશક કુદરતી આપત્તી માટે સજ્જ થઈ શકે તેમ છે.




